માનવીય સંબંધોની ગરિમાના છડીદાર

24 December, 2019 02:41 PM IST  |  Mumbai | Taru Kajaria

માનવીય સંબંધોની ગરિમાના છડીદાર

ઉત્પલ ભાયાણી

છેલ્લા થોડા સમયમાં મુંબઈના સાહિત્યિક અને સાંસ્કૃતિક જગત સાથે સંકળાયેલા અને આ વર્તુળના ઘણા લોકોના અંગત કહી શકાય એવા ત્રણ સ્વજનો ગુમાવ્યા. ઉત્પલ ભાયાણી, સુશીબહેન દલાલ અને નીતિનાબહેન મડિયા. માનવીય સંબંધોની ગરિમાના છડીદાર જેવા આ ત્રણેય સ્વજનોની વિદાય થોડા-થોડા દિવસોના અંતરે થઈ એ પણ કેવો જોગ છે! ગમગીન કરી દેનારા ત્રણેય સમાચાર ઉપરાછાપરી આવ્યા એવું જ લાગ્યું. કોઈ પણ ઘટના જ્યારે તદ્દન આકસ્મિક બને છે ત્યારે એ સૌથી ઊંડો આંચકો આપી જતી હોય છે. ઉત્પલભાઈની એક્ઝિટ આવી જ આઘાતજનક હતી. આમ તો સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં તેઓ સીધા સંકળાયેલા હતા, પરંતુ મને યાદ છે ત્યાં સુધી વરસો સુધી તેઓ પડદા પાછળ રહેલા. હા, નાટકોનાં અવલોકનો રૂપે તેમની લેખન પ્રવૃત્તિ વરસોથી ચાલતી; પરંતુ તેમને મંચ પર ખેંચી લાવનાર હતા ડૉ. સુરેશ દલાલ. ઉત્પલભાઈ અને ડૉ. સુરેશ દલાલ વચ્ચે મિત્રો, ગુરુ-શિષ્ય કે પિતા-પુત્ર જેવો સંબંધ હતો. એ સંબંધમાં એકમેક પ્રત્યેના ભરપૂર પ્રેમ, આદર અને વિશ્ર્વાસ રસાયેલા હતા. સુરેશભાઈ ઇમેજના સફળ કાર્યક્રમો યોજતા, પણ એ સઘળાં આયોજનોમાં ઉત્પલભાઈની ભૂમિકા કેટલી મોટી અને મહત્ત્વની હતી એ હકીકત સુરેશભાઈએ મંચ પરથી જાહેર કરી ત્યારે જ લોકોને ખબર પડી હતી. સુરેશભાઈ દરેક કાર્યક્રમમાં એની ખાસ નોંધ લેતા, પરંતુ ઉત્પલભાઈના મોઢેથી ક્યારેય કોઈએ કદાચ સાંભળ્યું નથી કે મેં આ કર્યું કે તે કર્યું! પોતે કરેલાં કામની વાહવાહી રળવાની લેશમાત્ર ઇચ્છા ન હોય એવું ત્યારે જ શક્ય છે જ્યારે જેના પ્રત્યે અપાર સ્નેહાદર હોય એવી વ્યક્તિ માટે એ કાર્ય થયું હોય. તો જ આવી નિર્લેપતા આવી શકે. ખરેખર સુરેશભાઈ અને ઉત્પલભાઈની જોડીને જોતી ત્યારે સમજાતું કે કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે આવી સમજ હોય, સંવાદિતા હોય અને બિનશરતી ભરોસો હોય ત્યારે તેમની ક્ષમતા કેટલીબધી ઊર્જાવાન અને ઉત્પાદક થઈ શકે!

સુશીબહેન દલાલ

જોકે સંબંધોની વાત આવે ત્યારે ઓછાબોલા ઉત્પલભાઈની એક ખાસિયત ભુલાય એવી નથી. કોઈ પણ વ્યક્તિ તેમની પાસે કોઈ મદદ કે કામ માટે જાય ત્યારે થઈ શકે તેમ હોય તો એ કરી જ આપે. અને શક્ય ન હોય તો કોઈ પણ બહાનાબાજી વિના સીધી ના કહી દે. લોકોનાં કામ કરી આપે છતાં ક્યારેય કોઈની પાસે એનાં ગાણાં ન ગાય. ઉત્પલભાઈ અને તેમનાં પત્ની કલ્યાણીની કેમિસ્ટ્રી પણ અદ્ભુત! એ યુગલને જ્યારે, જ્યાં પણ જોયું છે ત્યારે અનિવાર્યપણે સુમેળ અને સમજદારીનો સૂર સંભળાયો છે. ઘણી વાર નવાઈ લાગે કે કોઈ વ્યક્તિ આટલાબધા સ્તરે આટલી કૂલ અને કૉમ્પિટન્ટ કઈ રીતે રહી શકે?

