માણસ ઘરડો થાય એની સાથે શું તેનો આત્મવિશ્વાસ પણ ઘરડો થતો હશે?

03 June, 2020 09:18 PM IST  |  Mumbai | Sejal Patel

માણસ ઘરડો થાય એની સાથે શું તેનો આત્મવિશ્વાસ પણ ઘરડો થતો હશે?

પ્રતીકાત્મક તસવીર

સવાલઃ બહારથી એકદમ ફૌલાદી દેખાઉં છું, પણ અંદરથી સાવ જ ખોખલો થઈ ગયો છું. મને ખબર છે કે અત્યારે હું એકલો જ મુશ્કેલીમાં નથી. મારા જીવનમાં આવેલી કટોકટી જેવી સ્થિતિ કદાચ દરેકના માથે છે. પણ ખબર નહીં, આ દલીલથી મને સારું નથી લાગતું. હું ૫૬ વર્ષનો છું અને અત્યારે દેખીતી રીતે બેપાંદડે થયેલો છું. અલબત્ત, અત્યારે ધંધાપાણી ચોપટ થયેલા છે. દીકરો સ્વતંત્ર થઈ ગયો છે અને તેનું પોતાનું કામ છે. તેને કોઈ તકલીફ નથી, પરંતુ આજની જનરેશન એટલું ડિફરન્ટ વિચારનારી છે કે તેમના જેવા વિચારો મને માફક નથી આવતા. ૨૮ વર્ષની ઉંમરે મેં નવા ધંધાની શરૂઆત કરેલી અને ખૂબ સ્ટ્રગલ કરીને બધું સેટલ કરેલું. હવે જ્યારે એમ હતું કે બધું જ બરાબર છે અને જીવીશ ત્યાં સુધી ધંધામાં નાનુંમોટું કામ કરતો રહીશ તો આર્થિક સ્વાયત્તતા પણ જળવાશે અને મન પણ વ્યસ્ત રહેશે ત્યારે બધું જ ઊંધું પડ્યું. ખાસ્સીએવી ખોટ આ લૉકડાઉનમાં ખાઈને મેં ધંધો બંધ કરી દેવાનું નક્કી કર્યું છે. મારી પાસે બે જ ઑપ્શન હતા કે જે બચત છે એને સાચવી રાખીને ઘડપણનો સહારો બનવા દેવી કે પછી નવું સાહસ કરીને ફરીથી ધંધો ઊભો કરવો. અત્યારે હું શું કરવું એ નક્કી નથી કરી શકતો. જો આજથી બે દાયકા પહેલાંનો વિચાર કરું તો મેં કોઈ મુશ્કેલીને મોટી ગણી જ ન હોત. પણ આજની વાત જુદી છે. માણસ ઘરડો થાય એટલે તેની અંદરનો આત્મવિશ્વાસ પણ ઘરડો થતો હશે શું? ભવિષ્ય વિશેની ખૂબ ભયાવહ કલ્પનાઓ

અત્યારે સતાવી રહી છે. પત્નીને પણ મનની વાત કહી નથી શકતો કેમ કે તેને તો એમ જ છે કે તેનો વર તો હજીયે જુવાનીમાં હતો એવો હીરો જ છે. કંઈ કામ નહીં કરું તોય ઘર ચાલી જવાનું જ છે, પણ સમાજમાં પડેલી મોટી છાપનું શું? લોકો શું કહેશે એની ચિંતા ન કરવી જોઈએ પણ થાય છે એનું શું?

જવાબઃ તમારી વાત પરથી લાગે છે કે તમે ઉંમરમાં જ નહીં, અનુભવમાં પણ મારાથી ઘણા મોટા છો. તમને બધું જ સમજાય છે, પણ એનો સ્વીકાર નથી થઈ શકતો. લોકોના કહેવા ન કહેવા પર જિંદગી ન જીવવાની હોય એ તમને સમજાય છે અને છતાં તમે એની ચિંતા કરીને આજ બગાડી રહ્યા છો.

તમે ધારી રહ્યા છો કે તમે ઘરડા થઈ ગયા હોવાથી તમારો આત્મવિશ્વાસ ઘરડો થઈ ગયો છે, પણ હકીકત એ નથી. તમે તમારા કરતાં બીજા લોકોના માનવા પર વધુ વિશ્વાસ મૂકતા થઈ ગયા હોવાથી અત્યારે ઘરડાપો ફીલ થઈ રહ્યો છે.

અત્યારે એવી મુશ્કેલી દુનિયાભરના લોકો પર આવી પડી છે કે બધાએ પોતાના ઘરનું જાતે સમારકામ કરવું પડવાનું છે. તમે શું કરો છો કે નથી કરતા એ બીજા લોકો જોતા હશે તો શું? ભલે જુએ. તમે નક્કી કરો કે બીજા શું કરે છે કે કહે છે એની પર તમે ધ્યાન નહીં આપો. માત્ર અને માત્ર તમારી દિલના અવાજને અનુસરો. જો સામાન્ય જિંદગી આરામથી જીવી શકાય એટલી આર્થિક સ્થિતિ હોય તો વધુ પૈસો કમાઈને ઊંચી લાઇફસ્ટાઇલની દોડ લગાવવાની કોઈ જરૂર નથી. તમને કેવી જિંદગી જીવવી છે, શામાં તમને ખુશી મળે છે, શામાં તમે પત્નીને ખુશી આપી શકો છો અને પાછલી જિંદગી કેવી જીવવાના તમે સપનાં જોઈ રહ્યા છો એ વિચારો. બસ, આપમેળે તમને ખબર પડી જશે કે નવો મોટો ધંધો તમને ખુશી આપવાનો છે કે નાનકડી કોઈ પ્રવૃત્તિ.

columnists sejal patel