ચંદ લોગ જો બસ્તી મેં સબસે અચ્છે હૈં ઇન્હીં કા હાથ હૈ મુઝે બુરા બનાને મે

30 November, 2020 04:14 PM IST  |  Mumbai | Pravin Solanki

ચંદ લોગ જો બસ્તી મેં સબસે અચ્છે હૈં ઇન્હીં કા હાથ હૈ મુઝે બુરા બનાને મે

પ્રતીકાત્મક તસવીર

ઉપરની પંક્તિઓ આપણને સાવધાન રહેવા માટે પણ ચેતવે છે. કહેવાતી સારી વ્યક્તિની  સંગતે ઘણા બરબાદ થયાના દાખલાઓ છે તો કહેવાતી ખરાબ વ્યક્તિઓ સંકટ સમયે પડખે ઊભા રહી મદદરૂપ થઈ પડ્યાનાં ઉદાહરણો પણ છે. બન્ને બાજુ ઢોલકી વગાડતા આવા  દાખલાઓ આપણને મૂંઝવે છે. જીવનના સામાન્ય વ્યવહારમાં પણ આવાં દ્વંદ્વો અસમંજશતા  સર્જતાં હોય છે.

બોલે તેના બોર વેચાય ને ન બોલ્યામાં નવગુણ, ધીરજનાં ફળ મીઠાં છે અને કાલનું કામ આજ કર ને આજનું અત્યારે જ. કોને અનુસરવું? જવાબ હશે સંજોગો પ્રમાણે વર્તવું, પણ જીવનની સંપૂર્ણ યાત્રાના સંજોગો જ આવાં દ્વંદ્વોથી ભરેલા છે અને એમાં પણ વળી માણસ પોતે જ દ્વંદ્વથી ભરેલો હોય તો?

  આઠમા ધોરણમાં હતો ત્યારે આર. એલ. સ્ટીવનસનની એક નવલકથા ‘ડૉ. જેકીલ ઍન્ડ હાઇડ’નું ગુજરાતી રૂપાંતર વાંચેલું એ પછી સમયાંતરે વારંવાર વાંચ્યું. એક સમયે મેં સિદ્ધાર્થ રાંદેરિયા માટે આ વિષય પર નાટક કરવાનું વિચારેલું, પરંતુ ગુજ્જુભાઈના ચક્કરમાં અટવાઈ ગયું. ખેર, વાંચવા જેવી નવલકથા છે.

ડૉ. જેક‌ીલ શહેરની નામાંકિત અને આદરણીય વ્યક્તિ છે. વૈજ્ઞાનિક છે. પોતાની લૅબમાં  જાતજાતના અખતરા કરે છે. શહેરમાં રોજ રાતે એક ભયંકર બનાવ બને છે. ચોરી, લૂંટફાટ, બળાત્કાર, ખૂન. પોલીસતંત્ર હેરાન-પરેશાન છે. ગુનેગારના કોઈ સગડ મળતા નથી. સમય જતાં ગુનેગારનું વર્ણન મળે છે. કાળોડિબાંગ, કદરૂપો, ઠીંગણો, વિકૃત માણસ પકડાય છે. તેનું નામ હાઇડ છે. પરંતુ હાઇડ હકીકતમાં હાઇડ નથી, તો કોણ છે?

ડૉ. જેકીલે એક રસાયણની શોધ કરી હોય છે. એનો પ્રયોગ તે પોતાની જાત પર જ કરે છે. રસાયણ પીવાથી માણસનું શરીર અને મન બદલાઈ જાય છે. શરીર બેડોળ અને મન વિકૃત બની જાય છે. રોજ રાતતે જેકીલ આ રસાયણ પીએ છે અને હાઇડ બની જાય છે. રાતે હાઇડ અને દિવસે જેકીલ. રાત અને દિવસ તો પ્રતીક છે. રાત એટલે અંધારું અને દિવસ એટલે અજવાશ. સદ અને અસદ, કાળી અને ઊજળી બન્ને બાજુનું મિશ્રણ એટલે માણસ.

માણસને ઓળખી શકાય એવું યંત્ર હજી સુધી નીકળ્યું નથી!! આણંદ કહે પરમાણંદ, માણસ માણસમાં ફેર, કોઈ લાખોમાં એક મળે, કોઈ ત્રામ્બઈયાના તેર. ‘એક મળે કે તેર મળે, પણ ઓળખી શકાય એવું કોઈ ન મળે.’

