મારી મા છે મારી ભાષા?

21 February, 2021 03:11 PM IST  |  Mumbai | Hiten Aanandpara

મારી મા છે મારી ભાષા?

પ્રતિકાત્મક તસવીર

આજે, ૨૧ ફેબ્રુઆરીનો દિવસ વિશ્વ માતૃભાષા દિન તરીકે ઊજવાય છે. આ દિવસનું જનક બંગલા દેશ છે. પૂર્વ જન્મમાં બંગલા દેશ જ્યારે પૂર્વ પાકિસ્તાન હતું ત્યારે બાંગલા ભાષા માટે મોટી લડત ચાલી હતી. વિશ્વમાં લગભગ ૬૦૦૦ ભાષા બોલાય છે જેમાં ૪૩ ટકા એવી શ્રેણીમાં આવે છે જેનું વહેલેમોડે રામ બોલો ભાઈ રામ થઈ શકે છે. એક ભાષાને વિકસતાં સદીઓ લાગતી હોય છે. આટલી જહેમત પછી એના નામશેષ થવાનું ચિત્ર ઊપસતું દેખાય એ ચિંતાજનક છે. ચિંતન કરતાં પહેલાં આજે પ્રણવ પંડ્યાના શેર સાથે પ્રથમ માતૃભાષાને વંદન કરીએ...

હોય ભલે ને તંગ હથેળી

ભીતરથી બનીએ ભામાશા

ભરું ઘૂંટડા ખોળે ખેલી

મારી મા છે મારી ભાષા

માનો ખોળો વિશ્વનું એક એવું પરમ આશ્રયસ્થાન છે જ્યાં સલામતી પણ હોય અને હૂંફ પણ. આપણી મા આપણી સાથે જે ભાષામાં વાત કરે એ આપણી માતૃભાષા. સંશોધન કહે છે કે બાળક ગર્ભમાં હોય ત્યારથી જ ભાષાના ધ્વનિ પકડવા માંડે છે. આપણે ત્યાં એટલે જ ગર્ભવતી મહિલા સારું વાંચન કરે, સારું સાંભળે એ માટે પ્રયત્ન કરવામાં આવે છે. જે અને જેવું લોહીમાં ઘોળાય એ અને એવું નવી પેઢીમાં આવે. રિષભ મહેતા તેની મહત્તા સમજાવે છે...

મારા જીવનનાં બે પાસાં

મારી મા ને મારી ભાષા!

પરભાષાને જે ધાવે છે

એ બચ્ચાંઓ સદૈવ પ્યાસાં

પરભાષા માટે કોઈ અપમાનની ભાવના નથી, કારણ કે એ પણ કોઈકની માતૃભાષા છે. સવાલ છે આપણી માને હડસેલીને પારકી માને વહાલા થવાનો. કમસે કમ એક વિષય તો ગુજરાતીમાં હોય એવી સલાહ કોઈને આપીએ તો સામેવાળો કે સામેવાળી આપણી તરફ ભારોભાર તિરસ્કારભરી દૃષ્ટિથી જુએ. તેમને માત્ર એક જ વિનમ્ર વિનંતી કે કોઈ સારા મનોચિકિત્સક સાથે ત્રણ-ચાર સેશન કરે. શંકાઓ સામે તર્કબદ્ધ ખુલાસા મળી જશે. સમજણ આપવા માટે આપણે કોઈ એવા કૌશલ્યધારી નથી એટલે જિજ્ઞેશ વાળાની જેમ ઘણી વાર નાસીપાસ થઈ જવાય...

હવે તો એક ટુકડો શ્વાસનો કેવળ બચેલો છે

નિરંતર કોતરે પીડા તને હું કેમ સમજાવું?

તું ભાષા જાણતી ના હોય તો એ દોષ તારો છે

હજી ટહુકા કરે પીડા તને હું કેમ સમજાવું?

રિયલિટી શો ગજાવતો કપિલ શર્મા, અભિનયના ઓજસ પાથરતો નવાઝુદ્દીન સિદ્દીકી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ક્રિકેટર હરભજન સિંઘ, વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામ વગેરે અનેક પ્રતિભાવંતો પોતાની માતૃભાષામાં જ ભણ્યા છે. કલામસાહેબને રૉકેટ બનાવતી વખતે તામિલ નડી નહોતી. આખરે તો તમારે જે વિષયમાં કારકિર્દી બનાવવી હોય એમાં ઊંડા ઊતરીને લાગતું-વળગતું શીખી જ જવું પડે. ઓમાનમાં રહેતા ભારતીયો ખપ પૂરતી અરેબિક શીખી જ લે છે જેથી સ્થાનિક કામકાજમાં સરળતા રહે. અમેરિકાસ્થિત ડૉ. કિશોર મોદી પ્રિસ્ક્રિપ્શન આપે છે...

