‘ઘર ઘર સંસ્કૃતિ’ જળવાશે તો જ ‘ઘર ઘર તિરંગા’નું માન જળવાઈ રહેશે

12 August, 2022 06:00 PM IST  |  Mumbai | Bhavini Lodaya

દરેક સ્કૂલમાં ૧૫ ઑગસ્ટની તૈયારી કરવામાં આવે, કારણ કે સૌકોઈ પોતપોતાની સ્કૂલ બેસ્ટ છે એવું માર્કેટિંગ આ દિવસે થતું હોય છે

તસવીર સૌજન્ય મિડ-ડે

૧૫ ઑગસ્ટની ઉજવણીની તૈયારીઓમાં સરકારનું ‘ઘર ઘર તિરંગા’નું પગલું સરાહનીય છે, પણ આ અમૃત મહોત્સવમાં ‘ઘર ઘર તિરંગા’ની સાથે ‘ઘર ઘર સંસ્કૃતિ’ જળવાય એવો પ્રયાસ પણ રહેવો જોઈએ. મૉડર્નિટીની વધતી જતી ગુલામીમાંથી બહાર લાવી આપણી માતૃભાષાના સ્થાનને જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણો ઇતિહાસ જળવાવો જોઈએ, જે ધીરે-ધીરે લુપ્ત થઈ રહ્યો છે. કારણ કે સીબીએસસી અને ઇન્ટરનૅશનલ બોર્ડના વધતાજતા આકર્ષણને કારણે તેમના સિલેબસમાં ક્યાંય આપણો ઇતિહાસ કે આપણી સંસ્કૃતિ જોવા નથી મળતી. સ્ટેટ બોર્ડમાં ઍડ્મિશન લેનારાઓની સંખ્યા ઘટતી જાય છે, કારણ કે સૌકોઈને પોતાના બાળકને આગળ વધારવો છે. મલ્ટિનૅશનલ કૉર્પોરેશન કંપનીઓમાં સારી જૉબ અપાવવી છે. ઇન્ટરનૅશનલ સ્કૂલની ટેક્સ-બુક્સમાં આપણું કલ્ચર ક્યાંય નથી જોવા મળતું, પણ સમયની માગને કારણે આજે બધા મૉડર્નિટી તરફ આગળ વધી રહ્યા છે.

મારા મતે મૉડર્નિટી તરફ આગળ વધવામાં પેરન્ટ્સ, સરકાર, સ્કૂલ-કૉલેજ અને આખા દેશની મોટી-મોટી કંપનીઓ તમામેતમામ જવાબદાર છે. સૌકોઈ માત્ર ૧૫ ઑગસ્ટે કલ્ચરની વાતો કરે છે એ પણ નામની. કારણ કે એ પણ માત્ર સિલેક્ટેડ લોકો માટે જ હોય છે. બાકી બધા માટે તો આ રજાનો દિવસ એટલે હરવા-ફરવાનો દિવસ હોય છે. આમાં સંસ્કૃતિ ક્યાંથી જળવાશે? આમાં ઇતિહાસ કઈ રીતે જીવતો રહી શકશે?

દરેક સ્કૂલમાં ૧૫ ઑગસ્ટની તૈયારી કરવામાં આવે, કારણ કે સૌકોઈ પોતપોતાની સ્કૂલ બેસ્ટ છે એવું માર્કેટિંગ આ દિવસે થતું હોય છે. સૌને પોતાની સ્કૂલ બેસ્ટ કાર્યક્રમ કરે છે એવું દેખાડવા માટે ચીફ ગેસ્ટની સામે સારામાં સારી સ્પીચ, બ્રાસ બૅન્ડનું પ્રદર્શન અને ગીત ગાવાનું આ બધું કરવામાં આવે છે. માત્ર પબ્લિસિટી માટે કે ન્યુઝપેપરનો ભાગ બનવા માટે  કરવામાં આવતી આ સાંસ્કૃતિક તૈયારી ખરા અર્થમાં કોઈ જ કામની નથી, કારણ કે શું સંસ્કૃતિ માત્ર સિલેક્ટેડ સ્ટુડન્ટ્સ માટે જ હોય છે? બાકીના સ્ટુડન્ટ્સને સંસ્કૃતિની ઓળખની જરૂર નથી? તેમને પણ આ કાર્યક્રમનો ભાગ કેમ બનાવવામાં નથી આવતા?

મારી તો સરકારને તેમ જ સ્કૂલ-કૉલેજ મૅનેજમેન્ટ સૌકોઈને અપીલ રહેશે કે આ દિવસે સૌ સાથે મળીને સંસ્કૃતિની ઝાંખી કરાવવાનો પ્રયાસ કરે. સ્કૂલ-કૉલેજોમાં આયોજન સૌકોઈ માટે થવું જોઈએ. આ દિવસે સૌકોઈ સાથે મળીને દિલ્હીની પરેડ જુઓ, ત્યાર બાદ સ્કૂલના પ્રોગ્રામ થવા જોઈએ. આમ સાંસ્કૃતિક, ઐતિહાસિક ઝાંખીને જીવંત રાખી શકાશે. જો તિરંગા પ્રેત્યે માન જ નહીં હોય તો ઘર ઘર તિરંગાનો કન્સેપ્ટ કઈ રીતે પૂર્ણ થશે? જો ઘર ઘર સંસ્કૃતિ જળવાતી હશે તો જ ઘર ઘર તિરંગાનું માન જળવાશે.
શબ્દાંકનઃ ભાવિની લોડાયા

columnists independence day