કહેવાય નહીં અને સહેવાય પણ નહીં એવી એક વાત

14 March, 2021 01:18 PM IST  |  Mumbai | Shailesh Nayak

કહેવાય નહીં અને સહેવાય પણ નહીં એવી એક વાત

કહેવાય નહીં અને સહેવાય પણ નહીં એવી એક વાત

પેન્શન શબ્દ કોઈથી અજાણ્યો નથી. આ શબ્દ મૂળ કોઈ ભારતીય ભાષા હોય એ સંભવ નથી. સરકારી સેવા દરમ્યાન કર્મચારીને તેની સેવાના બદલામાં જે વળતર મળે એને પગાર કહેવાય. આ પગાર અને સેવા એ બન્ને વિશે ચોક્કસ સમજૂતી થયેલી હોય છે. આવી સમજૂતી ન થઈ હોય ત્યાં બન્ને પક્ષે ગરજ તો હોય, પણ સમજૂતીના અભાવે જે ઢસરડો થાય એને શોષણ કહેવામાં આવે છે. શોષણ બળૂકો માણસ જ નબળાનું કરતો હોય છે એટલે આ શોષણનો શાપ સરકાર, ઉદ્યોગપતિ કે પછી જેના કાંડામાં કૌવત છે એના પર ચડાવી દેવામાં આવે છે.
પેન્શનની વિભાવના શું છે?
માણસ નોકરી કરે એટલે કે ચોક્કસ સેવા કરે એ માટે તેણે તનથી અને મનથી પણ ઘસાવું પડે. આ ઘસારાના બદલામાં જેકંઈ મળે એ પગાર એ તો સમજી શકાય એવી વાત છે. આ પગાર વધતી જતી મોંઘવારીને કારણે વખતોવખત અમુક ચોક્કસ ધોરણે વધતો રહે એવી ગણતરી મંડાઈ છે‌ એમાં પણ કાંઈ ખોટું નથી. માલિક જ્યારે એક કર્મચારીને ૧૦૦ રૂપિયા ચૂકવે છે ત્યારે દેખીતી રીતે જ તેની અપેક્ષા કર્મચારી પાસેથી ૧૧૦ રૂપિયાની વેચાણકિંમતની સેવાની અપેક્ષા હોય છે. જો ૧૦૦ રૂપિયા ચૂકવીને ૯૫ રૂપિયાનો માલ ઉત્પાદિત થાય તો એ સમજૂતી લાંબો સમય ચાલે નહીં, વહેલાસર તૂટી પડે.
પણ નોકરી એટલે કે સેવાનો સમય પૂરો થાય એટલે કામ પણ બંધ થાય અને પગાર પણ બંધ થાય. ૩૦ વર્ષનો એક કર્મચારી તમામ આધુનિક વિદ્યા-કૌશલ સાથે જે કામ કરી શકે એ કામ ૬૦ વર્ષનો કર્મચારી ૩૦ કે ૪૦ વર્ષના અનુભવ પછી પણ કરી શકે નહીં. હવે બદલાતા સમયમાં સેવાના પ્રકાર બદલાય છે. ગ્રાહકની જરૂરિયાત બદલાય છે. આમ જૂનો કર્મચારી છૂટો થાય છે. હવે આ છૂટા થતા કર્મચારીને એની શેષ જિંદગીના ભરણપોષણનું શું? તેણે પોતાની જિંદગીનાં ઉત્તમ વર્ષો સરકાર, સંસ્થા કે સમાજને જીવનનિર્વાહ પગારના બદલામાં આપી દીધાં છે. એને લક્ષમાં રાખીને એનાં શેષ વર્ષો માટે જે ગોઠવણ કરવામાં આવે છે એને પેન્શન નામ આપવામાં આવ્યું છે. આ પેન્શન દેખીતી રીતે જ પગાર જેટલું ન હોય, પણ તેની પાછલી જિંદગી સહજતા અને સરળતાથી માનભેર વિતાવી શકે એટલું તો હોવું જ જોઈએ.
કામ કર્યા વિના પગાર?
અહીં એક સવાલ પેદા થાય છે કે અત્યાર સુધી તેને જે વળતર મળતું હતું એ ચોક્કસ કામ કરવાના બદલામાં મળતું હતું. સમાજમાં કશું મફત નથી મળતું. માણસ કોઈને પ્રેમ કરે છે તો એના બદલામાં પણ તેને વળતો પ્રેમ જોઈએ છે. આવું દરેક બાબતમાં બને છે. લેવડ-દેવડ શબ્દો સાથે જ રહે છે. એને છૂટા ન પાડી શકાય. નરી લેવડ કે પછી નરી દેવડ ટૂંક‍જીવી નીવડે, લાંબો વખત ચાલે નહીં. અહીં પેન્શન એવું રૂપ ધારે છે કે કર્મચારી કશું કામ નથી કરતો અને જીવનના છેલ્લા શ્વાસ સુધી મહિને-મહિને વધતો જતો દરમાયો તેને મળે છે. આને નૈતિક રીતે સાચું કહી શકાય ખરું? જો આને સાચું ન કહેવાય તો કરોડો માણસો લાચાર અવસ્થામાં મુકાઈ જાય. આ લાચારી તેણે પોતે જુવાનીના કાળમાં જે કામગીરી કરી એને લીધે હોય છે. આ વૃદ્ધ, અશક્ત, અપંગ, લાચાર માણસોનાં ટોળાં વધારવાં એ દેશની સમૃદ્ધિનું લક્ષણ છે? સરકારે અથવા ઉદ્યોગગૃહોએ નિવૃત્ત કર્મચારીઓને પેન્શન આપવાની સાથે કોઈ પ્રકારની કર્મચારીની ક્ષમતા અનુસાર સેવા લેવાનું ચોક્કસ ધોરણ નિશ્ચિત કરવું જોઈએ. નવરા સશક્ત વૃદ્ધોનાં ટોળાં મંદિરના ઓટલે બેસી રહે એનો વિકલ્પ શોધવો જ જોઈએ.
