વધી રહેલી ભીડને આ વાત સમજાવવાની જવાબદારી સૌકોઈની છે

09 October, 2020 11:23 AM IST  |  Mumbai | Manoj Joshi

વધી રહેલી ભીડને આ વાત સમજાવવાની જવાબદારી સૌકોઈની છે

પ્રતીકાત્મક તસવીર

અનલૉકની શ્રેણી તબક્કાવાર ચાલી રહી છે અને એ શ્રેણીમાં નવી-નવી છૂટછાટ આપવામાં આવી રહી છે. આ મહિને બની શકે કે લોકલ ટ્રેનના વપરાશકર્તાઓને છૂટછાટ મળી છે અને બની શકે કે હજી વધુ લોકોને પણ એમાં સમાવવામાં આવે, વધારાની છૂટછાટ આપવામાં આવે. મલ્ટિપ્લેક્સ માટે પણ છૂટછાટ શરૂ થઈ ગઈ છે અને જિમ, સ્ટેડિયમમાં પણ એવો જ સીન છે. આ મહિને સ્કૂલ સિવાય ઑલમોસ્ટ બધેબધું શરૂ થતું દેખાઈ રહ્યું છે અને એટલે જ એક પ્રકારનો એવો ભ્રમ પણ શરૂ થયો છે કે કોરોના ગયો.
ભલા માણસ, કોરોના મહેમાન નહોતો કે ૬ મહિના રોકાઈને એણે દેશમાંથી વિદાય લીધી હોય. ના, જરાય નહીં. કોરોના છે અને એ વાત જરાસરખીય ભૂલવાની નથી. કોરોના છે, કોરોનાનો આતંક અકબંધ છે અને કોરોનાની ત્રાસદી પણ એવી જ છે જેવી પહેલાં હતી. કહેવાનું મન પણ થાય કે એ ત્રાસદી હવે કદાચ પહેલાં કરતાં વધારે ઊભી થઈ શકે છે એટલે તમારે વધારે સલામત રહેવાનું છે અને તમારે કાળજી પણ વધારે લેવાની છે. આજે જો કંઈ ભુલાઈ ગયું હોય તો એ આ કાળજી છે. કોઈને કશી પરવા જ નથી, કોઈને કશી પડી જ નથી. બધા બે પ્રકારના ભ્રમ વચ્ચે જીવી રહ્યા છે. એક, કહ્યું એમ, કોરોના ગયો, ડરવાની કોઈ જરૂર નથી અને બીજો ભ્રમ, મને કશું થવાનું નથી.
બહુ સારી વાત છે કે તમે આ પ્રકારના ભ્રમમાં રહીને હકારાત્મકતા મનમાં રાખતા હો, પણ ભૂલતા નહીં કે તમારા ઘરે નાનાં બાળકો છે, સિનિયર સિટિઝન છે. તેને કોરોના થઈ શકે છે અને એને પ્રૉબ્લેમ આવી શકે છે. કોરોનાના નામે તમે તેને ઘરની બહાર નીકળવા નથી દેતા. કોરોનાના નામે તમે તેને બહારની દુનિયાથી અલિપ્ત કરી નાખ્યા છે અને આજે તમે જ એ કોરોના લેવા માટે બહાર ફરવા માંડ્યા છો. આ તે કઈ જાતની નીતિ, આ તે કઈ જાતની માનસિકતા? કબૂલ કે આજીવિકા માટે ઘરની બહાર નીકળવું પડશે. મંજૂર કે પરિવાર માટે હાથપગ ચલાવવા પડશે અને રોજી-રોટી કમાવી પડશે. કબૂલ. ના નથી એની, પણ એમાં બેદરકારીનો અંશ સુધ્ધાં ન હોવો જોઈએ, પણ એ છે જે રીતસર બહાર દેખાઈ રહ્યું છે.
કોરોનાને કારણે પ્રોફેશનલી જેકોઈએ જાળવવી પડે કે કરવી પડે એવી તકેદારી ધંધાદારીઓ રાખે છે, પણ એમાં ક્યાંક ને ક્યાંક પ્રશાસનની બીક છે, પણ રાબેતા મુજબના જીવનમાં આ તકેદારી દેખાતી નથી. ટોળાં થઈ રહ્યાં છે, ભીડ એકત્રિત થાય છે. સોશ્યલ ડિસ્ટન્સનું નામ નથી. અજાણી જગ્યાએ હાથ મૂકવામાં જે ખચકાટ થવો જોઈએ એ ખચકાટ ક્યાંય દેખાતો નથી અને માસ્ક પહેરી રાખવાની જે ચીવટ હોવી જોઈએ એ ચીવટનો પણ અભાવ છે. કોરોના કોઈનો સગો થતો નથી અને કોઈની શેહશરમ પણ રાખતો નથી. કબૂલ તોતિંગ સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાંથી બહાર આવી ગયા, પણ સાથોસાથ એ પણ કબૂલ કરવું પડે કે કોરોનાને લીધે અનેક લોકોને આપણે ગુમાવ્યા પણ ખરા. ગુમાવેલા લોકોમાં આપણી વ્યક્તિનું નામ ન હોય એનાથી રૂડું બીજું શું હોઈ શકે?

manoj joshi columnists