વોકલ ફૉર લોકલની રફતાર પકડાઈ છે

26 September, 2020 05:31 PM IST  |  Mumbai | Shailesh Nayak

વોકલ ફૉર લોકલની રફતાર પકડાઈ છે

પીપીઈ કિટ મૅન્યુફૅક્ચરિંગમાં ભારત નંબર 2

કોરોનાની આવી પડેલી વિપત્તિમાં વિદેશ પર નિર્ભર નહીં રહેતા આત્મનિર્ભર બનવાની દિશામાં પગલાં માંડીને પાડોશીના સારા વ્યવહારની જેમ દેશના કંઈ કેટલાય નાનામોટા ઉદ્યોગકારો અને નાગરિકો ઉત્સાહ સાથે વોકલ ફૉર લોકલના સૂત્રને અપનાવીને આગળ વધી રહ્યા છે એ દેશના અર્થતંત્ર માટે એક સારી નિશાની છે

લૉકડાઉનના કારણે નાનામોટા વેપાર ઉદ્યોગને ખાસ્સી એવી અસર પહોંચી હતી. જાણે કે દેશનું અર્થતંત્ર ઠપ થઈ ગયું હોય એવો માહોલ સર્જાયો હતો.આ વા સમયમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વોકલ ફૉર લોકલ’નું સૂત્ર આપીને નાનામોટા વેપારઉદ્યોગને બેઠા કરવા માટે કમર કસી અને આ સૂત્રને દેશભરમાં ગાજતું કર્યું. આજે પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે નાનાંમોટાં શહેરો અને રાજ્યોમાં વેપારઉદ્યોગમાં પાછો સળવળાટ શરૂ થયો છે અને પૂર્વવત્ થવા તરફ વેપારઉદ્યોગોએ કદમ માંડી દીધા છે

કોરોનાની કપરી પરિસ્થિતિમાં ભારત પીપીઈ કિટમાં દુનિયામાં નંબર ટૂ બની ગયું તો આયુર્વેદિક કાઢા નાગરિકોએ સ્વીકાર્યા અને લોકલ ફૉર વોકલ બની જતાં આયુર્વેદિક બજાર ચેતનવંતું બન્યું. બીજી તરફ ગ્રામ્ય લેવલે મહિલાઓને માસ્કના ઑર્ડર મળતાં આત્મનિર્ભર બની

આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે પહેલો સગો પાડોશી.

કદાચ વર્ષોનાં વર્ષો અગાઉ સ્વ અનુભવના આધારે સમાજમાં આ કહેવત અમલમાં આવી હશે જેમાં સ્વજનો આપણી મુશ્કેલીના સમયમાં જ્યારે આવીને ઊભા રહેશે ત્યારે ખરા, પણ પાડોશમાં રહેતા પાડોશી આપણી તકલીફના સમયે પહેલાં આવીને ઊભા રહ્યા હોય એવો અનુભવ આપણને ક્યાંકને ક્યાંક થયો હશે જ અને એના કારણે આપણને હાશકારો પણ થયો હશે.

બસ, આવું જ કંઈક કોરોનાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં બની રહ્યું છે. કોરોનાની મહામારીમાં મંદ પડેલી કે અટકી ગયેલી દેશના ધંધા-રોજગારની આર્થિક સ્થિતિ વચ્ચે ‘વોકલ ફૉર લોકલ’ દેશના અર્થતંત્ર માટે સંકટ સમયની સાંકળ બનીને આવ્યું છે અને દેશના અર્થતંત્રને મજબૂત ટેકો આપીને ટ્રૅક પર લઈ આવવામાં સફળ થઈ રહ્યું છે.