નીતિનાબહેન મડિયા

સુરેશભાઈના જીવનનો બીજો આવો જ અડીખમ  સ્તંભ એટલે તેમનાં પત્ની સુશીબહેન દલાલ. ડૉ. સુરેશ દલાલ સાહિત્યજગતમાં જે અઢળક કામ કરી શક્યા, પુસ્તક પ્રકાશન અને પુસ્તક પ્રસાર માટે જે સ્તર પર કાર્યક્રમો યોજી શક્યા અને પોતાને પ્રિય એવી લેખન-સંપાદન પ્રવૃત્તિ માટે જેટલો સમય-શક્તિ ફાળવી શક્યા એની પાછળ તેમનું એ માટેનું પૅશન, પુરુષાર્થ, પ્રયત્નો અને સાથીઓ હતા એટલું જ જો આપણે કહીએ તો કદાચ એ અર્ધસત્ય ગણાશે. આ બધા ઉપરાંત તેમનાં પત્ની સુશીબહેનની ભૂમિકા પણ એટલી જ મહત્ત્વની હતી. તેમણે સુરેશભાઈને ઘરસંસારની કેટલી બધી બાબતોથી મુક્ત રાખ્યા હશે, પોતાના સર્જનાત્મક માહોલમાં રહેવા માટે કેટલી બધી મોકળાશ સર્જી આપી હશે કે સુરેશભાઈ નિજાનંદની સૃષ્ટિમાં રચ્યાપચ્યા રહી શક્યા હશે! કોઈ પણ ક્રીએટિવ વ્યક્તિને તેની સર્જકતાને વ્યક્ત કરતી પ્રવૃત્તિ કરવા માટે અમુક પ્રકારની સ્પેસની, પ્રોત્સાહક વાતાવરણની જરૂર પડે એ સહજ છે. અને તેની આ જરૂરિયાત પૂરી પાડવાની જવાબદારી તેની સૌથી નિકટની વ્યક્તિ પર જ આવે છે. સુરેશભાઈને જાહેરમાં કે અંગત મુલાકાતો દરમિયાન પણ જ્યારે મળવાનું થયેલું ત્યારે એક વાત ઊડીને આંખે વળગતી કે તેમની સર્જનપ્રવૃત્તિને અનુરૂપ અવકાશ રચી આપવામાં સુશીબહેન અવ્વલ હતાં. જાહેર કાર્યક્રમોમાં સુરેશભાઈને મળતી પ્રસિદ્ધિ કે તેમના ફૅન-ફૉલોઇંગને પણ સુશીબહેન જે સહજતાથી સ્વીકારી લેતાં એ જોઈને તેમના પ્રત્યે ઊંડો આદર અનુભવાતો. સુરેશભાઈના બહોળા મિત્રવર્તુળ સાથેનો તેમનો સૌજન્યશીલ વર્તાવ અને અમારા જેવા અનેક મિત્રોએ અનુભવેલી આત્મીયતા અનેરી હતી. એટલે જ સુરેશભાઈના ગયા પછી પણ સુશીબહેન સાથે એ સૌ મિત્રોના સંબંધો એવા જ જળવાઈ રહેલા. તેમના જવાની સાથે સુરેશભાઈની સાથેની એ કડી પણ ચાલી ગઈ છે.

ગુજરાતી નાટ્યજગતમાં જેમનું નામ અત્યંત આદર અને અહોભાવથી લેવાય એવા નાટ્યકર્મી કાન્તિ મડિયાનાં પત્ની નીતિનાબહેન પણ કલાકાર પતિની પ્રતિભા અને પ્રતિષ્ઠાને નર્ચર કરનારું વ્યક્તિત્વ હતું. આવા ક્રીએટિવ ફીલ્ડ સાથે સંકળાયેલી અસલામતી, સમયની અરાજકતા, તીવ્ર સ્પર્ધાત્મકતા ઇત્યાદિ વચ્ચે કલાકાર સ્વજનની સપોર્ટ સિસ્ટમ બનવું એ કાચાપોચાનું કામ નથી. આવી વ્યક્તિઓના ઉત્સાહ કે જોમ જે ગતિએ ઉપર ચડે એ જ રફતારે નીચે પણ દદડી જાય. આવા દરેક અંતિમ વખતે એક સમજદાર, મૅચ્યોર અને પ્રેમાળ જીવનસાથીનો સાથ તેને માટે આશીર્વાદરૂપ નીવડે. નીતિનાબહેન જેવી વિદુષી કાન્તિ મડિયાના જીવનનો આવો જ આશીર્વાદ હતાં. તેઓ કાન્તિભાઈના સાચા અર્થમાં સાથી બન્યાં હતાં. તેમની સાથે બહુ અંગત પરિચય નહોતો છતાં તેમના વ્યક્તિત્વમાંથી છલકાતાં સૌજન્ય, ઊંડી સમજદારી અને ખાસ તો તેમના અને મડિયાના સાયુજ્યની બાબતે મને હંમેશાં ઇમ્પ્રેસ કરી છે. મને ખાતરી છે મનોમન જ્યારે પણ આદર્શ જીવનસાથીની લિન્ક પર ક્લિક કરીશ ત્યારે સુશીબહેન, નીતિનાબહેન અને કલ્યાણી જેવાં નામો અચૂક ફ્લૅશ થશે. સમાજને પોતાની પ્રતિભાથી સમૃદ્ધ કરતા કલાકારો, લેખકો કે કોઈ પણ વ્યવસાયીની શક્તિઓનું જતન કરતી આવી વ્યક્તિઓનો પણ સમાજ ઋણી રહે છે.

columnists