માણસના મન-મગજમાં સતત રાસાયણિક પ્રતિક્રિયા ચાલતી હોય છે. માણસની વૃત્તિ-પ્રવૃત્તિનો  આધાર તેના મનમાં એ સમયે ચાલતી જે-તે પ્રતિક્રિયાને આધીન હોય છે. આપણે તેને ‘મૂડ’  તરીકે ઓળખીએ છીએ. ‘બૉસનો મૂડ હશે તો આપણું કામ ચપટી વગાડતાં થઈ જશે’ આવું વાક્ય આપણે અનેક વાર સાંભળ્યું છે. સિકંદરે પોરસને પૂછ્યું કે મારે કઈ રીતે તારી સાથે વર્તવું જોઈએ? પોરસે કહ્યું કે એક રાજા બીજા રાજા સાથે વર્તે છે એ રીતે. પોરસ કદાચ એ વાત  ભૂલી ગયો હશે કે તે હારી ગયેલો રાજા છે. સિકંદર વિજેતા છે અને એ સમયે એ ‘મૂડ’માં હશે. કહેવાનું તાત્પર્ય કે ખરાબ માણસ દરેક સમયે ખરાબ નથી હોતો અને સારો માણસ ૨૪ કલાક સારો નથી હોતો.

માણસનાં બેવડાં વ્યક્તિત્વની આ વાત જોઈ, માણસના મૂડની વાત કરી, પણ સામાન્ય  સંજોગોમાં એક માણસ બીજા સાથે કઈ રીતે વર્તે છે? સચ્ચાઈ અને વાસ્તવિકતા એ છે કે એક માણસનું બીજા માણસ સાથેનું વર્તન પદ, પૈસા અને પ્રતિષ્ઠા પર અને ત્યાર બાદ જે-તે માણસના મૂળભૂત સ્વભાવ પર
અવલંબે છે.

  તુંડે તુંડે મતિ ભિન્ના કે તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ! દરેક માણસનો એક આગવો સ્વભાવ હોય છે. કોઈ શાંત, ધીરગંભીર, કોઈ ઉતાવળિયો, અધીરિયો, કોઈ ક્રોધી, કોઈ લોભી, કોઈ ચંચળ, કોઈ ભાવુક.

માણસમાં મૂળભૂત સ્વભાવ ક્યાંથી આવે છે? મનોવૈજ્ઞાનિકો પાસે આના જુદા-જુદા જવાબ છે. કોઈ પૂર્વજોના, માતા-પિતાના, નાના-નાનીના ઘટક ગુણોનો વારસો કારણ ગણે છે તો કોઈ બાળકના નાનપણથી થયેલા ઉછેરનું કારણ આપે છે. કોઈ બાળપણમાં થયેલા કુટુંબના  અનુભવો-વાતાવરણને જવાબદાર ગણે છે. જાણીતા મનોવિજ્ઞાની સિગ્મંડ ફ્રોઇડ વળી એક જબરદસ્ત આંચકો  આપે છે. તેઓ કહે છે કે વ્યક્તિના વર્તનનો આધાર તેનામાં રહેલી સેક્સવૃત્તિ પર અવલંબે છે. વ્યક્તિની હર પ્રવૃત્તિ પાછળ ક્યાંક ને ક્યાંક સેક્સનો પ્રભાવ હોય છે. વાત વિવાદાસ્પદ છે અને એના વિશે ઘણીબધી ચર્ચાઓ પણ થઈ છે. અહીં એ અપ્રસ્તુત છે.

સમજમાં અને માન્યામાં આવે એવી વાત સંત રોહિદાસે કરી છે. વ્યક્તિનાં અને કુટુંબનાં સુખ:દુખ, શાંતિ-સમૃદ્ધિનો આધાર કુટુંબના સભ્યોના સ્વભાવ પર અવલંબે છે. કોઈ એક વ્યક્તિનો ખરાબ સ્વભાવ સમસ્ત કુટુંબની શાંતિ હણી લે છે. કહેવાય છેને કે એક સડેલી કેરી  આખા કરંડિયાને બગાડે છે. એક વ્યક્તિને કારણે બરબાદ થયેલા કુટુંબના અસંખ્ય દાખલાઓ  મોજૂદ છે. બીસીસીએના એક કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું કે તમને કેવા માણસની ઈર્ષ્યા આવે?

હું અનેક માણસોના પરિચયમાં આવ્યો છું. માણસોમાં ભળવું અને માણસોને જાણવા એ મારો  શોખ છે. જાતજાતના માણસોના ભાતભાતના સ્વભાવનું મેં નિરીક્ષણ કર્યું છે. ક્યારેક-ક્યારેક મને લાગ્યું છે કે સામી વ્યક્તિમાં જે ગુણ છે એ મારામાં કેમ નથી? પછી આ માનસિકતા છે  એવું આશ્વાસન લઈને મન વાળી લઉં છું. આપણી પાસે જે છે એ નજરે ન આવે, જે નથી એ મનમાં ખટકે. હોટેલમાં બેઠા પછી મોટા ભાગના માણસોને લાગે છે કે બાજુવાળાએ જે વાનગી મગાવી એ મગાવી હોત તો સારું થાત.

