ભાષાને અકબંધ રાખવા માટે જરૂરી શું છે એ સમજવું સૌથી પહેલાં જરૂરી છે

10 July, 2020 10:18 PM IST  |  Mumbai | Manoj Joshi

ભાષાને અકબંધ રાખવા માટે જરૂરી શું છે એ સમજવું સૌથી પહેલાં જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

અગાઉ પણ કરી છે અને આજે પણ એ જ સ્પષ્ટતા કરવી છે. ભાષા ક્યારેય મરતી નથી, એ ક્યારેય મરી શકે પણ નહીં. સંસ્કૃતિની સાથે જ ભાષાનો લોપ થાય, સંસ્કૃતિ સાથે ભાષાનો નાશ થાય એ પહેલાં ભાષા મરે એવું ધારી ન શકાય કે માની ન શકાય. હા, અત્યારે ભાષાઓનો સંક્રાન્તિકાળ ચાલી રહ્યો છે. માત્ર ગુજરાતી જ નહીં, અનેક ભાષાઓનો સંક્રાન્તિકાળનો સમય ચાલે છે અને જેકોઈ ભાષાનો આવો સમયગાળો ચાલે છે એ તમામ ભાષાના વિદ્વાનોને લાગે છે કે ભાષાનો મરણકાળ ચાલી રહ્યો છે, પણ હું નમ્ર ભાવે કહું છું કે એવું છે નહીં, કારણ કે સંસ્કૃતિનો લોપ થાય ત્યારે જ ભાષાનો ક્ષય થાય અને એ જ સમયે ભાષા મરે એવું કહી શકાય. આજે પણ ઇતિહાસમાં અનેક એવી ઘટનાઓ છે જેમાં આખેઆખી સંસ્કૃતિનો નાશ થયો હોય અને એ નાશની સાથે જ એ સમયની ભાષાનો પણ નાશ થયો હોય. એ જ કારણે આપણને ધોળાવીરામાંથી મળતાં શિલ્પો પર લખાયેલી ભાષા ઉકેલાતી નથી. મોહેંજોદરોના પણ અનેક દસ્તાવેજો એવા મળ્યા છે જેના પર સાંકેતિક ભાષા છે, પણ એ ભાષામાં શું કહેવાયું છે એ આપણl માટે વાંચવું અઘરું છે. મોહેંજોદરો અને ધોળાવીરા જ શું કામ, એ સિવાયની પણ અનેક સંસ્કૃતિના વણઊકલ્યા દસ્તાવેજો પુરાતત્ત્વ ખાતા પાસે આજે પણ પડ્યા છે અને એને ઉકેલવાનો પ્રયાસ પણ અવિરતપણે થઈ રહ્યો છે, પણ એમ છતાં એમાં સફળતા મળી નથી. આ અને આ પ્રકારની ઘટનાઓને નોંધીને કહી શકાય કે એ ભાષાનો નાશ થયો, એ ભાષા મરી ગઈ, પણ ગુજરાતી કે પછી અન્ય કોઈ પણ પ્રાંતની ભાષા માટે આપણે આવું કહીએ એ યોગ્ય નથી.
ગુજરાતી મરવાની નથી, પણ એનો સંક્રાન્તિકાળ ચાલી રહ્યો છે એટલે એવું દૃશ્ય ઊભું થયું છે કે ભાષાનો મરણકાળ આવી ગયો અને મરણકાળ આવી ગયો એવું લાગે છે એટલે આપણે ભાષા બચાવવાના અભિયાનમાં લાગી ગયા છીએ. બચાવવાના આ અભિયાનમાં કેટલાક પોતાનાં ખિસ્સાં ભરે છે તો કેટલાકને પોતાનું મહત્ત્વ અને વર્ચસ અકબંધ રાખવાની તક મળી ગઈ છે. કેટલાક વળી આ અભિયાનના નામે લાઇમલાઇટમાં આવવાનું કામ કરે છે તો કેટલાક વળી ભાષા બચાવવાની આ પ્રક્રિયા થકી સાધુત્વ સૌ પર છાંટી રહ્યા છે, પણ ગેરવાજબી પ્રક્રિયા છે આ.
યાદ રાખજો કે કોઈને તાવ આવ્યો અને એવું ધારી લેવામાં આવ્યું કે આ તો કૅન્સર છે અને કૅન્સરની સારવાર શરૂ થઈ જાય તો તાવ જેવી સામાન્ય બીમારી ધરાવતા બાપડાની હાલત કફોડી થઈ જાય. પેશન્ટને કૅન્સર ન હોય તો પણ એની સારવાર ખોટી થતી હોવાથી તેને માટે નવી મુસીબત આવીને ઊભી રહી જાય.
આપણે અત્યારે ગુજરાતી સાથે આ જ કરી રહ્યા છીએ. ગુજરાતી ભાષાને બચાવવા માટે આપણે દોટ મૂકીએ છીએ, પણ એ દોટમાં આપણું બચાવકાર્ય છે, જે કરવાને બદલે આપણે ગુજરાતીનો વ્યાપ વધારવાનો છે અને ગુજરાતીને એ સૌ સુધી પહોંચાડવાની છે જેઓ ગુજરાતીથી અલિપ્ત થઈ ગયા છે અને અલિપ્ત નથી થયા તો ગુજરાતીથી પીઠ ફેરવીને બેસી ગયા છે. ભાષા બચાવવાના આ અભિયાનને જો સાચી દિશા મળશે તો એ ચોક્કસપણે ગુજરાતીનો વ્યાપ વધારશે અને ગુજરાતીને સન્માનનીય બનાવશે. અલિપ્ત થનારાઓને પાછા લાવશો તો પણ ભાષાને એક નવો વેગ મળી જશે, નવું બળ સાંપડી જશે માટે, તાવના પેશન્ટને કૅન્સરની સારવાર આપવાનું બંધ કરીને મૂળ મુદ્દા પર ધ્યાન આપો.

manoj joshi columnists