ઓટીટી પ્લેટની વધુ એક આઇટમ છે, એ કૉમ્પિટિટર નથી

18 September, 2022 02:14 PM IST  |  Mumbai | Rashmin Shah

આ માનવું છે શર્મન જોષીનું.

શર્મન જોષી

ગુજરાતી નાટક, હિન્દી ફિલ્મો અને વેબ-શોના ઍક્ટર-પ્રોડ્યુસર શર્મન જોષી દૃઢપણે માને છે કે ઓટીટીથી ડરવાની જરૂર નથી. ઊલટું ખુશ થવું જોઈએ કે એ ઑપ્શન કામની નવી ઑપોર્ચ્યુનિટી લાવશે. ‘મિડ-ડે’ના રશ્મિન શાહ સાથે શર્મન બૉલીવુડ અને પોતાના નવા પ્રોજેક્ટની વાતો કરે છે તો સાથોસાથ લાઇવ આર્ટ્સને જીવંત રાખવા માટે ગવર્નમેન્ટે શું સપોર્ટ કરવો જોઈએ એની પણ ચર્ચા કરે છે

શર્મન જોષી બે-ત્રણ વર્ષથી કેમ સ્ક્રીન પરથી ગાયબ છે?
ધૅટ્સ રિયલ અનફૉર્ચ્યુનેટ. પૅન્ડેમિક અને એને લીધે આવેલા લૉકડાઉનના કારણે એવું લાગે છે, પણ સાવ એવું નથી. હવે તો એવું બનવાનું છે કે કદાચ આવતા એક વર્ષમાં મારા સાત-આઠ પ્રોજેક્ટ એકસાથે આવી જશે. મને ડર છે કે ક્યાંક લોકોને ઓવરડોઝ ન થઈ જાઉં... (ખડખડાટ હસીને ફરી સિરિયસ થાય છે) ઍકચ્યુઅલી, હું ચૂઝી છું એ તો બધાને ખબર છે એટલે મારું લાઇન-અપ ક્યારેય ટાઇટ હોતું નથી, પણ લૉકડાઉનને કારણે ઘણું બધું મેસ-અપ થયું અને એને લીધે હવે બધા પ્રોજેક્ટ એકસાથે આગળ વધે છે.

યુ સેઇડ, સાત-આઠ પ્રોજેક્ટ...
હા, અને બધા બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અબ્બાસ-મસ્તાનની એક ફિલ્મ છે. મારે તેમની સાથે ક્યારનું કામ કરવું હતું. અર્જુન રામપાલ, બૉબી દેઉલ, મૌની રૉય સાથે ‘પેન્ટહાઉસ’ કરી એ રેડી છે. નેટફ્લિક્સની ફિલ્મ હતી, પણ હવે એ કદાચ બીજા પ્લૅટફોર્મ પર રિલીઝ થશે. આ ઉપરાંત ઉમેશ શુક્લની ફિલ્મ ‘આંખમિચૌલી’ છે, જેમાં પરેશ રાવલ પણ છે. એ ગુજરાતી નાટક ‘ધમાલ પટેલ Vs. કમાલ પટેલ’ પરથી બની છે. આ સિવાય વિનોદ ભાનુશાળીની ફિલ્મ ‘સબ મોહ માયા હૈ’, અનુ કપૂર પણ ફિલ્મમાં છે. હવે આ પ્રોજેક્ટમાં અનુરાગ કશ્પય પણ જોડાયા છે એટલે એ ફિલ્મનું ક્રીએટિવ કૅન્વાસ સમજી શકાય. ચોથી જે ફિલ્મ છે એની સાથે સાઉથના લેજન્ડ મ્યુઝિક ડિરેક્ટર ઇલૈયારાજા જોડાયેલા છે. એના માટે અમે ‘મ્યુઝિક સ્કૂલ’, જેના માટે અમે ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’ના રાઇટ્સ લીધા છે. એક ફિલ્મ રેહાન ચૌધરી સાથે કરું છું, જેના વિશે અત્યારે વધારે વાત નહીં કરું. આ ઉપરાંત જૉન અબ્રાહમ એક ફિલ્મ પ્રોડ્યુસ કરે છે, જે કરું છું. સાઉથ ઇન્ડિયન ફિલ્મના રાઇટ્સ લઈને કરું છે. સલમાન ખાન અને રાજ સાન્ડિયલની એક ફિલ્મ છે જેમાં માધવન છે. આ વાત થઈ ફિલ્મોની, આ ઉપરાંત એક વેબ-શો કરું છું, જેમાં મારી સાથે મોના સિંહ છે. 

