ઓસામા બિન લાદેને માત્ર અમેરિકા પર જ નહીં, ‘પતિ, પત્ની ઔર મૈં’ પર પણ હુમલો કર્યો

02 August, 2021 11:31 AM IST  |  Mumbai | Sanjay Goradia

હા, અમારી નાટકની ટૂર શરૂ થવાની તૈયારીમાં હતી ત્યાં જ અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર સહિત ચાર જગ્યાએ અલ-કાયદાએ હુમલો કર્યો હતો અને એ હુમલામાં અમારી ટૂર તહસનહસ થઈ ગઈ

તમને આ ફોટોમાં લાલ કૃષ્ણ અડવાણી, તેમની દીકરી અને શાહરુખ ખાન જેવા અનેક મહાનુભાવો જોવા મળશે, પણ તમારે એમાં સોનાક્ષી સિંહાને જોવાની છે. ‘પતિ, પત્ની ઔર મૈં’ જોવા આવેલી આવી સોનાક્ષીને તમે ક્યારેય નહીં જોઈ હોય.

પહેલો શો ઠીક-ઠીક ગયો, બીજો શો સારો ગયો અને ત્રીજા શોથી શત્રુજી જાણે કે થિયેટરના સીઝન્ડ પ્લેયર હોય એમ મેદાનમાં આવી ગયા અને નાટક સુપરહિટ થઈ ગયું. જોકે આમાં અમારા ડિરેક્ટર રમેશ તલવારનો બહુ મોટો હાથ હતો. જે રીતે તેમણે શત્રુજીની સાયકોલૉજીને સમજીને તેમને ડિરેક્ટ કર્યા હતા એ સૂચવે છે કે રમેશજી કેટલા મોટા ગજાના ડિરેક્ટર હતા. ‘પતિ, પત્ની ઔર મૈં’ પણ અમે અમેરિકાને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું હતું અને અમારી ટૂરનું પ્લાનિંગ પણ શરૂ થઈ ગયું હતું. બે મહિનાની ટૂર અને એ પછી અમારે ઇન્ડિયામાં શો કરવાના હતા. 
અમેરિકા ટૂર માટે અમે વિઝા અપ્લાય કર્યા અને વિઝામાં અમને કોઈ તકલીફ ન પડી. સપ્ટેમ્બરના પહેલા વીકમાં અમને વિઝા મળ્યા અને ટિકિટ બુક કરવાથી માંડીને શોનું લાઇનઅપ મેં શરૂ કર્યું ત્યાં ૨૦૦૧ની ૧૧ સપ્ટેમ્બરે ઓસામા બિન લાદેનના સંગઠન અલ-કાયદાએ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પૅન્ટાગોન સહિત કુલ ચાર સ્થળોએ હુમલો કર્યો અને જગતઆખામાં હાહાકાર મચી ગયો. આવા વાતાવરણમાં અમારા નાટકની ટૂર શક્ય જ નહોતી. અમારા નાટકની ટૂર પણ કૅન્સલ થઈ અને અમે ‘પતિ, પત્ની ઔર મૈં’ પૂરતા સાવ નવરા થઈ ગયા.
નવરાશના આ સમયમાં અમે તરત જ રસ્તો કાઢ્યો અને મેં શત્રુજીને કહ્યું કે આપણે અહીં શો શરૂ કરી દઈએ. શત્રુજીની હા આવી, પણ એ હા વચ્ચે નાટકમાં પણ રિપ્લેસમેન્ટ કરવું પડે એવું બન્યું. અમારા નાટકની હિરોઇન ગાયત્રી રાવલ એ સમયે ગુજરાતી નાટકમાં વધારે બિઝી થઈ ગઈ, જેને લીધે બન્ને નાટકના શો હૅન્ડલ કરવા અઘરા પડતા હોવાથી અમે ગાયત્રીનું રિપ્લેસમેન્ટ કરવાનું વિચાર્યું અને અમે ભાવના બલસાવરને લાવ્યા. હવે અહીં નવો પ્રશ્ન આવ્યો. ભાવના સામે અમારો પતિ એટલે કે અમર બાબરિયા નાનો લાગતો હતો, જેને લીધે અમે અમરનું પણ રિપ્લેસમેન્ટ કર્યું અને અમરની જગ્યાએ રાકેશ બેદીને લાવ્યા. અમારા આ નવા કાસ્ટિંગની તમને સહેજ ઓળખાણ આપી દઉં. રાકેશ બેદી એટલે ટીવી અને 
