ગર્લ્સ ઍન્ડ બૉય્‍સ, તમારા ફ્રેન્ડ બનવા પેરન્ટ્સે શું કરવું?

02 December, 2022 04:21 PM IST  |  Mumbai | Jigisha Jain

આજના પેરન્ટ્સને બધા જ એવી સલાહ આપે છે કે સંતાન ટીન એજનું થાય એટલે તેના મિત્ર બનવું. મોટા ભાગના પેરન્ટ્સ આ બાબતે સજાગ પ્રયત્ન કરે પણ છે,

પ્રતીકાત્મક તસવીર

આજના પેરન્ટ્સને બધા જ એવી સલાહ આપે છે કે સંતાન ટીન એજનું થાય એટલે તેના મિત્ર બનવું. મોટા ભાગના પેરન્ટ્સ આ બાબતે સજાગ પ્રયત્ન કરે પણ છે, પરંતુ આજે સંતાનોને પૂછીએ કે તેમને શું લાગે છે, પેરન્ટ્સ તમારા મિત્ર બની શકે? આ પ્રશ્ન દ્વારા સમજવાની કોશિશ કરીએ કે આજની પેઢી તેનાં માતા-પિતા પાસેથી શું ઇચ્છે છે

પેરન્ટ્સની ધાકમાં ઊછરેલી પેઢી આજે ખુદ પેરન્ટ્સ છે અને સંતાનો સાથે મિત્ર બનીને રહે છે ત્યારે શું એ ખરેખર મિત્ર હોય છે ખરી?

એક વાર કહ્યું એટલે થઈ જવું જઈએ. માની નજર ફરે અને તરત સંતાન સમજી જાય કે તેને ગમ્યું નથી. મારે આ કરવાનું નથી કે બાપે ખિજાવાની જરૂર જ ન પડે, કારણ કે તેની પ્રેઝન્સમાં પણ એટલી ધાક હતી કે સપનામાં પણ સંતાન કોઈ ખોટું કામ કરતાં અટકી જાય. આવા પેરન્ટ્સની નીચે ઊછરેલી પેઢીઓ આજે ખુદ પેરન્ટ્સ છે, પણ પોતાનાં માતા-પિતા કરતાં તેઓ ઘણાં જુદાં છે. બે માર્ક્સ પણ ઓછા આવ્યા હોય તો જેને ધીબી નાખવામાં આવતા એ પોતાના ફેલ થયેલા સંતાનને સધિયારો આપતાં હોય છે કે બેટા, કંઈ વાંધો નહીં! હવે વધુ મહેનત કરજે. આવું તે એટલે કરી શકે છે, કારણ કે સમાજમાં આવેલું પરિવર્તન એ કહે છે તમારે તમારા સંતાન સાથે મિત્રતા રાખવાની છે. તેના પર જોહુકમી નથી કરવાની. તેને તેની રીતે જીવવા દો, તેની રીતે તેને દુનિયાને સમજવા દો, તમે બસ તેનો સાથ આપો. આ સલાહોને ઘણી હદે આજના પેરન્ટ્સે આત્મસાત્ કરી છે. છતાં આજના ઘણા છોકરાઓ એવા છે જે કહે છે કે રહેવા દો, તમને નહીં સમજ પડે. પેરન્ટ્સથી છુપાવીને પોતાની એક અલગ દુનિયા વસાવનારા, ઘરમાં પણ રૂમ બંધ કરીને રહેનારા અને લૅપટૉપ, મોબાઇલના પાસવર્ડની પાછળ પેરન્ટ્સથી અજાણ એક દુનિયા જેને તેઓ પર્સનલ સ્પેસ કહે છે એમાં વિચરતા આજનાં સંતાનો પાસેથી જાણીએ કે તેમને શું લાગે છે કે માતા-પિતા અને સંતાનો વચ્ચે મૈત્રીનો સંબંધ શક્ય છે? 