આટલાં કામ વચ્ચે ગુજરાતી થિયેટર માટે સમય કેવી રીતે નીકળી શકે?
નૅચરલી, ઇચ્છાની વાત છે અને હું તો થિયેટરમાં જ ડેવલપ થયો છું એટલે એ સમય તો નીકળી જ જાય. ખરું કહું તો થિયેટર સાથે જોડાયેલા હોય એ રીઍક્શન સાથે જોડાયેલા હોય. ઑડિયન્સનું જે રીઍક્શન હોય એ થિયેટર આર્ટિસ્ટ માટે ટૉનિક હોય છે. બીજા પણ આપણા ઘણા એવા ઍક્ટર-ડિરેક્ટર છે. પરેશભાઈ, ડિરેક્ટર ઉમેશ શુક્લ, જુઓ તમે. એ થિયેટરથી દૂર નહીં જાય. કારણ આ ટૉનિક જ છે. એ વાત જુદી છે કે વચ્ચે દસેક વર્ષ મેં થિયેટરથી બ્રેક લીધો હતો, પણ એનું રિઝન જુદું હતું. એ સમયે હું ફિલ્મ અને થિયેટરને સાથે મૅનેજ નહોતો કરી શકતો. હવે મારાથી મૅનેજ થાય છે એટલે થિયેટર પાસે પાછો આવી ગયો. અને હા, મહેન્દ્ર જોષી સાથે મને કામ કરવા મળ્યું એને હું મારી લાઇફની ગોલ્ડન ઑપોર્ચ્યુનિટી માનું છું.

થિયેટરની વાત ચાલે છે તો તમને લાગે છે લાઇવ આર્ટની ડિમાન્ડ ઓછી થઈ છે?
ના, ડિમાન્ડ ઓછી નથી થઈ, પણ સપ્લાયની જે ચેઇન છે એમાં પ્રૉબ્લેમ છે એવું મને લાગે છે. સબ-સ્ટૅન્ડર્ડ કન્ટેન્ટ તો પ્રશ્ન છે જ, પણ એ પ્રશ્ન જન્મ્યો ક્યાંથી એ સૌએ સમજવું જોઈશે. લેક ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઑડિટોરિયમ રહ્યાં જ નથી. સરકારે કંઈક કરવું જોઈએ. મારી બે હાથ જોડીને પ્રાર્થના છે કે પ્લીઝ, આગળ આવો, જો ઑડિટોરિયમ નહીં હોય તો તમે લાઇવ આર્ટ લઈને ક્યાં જશો? બ્રોડ-વેના દાખલાઓ આપીએ છીએ, પણ એના માટે કામ તો કરવું પડશેને. સારાં ઑડિટોરિયમ બનાવો, જેમાં બધી સુવિધા હોય. ટૅલન્ટની કમી છે જ નહીં. ફિરોઝ ખાને ‘મોગલ-એ-આઝમ’ કેવું અદ્ભુત બનાવ્યું. મેં એ શો જોયો છે. લોકો રીતસર સાથે ગાતા હોય છે. ફ્રન્ટ રૉની ટિકિટનો ભાવ સાત હજાર રૂપિયા છે, આખું હાઉસ ચાલીસ લાખનું બને છે. આપણે ત્યાં આ સ્તર પર કામ થાય છે, પણ... ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગવર્નમેન્ટે જ જાગવું પડશે.

શર્મન જોષી ગુજરાતી ફિલ્મ કેમ નથી કરતો?
મેં કહ્યુંને, રેહાન ચૌધરી સાથેની ફિલ્મ વિશે વધારે વાત નહીં કરું. એ જ કારણે, રોહન સાથે મેં ગુજરાતી અને હિન્દી બાઇલિંગ્વલ ફિલ્મ ‘કૉન્ગ્રેચ્યુલેશન’ કરી, એનું પ્રમોશન શરૂ થાય ત્યારે વધારે વાત કરીશું. બહુ સરસ સબ્જેક્ટ છે. પ્રેગ્નન્ટમૅનની સ્ટોરી છે.
હું કહીશ કે હવે મારે દર વર્ષે એક ફિલ્મ કરવી છે. તમે જોજો, રીજનલ કન્ટેન્ટનું વેવ આગળ વધશે. આ જે ઉત્સાહ છે એ ગજબનાક. સાઉથ તો કમાલ છે જ. બેન્ગાલી, મરાઠી જુઓ, ગુજરાતી પણ હવે જૂઓ તમે. બાઇલિંગ્વલ સાથે આગળ વધીએ તો બજેટ પણ સેટ કરી શકાય અને આજે જુઓ તમે, ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી પાસે કેટલી સરસ ટૅલન્ટ આવી ગઈ છે. (હસે છે) નામ નહીં આપું એટલે પૂછતા નહીં...

