પતંગ તો પાઇલટ જ ઉડાડી શકેને?

06 January, 2021 05:35 PM IST  |  Mumbai | Pankaj Udhas

પતંગ તો પાઇલટ જ ઉડાડી શકેને?

વો કાગઝ કી કસ્તી, વો બારિશ કા પાની: હું અને મારી બન્ને દીકરીઓ નાયાબ અને રિવા

ઊડતી પતંગ જોઈને નાયાબે મને નિર્દોષભાવે આવું પૂછી લીધું અને એ પછી મેં પતંગ ચગાવી, અમારી પતંગ જોઈને નાનકડી નાયાબના ચહેરા પર જે ખુશી આવી એ મને આજે પણ યાદ છે

પતંગનો મને ગાંડો શોખ, બધાને હોય. બાળક હોય ત્યારે બધાને આવું બધું ગમે, પણ મારી વાત જરા જુદી ખરી. કારણ કે હું ભણવાનું કામ અડધા કલાકમાં પતાવી નાખું અને પછી મારું ચાલે તો સાડાત્રેવીસ કલાક રમવાનું કામ કરું ખરો. ગયા વીકમાં મેં કહ્યું એમ દિવાળી પૂરી થાય એટલે હું પતંગ માટે માગણી શરૂ કરી દઉં. બાની તો મોટા ભાગે ના જ હોય, પણ મારા પિતાજી મનોમન પીગળી જાય અને એટલે કોઈક વાર ઑફિસથી આવે એટલે સરપ્રાઇઝરૂપે પતંગ લેતા આવે. પતંગ જોઈને હું જે રાજી થાઉં, સાહેબ, એવી ખુશી મને ક્યારેય નથી મળી. ક્યારેય એટલે ક્યારેય એવો આનંદ નથી આવ્યો જેવો આનંદ એ પતંગ મળતી ત્યારે થતો. પતંગ હોય અને એની સાથે માંજાની ફીરકી હોય. સરસમજાની નાની ફીરકી હાથમાં લઈએ ત્યારે રોમેરોમમાં ઝણઝણાટી પ્રસરી જાય. ત્રણથી ચાર કલરનો માંજો હોય. ગુલાબી એમાં સૌથી વધારે પૉપ્યુલર. બીજો કાળો રંગ અને ત્રીજા નંબરે પીળા રંગનો માંજો, પણ મોટા ભાગે બધા ગુલાબી માંજો જ લે.

અમારા રાજકોટમાં સદરબજાર બહુ પ્રખ્યાત. સીઝનલ બધી આઇટમ ત્યાં મળે અને આખું બજાર જ એનું. ધુળેટીમાં ત્યાં ભાતભાતના રંગ મળે, દિવાળીમાં બધી દુકાનોમાં ફટાકડા જ હોય. પતંગો પણ ત્યાં જ મળે. બાપુજી સાથે એ જગ્યાએ જઈએ એટલે આપણને એમ જ લાગે જાણે આખી દુનિયા મળી ગઈ.

એક વખત બધા મિત્રોએ ભેગા મળીને વિચાર્યું કે આપણે જાતે જ દોરો બનાવી લઈએ. એ સમયમાં સાંકળ આઠ નંબર નામનો દોરો આવતો. આ સાંકળનો એ સમયમાં જમાનો. પૈસા મળે એટલે અમારા ઘર પાસે એક દુકાન હતી ત્યાંથી રીલ લેતા આવવાની અને પછી રજાના દિવસ જાતે માંજો પાવાનો. અત્યારે તો કોઈને ‘માંજો પાવો’ એટલે શું એની પણ ખબર નહીં હોય.

માંજો પાવો એટલે દોરા ઉપર કાચ લગાડવાનો.

