દુઃખ જીવનને નિરર્થક બનાવે, દુર્બુદ્ધિ જીવનને નુકસાનકારી

30 November, 2021 05:04 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

‘મહારાજસાહેબ, ૧૦ મિનિટ જોઈએ છે. અતિ અગત્યની વાત કરવી છે.’ બપોરના સમયે આંખમાં આંસુ સાથે એક ભાઈએ ઉપાશ્રયમાં વાત કરી

પ્રતીકાત્મક તસવીર

‘મહારાજસાહેબ, ૧૦ મિનિટ જોઈએ છે. અતિ અગત્યની વાત કરવી છે.’ બપોરના સમયે આંખમાં આંસુ સાથે એક ભાઈએ ઉપાશ્રયમાં વાત કરી એટલે બે-ચાર દિવસ પછી મળવાનું કહ્યું; પણ તેમણે ના પાડતાં કહ્યું, ‘ના, મહારાજસાહેબ, દિવસનો પણ વિલંબ જોખમી પુરવાર થાય એમ છે.’

પરવાનગી આપી એટલે તેઓ બેઠા અને વાતની શરૂઆત કરી.

‘મહારાજસાહેબ, મારા બનેવીની ઉંમર ૪૫, પહેલાં આર્થિક સ્થિતિ ખૂબ સારી હતી, પણ હમણાં મંદીમાં આવી ગયા. માથે પાંચેક લાખનું દેવું છે. ચૂકવવાની સ્થિતિ નથી. ઘરખર્ચ પણ બીજાની સહાયથી નીકળે છે. મુશ્કેલી એ છે કે દેવું ભરપાઈ કરવા અમને કોઈનેય પૂછ્યા વિના તેમણે પોતાની એક કિડની વેચવાનો નિર્ણય કરી લીધો છે અને ફૉર્મ ભરીને તેમણે મોકલી પણ દીધું છે.’

બીજા દિવસે એ ભાઈને મળવા બોલાવ્યા અને વાત શરૂ કરી.

‘દેવું તો પાંચ લાખનું છે ને એયે એક જણનું નથી, ચારનું છે. ધમકાવતું કોઈ નથી, પણ વિનંતી કરતો એક ભાઈનો ફોન આવ્યો, તેમણે કહ્યું કે દીકરીનાં લગ્ન છે. એને માટે આ બચત કરી હતી, જે તમને આપી છે. વાત કરતાં તેઓ રડી પડ્યા એટલે ચારેય બાજુનો વિચાર કરતાં આ એક વિચાર પર મન સ્થિર કર્યું.’ એ ભાઈની આંખમાં પણ આંસુ આવી ગયાં હતાં. ‘મારા સાળાએ આજ સુધી ખૂબ સહાય કરી છે. પણ તેણે કંઈ જિંદગીભર મદદ કરતા રહેવું. બસ, આ જ ખ્યાલથી મેં તેમની જાણ બહાર મારી કિડની આપી દેવાનું પાકું કરી લીધું, પણ ગમે ત્યાંથી આ વાતની તેમને ખબર પડતાં તેમણે આવીને આપની આગળ વાત કરી દીધી.’

એ ભાઈએ હાથ જોડ્યા, ‘મારો નિર્ણય અફર છે, લેણિયાતની દીકરીનાં લગ્ન બગાડવાં નથી...’

ભાવના જોઈને મેં મનોમન લીધેલો નિર્ણય તેમને કહ્યો.

‘હું કરાવી દઉં પૈસાની વ્યવસ્થા, ચારેક શ્રાવકને કહીશ એટલે વાત પતી જશે, પણ તમારે એક નિયમ લેવો પડશે.’

‘શેનો?’

‘કિડની ક્યારેય નહીં વેચવાનો...’

‘નહીં વેચવાનો નિયમ લઈશ, પણ નહીં આપવાનો નિયમ નહીં લઉં.’ ચોખવટ કરતાં તેમણે કહ્યું, ‘ભવિષ્યમાં કોઈ પણ સાધુ-સાધ્વીજી ભગવંતને કિડનીની જરૂર પડે તો મારી કિડની હું આપીશ. આપ આર્થિક મદદ કરીને મારી સમાધિમાં નિમિત્ત બનો છો તો કિડની આપીને કોઈક મહાત્માની સમાધિમાં હું નિમિત્ત કેમ ન બનું?’

દુઃખ જીવનને નિરર્થક બનાવી દે એ શક્યતા ચોક્કસ, પણ દુર્બુદ્ધિ તો જીવનને નુકસાનકારી બનાવી દે એમાં તો કોઈ ના ન પાડી શકે.

આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.

columnists