મુઘલ-એ-આઝમની બીજી અનારકલી

23 January, 2021 12:53 PM IST  |  Mumbai | Raj Goswami

મુઘલ-એ-આઝમની બીજી અનારકલી

શહેનાઝ બિયા

નિયતિ કહો કે યોગાનુયોગ, પણ કેટલીક વાર અમુક ઘટનાઓ એવી રીતે એકબીજા પર પ્રભાવ નાખતી હોય છે કે પછીથી આપણે એને યાદ કરીએ તો એમ જ થાય કે આ ચમત્કાર કેવી રીતે થયો હતો! તમે હિન્દી સિનેમાની સૌથી મહાન ફિલ્મ ‘મુઘલ-એ-આઝમ’ની કલ્પના મધુબાલા વિના કરી શકો? હા, એવું થતાં-થતાં રહી ગયું હતું. એમાં તમને એમ ખબર પડે કે મધુબાલાને દિલીપકુમાર સાથે બોલવાનાય સંબંધ નહોતા અને છતાં તેણે કેટલા દિલથી અનારકલીની

ભૂમિકાને ન્યાય આપ્યો હતો! ત્રીજી નિયતિ; ‘મુઘલ-એ-આઝમ’ વખતે મધુબાલા મરી રહી હતી! હા, તેને હૃદયની બીમારી હતી અને ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા અને છતાં મધુબાલાએ તેની કારકિર્દીનો શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આ ફિલ્મમાં આપ્યો હતો.

આ કૉલમમાં ઍક્ટ્રેસ મધુબાલા પરના લેખમાં લખ્યું હતું કે ‘૧૯૬૦માં ‘મુઘલ-એ-આઝમ’ બની ત્યારે મધુબાલા અને દિલીપકુમાર વચ્ચે અબોલા હતા અને છતાં તેમની વ્યાવસાયિક ઈમાનદારી એટલી સરસ હતી કે સલીમ અને અનારકલીના પાત્રમાં તેમણે કોઈ કચાશ છોડી નહોતી. ઝઘડો બી. આર. ચોપડાની ફિલ્મ ‘નયા દૌર’ (૧૯૫૭)ના આઉટડોર શૂટિંગમાં જવાને લઈને થયો હતો. વૈજયંતી માલાએ એમાં રજની નામની છોકરીની જે ભૂમિકા કરી હતી એ મૂળ મધુબાલા કરવાની હતી. તેને ઍડ્વાન્સમાં પૈસાનો હપ્તો પણ ચૂકવાઈ ગયો હતો અને ૧૫ દિવસનું શૂટિંગ પણ કર્યું હતું.

એનું એક આઉટડોર શૂટિંગ ગ્વાલિયરમાં નક્કી થયું હતું. એ વખતે મધુબાલા અને દિલીપકુમારના રોમૅન્સની વાતો ખૂબ ઊડી હતી. મધુબાલાના પિતા અતાઉલ્લાહ ખાને મધુબાલાને આઉટડોરમાં જવા માટે ના ફરમાવી દીધી. તેમને એવું લાગ્યું હતું કે દિલીપકુમારના કહેવાથી જ આઉટડોર શૂટિંગ ગોઠવાયું હતું, જેથી મધુબાલા સાથે તેને મોકળું મેદાન મળે. ચોપડાએ દિલીપસા’બની મદદ માગી ત્યારે દિલીપસા’બ અને મધુબાલાના એન્ગેજમેન્ટ થયા હતા. દિલીપસા’બે મધ્યસ્થી કરી, પણ મધુબાલાએ પિતાની અવજ્ઞા કરવાની ના પાડી દીધી અને આઉટડોર પર જવાની ના પાડી દીધી. એટલે ચોપડા પ્રોડક્શને મધુબાલા સામે કેસ દાખલ કર્યો, જે એક વર્ષ ચાલ્યો.’

એના પગલે બન્ને વચ્ચે બ્રેકઅપ થયું. મધુબાલા કિશોરકુમારને પરણી ગઈ એનું મૂળ કારણ આ બ્રેકઅપ હતું. મધુબાલાને બાળપણથી વેન્ટ્રિક્યુલર સેપ્ટલ ડિફેક્ટ નામની બીમારી હતી, જેને આપણે હૃદયમાં કાણું કહીએ છીએ. આ બૅકગ્રાઉન્ડ વચ્ચે બન્ને ‘મુઘલ-એ-આઝમ’માં ભેગાં થયાં અને અને ઇતિહાસ રચી ગયાં. ‘મુઘલ-એ-આઝમ’નાં અમુક દૃશ્યોમાં મધુબાલા ફિક્કી દેખાય છે એ આ લોહીની બીમારીને કારણે.  ફિલ્મ સાથે સંકળયેલા લોકો એવું કહે છે કે ‘મુઘલ-એ-આઝમ’ના આકરા શૂટિંગને કારણે મધુબાલા પર બહુ દબાણ પડ્યું હતું, પણ તે જાણે મોત સામે જીદે ચડી હોય એમ કામ કરતી હતી. ફિલ્મના જાણીતા ગીત ‘બેકસ પે કરમ કિજિયે’ના શૂટિંગમાં મધુબાલાએ શરીર પર ઉઝરડા પડી જાય એવી લોખંડની ભારેખમ ઝંજીરોમાં પર્ફોર્મન્સ આપ્યો હતો.