રજાનો દિવસ આવે એટલે આગલા દિવસે બપોરે કે સાંજે સોડાની બાટલીઓ લઈ આવવાની. એ સમયે ગોટીવાળી સોડાની બાટલી આવતી. અત્યારે તો કોઈએ જોઈ પણ નહીં હોય. એને ખાસ ઓપનરથી ખોલવાની હોય, ઓપનરથી ખોલો એટલે એક ટિપિકલ અવાજ સાથે એ બૉટલની ગોટી નીચે ઊતરી જાય અને પછી એમાંથી સોડા પીવાની. દોરો પાવા માટે અમે પાંચ-છ બાટલી વેચાતી લઈ આવતા. આખી સાંજ બેસવાનું અને બૉટલ ફોડીને એ બૉટલના કાચને ખાંડવાનો. ખંડાયેલા કાચને ચાળણીથી ગાળી-ગાળીને પાઉડર જેવો કાચનો ભુક્કો ભેગો કરી લીધા પછી એને ભરીને રાખી દેવાનો. હવે આવ્યો બીજો દિવસ. બીજા દિવસે સવારે પેઇન્ટનું એકાદ ટિન લઈ આવવાનું, એમાં જિલેટિન (જેને સરસ પણ કહે છે) અને પાણી નાખી આગ પેટાવવાની. આગથી જિલેટીન ઓગળે અને પછી પાણીને લીધે એ જિલેટીન ફેવિકૉલ જેવું ચીટકી શકે એવું પેસ્ટ થઈ જાય. તૈયાર થયેલા આ દ્રાવણમાં રીલ નાખી દેવાની અને એ રીલના દોરાનો છેડો ખેંચીને એક છોકરો ચાલતો-ચાલતો આગળ જાય અને બે છોકરા મુઠ્ઠીમાં કાચની ચીપટી બનાવીને આ ખુલ્લા દોરા પર કાચ ચોંટાડવાનું કામ કરે. પેલા જિલેટીનને લીધે કાચ દોરા પર ચોંટી જાય અને આમ અમારો માંજો તૈયાર થાય. આ આખો વ્યવસ્થિત પ્રોગ્રામ બનતો અને એનો જે આનંદ હતો એ અદ્ભુત હતો. એવો આનંદ જીવનમાં ક્યારેય જોવા મળ્યો નથી. સવારથી સાંજ સુધી આ જ કામ કરવાનું. મિત્રોની બે, ચાર, પાંચ ફીરકી બનાવવાની અને પછી એ જ ફીરકીથી પતંગ ઉડાડવાની. નવેમ્બરનું આ જ અમારું કામ અને આ જ અમારી પ્રક્રિયા. પછી આવે ડિસેમ્બર અને પછી જાન્યુઆરી.

સંક્રાન્ત આવે એટલે ઘરે પતાસાંના હારડા, ખજૂર, સિંગપાક, ધાણી એવી જાતજાતની આઇટમ આવે અને મકર સંક્રાન્તિની ઉજવણીની તૈયારી શરૂ થાય. ૨૦થી ૨૫ પતંગ ખરીદવાની. એકેક પતંગ છૂટી મળે નહીં એટલે પંજો (પાંચ પતંગનો સેટ) જ લેવાનો. ખરીદેલી એ બધી પતંગના કાનામાતર બાંધવા રાતે જ બેસી જવાનું એટલે સંક્રાન્તિનો સમય બગડે નહીં. જીવનની અદ્ભુત મજા અને અત્યંત સરળતા સાથે જીવવાનું. કોઈ મલ્ટિપ્લેક્સ કે નેટફ્લિક્સ નહીં, કોઈ ટેક્નૉલૉજી નહીં અને એ પછી પણ લખલૂટ આનંદ. હું તમને અત્યારે મારો ચહેરો દેખાડી નથી શકતો, પણ મારા ચહેરા પર અત્યારે પણ આ વાત યાદ કરીને જે ખુશી છે એ પણ અદ્ભુત છે.

આ બધી મજા રાજકોટમાં જ રહી ગઈ. ઉંમરની સાથે સ્કૂલમાંથી કૉલેજ આવ્યો અને એ પછી મુંબઈ આવ્યો. મુંબઈમાં શરૂઆતમાં લક્કીલી એક-બે મિત્રો એવા મળી ગયા જેઓ પતંગના શોખીન. ચીરાબજારમાં ભુલેશ્વર પાસે રહે. શરૂઆતમાં હું તેમને ત્યાં પતંગ ઉડાડવા જતો. એ સમયે ભુલેશ્વર, ગિરગાંવ, સાંતાક્રુઝ જેવા એરિયામાં ખૂબ પતંગો ઊડતી, પણ પછી તો એવો સમય પણ આવ્યો કે પતંગ ઉડાડવાનું સાવ છૂટી ગયું અને સૂરની દુનિયા આવી ગઈ. ૧૯૭૮-’૭૯નો સમય આવ્યો અને પછી તો મ્યુઝિક સિવાય બીજું કોઈ કામ જ નહીં, બધી પ્રવૃત્તિ બંધ થઈ ગઈ અને વર્ષો વીતતાં ગયાં.

