માણસની ઓળખાણ વખત આવ્યે તે કેમ વર્તે છે એના પરથી થાય છે

09 May, 2021 11:01 AM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

જીવનમાં રોજેરોજ જેકંઈ બને છે એ બધું સાથે રાખવા જેવું નથી હોતું. શું અને કેટલું સાથે રાખવું એની સમજ કેળવવી જરૂરી

પ્રતીકાત્મક તસવીર

કહેવાય છે કે વિક્રમરાજાના દરબારમાં એક દિવસ એક વેપારી આવ્યો. તેણે પોતાની પાસે હતી એવી ત્રણ પૂતળીઓ બધાની વચ્ચે મૂકીને કહ્યું,‘આ ત્રણેય પૂતળીઓ આમ તો એકસરખી જ છે; એકસરખી ઊંચાઈ, પહોળાઈ, વસ્ત્રો, વજન, રંગ દેખીતી રીતે એક અંશ માત્ર ફરક જાણી શકાય નહીં અને છતાં ત્રણેયની કિંમત જુદી-જુદી હતી. એક ૧૦૦ રૂપિયાની હતી, બીજી ૧૦૦૦ રૂપિયાની અને ત્રીજી ૧૦,૦૦૦ રૂપિયાની હતી. આ ત્રણેયની જુદી-જુદી કિંમત રાજાના દરબારમાં કોઈ જાણકાર હોય તો કહી બતાવે.

દરબારીઓ વિચારે ચડ્યા. ઘણા બુદ્ધિમાનો ત્યાં ઉપસ્થિત હતા. આ બધાએ પૂતળીઓને  વિવિધ દૃષ્ટિકોણથી તપાસી, પણ કોઈને એમાં મુદ્દલેય ફરક જણાયો નહીં. ત્યારે પેલા વેપારીએ સૌને પડકાર્યા, ‘આ ત્રણેયનું મૂલ્યાંકન જુદું-જુદું છે અને જો તમારામાંથી કોઈ એ જાણી શકતું ન હોય તો આ રાજસભામાં બુદ્ધિમત્તાનો અંશ પૂરતો નથી એવો જ અર્થ થાય.’ 

સભામાં ઉપસ્થિત એક દરબારીએ આ પડકાર ઝીલી લીધો અને કહ્યું, ‘આ ત્રણેય પૂતળીઓને હું આજે મારા ઘરે લઈ જાઉં અને પછી આવતી કાલે આ જ સભામાં એનું મૂલ્યાંકન કહી આપીશ.’

રાજાએ અને વ્યાપારી સહિત સૌએ આ વાત સ્વીકારી અને ત્રણેય પૂતળીઓ પેલો દરબારી પોતાના ઘરે લઈ ગયો.

કિંમત અને મૂલ્ય એક નથી

બીજા દિવસે આ દરબારીએ પેલી ત્રણેય પૂતળીઓ રાજસભામાં મૂકી અને કહ્યું, ‘આ એકની કિંમત ૧૦૦ રૂપિયા છે, બીજીની ૧૦૦૦ રૂપિયા અને ત્રીજીનું મૂલ્ય ૧૦,૦૦૦ રૂપિયા છે.’

પૂતળીના વેપારીએ આ વાત સ્વીકારી અને પૂછ્યું, ‘ત્રણેયમાં એકસરખા પદાર્થ વપરાયા છે તો પછી તમે આ જુદી-જુદી કિંમત શી રીતે કરી?’

પેલો દરબારી બોલ્યો, ‘કિંમત અને મૂલ્ય એક નથી. કિંમત એમાં વપરાયેલા પદાર્થો પરથી થાય છે, પણ એનું મૂલ્ય એની અંદર રહેલા સત્ત્વ પરથી થાય છે.’

અને પછી તેણે પોતાના ખિસ્સામાંથી સોનાની એક પાતળી દોરી કાઢી. દોરીનો એક છેડો તેણે પેલી પૂતળીના કાનમાં ભરાવ્યો અને એ છેડો બીજા કાનમાંથી બહાર આવી ગયો. એ પછી બીજી પૂતળીના કાનમાં આ દોરાનો છેડો દાખલ કર્યો તો એ પૂતળીના મોઢામાંથી બહાર નીકળી ગયો. હવે તેણે એ જ સોનાનો દોરાનો છેડો ત્રીજી પૂતળીના કાનમાં ભરાવ્યો અને આખો દોરો અંદર ઊતરી ગયો, પણ એનો કોઈ છેડો બહાર આવ્યો નહીં. સૌ દરબારીઓ મુગ્ધ થઈને જોઈ રહ્યા હતા. જેણે આ મૂલ્યાંકન કર્યું હતું તેણે કહ્યું, ‘માણસનું મૂલ્ય તેના વર્તન પરથી થાય છે; તે શું બોલે છે, કેમ બોલે છે એ બધું જોઈ શકાય, પણ આ બધાની પરીક્ષા વખત આવ્યે તે કેમ વર્તે છે એના પરથી થાય છે.’