પૅન્ડેમિક પછી એવું નથી લાગતું કે ઓટીટી વધારે છવાઈ ગયું?
હં... ના, હું એવું કહીશ કે મારી પ્લેટમાં ઍડિશન થયું. થિયેટર હતું, ટીવી હતું, ફિલ્મો હતી તો મને હવે ઓટીટી પણ મળ્યું. આઇ ડોન્ટ થિન્ક કે તમે કોઈની સરખામણી કોઈ સાથે કરી શકો. જરા વિચારો કે તમારી ખાવાની પ્લેટમાં બધું પડ્યું હોય તો એ બધાનું ઇમ્પોર્ટન્સ છે. તમે બધું સાઇડ પર કરીને માત્ર અચારથી પેટ નથી ભરી શકવાના કે પછી માત્ર સ્વીટ્સ પણ ખાશો તો નહીં ચાલે અને એ પણ થ્રૂઆઉટ. એકાદ વાર ગમે, પણ ધારો કે દરેક મીલ-ટાઇમ પર તમને એ એક જ વરાઇટી પીરસવામાં આવે તો? તમે કંટાળી જાઓ. ઓટીટી ઑપ્શન છે, એને લીધે લોકો વધારે એન્ટરટેઇનમેન્ટ તરફ વળશે. એવું નહીં બને કે એ બધા ઇન્ટર્નલી એકબીજાનું માર્કેટ તોડે. જરા આગળ વધીને કહું તો લૉન્ગ સ્ટોરી-ટેલિંગની જગ્યા હતી અને એમાં ઓટીટી પર્ફેક્ટ ફિટ બેસે છે. ફ્રૅન્કલી સ્પીકિંગ બહુ સારું રિઝલ્ટ હજુ જોવા મળશે.

ઓટીટી પર સ્ટાર નહીં, ઍક્ટર વધારે ચાલશે એવું કહી શકાય?
પોસિબલ છે, પણ જે સ્ટાર પણ છે અને ઍક્ટર પણ છે એ બધાના માટે પણ ઓટીટી બહુ સારું રિઝલ્ટ લાવી શકે છે. હું કહીશ કે ઓટીટી પર સબ્જેક્ટનું ઇમ્પોર્ટન્સ રહેશે. અફકોર્સ, એ થિયેટર, ફિલ્મોને પણ લાગુ પડે, પણ જ્યાં લાંબી વાત કહેવાની છે ત્યાં તમે સબ્જેક્ટ વિના કોઈને આગળ સુધી લઈ જઈ ન શકો. 

શર્મન અત્યારે કયો વેબ-શો જુએ છે? 
‘દિલ્હી ક્રાઇમ’. પહેલી સીઝન પણ મેં શેફાલી શાહને કારણે જોઈ હતી અને આ સીઝન પણ હું તેને કારણે જ જોઉં છું. શેફાલીનો હું મોટો ફૅન છું. એણે મારા પપ્પા અરવિંદ જોષી સાથે ‘આક્રમણ’ નામના નાટકથી ડેબ્યુ કર્યું હતું. આ નાટકના છેલ્લા સીનમાં હું પણ આવતો. મારો માત્ર શેડો દેખાય. બ્રિજ જેવી જગ્યા છે, જ્યાંથી શેફાલી ઉપરથી મને ધક્કો મારે છે. હું તો ઑડિયન્સને દેખાવાનો પણ નહોતો અને એ પછી પણ હું બહુ નર્વસ હતો. ઍની વેઝ, શેફાલી ફૅન્ટાસ્ટિક ઍક્ટર છે.

