મરચાઘેલો માનવી

27 February, 2020 08:30 PM IST  |  Mumbai Desk | ruchita shah

મરચાઘેલો માનવી

આપણે ત્યાં જેટલું તીખું ખવાય છે એટલું દુનિયાના બીજા એકેય દેશમાં નહીં ખવાતું હોય. સ્પાઇસી ખાવાના શોખીનો માટે એક ગુડ ન્યુઝ છે. અમેરિકન કૉલેજ ઑફ કાર્ડિયોલૉજીના જર્નલમાં છપાયેલો એક રિપોર્ટ કહે છે કે મરચાં ખાવાથી સ્ટ્રોક અને હાર્ટ-ડિસીઝનું જોખમ ૫૦ ટકા ઘટી જાય છે. આજે મુંબઈના એવા મરચાપ્રેમીઓને મળીએ જેમની તીખાશની વ્યાખ્યા વાંચીનેય તમારાં આંખ અને નાકમાંથી પાણી વહેવા માંડશે

રોજનાં પાંચ લવિંગિયાં મરચાં ખાનારા આ ભાઈએ હવે બીજાનેય મરચાં ખાતા કરી દીધા છે
કાંદિવલીમાં રહેતા સ્ટૉકબ્રોકર ચિરાગ શાહ રોજનાં લગભગ પાંચથી સાત મરચાં ખાઈ જ લે છે અને આ આજનો નહીં પણ લગભગ વીસેક વર્ષનો ક્રમ છે. ચિરાગભાઈ કહે છે, ‘મરચાંના ઘણા હેલ્થ બેનિફિટ્સ છે. આમ મને બધી જ આઇટમો તીખી ભાવે. હું ખંભાતનો છું પણ ત્યાંની સ્પેશ્યલ કચોરી નથી ખાતો, કારણ કે એ મીઠી હોય છે. જોકે વધારે પડતું લીલાં મરચાં ખાવાનું પ્રિફર કરું છું. એવું નથી કે લવિંગિયાં મરચાં મને તમારા કરતાં ઓછાં તીખાં લાગે છે, પણ એ તીખાશની હેલ્થ પર પૉઝિટિવ અસર મેં જોઈ છે. હું રોજના બે કલાક ચાલું છું. એ બે કલાકમાં જેટલો પસીનો નીકળે એટલો પસીનો લીલાં લવિંગિયાં ખાવાથી નીકળે. મરચાં એના નૅચરલ ફૉર્મમાં ખવાય તો એ લોહીને પાતળું કરે અને હૃદયની હેલ્થ સારી રહે એવો મારો અનુભવ છે. મને લીલાં મરચાંની ફ્રેગ્રન્સ ખૂબ ગમે છે એટલે હું તો એને સૅલડની જેમ ખાઉં છું. મને મરચાં ખાધા પછી ખૂબ ફ્રેશ લાગતું હોય છે. મારા અનુભવ પછી મેં મારા બિલ્ડિંગના પણ કેટલાક લોકોને મરચાં ખાતા કરી દીધા છે. મારા શરીરને મરચાં માફક આવે છે. મને મરચાં ખાવાને કારણે આજ દિવસ સુધી કોઈ તકલીફ ક્યારેય નથી થઈ. ઍસિડિટી પણ નહીં.’

મિસળમાં આમને જોઈતી તીખાશની માત્રા દુકાનદારનેય અચંબામાં મૂકી દે છે
ઘાટકોપરમાં રહેતા સમીર શાહ એક વડાપાંઉ ખાય તો કમસે કમ પાંચ લવિંગિયાં મરચાં એની સાથે મસ્ટ છે. કમસે કમ બે વડાપાંઉ તો વન શૉટમાં ખાઈ જ લેવાનાં. તેઓ કહે છે, ‘દસ-બાર મરચાં તો મારા માટે ગણતરીએ પણ નથી ચડતાં. થાણેમાં તહસીલદાર નામનો ફેમસ મિસળવાળો છે જેનું ડબલ તીખટ મીસળ જે આંખ-કાનમાંથી ધુમાડા કાઢી શકે એટલું તીખું હોય છે, પણ હું એ હોંશે-હોંશે ખાઉં છું. હું તીખું ન ખાઉં તો મરચાંને ખરાબ લાગે. મને કોઈએ કહ્યું કે મરચાં ખાવાથી આંખના નંબર ઊતરે ત્યારથી તો મને ઓર જલસો પડી ગયો છે. હવે ઍસિડિટીની એક ગોળી રોજની લઈ લઉં છું એટલે ઝંઝટ જ નહીં. કોઈ સ્વીટની વાત કરે તો મને ગભરામણ થઈ જાય, પણ જો તીખી આઇટમ લાવે તો મારામાં જુસ્સો આવી જ જાય.’

