જીત લે જાએ કોઈ મુઝ કો નસીબવાલા ઝિંદગીને મુઝે દાવ પે લગા રખ્ખા હૈ!

06 October, 2021 05:56 PM IST  |  Mumbai | Pravin Solanki

આવી ઝિંદાદિલી અને ખુમારીથી જીવનારી-બોલનારી વ્યક્તિની વાત આજે મારે કરવી છે

જીત લે જાએ કોઈ મુઝ કો નસીબવાલા ઝિંદગીને મુઝે દાવ પે લગા રખ્ખા હૈ!

દુનિયામાં એવું કોઈ કબ્રસ્તાન કેમ નથી બન્યું જ્યાં પ્રિયજનોની સ્મૃતિ-યાદોને દફનાવી શકાય?   યાદો મધમાખી જેવી હોય છે. મધ પણ આપે અને ડંખ પણ આપે. અમદાવાદના મારા મિત્ર  કલાકાર જિતેન્દ્ર ઠક્કરે છેલ્લા દોઢ વર્ષમાં કલાજગતે ગુમાવેલા સવાસો કલાકારોની સૂચિ બનાવી.  
દોઢ વર્ષ! સવાસો હમસફરોનો સાથ છૂટી ગયો! ઘડીભર મૂઢ બની ગયો. ૩૦ સપ્ટેમ્બરે મારો  જન્મદિવસ ઊજવવાની મારા કુટુંબની ઇચ્છા પર મેં લગામ તાણી દીધી. મિત્રો-સ્નેહીઓને  વૉટ્સઍપ પર પોસ્ટ મોકલી કે મને કોઈ શુભેચ્છા કે અભિનંદન ન મોકલતા, મારે માટે મનોમન પ્રાર્થના કરજો, મારા સુધી પહોંચી જશે. 
 મારા માટે આ જાતનું વર્તન યોગ્ય હતું કે નહીં એ હું હજી પણ સમજી શક્યો નથી; પણ હું મૂંઝાયેલો, દુભાયેલો, હતાશ હતો એ હકીકત છે. એક તો ૧૦૦ ઉપરાંત કલાકારોની વિદાય અને દાઝ્‍યા પર ડામ સમાન કમલેશનું મૃત્યુ!! વિષાદ યોગમાં આવી ગયો. એ ઉદ્વેગના  આવેશમાં મેં વૉટ્સઍપ પર પોસ્ટ કરી નાખ્યું, શ્રાદ્ધને બહાને મારા પુસ્તકનું લોકાર્પણ મુલતવી રાખી દીધું. બાકી હું બરાબર સમજું છું કે પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ પાબંધી કે પંચક રોકી  નથી શકતું. લાગણી વ્યક્ત કરવાનો સૌને અધિકાર છે એ જેટલું સાચું છે એના કરતાં વધારે મહત્ત્વની વાત એ છે કે લાગણી પામવાનું સૌભાગ્ય બહુ ઓછા લોકોના ભાગ્યમાં હોય છે અને એમાંનો હું એક છું એની પ્રતીતિ મને થઈ ગઈ. બધા મિત્રોએ ધરાર મને શુભેચ્છા પાઠવી, કમલેશનો ગમ હળવો કરવામાં મદદ મળી.
કમલેશના અવસાનના બે દિવસ પહેલાં જ હું અને લલિત શાહ તેના ઘરે ખબર કાઢવા ગયા હતા. આમ તો અવારનવાર જતા હતા, પણ આ મુલાકાત અંતિમ નીવડી. બે દિવસ બાદ જ તેનું મૃત્યુ થયું! પહેલી લાગણી થઈ ‘છૂટી ગયો બિચારો.’ છેલ્લી મુલાકાતમાં તેની હાલત જોઈને લોહી થીજી ગયું. ‘જે જન્મે તે જાય’ એ ઉક્તિ બરાબર છે પણ જતાં પહેલાંની રિબામણી, દયામણી સ્થિતિ અસહ્ય હોય છે. સતત ૭-૮ વર્ષ અસહાય દશામાં પલંગ પર પડ્યા રહેવાની સજા તો જેને વીતી હોય તે જ જાણે. 