દિલીપકુમાર તેમની આત્મકથામાં લખે છે કે ‘મુઘલે-એ-આઝમ’ અડધી થઈ ત્યારેય અમારી વચ્ચે બોલવાના સંબંધ પણ નહોતા. ફિલ્મનું જે યાદગાર દૃશ્ય છે જેમાં અમારા બન્નેના હોઠ વચ્ચે પીંછું આવે છે એ જ્યારે શૂટ થયું ત્યારે અમે એકમેકની સામે પણ નહોતાં જોતાં.

આજે તમે ‘મુઘલ-એ-આઝમ’ની અનારકલીની ભૂમિકામાં મધુબાલા સિવાયની બીજી કોઈ ઍક્ટ્રેસની કલ્પના પણ કરી ન શકો, પણ હકીકત એ છે કે એ ભૂમિકા માટે મધુબાલા પહેલી પસંદગી નહોતી. આ ત્રીજી નિયતિની વાત છે. સોફિયા નાઝ નામની પાકિસ્તાનની કવયિત્રીએ સનસનીખેજ દાવો કર્યો છે કે

‘મુઘલ-એ-આઝમ’માં અનારકલીના રોલ માટે પહેલી પસંદગી તેની મમ્મી શહેનાઝ બિયા હતી, પરંતુ પરિવારના ફિલ્મો પ્રત્યેના વિરોધને કારણે તેમણે એ રોલ જતો કરવો પડ્યો હતો. મધુબાલાની પસંદગી એ પછી કરવામાં આવી હતી.

પાકિસ્તાનના પ્રતિષ્ઠિત ‘ડૉન’ સમાચારપત્રમાંના એક લેખમાં નાઝે આ દાવો કર્યો છે. તેના કહેવા પ્રમાણે ૧૯૫૦ની શરૂઆતમાં ભોપાલથી શાદી કરીને તેની મા મુંબઈ આવી ત્યારે એક નાટકમાં તેણે અનારકલીની ભૂમિકા કરી હતી. કે. આસિફે આ નાટક જોયું હતું અને તેમને આ અનારકલીની ભૂમિકા માટે આ કલાકાર પસંદ પડી ગઈ હતી. તેમણે ‘મુઘલ-એ-આઝમ’ના સેટ પર આ ‘અનારકલી’ના ૨૦૦ ફોટો પણ લીધા હતા, જેમાં એક પેલો પ્રસિદ્ધ ફોટો પણ હતો, જેમાં સલીમ તેને ચુંબન કરવા જાય છે ત્યારે અનારકલીના ચહેરા પર એક મોટું પીંછું લહેરાય છે. નાઝ કહે છે, ‘આ અને બીજા અનેક ફોટો આલબમમાં હતા અને એ કરાચીમાં સ્થાયી થઈ એ પછી વારંવાર ખોલીને જોતી હતી. એમાં મુંબઈની ફિલ્મી પાર્ટીઓના, દિલીપકુમાર અને જવાહરલાલ નેહરુ સાથેના અનેક ફોટો છે.

નાઝનો બીજો સનસનીખેજ ખુલાસો એ પણ છે કે તેની માને ઘરમાં ખૂબ માર પડતો હતો (તેનો પતિ તેને ‘ચાલુ’ કહેતો હતો). તેનો પતિ રાજકારણી અને બૅરિસ્ટર હતો. ૭ વર્ષ સુધી તેની મા (મારનાં ચાંઠાં ન દેખાય એટલે) મોઢા પર પાલવ વીંટાળીને તેની સાથે સભામાં જતી, પ્રવાસ પર જતી. મુંબઈના ત્યારના જાણીતા ડૉક્ટર વી. એન. શિરોડકરે તો તેની માને એવું પણ કહ્યું હતું કે તું જો જલદીથી ડિવૉર્સ નહીં લે તો માર

ખાઈ-ખાઈને ૬ મહિનામાં જ મરી જશે.

તેણે ડિવૉર્સ તો લીધા, પણ પતિએ બે બાળકોનો કબજો પણ લઈ લીધો. એ પછી તે ફરીથી શાદી કરીને કરાચીમાં સ્થાયી થઈ ગઈ. એ પછી ૨૦ વર્ષ સુધી તે બાળકો માટે લડતી રહી, પણ બાળકો મળવા માટે પણ તૈયાર ન હતાં. પતિએ બાળકોને પણ ઠસાવી દીધું હતું કે તમારી મા તો ‘ચાલુ’ ઔરત છે.

