આર્થિક દરિદ્રતા માટે આપણા વિચારો ને ચિંતન જવાબદાર છે

10 May, 2021 02:00 PM IST  |  Mumbai | Swami Sachidanand

હું ઇચ્છું કે હિન્દુ પ્રજા સરળ, સહજ અને સમાનતાવાળા ધર્મ તરફ વળે અને પ્રાચીન કાળની ભ્રાન્ત માન્યતાઓ તથા કુરૂઢિઓથી જાગી અને મુક્ત થાય.

GMD Logo

ઘણા એવું પૂછે કે મૂળ રેખાથી દૂર થઈને હું જે વાત કરું છું એ કરવા પાછળનો મારો હેતુ શું, હું શું ઇચ્છું છું? આવું પૂછે ત્યારે આપણે સાંભળી લઈએ, પણ હમણાં-હમણાં આ પ્રશ્ન વધારે પુછાય છે તો જવાબ આપું. 
હું ઇચ્છું કે હિન્દુ પ્રજા સરળ, સહજ અને સમાનતાવાળા ધર્મ તરફ વળે અને પ્રાચીન કાળની ભ્રાન્ત માન્યતાઓ તથા કુરૂઢિઓથી જાગી અને મુક્ત થાય. બહુ સહજ રીતે આ જરૂરી છે. બંધિયાર પાણી પણ વાસ મારવા માંડે તો પછી ધર્મ કેવી રીતે બંધનમાં રહી શકે, કેવી રીતે ધર્મને તમે અટકાવીને રાખી શકો. ધર્મને કે પછી એના વિચારોને અટકાવવાનું જે કામ છે એ કામ ક્યારેય થવું ન જોઈએ અને એટલે જ હું ઇચ્છું છું કે હિન્દુ પ્રજા શુદ્ધ ઉપાસક બને. અનેક પ્રકારની સામગ્રીઓ તથા વિધિઓથી મુક્ત થઈને સરળ ઉપાસના-પદ્ધતિથી પોતાના ઇષ્ટદેવની સાચી ઉપાસના કરતી થાય. અવ્યવસ્થાથી અને અનિશ્ચિતતાથી પણ છૂટે અને દૃઢ રીતે એક પરમાત્માની ઉપાસના કરે. 
વિધર્મીઓની વધતી જતી શક્તિ અને પોતાની ઘટતી જતી શક્તિનું તેને વાસ્તવિક ભાન થાય. ભવિષ્યનાં ભયંકર પરિણામોનો તેને ભય લાગે અને અંધકારમય ભવિષ્યને રોકવા તે પડકારોને ઝીલી લે, હિંમતવાળી બને તથા વિધર્મીઓને ભાંડવાની જગ્યાએ તેમની શક્તિઓનાં કારણો તપાસે. જે સ્વીકારવા જેવું હોય એ સ્વીકારે, પણ હિન્દુ પ્રજા એ કામ કરવાની સાથોસાથ પોતાની દુર્બળતાનાં કારણોને પણ તપાસે. ધર્મ અને સંસ્કૃતિના મોહક નામે તે ડુબાડનારાં તત્ત્વો સાથે રાગ ન કરે, પણ કઠોરતાથી તેને દૂર કરે. 
ધર્મ તથા ધાર્મિક વિચારોનો પ્રભાવ રાષ્ટ્રીય લક્ષ્યો પર પડે જ છે. જો હિન્દુ પ્રજા સદીઓથી રાષ્ટ્રીય લક્ષ્યો મેળવી ન શકતી હોય તો એમાં એનો ધર્મ તથા ધાર્મિક વિચારો કારણભૂત છે. ખાસ કરીને વર્ણવ્યવસ્થાથી પ્રજાની છિન્નભિન્નતા તથા ઇચ્છાહીન સ્થિતિને આધ્યાત્મિક ઉચ્ચતા માનનારી ફિલસૂફી એમાં મુખ્ય કારણ છે. આ બન્નેથી પ્રજા વહેલી તકે છૂટે એ પણ હું ઇચ્છું. બહુ જરૂરી છે આ કાર્ય થવું. રાષ્ટ્રના વિકાસ માટે, રાષ્ટ્રના વૈભવ માટે અને સુખમય જીવન માટે દરેક પ્રજાએ આ ચિંતનાત્મક જીવન જીવવું જરૂરી છે. પશ્ચિમના દેશો એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કબૂલ પશ્ચિમમાં સંપૂર્ણપણે બધું સારું છે એવું નથી પણ આપણે એ ખરાબી સિવાયની સારાઈ તો અપનાવી જ શકીએ છીએ, જેને અપનાવવા માટે આપણે ચિંતન અને મનનની દિશા બદલવી પડશે અને સમજવું પડશે કે આર્થિક ક્ષેત્રની દરિદ્રતા માટે બીજું કોઈ નહીં, આપણે અને આપણા વિચારો, આપણું ચિંતન જ જવાબદાર છે. ઇચ્છું કે એ ચિંતન અને એ વિચારોમાં બદલાવ આવે.

  હું ઇચ્છું કે હિન્દુ પ્રજા સરળ, સહજ અને સમાનતાવાળા ધર્મ તરફ વળે અને પ્રાચીન કાળની ભ્રાન્ત માન્યતાઓ તથા કુરૂઢિઓથી જાગી અને મુક્ત થાય.

columnists swami sachidanand