કોરોના મહામારીના કારણે જનજીવનને અસર પહોંચી છે. લૉકડાઉનના કારણે નાનામોટા વેપારઉદ્યોગને ખાસ્સી એવી અસર પહોંચી હતી. જાણે કે દેશનું અર્થતંત્ર ઠપ થઈ ગયું હોય એવો માહોલ સર્જાયો હતો. આવા સમયમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વોકલ ફૉર લોકલ’નું સૂત્ર આપીને નાનામોટા વેપારઉદ્યોગને બેઠા કરવા માટે કમર કસી અને આ સૂત્રને દેશભરમાં ગાજતું કર્યું. આજે પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે નાનાંમોટાં શહેરો અને રાજ્યોમાં વેપારઉદ્યોગમાં પાછો સળવળાટ શરૂ થયો છે અને પૂર્વવત્ થવા તરફ વેપારઉદ્યોગોએ કદમ માંડી દીધાં છે. તમને એ જાણીને હાશકારો થશે અને હર્ષ પણ થશે કે ટેક્સટાઇલ્સ, કેમિકલ્સ સહિતના વેપાર ઉદ્યોગમાં વોકલ ફૉર લોકલ સફળ બની રહ્યું છે.

કોરોનાના કપરા સમયમાં ધંધા–રોજગારમાં પણ પાડોશી જેવું જ બન્યું. શહેરના કે રાજ્યના નાનામોટા મૅન્યુફૅક્ચર્સ કે લોકલ માર્કેટે બદલાયેલી સ્થિતિમાં વિદેશ ઉપર આધાર નહીં રાખતાં દેશમાં બની રહેલાં ઉત્પાદનોને અપનાવવાનો આગ્રહ રાખ્યો, જેના કારણે શહેરો અને રાજ્યોમાં આવેલા નાનામોટા ઉદ્યોગધંધાઓમાં પ્રોડક્શન શરૂ થયું અને આર્થિક ચક્ર ચાલવા લાગ્યું. એકબીજા શહેરો-રાજ્યોના ઉદ્યોગકારો, નાનામોટા વ્યવસાયકારોએ સ્થાનિક માર્કેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને એકબીજાની પ્રોડક્ટસનું ખરીદ–વેચાણ કરીને એકબીજાના ઉદ્યોગધંધાને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યાં છે. કાપડ માર્કેટ હોય, સિરામિક હોય, કેમિકલ હોય, દવા ઉદ્યોગ હોય કે ક્રાફ્ટ કે પછી કટલરી જેવા નાનામોટા વ્યવસાય જ કેમ ન હોય; આ બધા સહિતના અનેકવિધ નાનામોટા ઉદ્યોગકારો એકબીજાના રૉ મટીરિયલ્સ સહિતના જરૂરિયાત મુજબના મટીરિયલ્સનું ખરીદ–વેચાણ કરી રહ્યા છે તેમ જ દેશના નાગરિકોએ સ્થાનિક ઉત્પાદનોને પસંદ કરતાં ભારતીય ઉદ્યોગધંધાઓ ચેતનવંતા બની રહ્યા છે અને એકબીજા પાડોશી રાજ્યોના નાનામોટા ધંધાર્થીઓ ફરી પાછા બેઠા થવા માંડ્યા છે.

આપણા દેશના ઉદ્યોગકારો પાસે એવું સામર્થ્ય છે, દેશના કંઈ કેટલાય નવયુવાનોમાં એવી ટૅલન્ટ છે એટલું જ નહીં, ઉદ્યોગધંધાને લગતું સ્કિલ્ડ લેબર પણ અહીં છે જેના દ્વારા બેસ્ટ પ્રોડક્ટ આપણે બનાવી શકીએ છીએ અને બનાવી રહ્યા છીએ.