ફિલ્મોના સીઝન્ડ કૉમેડી ઍક્ટર, તો ભાવના બલસાવર પણ ટીવી-સિરિયલોનું ખૂબ મોટું અને જાણીતું નામ. ભાવનાએ નાટકો પણ ખૂબ કર્યાં છે. ભાવનાની એક બીજી ઓળખાણ પણ તમને આપું. ભાવના શોભા ખોટેની દીકરી અને વિજુ ખોટેની ભાણેજ તથા એક સમયના ફિલ્મ-ઍક્ટર કરણ શાહની વાઇફ.
રાકેશ અને ભાવના નાટકમાં આવ્યા પછી તો નાટક વધારે ખીલી ગયું. રાકેશ અને ભાવના બન્ને રિચ-કૉમેડિયન. એ બન્નેએ નાટકમાં એડિશન અને ઇમ્પ્રૂવમેન્ટ પણ ખૂબ સરસ કર્યાં અને ઑડિયન્સને મજા પડવા માંડી.
અમેરિકા ભૂલીને અમે સૌથી પહેલો શો દિલ્હીની તાજ પૅલેસમાં કર્યો, જેમાં ચીફ ગેસ્ટ તરીકે લાલ કૃષ્ણ અડવાણી અને સુષમા સ્વરાજ આવ્યાં. અડવાણીજીએ અગાઉ નાટક જોયું હતું અને તાજ પૅલેસમાં તેઓ બીજી વખત નાટક જોવા આવ્યા હતા. નાટકમાં બહુ મજા આવી હતી. તેમણે પહેલી વાર નાટક ક્યારે જોયું હતું એની વાત કહું તમને.
ગયા સોમવારે તમને કહ્યું હતું કે મુંબઈમાં નાટકનો પ્રીમિયર શો થયો ત્યારે અનેક મહાનુભાવો આવ્યા હતા, જેમાં અડવાણીજી હતા અને એ સમયના મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર વિલાસરાવ દેશમુખ પણ હતા. શાહરુખ ખાન પણ આવ્યો હતો અને શબાના આઝમી તથા અનિલ કપૂર પણ નાટકના પ્રીમિયરમાં આવ્યાં હતાં અને નૅચરલી શત્રુજીનું ફૅમિલી પૂનમ સિંહા, લવ-કુશ અને સોનાક્ષી સિંહા પણ આવ્યાં હતાં. આજની સોનાક્ષી સિંહા અને એ સમયની સોનાક્ષી સિંહા વચ્ચે જમીન-આસમાનનો ફરક. સોનાક્ષીએ પોતે ઘણા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે પહેલાં તેનું વજન બહુ વધારે હતું, પણ પછી ફિલ્મલાઇનમાં આવવા તેણે વર્કઆઉટ અને ડાયેટ પ્લાન ફૉલો કરીને વેઇટ ઘટાડ્યું. એ સમયના સોનાક્ષીના ફોટો જોજો તમે. તમને પોતાને લાગશે કે આજની અને ત્યારની સોનાક્ષીમાં કેટલો ફરક છે.
ઍનીવેઝ, વાત કરીએ આપણે ‘પતિ, પત્ની ઔર મૈં’ના શોની. દિલ્હી પછી અમે લખનઉની તાજમાં શો કર્યો, જેમાં એ સમયના ચીફ મિનિસ્ટર રાજનાથ સિંહ આવ્યા હતા, તો બીજા દિવસે કાનપુરની તાજ પૅલેસમાં શો કર્યો, જેમાં પણ ઉત્તર પ્રદેશના અનેક મિનિસ્ટર અને ઇન્ડસ્ટ્રિયલિસ્ટ આવ્યા હતા, તો યુપીના ટૉપના બ્યુરોક્રૅટ્સ પણ આવ્યા હતા. એ પછી ફરી દિલ્હીમાં તાજ પૅલેસમાં જ શો થયો જેમાં સોનિયા ગાંધી, મેનકા ગાંધી, આઇ. કે. ગુજરાલ, રામકૃષ્ણ હેગડે અને મનમોહન સિંહ જેવા અનેક વીવીઆઇપી નાટક જોવા આવ્યા હતા. આ નાટકનો શો વડોદરામાં પણ થયો અને સુરતમાં પણ એનો શો થયો. કલકત્તામાં પણ શો થયો અને બૅન્ગલોરમાં શો કર્યો. બૅન્ગલોરમાં એ સમયના ચીફ મિનિસ્ટર એસ. એમ. કૃષ્ણા આવ્યા હતા. હૈદરાબાદમાં શો હતો ત્યારે એમાં ચીફ મિનિસ્ટર ચંદ્રાબાબુ નાયડુ અને જ્યા પ્રદા આવ્યાં હતાં તો એ જ હૈદરાબાદના શોમાં હેમા માલિની, ગોવિંદા, ઝિન્નત અમાન પણ આવ્યાં હતાં. 