રાહતની અને અન્યને પ્રેરણા આપનારી વાત એ હતી કે કમલેશ શારીરિક રીતે ખુવાર થઈ ગયો હતો, પણ તેની માનસિક ખુમારી છેવટ સુધી અકબંધ રહી હતી. સદા હસતો રહ્યો, હસાવતો રહ્યો, પલંગ પર બેઠો-બેઠો ઘરમાં પાર્ટીઓ કરતો રહ્યો, નિયમિત રીતે મિત્રો સાથે ફોન પર ગપ્પાં મારતો રહ્યો, પલંગ પર પડ્યો-પડ્યો નાટ્યસ્પર્ધાનાં કામ કરતો રહ્યો. હદ તો ત્યારે થઈ કે તેની સેવા કરતાં-કરતાં પત્ની નલિનીની તબિયત પણ કથળી ત્યારે તેનામાં પણ આત્મવિશ્વાસ ભરતો રહ્યો. મૂંઝાયેલાં, દુભાયેલાં સંતાનોને હસતા મોઢે માર્ગદર્શન આપતો રહ્યો. આ એક અદ્ભુત ઘટના હતી. કુટુંબ કેવું હોવું જોઈએ એનું બેનમૂન ઉદાહરણ હતું. 
તેના શબ્દો આજે પણ કાનમાં ગુંજી રહ્યા છે, ‘પ્રવીણ, જીવનમાં મેં ખૂબ મહેનત કરી છે, પણ હવે લાગે છે કે હું શહેનશાહ બની ગયો છું. બાદશાહી ઠાઠથી હું જીવું છું. મારી તહેનાતમાં  ૨૪ કલાક મારી આજુબાજુ માણસો હોય છે. મને ઉઠાડવા, ખવડાવવા, નવડાવવા, કપડાં  પહેરાવવા ખડેપગે માણસો તત્પર હોય છે, દિવસમાં બે વાર રોજ ડૉક્ટરો મને તપાસે છે, મિત્રોમાં એનાં બુલેટિન જાહેર થાય છે. અરે કસરત પણ હું જાતે નથી કરતો, કોઈ કરાવે ત્યારે કરું છું. બોલ, છુંને બેતાજ બાદશાહ.’ આવી હતી તેની ખુમારી. 
કમલેશના કલાકારપુત્ર સૌનીલે ખૂબ ખંત અને ધૈર્યથી, બહેનના સાથ-સહકારથી સેવા કરી. કુટુંબે એક અદ્ભુત અભિગમ દાખવ્યો. સૌનીલે કહ્યું, ‘અમે પપ્પાની કોઈ પ્રાર્થનાસભા, સ્મૃતિસભા કે ઝૂમ-મીટિંગ રાખી નથી. યથાશક્તિ દાનધર્મ કરીશું અને વિશેષ તો અમારી સોસાયટી તેમ જ છેલ્લે-છેલ્લે તેમની કર્મભૂમિ ભવન્સ કલ્ચરલ સેન્ટર-અંધેરીમાં બે વૃક્ષ વાવી  એમાં જ તેમનાં અસ્થિવિસર્જન કરીશું. એ બહાને દરરોજ તેમને પાણી પીવડાવવાનો અને તેમની સ્મૃતિ તાજી રાખવાનો લાભ મળશે.’
તા. ૧-૯-૨૦૨૧ના રોજ ભવન્સ કલ્ચરલ સેન્ટરમાં વૃક્ષારોપણ થયું. સમસ્ત કુટુંબ અને અંગત  મિત્રોની હાજરીમાં ધર્મપત્ની નલિની સહિત કુટુંબીજનોએ ભૂમિખંડમાં ખોબે-ખોબે માટી અને પાણીનો છંટકાવ કરીને ભારે હૈયે છતાં પ્રસન્નચિત્તે અસ્થિવિસર્જન કર્યું!! આ એક અદ્ભુત અને  અનેરું દૃશ્ય હતું. 