પીપીઈ કિટમાં આપણો દેશ વિશ્વમાં કયા પડાવે પહોંચી ગયો અને કોરોનામાં આયુર્વેદ કાઢા કેવી રીતે વોકલ ફૉર લોકલ બનીને સફળ થયા એની વાત કરતાં મહારાષ્ટ્ર ચેમ્બર ઑફ કૉમર્સ, ઇન્ડસ્ટ્રીઝ ઍન્ડ ઍગ્રિકલ્ચરના પ્રેસિડન્ટ સંતોષ મંડલેચાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘કોવિડ – 19માં પીપીઈ કિટ ભારતમાં બનાવવાની કૅપેસિટી શું હતી અને આજે ૪–૫ મહિના બાદ તેમાં કેવું પરિવર્તન આવ્યું? પીપીઈ કિટના પ્રોડક્શન માટે કામ કરાવ્યું અને એના પગલે આજે પીપીઈ કિટમાં ભારત દુનિયામાં નંબર ટૂ બન્યું છે. આવી જ રીતે દવાઓમાં આયુર્વેદિક ઑપ્શન છે અને કોરોનામાં કંઈ કેટલાય આયુર્વેદિક કાઢા તૈયાર થયા અને નાગરિકોએ એને સ્વીકાર્યા જેના કારણે એ લોકલ ફૉર વોકલ બન્યા અને આયુર્વેદ બજારમાં અર્થતંત્ર તેજ બન્યું.’

સંતોષ મંડલેચાએ ઉદ્યોગધંધાની વાત કરતાં કહ્યું હતું કે ‘મૅન્યુફૅક્ચર્સ અને બાયર્સ એકબીજાના સપોર્ટમાં ઊભા રહ્યા છે અને અર્થતંત્ર રન થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની ઘોષણા કરી અને વોકલ ફૉર લોકલ સૂત્ર આપ્યું એ યોગ્ય છે, પરંતુ આ સૂત્રને સાર્થક કરવાની જવાબદારી મૅન્યુફૅક્ચર્સ અને ગ્રાહક બન્નેની છે, જેનાથી ઉદ્યોગધંધા ચેતનવંતા બનશે.’

જોકે તેમણે લઘુ અને મધ્યમ ઉદ્યોગની વાત કરતાં કહ્યું હતું કે ‘આપણા લઘુ અને મધ્યમ ઉદ્યોગો બહુ કૅપેસિટી રાખે છે. એમાં પોટેન્શિયલ છે, પણ બ્રૅન્ડિંગ કૅપેસિટી નથી. જે સિચુએશન છે તેમાં નાગરિકોએ સપોર્ટ કરવો રહ્યો, લોકલ પ્રોડક્ટ્સને પ્રમોટ કરવી પડશે.’

વોકલ ફૉર લોકલના મુદ્દે ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સના પ્રમુખ નટુભાઈ પટેલે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘ડેનિમ, ડ્રેસ મટીરિયલ્સ, ટેક્સટાઇલ્સ, કેમિકલ્સ, સિરામિક્સમાં વોકલ ફૉર લોકલ થયું છે અને પરિપૂર્ણ થયું છે. નરેન્દ્ર મોદીએ વોકલ ફૉર લોકલનું સૂત્ર આપ્યું એ સરસ છે, પણ એને સાર્થક કરવું હોય તો એ યજ્ઞ છે. ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝવાળાઓએ જીવનમાં ઉતારવું જોઈએ. આ સૂત્રને સાર્થક કરવા માટે ઑન્ટ્રપ્રનર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ક્યાં ઓછા છે.’

તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે ‘વોકલ ફૉર લોકલ સૂત્ર બન્યું છે કોરોનાના સમયમાં એટલે હજી અસર ઓછી છે, પણ થશે. પછી એમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ આવશે.’

માત્ર મોટા કે મધ્યમ કદના વેપાર–ઉદ્યોગો જ નહીં પરંતુ ગ્રામ્ય લેવલે પણ વોકલ ફૉર લોકલના સૂત્રને સાર્થક કરાયું છે. તમને જાણીને અચરજ થશે કે ગુજરાતમાં સ્વસહાય જૂથની ગ્રામીણ મહિલાઓને માસ્ક બનાવવાના ઑર્ડર મળ્યા અને મહિલાઓએ હોંશે-હોંશે માસ્ક બનાવીને આત્મનિર્ભર થવા સાથે નાગરિકોને કોરોનાથી સંક્રમિત થતા અટકાવવામાં એક રીતે યોગદાન પણ આપ્યું. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય તથા ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ અંતર્ગત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ અમદાવાદ, અમરેલી, ભાવનગર, કચ્છ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, નર્મદા, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, ભરૂચ, બોટાદ, દાહોદ જિલ્લાની સિલાઈકામની તાલીમ લીધેલી ગ્રામીણ મહિલાઓ માસ્ક બનાવવાની કામગીરીમાં લાગી ગઈ હતી અને લાખોની સંખ્યામાં માસ્ક બનાવીને એના દ્વારા આર્થિક ઉપાર્જન કરીને પોતાના ફૅમિલીને મદદરૂપ બની રહી.

