પાંપણો ખોલો, ભેજ દેખાશે

05 March, 2023 11:58 AM IST  |  Mumbai | Hiten Anandpara

આપણને નજર સામે હોય એ જ દેખાય. જેમની આંતરિક શક્તિ વિકસી હોય તેઓ આંખો બંધ કરી દૂરનું જોઈ શકે

પ્રતીકાત્મક તસવીર

આપણને નજર સામે હોય એ જ દેખાય. જેમની આંતરિક શક્તિ વિકસી હોય તેઓ આંખો બંધ કરી દૂરનું જોઈ શકે. આપણે સગવડિયું જોઈ લઈએ અને બાકીનું સિફતથી નજરઅંદાજ કરી જઈએ. કોઈ મિત્ર સામેથી આવતો હોય અને આપણને વાત કરવાનો સમય ન હોય તો નેવું ડિગ્રી નજર આજુબાજુની દુકાનો પર એવી રીતે ફેરવીએ જાણે આખી દુકાન ખરીદી લેવાની હોય. રસ્તે ચાલતાં કેટલાંક દૃશ્યોનું ચિંતન પ્રશાંત સોમાણીની પંક્તિઓમાં તરવરતું દેખાશે...

કોણ પડે ઝઘડાની વચ્ચે?
સત્ય અને ભ્રમણાની વચ્ચે
સાચું પણ દેખાશે તમને
શંકા ને અફવાની વચ્ચે

સત્ય અને ભ્રમણાનો ખેલ રાજકારણમાં સુપેરેડુપેરે રમાય છે. ૨૦૧૯ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ રાફેલના રાગડા તાણ્યા હતા. આ વખતે અદાણીના મરસિયા શરૂ કરી દીધા છે. આપણા કાનને હડકવા થઈ જાય એ હદ સુધી અદાણીની બુમરાણ આગામી લોકસભાની ચૂંટણી સુધી ચાલુ રહેશે. મનીષ સિસોદિયાની ધરપકડ થવાના અણસાર આવ્યા ત્યારથી તે જાણે હરિશ્ચંદ્રનો અવતાર હોય અને શિક્ષણજગતનો કોહિનૂર મસીહા હોય એવી ભ્રમણા ફેલાવવાના સતત પ્રયત્નો થયા. છતાં આખરે સીબીઆઇ દ્વારા ધરપકડ થઈ ગઈ. સત્યેન્દ્ર જૈનને કંપની મળી રહે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. સીબીઆઇનો ઑફિસર કઈ રીતે વિચારતો હશે એનો આસાર વસંત રાવલ ગિરનારીની પંક્તિમાં મળે છે...

સ્વપ્નનો તાળો મળે તો જોઉં છું
કંઈક સરવાળો મળે તો જોઉં છું
તો જ દૃશ્યો સાફ દેખાશે મને
રંગ જો કાળો મળે તો જોઉં છું

સફેદ વસ્ત્રો પહેરતા રાજકારણીઓ કાળા અને કાળોતરા ડાઘ છુપાવવામાં માહેર હોય છે. બે-ચાર વર્ષમાં કરોડોની સંપત્તિ ઊભી થઈ જાય અને એકાદ દસકામાં અબજોમાં ખેલવા લાગે. આ પ્રકારનું કૌતુક અને આ પ્રકારની કરામત આપણી સમજમાં આવતી નથી. બીએમસીની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અઢી દાયકાથી શાસકો અને કૉન્ટ્રૅક્ટરો વચ્ચે જે મિલીભગત ચાલી રહી છે એ ઉખેડી નાખવાનો મહત્ત્વનો મોકો જનતા પાસે આવશે. નીરવ વ્યાસ કહે છે એવું કંઈક કરવું પડશે...
કહો ક્યાં સુધી મૌન રાખું? સરાસર
હવે કંઈક બોલી જ નાખું, સરાસર
બધા સ્પષ્ટ નીરવ લગાતાર જુએ
તમોને જ દેખાય ઝાંખું, સરાસર

સ્પષ્ટ દેખાય એ માટે આંખ સાબૂત રાખવી પડે. જોકે ઉંમર જતાં ઝાંખપ આવીને વળગવાની જ છે. એમાં પણ જેમને વાંચવાની ટેવ હોય તેમના માટે અકારું થઈ પડે. કવિ-લેખક ભગવતીકુમાર શર્માની આંખો નાનપણથી જ નબળી હતી. છતાં તેમણે લેખનકાર્ય અવિરત ચાલુ રાખ્યું. પત્રકાર તરીકે સાંપ્રત ઘટનાઓથી વાકેફ રહેવું પડે એટલે તેઓ રેડિયો સમાચારો દ્વારા મુખ્ય ઘટનાઓ વિશે જાણી લેતા. ભગવાને બધાં સુખ આપ્યાં હોય પણ દૃષ્ટિ ધૂંધળી થતી જાય તો કલ્પનાના સહારે જીવવું પડે. ચિનુ મોદી લખે છે...

માત્ર ધુમ્મસ, માત્ર વાદળ, કૈં જ દેખાતું નથી
છું શિખરની ટોચ પર તો કૈં જ બોલાતું નથી
ખૂબ સગવડ છે છતાં પણ શું કરું આ સ્વર્ગને?
મારી સાથેનું અહીં તો કોઈ દેખાતું નથી

સુખ એકલા ભોગવવાની મજા ન આવે. શૅરિંગ જોઈએ. દૂધમાં સાકર ભળે ત્યારે મીઠાશ આવે. ઘણા નસીબદાર હોય છે, જ્યારે ઘણાના કિસ્સામાં સુખ લૉટરીની ટિકિટ જેવું થઈ જાય. સેંકડો વાર ટિકિટ લો પછી ક્યારેક માંડ સો-બસ્સો રૂપિયાનું ઇનામ લાગે. ક્યારેક સવારે આંખ ખૂલે ત્યાં અણધાર્યા આઘાતો આવી ચડે. છતાં કોઈ એક એવો ટેકો પકડી રાખવો પડે જે આપણને ટકાવી રાખે. અશોક જાની આનંદ માર્ગ શોધી લે છે...

ભલે ચોપાસ ઊછળે વેદના, પીડા, વ્યથા, મૂંઝવણ
વહી નૌકા મહોબ્બતની, કિનારો લઈને આવ્યો છું
હવે ભટકી જવાની ક્યાં ફિકર તારે ને મારે અહીં
હંમેશાં માર્ગ દેખાડે એ તારો લઈને આવ્યો છું

લાસ્ટ લાઇન

રહી રહીને પ્રથમ તો એ સ્હેજ દેખાશે
પછી તો દૃશ્ય મટી જાશે, તેજ દેખાશે
નજર પહોંચશે જ્યાં જ્યાં બધે જ દેખાશે
પછી તો એ જ સતત એ જ એ જ દેખાશે
ઉદાસી વરસી પડ્યા બાદ ઉઘાડ થાવા દે
પછી જ મારા સ્મરણનું આ તેજ દેખાશે
રૂંવે રૂંવે જો પ્રગટ થાય લાલ રાધાનો
તો મોરપીંછ ને બાંસુરી બે જ દેખાશે
અમે તો એ જ વિધાને પ્રવાસ માંડ્યો છે
પ્રવાસ ચાલ્યા કરે બસ એ છે જ દેખાશે
હજુ તો આંખ કરામત કરી શકે છે જિગર
પછી તો પાંપણો ખોલો ભેજ દેખાશે
જિગર જોષી પ્રેમ

columnists hiten anandpara