પરીક્ષાની પળ

પોતાની વાત સમજાવતાં તેણે કહ્યું, ‘આ પહેલી પૂતળી કોઈ પણ વાત, ભલે પછી તે ગમે તેવી મૂલ્યવાન હોય, સાંભળીને પોતાની પાસે સંગ્રહી નથી રાખતી, પણ તરત જ બીજા કાનેથી બહાર ફૂંકી કાઢે છે. બીજી પૂતળી સોના જેવી મૂલ્યવાન વાતને બહાર બોલી નાખે છે. આવી વાતને એ સાચવી રાખતી નથી અને આ ત્રીજી પૂતળી વાતનું મૂલ્ય સમજે છે. જ્ઞાન કોને કહેવાય એની એને જાણકારી છે. એ તમામ વાતને પોતાની જાતની અંદર ઉતારી દે છે. આ અંદર ઉતારી દેવાની વાત સૌથી વધુ મૂલ્યવાન છે. જેની પાસે આ સમજણ હોય છે એની કિંમત રૂપિયા-પૈસામાં માપી શકાય નહીં એ સૌથી વધુ મૂલ્યવાન છે.

આખા દરબારે આ વાત સ્વીકારી એ પહેલાં વેપારીએ પણ મૂલ્યાંકનની આ પદ્ધતિ સાવ સાચી છે એમ કહ્યું અને રાજા વિક્રમે તેને મોટો પુરસ્કાર આપ્યો.

રોજ સવારથી સાંજ સુધી

દિવસ શરૂ થાય ત્યારથી માંડીને એ પૂરો થઈ જાય ત્યાં સુધીમાં આપણે સંખ્યાબંધ માણસોના સંપર્કમાં આવીએ છીએ. આ બધા સંપર્કો ઉપયોગી કે કામના જ હોય છે એવું નથી હોતું. અનેક વાતો સાંભળીએ છીએ અને આ પૈકી મોટા ભાગની વાતો ઉપયોગી પણ નથી હોતી. સમય ખૂટાડવા માટે અથવા તો વ્યર્થ, વિદ્વત્તાનું પ્રદર્શન કરવા માટે આપણે કેટલી વાતો કરતા હોઈએ છીએ. વાત કરવી એ મહત્ત્વનું નથી. કઈ વાત કેટલી અને ક્યાં સુધી સંઘરવી એ વધુ મહત્ત્વનું છે. જેટલું બોલીએ છીએ એ બધું બોલવા જેવું નથી હોતું. એની ઉપયોગિતા પણ એટલી નથી હોતી. એ જ રીતે જેટલું સાંભળીએ છીએ એ બધું પણ કાંઈ સાંભળવા જેવું નથી હોતું. જે બોલીએ છીએ અને જે સાંભળીએ છીએ એ બન્ને વચ્ચેનો વિવેક સમજી શકાય એ સૌથી મહત્ત્વની વાત છે.

માણસ ત્યારે ઓળખાય છે

થોડાં વર્ષ પહેલાં એક ઘટના બની હતી. આમ તો આ ઘટના સામાન્ય હતી, પણ એની સાથે સંકળાયેલા માણસો સામાજિક સ્તરે ઊંચું મૂલ્ય ધરાવતા હતા. જાણીતા સાહિત્યકાર શ્રી ગુલાબદાસ બ્રોકર સાથે જ્યારે મારી આ ઘટના વિશે વાત થઈ ત્યારે તેમણે કહેલું, ‘આ વાત આમ તો કોઈને કહેવા જેવી નથી, પણ જે પાત્રો સાથે આ અનુભવ થયો એનું ધ્યાન દોરવું ભવિષ્યમાં ક્યારેય ઉપયોગી થાય એમ નથી. જો ધ્યાન દોરીએ જ નહીં તો ભવિષ્યમાં આ કામ અનુચિત થયું હતું એવું જ લાગે.’

વાત ગૂંચવાડાભરી હતી. ગુલાબદાસભાઈએ આખી ઘટના ધ્યાનપૂર્વક સાંભળી અને પછી કહ્યું, ‘જો ભાઈ, પરિણામ ગમે તે આવે, પણ જે વાત કોઈને કહેવાની નથી એ બીજા કોઈ પણ કારણસર કોઈને પણ કહી શકાય નહીં. આ એક વચન છે અને બીજી બધી ગણતરીઓ ધ્યાનમાં લઈને વખત જતાં વચનમાંથી ફરી શકાય નહીં.’

વાત પૂરી થઈ ગઈ. તદ્પૂરતી એના પછી કોઈ ચર્ચા થઈ નહીં, પણ લાંબા ગાળે ગુલાબદાસભાઈએ જે કહ્યું હતું એ જ સાચું ઠર્યું. વાત ઢંકાયેલી હતી. એ ઢંકાયેલી જ રહી અને એનાથી લાગતાં-વળગતાં બધાં પાત્રોને સંતોષ પણ થઈ ગયો.

મૂળ વાત એ છે કે વાતો જરૂર પૂરતી જ અંદર ઉતારવી અને પછી જરૂર પૂરતી જ એને બહાર લાવવી. જીવનમાં રોજેરોજ જેકંઈ બને છે એ બધું સાથે રાખવા જેવું નથી હોતું. શું અને કેટલું સાથે રાખવું એની સમજ કેળવવી જરૂરી.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)

columnists dinkar joshi