એક સમયે શાસ્ત્રીય નૃત્ય બોરિંગ લાગતું હતું, હવે એને જીવન સમર્પિત કરી દીધું

29 July, 2022 11:52 AM IST  |  Mumbai | Jigisha Jain

જીવનભરની સાધના તરીકે અપનાવવાનો નિર્ણય લઈ ચૂકેલી યુવા ડાન્સર અનેરી શેઠ પોતે એવા પ્રયત્નો કરવા માગે છે કે જેના થકી લોકો ક્લાસિકલ ડાન્સના મહિમાને સમજે અને પ્રશ્ન પૂછે છે કે આપણી સંસ્કૃતિની કાળજી આપણે નહીં રાખીએ તો બીજું કોણ રાખશે

એક સમયે શાસ્ત્રીય નૃત્ય બોરિંગ લાગતું હતું, હવે એને જીવન સમર્પિત કરી દીધું

શાસ્ત્રીય નૃત્યોમાંનું એક એવું મોહિનીઅટ્ટમ ડાન્સ ફૉર્મ કરીઅર તરીકે જ નહીં, જીવનભરની સાધના તરીકે અપનાવવાનો નિર્ણય લઈ ચૂકેલી યુવા ડાન્સર અનેરી શેઠ પોતે એવા પ્રયત્નો કરવા માગે છે કે જેના થકી લોકો ક્લાસિકલ ડાન્સના મહિમાને સમજે અને પ્રશ્ન પૂછે છે કે આપણી સંસ્કૃતિની કાળજી આપણે નહીં રાખીએ તો બીજું કોણ રાખશે