ગઈ ૨૪ સપ્ટેમ્બરના ગુરુવારે ગુજરાતના ઉદ્યોગ પ્રધાન સૌરભ પટેલે આત્મનિર્ભર પૅકેજ અંતર્ગત પ્રૉપર્ટી ટૅક્સની માહિતી આપતાં ગુજરાત વિધાનસભામાં એમ કહ્યું હતું કે ‘કપડાની દુકાનો, બ્યુટી પાર્લર જેવા નાના ધંધા કરતા લોકોને ૨૦ ટકા રિબેટ આપવામાં આવે છે અને ૬૦૦ કરોડની રાહત આપી છે જેનો ૨૩ લાખ દુકાનદારોએ લાભ લીધો છે.’

સૌરભ પટેલે વિધાનસભા ગૃહમાં કહ્યું હતું કે ‘લૉકડાઉન સમયગાળામાં ઉદ્યોગ, ધંધો, રોજગાર, નાના વેપારીઓના ધંધા બંધ રહેતાં આવા લોકોને સહાયરૂપ થવા આત્મનિર્ભર ભારત પૅકેજ આપ્યું. એ જ દિશા પર ગુજરાતમાં રૂપિયા ૧૪ હજાર કરોડનું આત્મનિર્ભર ગુજરાત પૅકેજ જાહેર કરીને દેશમાં એકમાત્ર રાજ્ય ગુજરાત બન્યું છે. આફતને અવસરમાં પલટાવી જનજીવન પુનઃ ધબકતું કરવા અને આર્થિક પરિસ્થિતિને ચેતનવંતી બનાવવાનો નિર્ધાર કરીને આ પૅકેજ જાહેર કર્યું છે. નાનો ધંધો કરવા વેપારીઓ પોતાનો ધંધો પૂર્વવત્ કરીને રોજગારી મેળવે એ માટે રૂપિયા ૧ લાખથી ૨.૫૦ લાખ સુધીની લોન પણ આપવામાં આવી રહી છે જેમાં ૧ લાખ સુધીની લોન લેનાર પોતે બે ટકા વ્યાજ ચૂકવે છે અને ૬ ટકા વ્યાજ સરકાર ભોગવે છે. એ જ રીતે રૂપિયા ૧ લાખથી ૨.૫૦ લાખની લોન માટે લોન લેનાર ૪ ટકા વ્યાજ તથા રાજ્ય સરકાર ૪ ટકા વ્યાજ તેમના વતી ભોગવી રહી છે.’

સૌરભ પટેલ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે ‘ગુજરાત પુનઃ ધબકતું થાય એ માટેના સંનિષ્ઠ પ્રયાસો અમે કરી રહ્યા છીએ. આત્મનિર્ભર પૅકેજના પરિણામે ગુજરાતમાં રોજગારી વધશે અને મૂડી રોકાણ આવશે, ધંધા રોજગાર વધશે જેનાથી ગુજરાત પુનઃ ધબકતું થશે.’

કોરોનાની આવી પડેલી વિપત્તિમાં વિદેશ પર નિર્ભર નહીં રહેતાં આત્મનિર્ભર બનવાની દિશામાં પગલાં માંડીને પાડોશીના સારા વ્યવહારની જેમ દેશના કંઈ કેટલાય નાનામોટા ઉદ્યોગકારો અને નાગરિકો ઉત્સાહ સાથે વોકલ ફૉર લોકલના સૂત્રને અપનાવીને આગળ વધી રહ્યા છે એ દેશના અર્થતંત્ર માટે એક સારી નિશાની છે. આવનારા દિવસોમાં વોકલ ફૉર લોકલ દેશની શિકલ બદલી દે તો નવાઈ નહીં લાગે. કોરોનાના કપરા દિવસોમાંથી બેઠા થઈને દેશના નાગરિકોએ એકબીજાની પડખે ઊભા રહેવાની પહેલ કરી દીધી છે ત્યારે એનાં સારાં પરિણામ આવવાની શરૂઆત થઈ ચૂકી છે.