પેરન્ટ્સ પણ હતા સંતાનો 

માતા-પિતા અમને સમજી નથી શકતાં કે તેમને ખબર નથી પડતી જેવાં સ્ટેટમેન્ટ એકદમ ક્લીશે છે એમ કહેતાં જુહુમાં રહેતી ૧૫ વર્ષની વિધિ કાણકિયા કહે છે, ‘અમે ક્યારેક ભૂલી જઈએ છીએ કે અમારા પેરન્ટ્સ પણ એક સમયે અમારા જેવડા હતા. પ્રેશર, ડાઉટ્સ કે હાર્ટ બ્રેક્સ બધું જ તેમણે પણ જોયું છે અને એમાંથી પસાર પણ થયા છે. તેમનાથી વધુ સારી રીતે અમને કોણ સમજી શકે. પેરન્ટ્સ તમારા બેસ્ટ ફ્રેન્ડ્સ બની જ શકે એવું કદાચ હું એટલે કહું છું, કારણ કે મારા પેરન્ટ્સ સાથે મારે એવા જ સંબંધો છે. અમારી જનરેશન કદાચ પેરન્ટ્સ પાસેથી એ અપેક્ષા નથી રાખતી કે તે અમારા ફ્રેન્ડસ બને પણ ઍટ લીસ્ટ ઘરમાં ફ્રેન્ડલી માહોલ તો રાખી જ શકે. પણ હા, એના માટે ખાલી પેરન્ટ્સે પ્રયત્નો કરવાના નથી. અમારો સહયોગ પણ એટલો જ મહત્ત્વનો છે.’ 

જો અમારી વાતો કે વિચારોને જજમેન્ટલ થઈને લેવામાં આવે તો તકલીફ ઊભી થાય છે. પેરન્ટ્સ જ્યારે તેમનું માતા-પિતાપણું છોડીને પોતાની સાચી છબી સંતાન સામે છતી કરે છે ત્યારે તેમની સાથે વધુ રિલેટ કરીએ છીએ : વિધિ કાણકિયા

પ્રયત્નો જરૂરી 

મોટા ભાગે પેરન્ટ્સ ખિજાશે એની બીકથી સંતાનો તેમનાથી બધું છુપાવતાં હોય છે. જો આવું થાય તો પેરન્ટ્સના થોડા વધુ પ્રયત્નોથી સંતાન થોડું ખૂલી શકે છે, એમ વાત કરતા વિધિ કાણકિયા કહે છે, ‘અમે મોટા ભાગે લૉજિક વગરની વાતો કરતાં હોઈએ છીએ, પરંતુ અમને બાળક સમજીને જો પેરન્ટ્સ સાંભળે તો તકલીફ થતી નથી. જો અમારી વાતો કે વિચારોને જજમેન્ટલ થઈને લેવામાં આવે તો તકલીફ ઊભી થાય છે. પેરન્ટ્સ જ્યારે તેમનું માતા-પિતાપણું છોડીને પોતાની સાચી છબી સંતાન સામે છતી કરે છે ત્યારે અમે તેમની સાથે વધુ રિલેટ કરી શકીએ છીએ. આ રીતે પેરન્ટ્સ એક ગાઇડિંગ ફિગર જ નહીં, ગ્રેટ ફ્રેન્ડ પણ બની શકે છે.’ 

નિખાલસતા 

ધ્વનિ દોશી

મિત્રતા એટલે નિખાલસતા હોય તો એ સંબંધ મારો મારા પેરન્ટ્સ સાથે છે, પરંતુ મિત્રો જોડે આપણે જેવું કૅઝ્યુઅલ વર્તન કરતાં હોઈએ એવું માતા-પિતા સાથે કરવું મને યોગ્ય લાગતું નથી. મિત્રોને આપણે રિસ્પેક્ટ નથી આપતા. માતા-પિતાને એ આપવું જરૂરી છે. આમ જોવા જઈએ તો માતા-પિતા મિત્રોથી ઘણાં આગળ હોય છે. મિત્રો આજે છે અને કાલે નથી. તે બદલાતા રહે છે અને તેમની સાથેના સંબંધો પણ. માતા-પિતા એક જ હોય છે, એમ સ્પષ્ટ વાત કરતાં થાણેની ૧૪ વર્ષની ધ્વનિ દોશી કહે છે, ‘મારી વાત કરું તો તેમનાથી વધુ ભલું તમારા માટે કોઈ વિચારી શકતું નથી. મારા મિત્રો પણ ખૂબ જ સારા છે, છતાં ઓછા માર્ક્સ આવે તો હું તેમની સામે બોલતી નથી કે મને ઓછા માર્ક્સ આવ્યા, કારણ કે મને ડર છે કે તેઓ મારા પર હસશે. પેરન્ટ્સ સામે પણ મને ડર લાગે છે કે કહીશ તો કદાચ ખિજાશે, પણ અંતે તે મારા પેરન્ટ્સ છે અને મારા ભલા માટે જ ખિજાશે એમ હું તેમના પર વધારે ટ્રસ્ટ કરું છું અને મારા ઓછા માર્ક્સ વિશે પણ તેમને બેધડક કહી શકું છું.’ 

