જૂઠનું અદલ થાણું રાખ્યું છે

13 September, 2020 06:16 PM IST  |  Mumbai | Hiten Aanandpara

જૂઠનું અદલ થાણું રાખ્યું છે

પ્રતિકાત્મક તસવીર

સુશાંત અપમૃત્યુ કિસ્સામાં રિયા ચક્રવર્તીની ગિરફ્તારી અનેક વળવળાંકો સર્જી ગઈ. વાત સુશાંતની આત્મહત્યા કે હત્યા સંદર્ભે તપાસની હતી અને એ દરમ્યાન નશીલું નાટક પર્દાફાશ થયું. મુંબઈ પોલીસનો હોતી હૈ, ચલતી હૈનો અભિગમ પણ ખુલ્લો પડી ગયો. કુમાર જિનેશ શાહના શેર મિલીભગત બયાં કરે છે...

છે હાલત કફોડી, હવા ચાલવા દે

લઈ કાંખઘોડી, હવા ચાલવા દે

નિરાળી ને નમણી, નશીલી ને નાજુક

છે નટખટ, નિગોડી, હવા ચાલવા દે

હવા ચાલી છે, એને અટકાવવી હવે શક્ય નથી. બરણીમાં સૂસવાટા છુપાડવાની મુંબઈ પોલીસની ચોરી પકડાઈ ગઈ. હોશિયાર ગણાતી મુંબઈ પોલીસે રાજકારણીઓના દોરીસંચારને તાબે થઈ આબરૂ ગુમાવી. આવી જ આબરૂ હવે બીએમસી ગુમાવશે. આઘાડી સરકારના આદેશને અહંકારથી અનુસરી 30 સપ્ટેમ્બર સુધી કોઈ ડિમોલિશન નહીં કરવાના હાઈ કોર્ટના આદેશને અવગણી કંગના રનોતની રૂડીરૂપાળી ઑફિસમાં બીએમસીએ તોડફોડ કરી. એમના હથોડા સાથે લોકશાહી પણ છિન્નભિન્ન થઈ. સંજુ વાળાના શેર અપાહિજ માનસિકતા ધરાવતા સત્તાધારીઓના ખુલ્લા વાંસે ફેવિકૉલ વત્તા ફેવિક્વિકથી નિરાંતે ચોંટાડવા જોઈએ...

 

વિચારને વલોવી કરે પ્રયત્ન જૂઠા

એ તીર હોય તો પણ છે જન્મજાત બૂઠાં

જરાક ઝીણવટથી તું કાન માંડી જો, તો

તનેય સંભળાશે બબડતાં બેઉ પૂઠાં

સત્તા ધારે તો સુશાસન કરી શકે અને ધારે તો દુઃશાસન બની શકે. આઘાડી સરકારની અનાડી હરકતને ડાયરીમાં નોંધી આવનારી ચૂંટણીમાં લોકોના મતનું બુલડોઝર ફરવું જોઈએ. જનતા મૂર્ખ નથી, એને આંખ છે. જોઈ શકે છે, સમજી શકે છે. ગન હાથમાં લઈ નથી શકતી એ મજબૂરી છે. બાકી ખાદીધારી સજ્જન પણ આવા અવગતિયાઓનું ખૂન કરી નાખે તો ગાંધીજી પ્રતિભાવમાં અનુમતિનું સ્મિત જ આપે. વ્યક્તિગત વેદનાની ભલે સરકારને પડી ન હોય, પણ આ વેદના જ્યારે સામૂહિક બને ત્યારે વેદનાને અણી ઊગે છે. બી. કે. રાઠોડ બાબુ કહે છે...

મને વેદના એટલે સાંપડી છે

થયો જેમનો, એમને ક્યાં પડી છે?

નથી જૂઠ ત્યાં કોઈનું ચાલવાનું

હૃદયની કચેરી બધાંથી વડી છે

હૃદયની વાત સત્તાને કાને પડતી નથી. વાણી સ્વાતંત્ર્યનો અધિકાર સંવિધાને નાગરિકને આપ્યો છે. પણ વાસ્તવિકતા એ છે કે કોઈ કંગના જેવો કોઈ એકલદોકલ અવાજ ઊઠે તો એને પગ તળે કચડી નાખવામાં આવે. જેની જબાનમાં કચવાટ, કકળાટ અને કચરાટ છે એવા માઇનસ ૫૦ નંબર ધરાવતા સંજય રાઉત શિવસેનાના નકારાત્મક નેતા તરીકે વાજતેગાજતે ઊભરી આવ્યા છે. પાલઘરમાં સાધુઓની હત્યા, સુશાંતના કેસમાં ભીનું સંકેલવાની રમત અને કંગના રનોતને હેરાન કરવાની કવાયત સત્તાધારીઓમાં લાગેલો સડો દર્શાવે છે. સત્તા પચાવવી અઘરી છે. કોરોના કરતાંય વિશેષ ભીંસ મહેશ મકવાણાના શેરમાં વર્તાશે...