મને એવા માણસોની ઈર્ષ્યા આવે છે જેનામાં હિમાલય જઈને બરફ વેચી આવવાની ક્ષમતા હોય, સેલ્સમૅનશિપ હોય. આવા લોકોનો કૅન્વસિંગ પાવર અદ્ભુત હોય છે. આત્મવિશ્વાસથી   જૂઠું બોલી શકે છે. તમે તમારા કોઈ ખાસ મિત્રની ઓળખાણ આવા માણસને કરાવો ને થોડા જ દિવસોમાં એ તમારો ખાસ મિત્ર પેલાનો ખાસ માણસ થઈ જશે. જરૂર નથી કે આવો માણસ  ઠરેલ અને ઠાવકો હોય, હા, બોલકો જરૂર હોય છે, વાણીથી વશ કરનારો.

ખેર, માણસસ્વભાવનાં અનેક સ્વરૂપ છે. કાચિંડા કરતાં પણ વધારે રંગ બદલી શકે છે. એક જૈનાચાર્યે પ્રવચનમાં ખૂબ સરસ વાત કરી હતી કે ‘શ્રાવકો, માણસમાત્ર ભૂલને પાત્ર હોય છે, કોઈ કબૂલ કરે છે, કોઈ નથી કરતા, પણ બન્નેને જાણ છે કે તેમણે ભૂલ કરી છે. માણસોના સ્વભાવ ભલે જુદા-જુદા હોય, પરંતુ દરેકને પોતાના અંદરના ઊંડાણમાં સારા થવાની હોંશ હોય છે. એ જુદી વાત છે કે કોઈ સારા થઈ શકે છે, કોઈ લાખ પ્રયત્ન કર્યા છતાં થઈ
શકતા નથી.’

  પછીથી તેમણે જે વાત કરી એ દિલસોંસરવી ઊતરી જાય એવી છે. બોલ્યા, ‘કોઈ શ્રાવક મને પૂછે કે તમને કેવા માણસ ગમે?’ તો બેધડક કહું કે ‘મને મૌલિક મૂર્ખ માણસ ગમે!!’ ખૂબ જ  અદ્ભુત શબ્દપ્રયોગ કર્યો હતો, ‘મૌલિક મૂર્ખ માણસ!’ કારણ આપતાં કહ્યું, ‘ડાહ્યા-શાણા  માણસમાં ક્યાંક ને ક્યાંક કપટ છુપાયેલું હોય છે. ધીર-ગંભીર કે શાંત માણસમાં કોઈ છૂપો ડર હોવાની શક્યતા રહેલી હોય છે‍. આસ્થાળુ-દયાળુ માણસના મનમાં પાપ-પુણ્યનાં સરવાળા-બાદબાકી ચાલતાં રહેવાની શક્યતા હોય છે.

મૂર્ખ માણસમાં આ બધું જ હોવાનો સંભવ છે, પણ મૌલિક મૂર્ખ માણસ નિજાનંદમાં રાચતો  હોય છે. તે જાણે છે કે હું મૂર્ખ નથી છતાં અન્યની લાગણી ન દુભાય એ માટે જાણીજોઈને મૂર્ખ બને છે, જાણીજોઈને છેતરાય છે. આવા માણસો ધૂની હોય છે. એક રમૂજી દાખલો આપતાં  આગળ બોલ્યા, ‘આવા એક મૌલિક મૂર્ખ માણસને ૨૪ કલાક ફિલ્મી ગીતો ગાવાની ધૂન. એક વાર રાતે સાઇકલ પર ગાતાં-ગાતાં જતો હતો ત્યાં પોલીસની બૂમ સંભળાઈ, ‘ઠહરો!’ પેલો ગાતો હતો, ‘મુઝકો ઇસ રાત કી તન્હાઇ મેં આવાઝ ન દો.’ પોલીસનું છટક્યું. કહ્યું, ‘એ  આવાજવાળી... સાઇકલમાં લાઇટ ક્યાં છે?’ પેલાએ ગાયું, ‘રોશની હો ન શકી, દિલ ભી જલાયા મૈંને’ પોલીસ ત્રાસીને બોલ્યો, ‘પાગલ છે તું? શું બડબડ કરે છે?’ પેલાએ ગીત આગળ ચલાવ્યું, ‘મૈં પરેશાન હૂં, મુઝે ઔર પરેશાં ન કરો, આવાઝ ન દો.’ ગાંડો સમજીને પોલીસે જવા
દીધો! આવા મૌલિક મૂર્ખ માણસની મુશ્કેલીઓ મૌલિક રીતે જ ઉકેલાઈ જતી હોય છે.

સમાપન

માણસ નામે કારાગાર,

માણસ નામે ગાળાગાળ

માણસ નામે મોટી જંજાળ,

માણસ નામે આળપંપાળ

એક દિન ઘોડા એક દિન ગધા,

માણસ નામે મોટી બબાલ

 કોણ ઉકેલે માણસજાત? અઘરો ને અટપટો સવાલ.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists Pravin Solanki