હું કહું એમ 

મુંજલ શાહ

મિત્રો અને માતા-પિતામાં ઘણો ફરક છે, જેમાં ઉંમર, અનુભવ અને જ્ઞાનનો મુખ્ય ફરક દેખીતો છે. મિત્રો ઘણા હોય. માતા-પિતા એક જ હોય. આજનાં માતા-પિતા ડોમિને​ટિંગ નથી. તેમનું ધાર્યું જ થવું જોઈએ એવું તેમને નથી લાગતું, પણ છતાં એક તકલીફ ઘણાં ઘરોમાં જોવા મળે છે. આ વાત સમજાવતાં થાણેમાં રહેતા ૧૩ વર્ષના મુંજલ શાહ કહે છે, ‘માતા-પિતા અને સંતાનો વચ્ચે ફ્રેન્ડશિપમાં સૌથી મોટું વિઘ્ન એ છે કે અમારી જનરેશન ઇચ્છે છે કે તેમને જેમ જીવવું છે એમ માતા-પિતા જીવવા દે. માતા-પિતાને એમ છે કે એવું નહીં ચાલે, તમે અમે કહીએ છીએ એ સાંભળો. વી થિન્ક વી નો ઍન્ડ ધે થિન્ક ધે નો બેટર. આમાં થાય છે એવું કે પછી બન્ને એકબીજાથી ડિસઅપૉઇન્ટ થાય છે. આદર્શ રીતે થવું એ જોઈએ કે બન્ને એકબીજા સાથે વાત કરે, એકબીજાને સમજે અને પછી સાથે મળીને નિર્ણય લે, પણ એવું થતું નથી. હું નથી માનતો કે સંતાનોને સંપૂર્ણ આઝાદી મળવી જોઈએ. મને ખુદ ખબર છે કે અમને કેટલી બધી જગ્યાઓએ આઝાદીની નહીં સાચા માર્ગદર્શનની જ જરૂર હોય છે, જે ફક્ત પેરન્ટ્સ પાસેથી મળે છે. જેટલી જરૂર અમને તેમના માર્ગદર્શનની છે એટલી જ જરૂર અમને અમારી વાત રાખવાની છે, જેના માટે ઘરમાં એક એવો માહોલ હોય જેમાં અમે અમારી વાત બેઝિજક કહી શકીએ તો મિત્રતા શક્ય બની શકે.’ 

વન-વે ફ્રેન્ડશિપ 

પાર્થ આશર

ફ્રેન્ડશિપમાં બન્ને જણ સરખા લેવલનાં હોય છે. બન્નેના હક અને ફરજ સમાન હોય છે. સંતાનો અને પેરન્ટ્સમાં એ સમાનતા ક્યારેય ન આવી શકે અને આવવી પણ ન જોઈએ. કાંદિવલીમાં રહેતો ૧૪ વર્ષનો પાર્થ આશર પોતાની વાત મૂકતાં કહે છે, ‘ફ્રેન્ડશિપમાં કેવું હોય કે હું મારો પ્રૉબ્લેમ શૅર કરું તો મારો ફ્રેન્ડ પણ તેની વાત કરે, પરંતુ જ્યારે તમે પેરન્ટ્સ સાથે ફ્રેન્ડશિપ કરો છો ત્યારે એવું કરવું યોગ્ય નથી. પેરન્ટ્સ પોતાના પ્રૉબ્લેમ સંતાનો સાથે શૅર ન કરી શકે અને કરવા પણ ન જોઈએ, જ્યાં સુધી બાળક એટલું મૅચ્યોર નથી થઈ જતું. ટીનેજર તરીકે અને તેમના ફ્રેન્ડ બનીએ અને બધું નિખાલસતાથી કહી દઈએ એ બરાબર. એ હોવું જોઈએ, પણ આ વન-વે થયું. આ વન-વે ફ્રેન્ડશિપને તમે પોસતા રહો એટલે વર્ષો પછી એ ટુ-વે બનવાના સ્કોપ છે. એટલે કે અમે કદાચ ૨૫-૩૦ વર્ષના થઈએ પછી કદાચ એવું બને કે માતા-પિતા તેમની વાત ખુલ્લા મને અમનેકહી શકે.’

columnists Jigisha Jain