લાલ કિલ્લો અને રોઝ ગાર્ડન: દરેક દીવાલ પર પ્રેમની નિશાનીઓ ઝળહળે છે

20 July, 2020 06:12 PM IST  |  Mumbai | Manoj Joshi

લાલ કિલ્લો અને રોઝ ગાર્ડન: દરેક દીવાલ પર પ્રેમની નિશાનીઓ ઝળહળે છે

લાલ કિલ્લો

વાત ચાલે છે પાઠ્યપુસ્તકમાં આવતી પ્રતિજ્ઞાની. આ પ્રતિજ્ઞામાં અમુક સમયાંતરે નાના-મોટા સુધારા-વધારા થયા કરતા હોય છે. નવાં પાઠ્યપુસ્તકોમાં ત્રીજા નંબરની પ્રતિજ્ઞા વાંચવા જેવી છે.
હું મારા દેશને ચાહું છું અને એના સમૃદ્ધ વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.
શું ગર્વ છે, ધૂળ અને ઢેફા. મ્યુઝિયમમાં જઈને જ્યાં-ત્યાં થૂંકવું છે અને આલીશાન મહેલની જાળવણી કરીને માંડ સાચવવામાં આવ્યો હોય તો પણ આપણને એની પરવા નથી. અણીદાર પથ્થર શોધીને આપણે એ મહેલ કે કિલ્લાની દીવાલો પર આપણું અને ગર્લફ્રેન્ડનું નામ લખી, વચ્ચે મોટું દિલડું ચીતરીએ છીએ. જેના પર ગુસ્સો આવ્યો હોય તેના નામની ગાળો પણ આ જ દીવાલ પર આપણે લખીએ છીએ અને યાદગીરીના ભાગરૂપે દીવાલોમાંથી મોટા પથ્થર ઉખાડીને ઘરે પણ લઈ આવીએ છીએ. મને મારા સમૃદ્ધ વૈવિધ્યપૂર્ણ વારસાનો ગર્વ છે. આ આપણો ગર્વ છે અને આ ગર્વને આપણે પૂરા અધિકાર સાથે દર્શાવીએ પણ છીએ. શું આ ગૌરવની વ્યાખ્યા છે, શું આ જ આપણી દેશ પ્રત્યેની ચાહત છે?
ગાર્ડનની બેન્ચ તૂટે તો ભલે તૂટે, પણ આપણે આપણા છોકરાઓને એની સાથે ધીંગામસ્તી કરવા દઈએ છીએ. ટ્રેનમાં સામે પડેલી ખાલી જગ્યા પર પગ લાંબા કરીને બેસીએ છીએ અને ચાલુ ગાડીએ ટ્રેનમાંથી એવી રીતે ચીજવસ્તુ ફેંકીએ છીએ જાણે આપણને તમામ સત્તા છે. કોઈના શરીર પર એ વધેલો ખોરાક પડે તો ભલે પડે, આપણને એની ફિકર નથી, કારણ કે તે ભારતીયો તો મારાં ભાઈ-બહેન છે અને આ ભાઈ-બહેનો પર મારો કચરો ઊડે તો શું થઈ ગયું? એટલું તો ભાઈઓ અને મારી બહેનો સહન કરે જને. હા, એ વાત જુદી છે કે હું એ સહન ન કરું, કોઈ મારા પર કચરો ફેંકે, ભૂલથી કચરો ફેંકે તો પણ હું તેને મા અને બહેનની ગાળો ભાંડી દઉં; પણ મને બધો અધિકાર છે અને મને એવું પૂછવાની પણ જરૂર નથી કે એ અધિકાર મને ક્યાંથી મળ્યો છે. એ અધિકાર મને મારા પ્રતિજ્ઞાપત્રમાંથી મળ્યો છે.
ભારત મારો દેશ છે.
આ દેશ મારો છે, મને આ દેશમાં જે રીતે જીવવું હોય એ રીતે જીવવાનો અધિકાર છે. કાયદાકાનૂન, નીતિ-નિયમો મારે માટે બન્યાં નથી. એનું પાલન તો પામર મનુષ્ય કરે, હું એ પામરોમાં ક્યાંય આવતો નથી. પામર, એ જેને આ દેશ પર ગર્વ નથી, જેને આ દેશના વારસા પર ગર્વ નથી. હું તો મારા દેશને ચાહું છું અને એના સમૃદ્ધ વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. આવો, એક વાર મારા ઘરે, જૂનાગઢના ઉપરકોટના કિલ્લાનો પથ્થર પણ તમને દેખાડીશ અને મોઢેરાના સૂર્યમંદિરની બહાર પડેલા આર્ય સંસ્કૃતિની કોતરણી કરેલા પથ્થરો પણ દેખાડીશ. મને એ સ્તર પર ગર્વ છે કે હું એ બધું ત્યાંથી લઈ આવીને મારે ત્યાં જમા કરું છું અને જમા કરવા જાઉં ત્યારે એ દીવાલો પર લખતો પણ આવું છું ‘ગૌતમ લવ્સ ગૌતમી’ અને એવું પણ વાંચવા મળી શકે ‘રોહિત લવ્સ કિશન.’

manoj joshi columnists