ખૂલી ગ્યા જે ભેદ-ભરમ આંખોની સામે

પણ અકબંધ રહસ્યોએ ભરડો લીધો છે

જાળ વિનાની જાળમાં કોઈએ કેદ કર્યો છે

તીરછી તીરછી નજરોએ ભરડો લીધો છે

જેમના પર કરોડોના કૌભાંડના કેસ હોય એ પણ ફરી વાર નેતા બની વિચરે એ સિસ્ટમની બલિહારી છે. લોકો પાપ ધોવા ગંગા પાસે જાય એમ નેતાઓ પાપ ધોવા વિધાનસભા કે લોકસભામાં જાય છે. સરહદ પર ચૂપકીદીથી પોતાનું કામ કરતી ફ્રન્ટિયર ફોર્સ જેવી કોઈ શક્તિની રાજકારણમાં પણ જરૂર છે જે વીણી-વીણીને દેશના દુશ્મનોને સાફ કરે અને એની કોઈ ઑફિશ્યલ નોંધ પણ ન હોય. પ્રવીણ જાદવ કહે છે એવી ગોપિત ધરપકડ જરૂરી છે...

નીકળી જાય નહિ સમય, પકડો

બંધ મુઠ્ઠી કરી સખત પકડો

કેદમાંથી ફરાર થઈ ગ્યાં એ

કોઈ જાઓ અને તરત પકડો 

યુટ્યુબમાં ટૉમ ઍન્ડ જેરી જોતું ત્રણ વર્ષનું ટાબરિયું પણ સમજી શકે કે સુશાંત કેસમાં કેવી ગેમ રમાઈ છે. પ્યાદાં પકડાયાં છે, વજીર અને રાજા ભોંયરામાં છે. અપમૃત્યુની એની તપાસમાં ડ્રગનો અંધારિયો ખૂણો અપ થઈને દેખાયો. ત્રણ દિવસમાં રિયાની સત્તર કલાક પૂછપરછ એનસીબીએ કરી. આ અધિકારીઓ રોટલીને એટલી બધી ઊંધીચત્તી કરતા હશે કે રોટલી ખુદ બોલી ઊઠે હવે તો બસ કરો, હું દાઝી ગઈ છું. સવાલો પૂછવાની પ્રક્રિયા પણ વિવિધ માનસિક સ્તરે ઘડાતી હશે. જૂઠનો પર્દાફાશ થયો છે ત્યારે કિશોર મોદીના શેર એ માનસિકતા આબાદ ઝીલે છે...

નિત્ય મેં નવું બહાનું રાખ્યું છે

જૂઠનું અદલ થાણું રાખ્યું છે

દંભમાં ડૂબી ગયો છું એટલો

જાતથી બધું જ છાનું રાખ્યું છે

જાતથી છાનું રાખવા છતાં અને મોબાઇલમાંથી ડેટા ડિલીટ કર્યા છતાં ટેક્નૉલૉજી ખાંખાંખોળા કરીને ગૂનાના મૂળ સુધી પહોંચી ગઈ. ગુનેગારો કરતાં ગુનો શોધનારા વધારે બળકટ હોય એ આવશ્યક છે. તુરાબ હમદમ કહે છે એ નિષ્કર્ષ વહેલેમોડે મળી જ જવાનો...

વાયરો તો મુક્ત વા’તો હોય છે

શબ્દ પિંજરમાં પુરાતો હોય છે

કો’ક દિ’ બોલે ચડીને છાપરે

ભેદ ક્યાં કોઈ છુપાતો હોય છે

એક તરફ આપણને ચીન અને પાકિસ્તાનની ગદ્રીનો અનુભવ થાય છે. બીજી તરફ જેને ચૂંટીને આપણે શાસનમાં મોકલીએ છીએ તેમની ગદ્રીનો અનુભવ થાય છે. કોના પર વિશ્વાસ કરવો એ જ ખબર નથી પડતી. દિનેશ દેસાઈ કહે છે એ સો નહીં પણ બસો ટકા સાચું લાગે છે...

જવા દે વાત દિલને સોંપવાની તું

ભરોસો ક્યાં હવે, તારી જુબાનીમાં?

નથી આ મ્હેંકવાનો શોભતો દાવો

રહે છલના બની તું, ફૂલદાનીમાં

ક્યા બાત હૈ

આમ રસ્તામાં મને તેં આંતરી શું મેળવ્યું

મેંય મારાં મૂળ ઊંડાં વિસ્મરી શું મેળવ્યું

 

સાંજ રાબેતા મુજબ આજેય છે ગમગીન પણ

આંખને પૂછો કે ઝીણું ઝરમરી શું મેળવ્યું

 

એક પંખી ગીત ગાવા આંગણે આવ્યું હતું

ઝાડ પરથી પાંદડાએ ત્યાં ખરી શું મેળવ્યું

 

માંડ છોડાવ્યા મેં જેને કેદમાંથી મૌનની

એ જ શબ્દોએ કહ્યું તેં ઉચ્ચરી શું મેળવ્યું

 

શ્વાસ વાટે ફેફસાંમાં રણ તરત પહોંચી ગયું

ઝાંઝવાથી હોઠ મેં ભીના કરી શું મેળવ્યું

 

મેં જરા આ મારી સાથે ગોઠડી માંડી હતી

તેં કટાણે ત્યાં અચાનક સાંભરી શું મેળવ્યું

 

- બાબુલાલ ચાવડા ‘આતુર’

columnists