મંદિરનો ઓટલો અને સરકારી તિજોરી
યાદ રાખવા જેવી વાત એ છે કે આપણી આયુષ્યની રેખા વધતી જાય છે. વિજ્ઞાનની શોધખોળ અને માણસની જાગૃતિને કારણે આમ બન્યું છે. પરિણામે પેન્શનની વય લંબાતી જાય છે. મોંઘવારીને કારણે પેન્શનની રકમ વધતી જાય છે. આનું પરિણામ એ આવ્યું છે કે સરકારી તિજોરી પર આવા અનુત્પાદક કામ માટે પેન્શનના નામે ખર્ચો વધતો જાય છે. દુનિયાભરની સરકાર આ સમસ્યાનો સામનો કરી રહી છે.
ઈ તો ધરમાદાનો રોટલો કે’વાય!
કરમચંદ ઓતમચંદ ગાંધીનું નામ તમને યાદ છે? મોહનદાસ કરમચંદ ગાંધીના પિતા. રાજકોટમાં રાજાની દીવાનગીરી કરે. આ દીવાનગીરીમાં તેમની સાથે ઘણા અંગ્રેજી સાહેબો પણ હોય. આવા એક અંગ્રેજ સાહેબને પોતાની અંગત સેવા માટે એક નોકર જોઈતો હતો. કરમચંદ ગાંધીએ આવો એક નોકર શોધીને સાહેબની સેવામાં મૂક્યો. આ નોકર ઘણો વફાદાર અને નિષ્ઠાવાળો માણસ હતો. સાહેબની સેવા તેણે તન‍-મન-ધનથી કરી. સાહેબ ખુશ થઈ ગયા‍, પણ આ ખુશી લાંબી ન ચાલી. સમય પૂરો થયો એ પહેલાં નોકરનું અકાળ અવસાન થયું. આ નોકરને પત્ની અને ત્રણ બાળકો હતાં. સાહેબે કરમચંદ ગાંધીને સૂચના આપી કે તેની વિધવાને સરકારી ચોપડે ઉધારીને ૧૫ રૂપિયાનું માસિક પેન્શન આપજો.
મહિનો પૂરો થયો અને પહેલી વિધવા સ્ત્રીને સાહેબની કચેરીમાં બોલાવીને કરમચંદ ગાંધીએ પેન્શનની રકમ આપી. આ ૧૫ રૂપિયા રોકડાની કોથળી જોઈને તેણે હાથ જોડીને રૂપિયા લીધા, પણ પછી પૂછ્યું,
‘આ શાને માટે છે બાપુ? મારો ધણી તો હવે રહ્યો નથી.’
‘એટલે જ આ રકમ હવે જિંદગીભર તમને આપવાનું સાહેબે ઠરાવ્યું છે. આને પેન્શન કહેવાય.’ કરમચંદ ગાંધીએ સમજાવ્યું.
‘જિંદગીભર! અને એય કામ કર્યા વિના?’ પેલી અભણ અને ગ્રામ્ય વનિતા ભારે ચકિત થઈ ગઈ. ‘કામ કર્યા વિના મારા ધણીના નામે હું ફદિયુંય કઈ રીતે લઉં? આ પૈસા મારે ક્યારેક પાછા તો આપવા પડેને!’
‘ના, પાછા નહીં આપવાના.’
‘તો તો પછી એ ધરમાદો થયો. મારા ધણીની ગેરહાજરીમાં તેના છોકરાઓને હું ધરમાદો ન ખવડાવું. અમે મહેનત કરીને રોટલા ખાઈશું.’
આટલું કહીને એ સ્ત્રીએ ૧૫ રૂપિયા કરમચંદ ગાંધીના હાથમાં પાછા મૂક્યા અને જતાં-જતાં બોલી,
‘બાપુ ઉપરવાળાએ અમનેય બે હાથ દીધા છે. આ ધોળિયા સાહેબ રોટલાનું બટકું નીરે એ ખાઈને મારા છોકરાને મોટા કરું તો તો ધિક્કાર છે મને.’
આ ટુચકો નથી. આ આખી ઘટના મહાત્મા ગાંધીજીના પિતા કબા ગાંધીના ચરિત્રમાં નોંધાયેલી છે.
સરકારી ચોપડે આજે કરોડો પેન્શનરો છે (આ લખનાર સુધ્ધાં). આ મહિલા જો સ્વર્ગમાં મળશે તો તેને શું મોઢું દેખાડીશું? કહેવાય નહીં અને સહેવાય પણ નહીં એવી આ એક વાત છે.

columnists weekend guide shailesh nayak