આ ડેન્ટિસ્ટને મીઠાઈ ખવડાવવાનો એક જ રસ્તો એ લીલા રંગની મરચા જેવી દેખાતી હોવી જોઈએ
ચેમ્બુરમાં રહેતી ડૉ. ક્રિશા પારેખ પોતે ડેન્ટિસ્ટ છે પણ તેમના તીખા ખાવાના શોખને કારણે તેઓ તેમના સર્કલમાં વધુ જાણીતાં છે. ક્રિશા કહે છે, ‘મારું નસીબ એટલું સારું છે કે મારી ફૅમિલીમાં પણ બધાને તીખું જ ભાવે છે. કોઈને માટે ઓછું તીખું કાઢવું નથી પડતું. બધી જ આઇટમમાં અમને એક્સ્ટ્રા સ્પાઇસ જોઈએ એટલે ઘરે મહેમાન આવે ત્યારે ક્યારેક તેમને તકલીફ પડે. મને ગ્રીન ચિલીની આઇટમ વધારે ભાવે. સૂકી ભેળ ખાઉં તો એમાં પણ ચિલી અને માત્ર ગ્રીન ચટણી જ નખાવું. કોઈ પણ ડિશ હોય, જો એમાં સ્પાઇસ ન હોય તો મહારાષ્ટ્રિયન ઠેચો ઉમેરી દઉં. એવું ઘણી વાર બન્યું છે કે એટલું વધારે તીખું થઈ ગયું હોય કે બે મિનિટ માટે આંખો સામે અંધારાં આવી ગયાં હોય. પણ મને એવું જ ફાવે છે. ક્યારેક ઍસિડિટી જેવું લાગે તો દવા લઈ લઉં છું. મને સ્વીટ જરાય ન ભાવે. ક્યારેક ડાર્ક ચૉકલેટ ખાઉં પણ અધરવાઇઝ ગ્રીન ચિલીના રંગની હોય તો હું સ્વીટ સામે જોઉં પણ.’

તીખું ન ખાય તો માંદાં પડી જાય છે આ બહેન
કાંદિવલીમાં રહેતાં અને સીએની ઑફિસમાં કામ કરતાં પ્રિયંકા ચિતલિયા માટે પહેલાં મરચાં અને બાકી બધું પછી. તેમના ઘરમાં તેમના જેટલું સ્પાઇસી કોઈ નથી ખાતું. પ્રિયંકા કહે છે, ‘કોઈ પણ ભોજનમાં જો તીખાશ ન હોય તો એ ખાવાનું મને બીમારો માટે બનેલું ખાવાનું લાગે. એટલે જો તીખાશ ઓછી હોય તો હું ઉપરથી પણ ઉમેરી દઉં. હું તમને એટલું કહી શકું કે નૉર્મલી લોકો જેટલું તીખું ખાય એના કરતાં હું પચાસ ટકા વધારે તીખું ખાઉં છું. તીખાશ ન પડે જીભ પર ત્યાં સુધી જાણે મારા ટેસ્ટબડ્સને કોઈ અસર જ ન થાય. પીત્ઝાની એક સ્લાઇસમાં ઓછાંમાં ઓછાં ત્રણ ચિલી ફ્લેક્સનાં સૅશે હું નાખું. પાંચ-છ વર્ષથી ખાઉં છું તીખું પણ બાય ગૉડ્સ ગ્રેસ મને કોઈ અસર નથી થઈ એની.’

આ ભાઈ સૅન્ડવિચ ખાય તો બ્રેડ ન દેખાય, માત્ર ચટણી જ દેખાય
બોરીવલીમાં રહેતા કલ્પેશ મગિયાનો મિરચીપ્રેમ તેમની સૅન્ડવિચને ઑબ્ઝર્વ કરશો એટલે સમજાઈ જશે. વધુ મરચાં ખાવાની અસર તેમના શરીર પર થઈ ચૂકી છે, પણ આ સ્વાદ છે ને બડી કુત્તી ચીઝ હોતી હૈ એવું રમૂજમાં જણાવતા કલ્પેશભાઈ આગળ કહે છે, ‘તીખાશ હોય એ જ મને સ્વાદ લાગે છે. પાંચ વર્ષ પહેલાં મારે પાઇલ્સનું ઑપરેશન કરાવવું પડેલું ત્યારે થોડો સમય તીખું ખાવા પર નછૂટકે કન્ટ્રોલ રાખવો પડેલો, પણ હવે પાછું આપણું જામી ગયું છે. મારા આખા સર્કલમાં મારા જેટલાં મરચાં કોઈ નથી ખાતું. મારી પાંઉભાજીમાં લસણની ચટણી મસ્ટ હૅવ છે. કોઈ પણ બહારની આઇટમ ખાવાની હોય તો મારી ડિશમાં ડબલ નહીં પણ ટ્રિપલ ચટણી પડે પછી જ એ મને ખાવાનું મન થાય. મને બહુ વધારે તકલીફ નથી થઈ. ક્યારેક થાય તો દવા લઈ લેવાની પણ ખાવામાં સ્પાઇસ ન હોય તો લાઇફ બોરિંગ થઈ જાય, જે મને નહીં ચાલે.’

ruchita shah columnists Gujarati food mumbai food indian food