કલાકારોની નવી પેઢી કદાચ કમલેશ વિશે ઓછું જાણતી હશે. તેનો રંગભૂમિ સાથેનો નાતો શાળા-કૉલેજથી શરૂ થયો. પછી વ્યાવસાયિક રીતે આઇએનટીથી શરૂઆત કરીને નાટ્ય સંપદા-કાંતિ મડિયા સુધી પહોંચી અને છેલ્લે ભવન્સ કલ્ચરલ સેન્ટર સુધી પહોંચીને પૂર્ણવિરામ પામી. એ દરમ્યાન કલાક્ષેત્રે તેણે વિવિધ પ્રવૃત્તિઓ કરી. કલાકાર તરીકે અનેક નાટકોમાં નાની-નાની પણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકાઓ કરી, જેની યાદી ખૂબ લાંબી છે. ગુજરાતી સિરિયલો કરી, ફિલ્મો કરી. નાટ્ય સંપદાના પ્રોડક્શન મૅનેજર તરીકે યાદગાર ભૂમિકા ભજવી. એ સમયે લાલુ શાહ માટે નિખિલેશ ઠાકોર, આઇએનટી માટે ઢેબર, જગદીશ શાહ માટે નાણાવટી, ફિરોઝ ભગત માટે ભરત જોષી જેટલા અનિવાર્ય ગણાતા એટલો જ કાંતિ મડિયા માટે કમલેશ વિશ્વાસુ  અને અનિવાર્ય ગણાતો. ભવન્સ કલ્ચરલ સેન્ટરની નાટ્ય સ્પર્ધાના કલાકારો અને કસબીઓને તે ઉત્સાહપૂર્વક માર્ગદર્શન પૂરું પાડતો, દરેક જાતની મદદ કરતો. કલાકાર-કસબીઓની ખૂબ  ચાહના કમલેશને મળી હતી. 
સમાપન
‘કલાકાર કદી મરતો નથી, તેની કલા સદા જીવંત રહે છે...’ આ વાક્ય શું શોકસભા પૂરતું જ છે? આશ્વાસનરૂપે જ છે? હકીકત એ છે કલાકાર જીવતો હોય, કાર્યરત હોય ત્યાં સુધી જ તેનો મહિમા હોય છે. એક-બે મિત્રોએ જ્યારે પૂછ્યું કે આ કમલેશ એટલે કોણ? 
 હદ થઈ ગઈ. બધી રીતે હદ થઈ ગઈ. દર મહિને કોઈ ને કોઈ સાથીકલાકારની સ્મૃતિ  વાગોળવી-લખવી પડે એ બહુ આકરું થઈ પડ્યું છે. પ્રભુને હૃદયપૂર્વકની પ્રાર્થના કે આ પરિસ્થિતિમાંથી મુક્તિ આપ. પણ ઈશ્વરે મારી પ્રાર્થનાને અવગણી. આ લખાણ પૂરું કરતો હતો  ત્યાં ઘનશ્યામ નાયકની વિદાયના સમાચાર મળ્યા. ‘ભવાઈ’નો શહેનશાહ, કલાકારો સાથે કુદરતે કરેલી ભવાઈમાં ભળી ગયો. 
ઘનશ્યામ, તારી આ ભવાઈના વેશને અમે કોઈ દાદ નહીં આપીએ, પણ રંગલા તારી સ્મૃતિ હંમેશાં અમારા હૃદયમાં રમશે. 
ૐ શાંતિ...

‘ધુઆં દર્દ બયાં કરતા હૈ, ઔર રાખ કહાનિયાં છોડ જાતી હૈ!’

 રાહતની અને અન્યને પ્રેરણા આપનારી વાત એ હતી કે કમલેશ શારીરિક રીતે ખુવાર થઈ ગયો હતો, પણ તેની માનસિક ખુમારી છેવટ સુધી અકબંધ રહી હતી. 

columnists Pravin Solanki