અમે એક શો મુંબઈના એનસીપીએમાં કર્યો હતો, એમાં નાટક જોવા અમિતાભ બચ્ચન આવ્યા હતા. બચ્ચનસાહેબ અને શત્રુજીને ખૂબ જૂની દોસ્તી. એક સમયે શત્રુઘ્ન સિંહા ખૂબ મોટા સ્ટાર હતા અને બચ્ચનસાહેબની સ્ટ્રગલ ચાલતી હતી એ સમયથી બન્નેની દોસ્તી હતી જે આજ સુધી અકબંધ છે. એ શો પછી મુંબઈની શેરેટનમાં શો કર્યો, જ્યાં ગોવિંદા અને હેમા માલિની ફરીથી નાટક જોવા આવ્યાં, તો એ જ શોમાં અનિલ અંબાણી, મહારાષ્ટ્રના એ સમયના મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખ બીજી વાર નાટક જોવા આવ્યા હતા. 
અનેક જગ્યાએ અમે શો કર્યા અને એ શોમાંથી કોઈ શો એવો નથી રહ્યો જેમાં ઇન્ડિયાના વીઆઇપી નાટક જોવા ન આવ્યા હોય. બિહારના પટનામાં શો કર્યો તો એ શોમાં લાલુપ્રસાદ યાદવ અને રાબડીદેવી આવ્યાં હતાં. તમને ખબર હશે કે શત્રુજી બિહારી છે. પટનામાં મહાત્મા ગાંધી મેદાન પાસે આવેલા ઑડિટોરિયમમાં ૩૦૦૦ની કૅપેસિટી અને આખું ઑડિટોરિયમ ખીચોખીચ ભરાયેલું. પટનામાં શત્રુઘ્ન સિંહા ફૅન ક્લબ પણ ચાલે છે. પટનાના શોમાં શત્રુજીએ લાલુપ્રસાદ અને રાબડીદેવી પર પણ જોક કર્યા હતા, જેના પર બન્ને પેટ ભરીને હસ્યાં પણ હતાં. શો પછી અમને બીજા દિવસે લાલુજીએ તેમના ઘરે બોલાવ્યા હતા, પણ બીજેપી સાથે હોવાને લીધે શત્રુજી ઘરે નહોતા આવ્યા, પણ અમે બધા લાલુજીના ઘરે ગયા હતા, જ્યાં તેમણે પોતે આખું ફાર્મ દેખાડ્યું, ઘઉં ઉગાડ્યા એ દેખાડ્યા, તેમનાં ગાય-ભેંસ પાસે અમને લઈ ગયા અને અમારી સરસ આગતાસ્વાગતા કરી. આમ અમે 9/11ની ઘટનાએ બગાડેલી અમારી ટૂરને અમે ઇન્ડિયામાં વસૂલ કરી અને બહુ સરસ રીતે શો કર્યા. 
અમેરિકામાં વાતાવરણ થાળે પડવા માંડ્યું અને ફરીથી અમેરિકા ટૂરનું પ્લાનિંગ શરૂ થયું. નવેસરથી અમે વિઝા માટે અપ્લાય કરી અને અમને વિઝા મળ્યા. 
૨૦૦૨ની ૧૮ જાન્યુઆરી.
‘પતિ, પત્ની ઔર મૈં’ સાથે અમે અમેરિકા રવાના થયા. અમેરિકાના શો, ત્યાં મળેલા રિસ્પૉન્સ અને બીજી બધી વાતો કરીશું આપણે હવે આવતા સોમવારે, પણ થર્ડ વેવને જાકારો આપવા માટે શું-શું કરવાનું છે એ યાદ છેને?

 પટનાના શો પછી લાલુજીએ અમને તેમના ઘરે બોલાવ્યા, પણ બીજેપી સાથે હોવાને લીધે શત્રુજી ઘરે નહોતા આવ્યા અને અમે બધા લાલુજીના ઘરે ગયા હતા, જ્યાં તેમણે પોતે આખું ફાર્મ દેખાડ્યું, ઘઉં ઉગાડ્યા હતા એ દેખાડ્યા, તેમનાં ગાય-ભેંસ પાસે અમને લઈ ગયા અને અમારી સરસ આગતાસ્વાગતા કરી.

columnists Sanjay Goradia