સૂરજ સમા અજવાસની ભાષા નિખારજે

ઊંચે ઊગી આકાશની ભાષા નિખારજે

જો આપણે નિષ્કર્ષ પર કૈં આવવાનું છે

મનના તું ચાસેચાસની ભાષા નિખારજે

ભાષા નિખારવાનું કામ આજના તબક્કે ઘણું અઘરું છે, કારણ કે ભાષા શીખવવાના કામમાં જ ખોફનાક મંદી ચાલે છે. મુંબઈ જેવાં શહેરોમાં તો વેન્ટિલેટર ક્યારનાં મુકાઈ ગયાં છે. ૨૦-૩૦ની ઉંમરનાં યુવક-યુવતીઓને તમે ગુજરાતી છાપું, સામયિક, કોઈ સારું પુસ્તક વાંચતાં જોયાં છે? જો હા, તો તમારા મોઢામાં ઘી-સાકર અને ઉપરથી લટકામાં થોડો ઑર્ગેનિક ગોળ. આ દૃશ્યો લાખોની સંખ્યામાં હોવાં જોઈએ એને બદલે સેંકડોની સંખ્યામાં પણ હશે કે નહીં એ વિશે ભરપૂર આશંકા છે. ગાયત્રી ભટ્ટ વાસ્તવિકતા દર્શાવે છે...

વાતને વાચા મળે તો પણ ઘણું

ભાવને ભાષા મળે તો પણ ઘણું

શોધ મા, ટહુકા નગરમાં શોધ મા

એક બે પીંછાં મળે તો પણ ઘણું

ભયંકર આશાવાદ રાખીએ તો પણ ભયાનક વાસ્તવિકતા એ છે કે મેટ્રો શહેરોમાં ગુજરાતી ભાષાનું ચલણ ઓછું થઈ રહ્યું છે. ગુજરાતમાં હજી સ્થિતિ ઠીકઠાક છે, પણ જો તમારે સામે ચાલીને ડિપ્રેશન વહોરવું હોય તો મુંબઈના પુસ્તક પ્રકાશકો સાથે કે ગુજરાતી શાળાના ટ્રસ્ટીઓ સાથે મીટિંગ કરો. તેઓ મસ્સાલા ચા પીવડાવીને જે મોળી હકીકત કહેશે એને ખતરાની ઘંટી સમજવી. માતૃભાષાની મહત્તા કરતા વિકસિત દેશો ફ્રાન્સ, જર્મની કે જપાન જેટલા આપણે સમજદાર નથી. હેમેન શાહ કહે છે એ શીખ અને સુંદરતા શું ભૂલી જવાની?...

જો સમજ ના પડે, કદી ના પડે

પણ પડે ત્યારે એક ઝટકામાં

આપી ભાષા મને બટકબોલી

કાવ્ય દીધું ઉપરથી ચટકામાં

ક્યા બાત હૈ

મૉડર્ન મમ્મી!!!

(માત્ર દેખાદેખીને કારણે બાળકોની પાછળ પડી જતી મમ્મીઓ માટે જ)

મૉડર્ન મમ્મીનો ભારે ત્રાસ છે

રહેવાનું રાખ્યું છે અહીં ગુજરાતમાં

ને લેવાતા ઇંગ્લિશમાં શ્વાસ છે

મૉડર્ન મમ્મીનો ભારે ત્રાસ છે

વેકઅપ, ક્વિક, ફાસ્ટ ચલો, ઝટ કરો

બ્રશ ઍન્ડ ઇટ ધિસ પટેટો ચિપ્સ

ઑલરેડી ઑનલાઇન ક્લાસ ઇઝ સ્ટાર્ટ

કેમ ભૂલી જાય રોજ મારી ટિપ્સ?

દાદીમા બોલ્યાં કે ધીમે જરાક,

ત્યાં તો મમ્મી ક્યે નૉટી, બદમાશ છે 

સાયન્સ કે મૅથ્સમાં કે ઇંગ્લિશ કે ગમ્મે ત્યાં

માર્ક્સ એક ઓછો ના ચાલે

મૉડર્ન મમ્મીઓ તો જિનીયસ બનાવવાના

સપનામાં રાત-દિવસ મ્હાલે

લેફ્ટ-રાઇટ લેવાતાં બાળકનેય લાગે કે

ચોવીસ કલ્લાક તેના ક્લાસ છે

નાનકડું પંખી પણ પોતાની પાંખોથી

રાખે છે ઊડવાની આશા

બાળકનેય થાય કેમ બોલી શકાય નહીં

દાદા ને દાદીની ભાષા?

મા કરતાં માસીની બોલબાલા હોય એવા

પીંજરામાં આખ્ખું આકાશ છે

- કૃષ્ણ દવે (તા. 9-2-2021)

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં) 

columnists