હૈરાન હૈ કોઈ કાશી કાબા ક્યું જાતા

16 December, 2020 04:08 PM IST  |  Mumbai | Pankaj Udhas

હૈરાન હૈ કોઈ કાશી કાબા ક્યું જાતા

શુભારંભ: ‘ખઝાના’ના રેકૉર્ડિંગ સમયે હું

‘ખઝાના’ કરીએ ક્યાં, કેવી રીતે કરીએ અને કયા સમયે કરીએ?

આટલો મોટો કાર્યક્રમ કરવા માટે અમારી પૈસા હતા નહીં અને કાર્યક્રમમાંથી તો આર્થિક ઉપાર્જનની વાત હતી નહીં એટલે અમારી નવી સ્ટ્રગલ શરૂ થઈ. એટલું નક્કી હતું કે આપણે થૅલેસેમિયાનો ભોગ બનેલાં બચ્ચાંઓ માટે અને કૅન્સર પેશન્ટ્સ માટે કામ કરીશું અને મારી વાત સાથે અનુપ જલોટા અને તલત અઝીઝ પણ તૈયાર હતા. બન્નેએ તરત જ કહ્યું હતું કે ‘પંકજ, અમને આમાંથી એક પૈસો પણ નથી જોઈતો. સાથે મજા કરીશું એ આપણી આવક અને જે દુઆ મળશે એ આપણો નફો.’

મેં ‘ખઝાના’ માટે માથાકૂટ ચાલુ કરી. ઈશ્વરની મહેરબાનીથી ઑબેરૉય હોટેલ અને યુનિયન બૅન્ક સ્પૉન્સર મળ્યાં અને ૨૦૦૨માં અમે પહેલો ‘ખઝાના’ કાર્યક્રમ કર્યો. બે રાતનો પ્રોગ્રામ. પહેલા દિવસે હું અને અનુપ, બીજા દિવસે તલત અને ભૂપિન્દર-મિતાલી સિંઘ અને અમારી સાથે બીજા ચાર-ચાર કલાકારો. આગળ વાત કહું એ પહેલાં કહી દઉં કે ભૂપિન્દર મારો પરમ મિત્ર, મારાથી મોટા, પણ તે મારો આદર કરે અને હું તેને ‘બડે ભૈયા’ જ કહું. સારા હેતુ સાથે થઈ રહેલા આ કામમાં તે પણ જોડાઈ ગયા અને અમારો આ સંપ આજે છેક હજી સુધી અકબંધ રહ્યો છે. ૨૦૦૨થી શરૂ થયેલો આ કાર્યક્રમ અવિરતપણે ચાલુ રહ્યો. આ કાર્યક્રમનું મૂલ્ય એ સ્તરે છે કે બીજા ગઝલના કલાકારો પોતાને એમાં તક મળે એની રાહ જુએ. એકસાથે ખભેખભા મિલાવીને અમે આ કાર્યક્રમને મોટો કર્યો છે એમ કહું તો પણ ખોટું નહીં કહેવાય.

ગયા વર્ષે જુલાઈ મહિનામાં જેવો ‘ખઝાના’ પૂરો થયો કે તરત આગળનાં બન્ને વર્ષની જુલાઈના લાસ્ટ વીક-એન્ડની ડેટ્સ નક્કી થઈ ગઈ. નક્કી થયું કે આપણે ૨૦૨૦માં ‘ખઝાના’નું ૧૯મું વર્ષ આવશે એ સમયે એક ભવ્ય કાર્યક્રમ કરીશું અને ઑબેરૉયમાં ધામધૂમ સાથે ‘ખઝાના’નો કાર્યક્રમ કરીને આપણે કૅન્સર પેશન્ટ્સ અને થૅલેસેમિયાનાં બાળકો માટે ફન્ડ એકઠું કરીશું, પણ કુદરત કંઈક જુદું જ વિચારી રહી હતી અને ન ધારેલું બન્યું. ડિસેમ્બર મહિનાથી ધીરે-ધીરે કોવિડની પરિસ્થિતિ શરૂ થઈ અને આ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં તો એણે સિરિયસ રૂપ લઈ લીધું. જુલાઈમાં પ્રોગ્રામ કરવાની વાત મુશ્કેલ લાગવા માંડી, છતાં આશા રાખી કે કદાચ જુલાઈ સુધીમાં બધું ઠીક થઈ જાય, પણ એપ્રિલ ગયો અને મે આવ્યો અને મે મહિનામાં પણ દેખાતું હતું કે આ કોવિડ જલદી જવાનો નથી. અમે વિચાર્યું કે હવે કોઈ જુદો રસ્તો કાઢવો પડશે. નક્કી કર્યું કે આપણે ‘ખઝાના’ બે મહિના પોસ્ટપોન્ડ કરીને ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં કરીશું. 