મને પાક્કું યાદ છે કે એ દિવસે અચાનક જ પતંગ લાઇફમાં પાછી આવી. એ સમયે મારો બૅન્ગલોરમાં શો હતો અને ૧૪ જાન્યુઆરીની સવારની ફ્લાઇટમાં હું મુંબઈ પાછો આવ્યો. સંક્રાંતિનો આછોસરખો પણ અંદાજ નહીં. ઓતપ્રોત એટલો કામમાં કે બીજું કંઈ સૂઝે પણ નહીં. મુંબઈ આવીને ગાડીમાં બેઠો અને ગાડી ચાલી. ગાડી થોડી પસાર થઈ અને મારું ધ્યાન આકાશમાં ગયું. આકાશમાં પતંગો, અચાનક જ મને તારીખ યાદ આવી ગઈ. ૧૪ જાન્યુઆરી, સંક્રાન્તિ. ઘરે આવીને મેં મારી મોટી દીકરી નાયાબને પૂછ્યું કે બેટા, તેં કોઈ દિવસ પતંગ ઉડાડી છે? નાયાબે ના તો પાડી, પણ પછી મને સામો સવાલ કર્યો, ‘ડૅડી એ તો પાઇલટ જ ઉડાડી શકેને?’

આ એ સમયની વાત છે જે સમયે ટેલિવિઝન અને વિડિયો-ગેમ્સ ધામધૂમથી આવી ગયાં હતાં. સ્કૂલનું એજ્યુકેશન, હોમવર્ક, બીજા ક્લાસિસ. બપોરે ત્રણ વાગ્યે ઘરે આવે. પછી હોમવર્ક કરવા બેસે. હોમવર્ક પૂરું થાય એટલે ટીવી જોવાનું કે વિડિયો-ગેમ રમવાનું અને પછી દિવસ પૂરો. એકમાત્ર એન્ટરટેઇનમેન્ટ એટલે ટીવી. મેં નાયાબને કીધું, ‘આપણે ઉડાડવી છે પતંગ?’

નાયાબે મને સામો સવાલ પૂછ્યો કે તમને આવડે છે?

‘હું તો ચૅમ્પિયન છું.’

મેં નાયાબને તરત જ સાથે લીધી અને સીધો મહાલક્ષ્મી મંદિર પહોંચ્યો. ત્યાં મંદિરની સામે એક દુકાનમાં પતંગ અને માંજો મળે. દુકાનમાં ખૂબ ભીડ હતી. દુકાને જઈને મેં સારામાં સારો માંજો લીધો અને ૧૦ પતંગ લીધી. બે પંજા. અમે ઘરે આવ્યાં અને ઘરે આવીને કાના બાંધવાનું શરૂ કર્યું. નાયાબ મને જોયા જ કરે. એ સમયે રિવા ખૂબ નાની. બન્ને દીકરીઓને લઈને હું ટેરેસ પર ગયો અને મેં મારી વાઇફને ફિરકી પકડાવી. નાયાબને પતંગ મુકાવતાં શીખવ્યું, નાયાબે પતંગ મૂકી અને મેં એક ટીચકી મારી...

પતંગ આકાશમાં અને એ જોઈને નાયાબ જે ચિલ્લાઈ છે. એકદમ ખુશ, આનંદથી ચીસો પાડે. તેને માનવામાં જ ન આવે કે મારા પપ્પા પતંગ ઉડાડી શકે છે. મેં તો પતંગને ઢીલ દીધી અને અમારી પતંગ ઉપર ને ઉપર જતી જાય. પતંગ જેમ ઉપર જાય એમ મારી દીકરીના મોઢા પર ખુશી વધતી જાય. એવામાં એક બીજી પતંગ અમારી બાજુએ આવી અને એની પૅચ લાગી ગઈ. હું નાયાબને બધું દેખાડતો પણ જાઉં. નસીબ મારા એટલા સારા કે એ બધા પછી પેલી પતંગ કપાઈ.

શું કહું હું તમને? નાયાબની આંખોમાં એ સમયે જે પ્રેમ હતો એ એ સ્તરનો હતો જાણે તેનો ડૅડી સુપરપાવર ધરાવતો હોય. મિત્રો, મારે એ જ કહેવું છે કે આપણાં બાળકોને સાવ જ નિર્દોષ આનંદમાં પણ ખૂબ ખુશી થાય. નાની-નાની વાતોમાં તે મજા લઈ શકે છે. આજે તો સ્માર્ટફોન, આઇપૅડ અને ઇન્ટરનેટને કારણે નેટફિલક્સ અને ઍમેઝૉન પ્રાઇમ જેવા એન્ટરટેઇનમેન્ટનાં સાધનો વધી ગયાં અને એ લોકો આ બધામાંથી માથું ઊંચું નથી કરતા, પણ તેમને બહાર લઈ આવવાની જરૂર છે અને આ જવાબદારી દરેક માબાપની છે. ગિલ્લીદંડો તેમણે જોયાં નથી, ગલી ક્રિકેટ શું હોય કે પછી ભમરડો કેવો દેખાય એની તેને ખબર નથી અને સાચું તો એ છે કે એ બધામાં જ તો તેનો ડૅડી સુપરમૅન હોય છે. તમારો સુપરપાવર દેખાડવા માટે પણ એ બધું પાછું લઈ આવો.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists pankaj udhas