ઓછી થઈ રહેલી સંપત્તિ અને વધી રહેલું પુણ્યનું ભાથું

29 August, 2019 02:36 PM IST  |  મુંબઈ | મુંબઈ, તને લાખ લાખ નમસ્કાર - પદ્‌મભૂષણ જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.

ઓછી થઈ રહેલી સંપત્તિ અને વધી રહેલું પુણ્યનું ભાથું

મરીન ડ્રાઈવ

‘પણ તમારી આ પ્રવૃત્તિ પાછળનું રહસ્ય મગજમાં બેસતું નથી.’

પ૦-પપ વર્ષની પ્રૌઢ વય.

આચારચુસ્તતા તેમની વખણાય અને એમાંય પ્રભુદર્શનની તેમની લગન તથા દર્શન કર્યા પછી પ્રભુસ્મરણની તેમની ધગશ જોતાં તો સ્તબ્ધ થઈ જવાય. લગભગ ૧૦૦૮ તીર્થના મૂળનાયક ભગવંતોનાં નામ તેમને સાવ મોઢે.

આપણે અત્યારે જ સાંભળ્યું હોય અને છતાં ભૂલી જઈએ એવું બને અને એ સહજ કહેવાય, પણ તેમણે વર્ષો પહેલાં દર્શન કર્યાં હોય એમ છતાં એમાં એક ભૂલ ન પડે. રજેરજ વાત તેમને યાદ હોય.

આવા પ્રભુભક્ત શ્રાવકની વર્ષો પહેલાંની એક ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ પાછળનું રહસ્ય જાણવા તેમની જ બાજુમાં રહેતા એક શ્રાવકે પ્રશ્ન પૂછ્યો,

‘પણ તમારી આ પ્રવૃત્તિ પાછળનું રહસ્ય મગજમાં બેસતું નથી.’

‘કઈ પ્રવૃત્તિ?’ 

‘રોજ સવારે થેલીમાં ૫, ૧૦, ૨૦ પૈસાનું પરચૂરણ લઈને બિલ્ડિંગની નીચે બેસવાનું, નાનાં-નાનાં જેટલાં બાળકો દેરાસર તરફ જતાં હોય તેમને સામે ચાલીને બોલાવવાનાં, તેમના હાથમાં પરચૂરણ આપવાનું અને સૌને આ પરચૂરણ દેરાસરના ભંડારમાં નાખવાનું સૂચન કરવાનું.’

‘તમારી આ પ્રવૃત્તિ પાછળનું રહસ્ય સમજાતું નથી.’

‘એ મારો શોખ છે.’

‘શોખ?’

‘હા.’

‘પણ આવો શોખ બીજા કોઈને હોવાનું મેં આજ સુધી સાંભળ્યું નથી.’

‘નહીં સાંભળ્યું હોય.’

‘તમે વાત ઉડાવતા હો એમ લાગે છે. બાકી, આવી ઉમદા પ્રવૃત્તિ પાછળ કંઈક ને કંઈક રહસ્ય તો હોવાનું જ.’

‘રહસ્ય જાણવાનો જ્યારે તમારો આટલોબધો આગ્રહ છે ત્યારે સાંભળી લો. આમ જોવા જાઓ તો આ પ્રવૃત્તિ પાછળ કોઈ રહસ્ય નથી, માત્ર મારી આ એક ભાવના છે.’

‘શી ભાવના?’

‘આ બાળકો છેને, શરીરથી નાનાં છે અને મનથી નિર્દોષ છે. તેમના જીવનની પાટી પર આ ઉંમરે ખોટું કે ખરાબ ખાસ ચીતરાયેલું હોતું નથી અને આપણે જો સાચું અને સારું ચીતરી દઈએ તો તેઓ એ માટે તૈયાર હોય છે.’

‘બરાબર...’

‘એક વાત આ અને બીજી વાત એ કે આજનાં મા-બાપોને પોતાનાં બાળકોને ચૉકલેટ આપવાનો સમય છે, રમકડાં આપવાનો સમય છે, નવડાવવા-ધોવડાવવાનો સમય છે, પણ સુસંસ્કાર આપવાનો સમય નથી.’

‘અમુક અંશે એ વાત સાથે સહમત થવાનું મન થાય છે, પણ એને અને તમારા આ શોખને શી નિસબત?’

‘મને એમ લાગ્યું કે બાળકોની આ નિર્દોષતાનો મારે લાભ ઉઠાવી લેવો જોઈએ અને તેમનાં મા-બાપોની તેમના પ્રત્યેની ઉપેક્ષાને મારે સરભર કરી દેવી જોઈએ. બસ, એ ખ્યાલે આ પ્રવૃત્તિ ચાલુ કરી છે. દેરાસર જતાં તમામ બાળકોને પરચૂરણ તો આપું જ છું, પણ સાથે ખાસ કહું છું કે આ પરચૂરણ ભંડારમાં નાખજો.’

‘એમાં બાળકોમાં સંસ્કાર શા પડે?’

‘સંસ્કાર મળે જ મળે. જો આ ઉંમરથી તેમને દેરાસરના ભંડારમાં પૈસા નાખવાની ટેવ પડી જાય તો મોટા થયા પછી તેઓ સહજ રૂપે દેરાસરમાં પૈસા નાખવા લાગવાના અને પૈસા છોડવાની ભાવના તેમના મનમાં આવવાની. તેમના મનમાં પડી રહેલા સંસ્કારો તેમને સર્વ ક્ષેત્રોમાં ઉદાર બનવા તૈયાર કરતા રહેવાના.’ 

‘પણ આખા બિલ્ડિંગના છોકરાઓને આમ રોજેરોજ પરચૂરણ આપતા રહેવામાં તો તમારા કેટલા રૂપિયા ઓછા થતા હશે?’

‘તમને મારા ઓછા થઈ રહેલા રૂપિયા દેખાય છે, મને મારું પુણ્ય વધી રહેલું દેખાય છે. તમને મારા સમયનો વ્યય થઈ રહેલો દેખાય છે, મને મારા સમયનો શ્રેષ્ઠ સદુપયોગ થઈ રહેલો દેખાય છે. મારા પક્ષે આ લાભ છે તો બાળકોના પક્ષે સુસંસ્કારિતા. બાળકોના આખા જીવનને સુસંસ્કારિત બનાવવામાં નિમિત્ત બનવાનો લાભ હું સાવ સસ્તામાં ખાટી રહ્યો છું.’

પેલા શ્રાવક તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા.

ધર્મપ્રેમ આ જ કામ કરે છે. એ સ્વયં તો પોતાનું આત્મકલ્યાણ નિશ્ચિત બનાવતો રહે છે, પણ અનેક આત્માઓ પોતાનું આત્મકલ્યાણ શી રીતે નિશ્ચિત કરી દે એની એ તકો શોધતો હોય છે. 

તપાસજો અંતઃકરણને, આવો ધર્મપ્રેમ ત્યાં પ્રતિષ્ઠિત થયો છે ખરો? જો ન થયો હોય તો એ દિશામાં પ્રયત્નશીલ બનવા જેવું છે. વધતું પુણ્ય અને સમયનો સદુપયોગ બન્ને થતાં તમને દેખાશે.

columnists