દુઃખ જોઈતું જ નથી, દુઃખ આપવું જ નથી

01 September, 2019 02:30 PM IST  |  મુંબઈ | મુંબઈ, તને લાખ લાખ નમસ્કાર - પદ્‌મભૂષણ જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.

દુઃખ જોઈતું જ નથી, દુઃખ આપવું જ નથી

મરીન ડ્રાઈવ

‘મહારાજસાહેબ, મનમાં એક શંકા છે. એનું સમાધાન જોઈએ છે.’

સીએ પાસ થઈ ચૂકેલો યુવક સામે ઊભો છે.

સ્થળ છે મુલુંડમાં ઝવેર રોડ પર આવેલા જૈન ઉપાશ્રયનું.

‘બોલ.’

‘શરીર પર મચ્છર બેસે છે ત્યારે એને ઉડાડતો તો નથી, પણ બને છે એવું કે એક મચ્છર વધુમાં વધુ ૧૮થી ૨૦ મિનિટ સુધી શરીર પર બેસી રહે છે, પછી જ્યારે એ ઊડવા જાય છે ત્યારે ઊડી શકતો નથી. અર્થાત્ શરીર પરથી મચ્છર ઊતરી જાય છે પછી જ્યાં પડે છે ત્યાં જ પડ્યો રહે છે. પોતાની મેળે એ ઊડી શકતો હોય એવું દેખાતું નથી. એની પાછળનું કારણ શું હશે?’

‘કદાચ એવું બનતું હોય કે જેમ પૂરતું જમી લીધા પછી માણસ સુસ્ત થઈ જાય છે, મચ્છર પણ એ જ રીતે શરીરનું લોહી પૂરતું પી લીધા પછી સુસ્ત બની જતો હોય અને એ કારણે ઊડી શકતો ન હોય.’

‘તો કરવું શું?’

‘શરીર પર એને ૧૮-૨૦ મિનિટ સુધી ન બેસવા દેતાં થોડો વહેલો ઉડાડી દેવો.’

જવાબ આપ્યા પછી મારા મનમાં જાગેલી દ્વિધા મેં વ્યક્ત કરી દીધી.

‘એક વાત મારે તને પૂછવી છે. આજ સુધીમાં મારી પાસે તું અત્યારે જેવી શંકા લઈને આવ્યો છે એવી શંકા લઈને કોઈ ક્યારેય આવ્યું નથી. મચ્છરને શરીર પર બેસવા દેવો અને એ પણ ૧૮-૧૮, ૨૦-૨૦ મિનિટ સુધી. કારણ કંઈ?’

‘મહારાજસાહેબ, પ્રવચનોમાં સાંભળ્યું છે અને પુસ્તકોમાં પણ વાંચ્યું છે કે બીજાને જ્ઞાન ભણતા રોકીએ તો આપણને જ્ઞાનની અંતરાય બંધાય, બીજાને વસ્ત્રોથી વંચિત રાખીએ તો આપણે વસ્ત્રોથી વંચિત રહેવું પડે, બીજાને સંકલેશ કરાવીએ તો આપણે સમાધિ ગુમાવવી પડે, બીજાને તરસ્યા રાખીએ તો આપણે તરસ્યા રહેવું પડે અને બીજાને ખોરાકથી વંચિત રાખીએ તો આપણે ખોરાકથી વંચિત રહેવું પડે.

ખુદ ઋષભદેવ ભગવાનના જીવે પૂર્વ ભવમાં બળદને ખોરાકથી વંચિત રહેવું પડે એવી સલાહ ખેડૂતને આપી હતી અને એનાથી બંધાયેલાં કર્મ ઉદયમાં આવ્યાં ત્યારે તેમણે ૪૦૦-૪૦૦ દિવસ સુધી અન્ન-પાણી વિના વિહરવું પડ્યું હતુંને?