જેમ-જેમ સમય વીતતો ગયો એમ-એમ ખબર પડી કે કોઈ આશા નથી કે આપણે ૭૦૦-૮૦૦ માણસોને ભેગા કરીને ઑબેરૉયમાં ‘ખઝાના’ કરી શકીએ. ફરીથી વિચારણા ચાલી અને એ વિચારણા પછી નિર્ણય લેવામાં આવ્યો કે પરિસ્થિતિ સારી થાય તો આપણે ‘ખઝાના’ લાઇવ કરીશું, નહીંતર આપણે આ આખો કાર્યક્રમ ઑનલાઇન કરીશું. ધીરે-ધીરે બધી તૈયારી શરૂ કરી અને કલાકારોનું લિસ્ટ બનાવવાનું શરૂ કર્યું.

મારા બે સાથી અનુપ જલોટા અને તલત અઝીઝ જે પહેલાં ‘ખઝાના’થી મારી સાથે છે એ બન્ને તૈયાર હતા તો એ સિવાય મેં રેખા ભારદ્વાજ સાથે વાત કરી, સુદીપ બૅનરજી, મહાલક્ષ્મી ઐયર, બહુ જ પ્રતિભાશાળી અને યુવા કલાકાર એવા પ્રતિભા બાઘેલ સાથે પણ વાત કરી. પ્રતિભાએ ‘ઉમરાવ જાન’ અને ‘મુઘલ-એ-આઝમ’ પ્લેમાં પણ ભાગ લીધો હતો, આ બધા કલાકારોની સાથોસાથ વાયોલિનના મશહૂર કલાકાર દીપક પંડિત સાથે પણ વાત કરી, પછી થયું કે આ વર્ષે ‘ખઝાના’માં નવીનતા લાવીએ એટલે ક્લાસિકલ ફ્યુઝન બૅન્ડ એવા સમર્પણ બૅન્ડ સાથે વાત કરી તો પ્રખ્યાત એવા અજય પવનકર જે શાસ્ત્રીય સંગીતના મહારથી છે અને તેમના સુપુત્ર અભિજિત પવનકાર જે કીબોર્ડ પર ખૂબ સરસ હાથ ધરાવે છે તેમની સાથે પણ વાત કરી અને ક્લાસિકલ ફ્યુઝન માટે તેમને તૈયાર કર્યા. આ બધા કલાકારો પછી ગઝલના ક્ષેત્રમાં બહુ ટૂંકા ગાળામાં ખૂબ મોટું નામ કરનારાં સુંદર ગાયિકા પૂજા ગાયતોંડે સાથે પણ વાત કરી અને એ પછી અમે વાત કરી સ્નેહા શંકર સાથે, જે નાની ઉંમરનાં અદ્ભુત કલાકાર છે. સ્નેહા શંકર શંકરશંભુની ફૅમિલીથી જોડાયેલાં છે, શંકર શંભુના દીકરા અને જાણીતા સંગીતકાર રામશંકરનાં દીકરી એટલે સંગીત તો તેને ગળથૂથીમાંથી મળ્યું છે.

બધા આર્ટિસ્ટોને રિક્વેસ્ટ કરી અને આમ ધીરે-ધીરે તૈયારી શરૂ કરી. લાઇવ શોની કોઈ શક્યતા નહોતી એટલે અમે નક્કી કર્યું કે આ પ્રોગ્રામ શૂટ કરીને જ લોકો સુધી લઈ જઈએ. એવું પણ નક્કી કર્યું કે ઓછામાં ઓછા માણસો સાથે આપણે આ પ્રોગ્રામનું શૂટિંગ કરીએ જેથી કોઈ પણ કલાકાર સાથે સેફ્ટી, સિક્યૉરિટીની બાબતમાં જરા પણ કૉમ્પ્રોમાઇઝ ન થાય. શિવાજી પાર્ક પર બહુ પ્રખ્યાત હૉલ છે, વીર સાવરકર હૉલ. હૉલના મૅનેજમેન્ટ સાથે વાત કરી અને હૉલને બે દિવસ એકદમ સૅનિટાઇઝ કરીને હૉલમાં જ અમે ‘ખઝાના’નો આખો સેટ લગાડ્યો. લાઇટિંગ વિમલ જોશીએ સંભાળ્યું. વિમલ જોશી આઇએનટીના ખૂબ જાણીતા લાઇટિંગ-એક્સપર્ટ એવા ગૌતમ જોશીના દીકરા. સ્ટેજની તમામ જવાબદારી તેણે સંભાળી લીધી તો કાબિલ સાઉન્ડ એન્જિનિયર આશિષ ચૌબેએ સાઉન્ડની વ્યવસ્થા કરી. પ્રોગ્રામ હંગામા પર લાઇવ થવાનો હતો એટલે હંગામાએ ૬ કૅમેરા સાથે આખું યુનિટ અમને સોંપ્યું જે આખો શો શૂટ કરે.