શું કહ્યું હતું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ?

દરેક ભારતવાસીએ પોતાના લોકલ માટે વોકલ બનવાનું છે

લૉકડાઉનના કારણે દેશમાં અર્થવ્યવસ્થાના મુદ્દે નિરાશા વ્યાપી હતી. નાગરિકો ઘરમાં પુરાઈ ગયા હતા. હવે શું થશે, કેમ કરીને બહાર આવીશું, ધંધા રોજગારનું શું થશે એવા કંઈ કેટલાય પ્રશ્નો દેશભરના નાગરિકોને મૂંઝવી રહ્યા હતા એવી નિરાશાજનક દશામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વોકલ ફૉર લોકલ’ની નવી વાત–નવું સૂત્ર દેશ સમક્ષ મૂકીને દેશવાસીઓને એનો અમલ કરવા આહવાન કર્યું હતું.

એ સમયે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘સાથીઓ, કોરોનાના સંકટમાં આપણને લોકલ મૅન્યુફૅક્ચરિંગ, લોકલ માર્કેટ, લોકલ સપ્લાય ચેઇન, એનું મહત્ત્વ બરાબર સમજાવી દીધું છે. સંકટના સમયમાં લોકલે જ આપણી ડિમાન્ડ પૂરી કરી છે. આપણને લોકલે જ બચાવ્યા છે. લોકલ માત્ર જરૂરત નહીં પરંતુ આપણા સૌની જવાબદારી છે. સમયે આપણને શીખવાડ્યું છે કે લોકલને આપણે આપણો જીવન મંત્ર બનાવવો પડશે. આજે જે ગ્લોબલ બ્રૅન્ડ્સ લાગે છે એ પણ ક્યારેક આ રીતે બિલકુલ લોકલ હતી, પણ જ્યારે ત્યાંના લોકોએ એનો ઉપયોગ શરૂ કર્યો, એનો પ્રચાર શરૂ કર્યો, એનું બ્રૅન્ડિંગ કર્યું, એના પર ગર્વ કર્યો તો એ પ્રોડક્ટ્સ લોકલથી ગ્લોબલ બની ગઈ. એટલા માટે આજથી દરેક ભારતવાસીએ પોતાના લોકલ માટે વોકલ બનવાનું છે. ન ફક્ત લોકલ પ્રોડક્ટ ખરીદવાની છે પરંતુ એનો ગર્વથી પ્રચાર પણ કરવાનો છે. મને પૂરો વિશ્વાસ છે કે આપણો દેશ આવું કરી શકે છે. તમારા પ્રયાસોએ તો દરેક વખતે તમારા પ્રત્યે મારી શ્રદ્ધાને ઓર વધારી છે. હું ગર્વ સાથે એક વાત મહેસૂસ કરું છું, યાદ કરું છું જ્યારે મેં આપને, દેશને ખાદી ખરીદવાનો આગ્રહ કર્યો હતો. એ પણ કહ્યું હતું કે દેશના હૅન્ડલૂમ વર્કર્સને સપોર્ટ કરો. તમે જુઓ, બહુ જ ઓછા સમયમાં ખાદી અને હૅન્ડલૂમ બન્નેની ડિમાન્ડ અને વેચાણ રેકૉર્ડ સ્તર પર પહોંચી ગયાં એટલું જ નહીં, એને આપે મોટી બ્રૅન્ડ પણ બનાવી દીધી. બહુ નાનો પ્રયાસ હતો પરંતુ પરિણામ મળ્યું, બહુ સારું પરિણામ મળ્યું.’

columnists shailesh nayak narendra modi