બસ, કર્મના આ ગણિતને જ્યારથી હું સમજ્યો છું ત્યારથી મેં નિર્ણય કર્યો છે કે કોઈનેય કમસે કમ ખોરાકના ક્ષેત્રે તો અંતરાય ન જ કરવી. રોટલી જો મારો ખોરાક છે તો લોહી મચ્છરનો ખોરાક છે. રોટલીનો અંતરાય જો હું કોઈનેય કરતો નથી તો લોહીનો અંતરાય મચ્છરને કરવાની મારે શી જરૂર?

આ નિર્ણયના આધારે હું મચ્છરને શરીર પર બેસવા દઉં છું, ઉડાડતો નથી. એની ઇચ્છા હોય ત્યાં સુધી ડંખ મારવા દઉં છું.’

સીએ પાસ થઈ ચૂકેલા યુવકની કર્મના ગણિત પ્રત્યેની પ્રચંડ શ્રદ્ધા સૂચવતી આ વાત સાંભળીને હું તો સ્તબ્ધ થઈ ગયો. માણસ માણસને ખોરાકનો અંતરાય ન કરે એ તો હજી સમજાય, પણ મચ્છરનેય અંતરાય ન કરે એ તો સાચે જ ચમત્કાર છે. મનોમન એ યુવકની આ શ્રદ્ધાને નમસ્કાર તો થઈ ગયા છતાં તેને પૂછ્યું:

‘મચ્છર કરડવાથી મલેરિયા થઈ જાય છે એનું શું?’

‘મને તો આજ સુધી નથી થયો.’

‘પણ ભવિષ્યમાં નહીં જ થાય એવું થોડું છે?’

‘થશે તો એને વેઠી લેવાની મારી પૂર્ણ તૈયારી છે. બાકી ભૂખનું દુઃખ કેવું હોય છે એ તો જેણે વેઠ્યું હોય તેને જ ખ્યાલ હોય છે. મારે જો ભવાંતરમાં ભૂખનું દુઃખ વેઠવું નથી તો મચ્છરને મારે ભૂખનું દુઃખ વેઠવા દેવું ન જ જોઈએ એ બિલકુલ સમજાય એવું ગણિત છે.’

યુવકના મનમાં હજી પણ દ્વિધા હતી એટલે તેણે મને ફરી સવાલ કર્યો,

‘મહારાજસાહેબ, આપ કહો છો એમ હું મચ્છરને ૧૮-૨૦ મિનિટ સુધી ન બેસવા દેતાં થોડો વહેલો ઉડાડી દઈશ

તો એમાં મને ખોરાકનો અંતરાય તો નહીં બંધાયને?’ 

યુવાનના આ પ્રશ્ને મને સાચે જ ખળભળાવી નાખ્યો.

બુદ્ધિને એક જ બાબતમાં રસ છે, ‘મને ક્યારેય દુઃખ ન પડવું જોઈએ.’

હૃદયને એક જ બાબતની ચિંતા છે, ‘મારા નિમિત્તે કોઈને ક્યારેય દુઃખ ન પડવું જોઈએ.’

જગત આમ ભલે અનેક રીતે વિભાજિત થયેલું દેખાતું હોય, પણ મુખ્ય વિભાજન આ બે ક્ષેત્રે જ છે, ‘દુઃખ જોઈતું જ નથી’ અને ‘દુઃખ આપવું જ નથી.’

 ‘દુઃખ જોઈતું જ નથી’ એ ક્ષેત્રે તમને શ્રીમંત, વિદ્વાન, લેખક, ડૉક્ટર, વકી‍લ, પત્રકાર, ઉદ્યોગપતિ મળી

રહેશે ત્યારે ‘દુઃખ આપવું જ નથી’

આ પણ વાંચો : ઓછી થઈ રહેલી સંપત્તિ અને વધી રહેલું પુણ્યનું ભાથું

એ ક્ષેત્રે તમને સજ્જન-સંત-પરમાત્મા મળી રહેશે. જાતને સહેજ ગંભીરતાથી પૂછી લેજો.

કયા ક્ષેત્રમાં રસ છે?

columnists