હું સવારે એક્ઝૅક્ટ ૧૦ વાગ્યે પહોંચ્યો, આખું ઑડિટોરિયમ એકદમ સાફ, સ્પૉટ લેસલી ક્લીન. એકદમ સાફસૂથરા ઑડિટોરિયમમાં, બધું સૅનિટાઇઝ થયેલું, એકેએકના ચહેરા પર માસ્ક. એ પરિસ્થિતિમાં મારા મોઢા પર પણ માસ્ક અકબંધ હતું જે છેક ગાતાં પહેલાં મેં ઉતાર્યું અને ગાવાનું શરૂ કર્યું. મારો પાર્ટ મેં ગાયો અને એનું શૂટ પણ થયું. મારા પછી મારા બીજા કલાકારો આવ્યા અને બીજા દિવસે અન્ય કલાકારો આવ્યા. બપોરે અનુપ જલોટાજીએ આવીને બધું રેકૉર્ડ કર્યું. બે દિવસ ચાલ્યું આ આખું કામ અને હવે આ કાર્યક્રમ અમે આપની સમક્ષ રજૂ કરીશું. એક ખૂબ જ સુંદર કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે અને આ કાર્યક્રમ તમને સૌને બહુ ગમશે.

લૉકડાઉનના સમયમાં અને ઘરની અંદર પુરાઈ રહેલા આપણે બધાને જો આવો સરસ કાર્યક્રમ જોવા મળે તો ખૂબ મજા આવે. ગઝલના ચાહકો જે દુનિયાભરમાં છે તેમને માટે તો ખરેખર ખઝાનો જ છે. આ ખઝાનો બહુ જ રેર મળે અને આ ‘ખઝાના’ આપણે બધા સાથે માણી શકીએ એટલા માટે અમે ‘ખઝાના’નું લાઇવ સ્ટ્રીમિંગ કરીશું ‘ખઝાના’ના પ્રોગ્રામનું અને બીજી ઘણી બધી સોશ્યલ મીડિયા સાઇટ પર પણ થશે. શનિ-રવિના આ પ્રોગ્રામનું લાઇવ સ્ટ્રીમિંગ થશે. જો કોઈ અણધાર્યો ચેન્જ ન આવે તો.

આ કાર્યક્રમમાં પણ અમે કેટો નામની સંસ્થા સાથે ટાઇઅપ કર્યું છે, આ એ જ સંસ્થા છે જેની સાથે ગઝલ સિમ્ફની વખતે પણ ટાઇઅપ કરેલું. મારી આપ સૌને એ જ વિનંતી છે કે આપ પ્રોગ્રામ જુઓ અને આપને જેટલી લાગણી થાય, જેટલું મન થાય અને જેટલી આપને ઇચ્છા થાય એટલું યોગદાન તમે કૅન્સર પેશન્ટ્સ અને થૅલેસેમિયાનાં બાળકો માટે કરો તો અમે સૌ આપના ખૂબ ખૂબ આભારી રહીશું. ઈશ્વરને અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે તમે દિલ ખોલીને આ કાર્યક્રમમાં સહકાર આપો જેથી કૅન્સર પેશન્ટ્સ અને થૅલેસેમિયાનાં બાળકોની સેવાની જે પ્રવૃત્તિ ચાલે છે એમાં મદદ મળે અને અમને પણ હિંમત આપો જેથી આ પ્રવૃત્તિ અમે સતત કરતા રહીએ, ખાસ કરીને એવા સમયે જે સમયે કોવિડથી દુનિયાઆખી પરેશાન છે. જરૂર છે આ બાળકો અને કૅન્સર પેશન્ટ્સને આપણી મદદ પહોંચે. આ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં, ‘ખઝાના’ની વાત પૂરી કરું એ પહેલાં એક શેર કહેવા માગીશ. નિદા ફાઝલીએ કહ્યું છે...

ગલી કે નુક્કડ પે બચ્ચા મુશ્કુરાતા,

હૈરાન હૈ કોઈ કાશી કાબા ક્યું જાતા,  

હૈરાન હે કોઈ કાશી કાબા ક્યું જાતા...

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists pankaj udhas