સોફિયા નાઝ લખે છે કે ‘હું મારી માની આ વાત પહેલી વાર જાહેર કરી રહી છું. તે ૨૦૧૨માં મૃત્યુ પામી હતી. તેનો પહેલો પતિ હયાત નથી, પણ મુંબઈમાં લોકો તેને ઇસ્લામિક સ્કૉલર અને લેખક તરીકે યાદ કરે છે. મારાં સાવકાં ભાઈ-બહેન મારી મા સાથે ઘરેલુ હિંસાની વાતનો ઇનકાર કરે છે. મેં તેમની વાત માની હોત અને મેં પણ ‘મા ચાલુ હતી’ એવું સ્વીકારી લીધું હોત તો હું આજે એ ઘરમાં હોત, પણ મારે મારી માને એમ ભૂંસાઈ જવા દેવી નહોતી.’

દિલચસ્પ વાત એ છે કે ‘ડૉન’ અખબારમાં પ્રગટ થયેલા આ આખા લેખમાં સોફિયાએ તેની મા કે સાવકા પિતાનું નામ નથી લખ્યું. છેક છેલ્લી લાઇનમાં તે ‘શેહનાઝ’ નામનો ઉલ્લેખ કરે છે, જે અધૂરો છે. જોકે પછીથી જાણકારોએ કહ્યું કે તેનું નામ શહેનાઝ બિયા હતું. સોફિયા લખે છે, ‘મારી માના ઇન્તેકાલ પછી મેં મારાં માતા-પિતા તરફની અટક ત્યજી દીધી અને વચ્ચેનું નામ નાઝ અપનાવ્યું. નાઝ પણ મને તેણે તેની પોતાની માલિકીના નામને તોડીને આપ્યું હતું, શહેનાઝ. ‘પોતાના’ એ અર્થમાં કે તે જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે પરિવારે આપેલા નામને ઠુકરાવીને તેણે જાતે જ શહેનાઝ પસંદ કર્યું હતું. હવે મારી માની બેટી સોફિયા નાઝ તરીકે માતૃત્વનું આ દાયિત્વ હું મારા મોત સુધી ગૌરવથી નિભાવીશ.’ સોફિયાએ તેની માના જે ફોટો શૅર કર્યા છે જે ખાસ્સા આકર્ષક છે.

આ લેખ એટલો ચર્ચાસ્પદ થયો કે સોફિયાએ ઑગસ્ટ ૨૦૨૦માં તેની માતા પર ‘શહેનાઝ’ નામે એક પુસ્તક પણ લખ્યું હતું. એ પુસ્તકમાં તે દાવો કરે છે કે મુંબઈમાં તેની માતાના નાટક ‘અનારકલી’નાં ત્રણ સપ્તાહ થઈ ગયાં હતાં અને એક દિવસ કે. આસિફ તેના ડ્રેસિંગરૂમમાં આવ્યા હતા અને માતાની સામે ઘૂંટણિયે પડી, બે હાથ પહોળા કરીને કહ્યું હતું કે ‘અનારકલી! મને તું મળી ગઈ છે અને હું તને હિન્દુસ્તાનની સૌથી જાણીતી સ્ત્રી બનાવી દઈશ, તું

‘મુઘલ-એ-આઝમ’માં કામ કરવાની છે.’

કે. આસિફે ‘મુઘલ-એ-આઝમ’ના સેટ પર અનારકલીના પહેરવેશમાં શહેનાઝની અમુક તસવીરો લીધી હતી એની સાથે રૂપિયાની થપ્પી લઈને તેઓ શહેનાઝના ઘરે ‘સોદો’ પાકો કરવા ગયા હતા. સોફિયાના લખવા પ્રમાણે એ દિવસે ઘરમાં શહેનાઝના બે ભાઈઓ અલીમમિયાં અને ઘનીમિયાં અકસ્માતે હાજર હતા. કે. આસિફે સ્ટુડિયોમાં પાડેલી શહેનાઝની તસવીરો સાથે રૂપિયાની થપ્પી ટેબલ પર મૂકી એ જોઈને બેય ભાઈઓ ભડકી ગયા હતા. અલિમમિયાંએ એક તસવીર હાથમાં ઉઠાવીને ચીરી નાખી અને કહ્યું, ‘તારી હિમ્મત કેમ ચાલી! ગેટઆઉટ.’

કે. આસિફ એકેય શબ્દ બોલ્યા વગર

ઘરની બહાર નીકળી ગયા. એ દિવસે

‘મુઘલે-એ-આઝમ’ની ‘બીજી’ અનારકલીનું સપનું લીરેલીરા થઈ ગયું હતું.

(સોફિયા નાઝ અનેક સાહિત્યિક સામયિકોમાં અંગ્રેજી-ઉર્દૂમાં લખે છે. તેના ત્રણ કાવ્યસંગ્રહ પ્રગટ થયા છે. તે દક્ષિણ એશિયાઈ સાહિત્યના પખવાડિક ધ સનફ્લાવર કલેક્ટિવની પોએટ્રી એડિટર છે. સોફિયા મહિલા કવિઓને સમર્પિત વેબસાઇટ પણ ચલાવે છે.)

columnists raj goswami