કરસન યાદ આવે?
પેલો ‘ગૉડમધર’નો દીકરો કરસન?! (હસે છે) અરે, બહુ યાદ આવે. મારી પહેલી ફિલ્મ. (અચાનક) અરે, ઇન્ટરેસ્ટિંગ વાત કહું. 
મારે એ ફિલ્મ કરવી નહોતી, કેમિયો રોલ હતો અને મારે કરીઅર એવડા રોલથી ચાલુ નહોતી કરવી એટલે મેં ડિરેક્ટર વિનય શુક્લને ના પાડી દીધી. બીજા દિવસે જાવેદ અખ્તરનો ફોન 
આવ્યો. પપ્પાના ફ્રેન્ડ. મને કહે કે તું કહેતો હો તો પપ્પાને ફોન કરીને વાત કરું. પપ્પા આમ રૅશનલ, પણ મનમાં જરા ડર તો હોયને અને સાચું કહું મને થતું હતું કે હું આ ખોટું રિસ્ક લઉં છું. મનમાં એમ કે થોડી રાહ જોઉં અને લીડ રોલ સાથે જાતને લૉન્ચ કરું, પણ જાવેદસાહેબને મેં હા પાડી દીધી અને પછી તો એવરીથિંગ ઇઝ હિસ્ટરી. ફિલ્મે પાંચ નૅશનલ અવૉર્ડ જીત્યા. 
ફિલ્મના સેટ પર હું પહેલી વાર ગયો ત્યારે મારી બોલતી બંધ થઈ ગઈ હતી. સીધો ફિલ્મની ક્લાઇમૅક્સનો સીન કરવાનો હતો. આપણે તો સ્ટેજના ઍક્ટર. ધીમે-ધીમે આગળ વધતાં જવાનું અને પછી ફાઇનલ ઇમોશન પર પહોંચવાનું જ આવડે અને અહીં તો સીધી ક્લાઇમૅક્સ. શબાનાજી અને વિનયજી બહુ હેલ્પફુલ. શબાનાજીએ એ સમયે કહ્યું હતું કે બેટા, સિનેમા ઇઝ ઑલ અબાઉટ વનલાઇન્સ. એ તારે કરવું જ પડશે. બસ, પછી બધું ફાવતું ગયું અને ઇન્ડસ્ટ્રીમાં ઑલમોસ્ટ બે-અઢી દશક પૂરા કરી લીધા.

રૅપિડ ફાયર રાઉન્ડ

ફેવરિટ ફિલ્મ?
‘થ્રી ઇડિયટ્સ’

અત્યાર સુધીમાં કરેલી સૌથી વાહિયત ફિલ્મ?
બધામાં જાન રેડ્યો હતો, પણ કોઈ ન ચાલે તો શું કરું. 

પાપી પેટ કા સવાલ હૈ ગણીને કરી હોય એવી કોઈ ફિલ્મ?
ભગવાનની કૃપાથી હજુ સુધી કરવાનું નથી આવ્યું. જરૂર પડશે તો કરીશ, પણ એવું નથી બન્યું એ ઈશ્વરની જ મહેરબાની.

બિગેસ્ટ રિગ્રેટ્સ?
એક પણ નહીં.

કોઈ રોલ છોડ્યાનો અફસોસ...
ના. હા, એક કૉલ એવો બન્યો પર્સનલ લેવલ પર કે નજીકના લોકોની ઍડવાઇઝ લઈને પણ હું બ્લેમ કોઈને નહીં કરું. મને લેસન મળી ગયું કે ઍડવાઇઝ, સજેશન બધાનાં લેવાનાં, પણ ફાઇનલ કૉલ પોતાનો જ હોવો જોઈએ.

ટીવી, ફિલ્મ, ઓટીટી કે પછી થિયેટર? કોઈ એકને પસંદ કરવાનું આવે તો...
બધેબધું. ઍડ ઑન છે એટલે કોઈ એકથી ચાલે જ નહીં.

શર્મનની ડ્રીમગર્લ.
પચાસ હજાર વર્ષ પહેલાંની વાત છે. ફિલ્મ ‘બ્લુ લેગૂન’માં પેલી હિરોઇન હતીને, બ્રુક શિલ્ડ્સ. ટૉમ ક્રુઝે જેની સાથે મૅરેજ કર્યાં. મૅરેજ સમયે થયું હતું કે હા, આપણને પસંદ કરતાં તો આવડે છે.

columnists Rashmin Shah sharman joshi