‘આજના યુવાનો માટે પૈસો અને નામ બન્ને ખૂબ મહત્ત્વનાં છે અને એ બન્નેને ધ્યાનમાં રાખીને જ તેઓ પોતાની કરીઅરની પસંદગી કરે છે. હું પણ માનું છું કે એમાં કંઈ ખોટું નથી પરંતુ થાય છે એવું કે જ્યારે તમે કોઈ આર્ટ ફૉર્મમાં ઊંડા ઊતરો ત્યારે એ તમારી કરીઅર નહીં, તમારી જિંદગી બની જાય છે. મારા માટે મોહિનીઅટ્ટમ એવું જ ડાન્સ ફૉર્મ છે જે મારું જીવન બની ગયું છે. હવે આખી જિંદગી હું એ જ કરવાની છું એ નક્કી છે. બાકી રહી પૈસા અને નામની વાત તો એ એના સમયે મળી જ જશે.’
આ શબ્દો છે ૨૮ વર્ષની જુહુમાં રહેતી અનેરી શેઠના. અનેરી મોહિનીઅટ્ટમ ડાન્સર છે. આઠ જુદા-જુદા પ્રકારનાં ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાંનું એક એવું મોહિનીઅટ્ટમ બીજાં શાસ્ત્રીય નૃત્યોની જેમ ઘણી જ મહેનત માગી લે છે. મોહિનીઅટ્ટમનાં જાણીતાં કલાકાર ગુરુ મંદાકિની ત્રિવેદી પાસે અનેરીએ ગુરુ-શિષ્ય પરંપરા અંતર્ગત ૭ વર્ષની તાલીમ લીધી અને હાલમાં તેમનાં જ નટેશ્વરી ડાન્સ ગુરુકુળમાં તે પોતે અસિસ્ટન્ટ ટીચર તરીકે શીખવે છે. 
શાસ્ત્રીય નૃત્યમાં રસ નહોતો
અનેરીના ઘરમાં કોઈ કલાકાર નથી. ઉત્પલ સંઘવી સ્કૂલમાં ભણતી અનેરીને સાંજે કોઈ ઈત્તર પ્રવૃત્તિમાં જોડાવા માટે તેનાં મમ્મીએ તેમનાં જ પાડોશી મંદાકિની ત્રિવેદીના ગુરુકુળમાં મોહિનીઅટ્ટમ શીખવા માટે નોકલી. એ સમયની વાત કરતાં અનેરી કહે છે, ‘હું ૧૨ વર્ષની હતી અને એ ઉંમરમાં કોઈ પણ બીજાં બાળકોની જેમ મને બૉલીવુડ ફિલ્મો અને ડાન્સ ખૂબ ગમતાં. ક્લાસિકલ ડાન્સ શીખવાની મને જરાય ઇચ્છા નહોતી. મેં મારા ગુરુને પણ ખૂબ હેરાન કર્યા છે. હું તેમની વાત માનતી નહીં. મને એ ખૂબ જ બોરિંગ લાગતું. મેં મારી મમ્મીને ના પાડી દીધી કે હું આવા ક્લાસમાં નહીં જાઉં.’ 
દુરાગ્રહ
પણ એ સમયે અનેરીનાં મમ્મીએ એ દુરાગ્રહને પકડી રાખ્યો કે ના, ઘરે બેઠાં ટીવી જોયા કરે એના કરતાં કંઈ જઈને શીખે એ વધારે સારું એવા મંતવ્યથી અનેરીના ક્લાસ ચાલુ રહ્યા. અનેરીનાં મમ્મીને પણ એવું નહોતું કે અનેરી એક દિવસ ડાન્સર બને. પણ તેના સમયના સદુપયોગનો જ વિચાર તેમના મનમાં હતો. આમને આમ ધીમે-ધીમે ડાન્સે અનેરીના જીવનમાં જગ્યા બનાવી. ઘણી વખત કરવા ખાતર કરતાં-કરતાં પણ કંઈક એવું થઈ જાય છે જે સામાન્ય નથી હોતું. ધીમે-ધીમે અનેરીને એમાં રસ પડતો ગયો અને એ ઊંડી ઊતરતી ગઈ અને સાત વર્ષની તાલીમ પૂરી કરી. 
સતત કરતા રહેવું 
એ વિશે વાત કરતાં અનેરી કહે છે, ‘બાળકોને તેમની ચૉઇસ પ્રમાણે જ ભણવા દેવાં કે એ જ કોર્સિસમાં મૂકવાં એ દરેક વખતે સાચી રીત સાબિત નથી થતી. સ્પેશ્યલી ક્લાસિકલ મ્યુઝિક કે ડાન્સ એવાં આર્ટ ફૉર્મ છે જેમાં ઘણાં વર્ષો તમારે કાઢવાં પડે ત્યારે એ તમને સમજાય, તમે એને ન્યાય આપી શકો અને કહી શકો કે મને ગમે છે કે નથી ગમતું. પહેલા જ ક્લાસમાં બાળકને ત્યાં મજા આવશે એમ કહેવું અતિશયોક્તિ છે. આમ પણ કોઈ પણ આર્ટ ફૉર્મમાં કન્સિસ્ટન્સી ખૂબ જરૂરી છે. તમે એ સતત કરતા રહો તો જ તમને એ આવડે, જેને રિયાઝ કહેવામાં આવે છે. મન થયું ત્યારે કર્યું અને મન થયું ત્યારે મૂકી દીધું એવું નથી હોતું. હું મારી મમ્મીની આભારી છું કે તેણે મારા કહેવા પ્રમાણે મારા ક્લાસ છોડાવી ન દીધા, કારણ કે હું બાળક હતી. મારામાં એ સમજ નહોતી.’
મોહિનીઅટ્ટમ ડાન્સ માટે અનેરી છેક આરંગેત્રમ વખતે સિરિયસ થઈ. ત્યાં સુધી આ નૃત્ય તેના માટે મમ્મીએ કહેલી એક ઍક્ટિવિટી જ હતી. એની વાત કરતાં તે કહે છે, ‘કોઈ પણ વિદ્યાર્થીના જીવનનો પહેલો સ્ટેજ પર્ફોર્મન્સ હોય છે આરંગેત્રમ. જ્યારે આખો બે કલાકનો પ્રોગ્રામ તમારે ખુદ પર્ફોર્મ કરવાનો હોય છે. આરંગેત્રમમાં કરેલી મહેનત અને એ અનુભવે મને એટલી અભિભૂત કરી કે કરીઅર ચૉઇસ તરીકે જ નહીં પરંતુ જીવનભર માટે મેં મોહિનીઅટ્ટમ ડાન્સ ફૉર્મને અપનાવી લીધું.’
આર્ટના પ્રસાર માટેનાં કામ
ધીમે-ધીમે તેની ડાન્સની જર્ની આગળ વધતી ગઈ અને પછી તો અનેરીએ NCPA, મુંબઈમાં અને પોરબંદરના સાંદીપની આશ્રમમાં પરફોર્મ કર્યું. આ સિવાય FTII પુણેમાં, લોનાવાલાના શક્તીયોગ આશ્રમમાં, વિસ્લીંગ વુડઝ એકેડમીમાં, કમલા રહેજા સ્કુલ ઓફ આર્કીટેક્સચરમાં તથા સંગીત મહાભારતી દ્વારા યોજાયેલા જુદા-જુદા વર્કશોપ્સને એણે પોતાના ગુરુની હેઠળ આસિસ્ટ કર્યા છે. ક્લાસિકલ ડાન્સના નાના-નાના પ્રોગ્રામ્સ પણ એણે કરવાનું શરુ કર્યું છે જે વિશે વાત કરતા અનેરી કહે છે, “આપણે ત્યાં લોકો ફરિયાદ કરે છે કે ક્લાસિકલ મ્યુઝીક અને ડાન્સ કોઈ શીખતું નથી. શીખે છે તો એને આગળ ધપાવવા માટે કરીઅર તરીકે કોઈ સ્વીકારતું નથી એનું કારણ જ એ છે કે આપણે ત્યાં લોકો આપણા આર્ટ ફોર્મને સપોર્ટ કરતા જ નથી. લોકો પ્રોગ્રામ્સ જોવા જશે નહિ તો કલાકારો કઈ રીતે આર્ટને જીવંત રાખશે. પરંતુ ફક્ત ફરિયાદ કરવાથી પણ રીઝલ્ટ આવવાનું નથી. આ માટે દરેક વ્યક્તિએ કામ કરવું પડશે.” 
નાના પગલા
ક્લાસિકલ ડાન્સમાં જ્યાં સુધી તમે ૧૫-૨૦ વર્ષ રીયાઝ ન કરો ત્યાં સુધી સોલો-પરફોર્મન્સ વિશે કોઈ ચર્ચા પણ કરતું નથી. પરંતુ અનેરીએ પોતે પોતાના દમ પર નાના-નાના સેટ-અપમાં પેઈડ પરફોર્મન્સ આપવાનું શરુ કર્યું છે. નાના સ્ટુડિયોઝમાં વધુમાં વધુ ૨૦-૩૦ જણાની સમક્ષ પોતે પોતાના ડાન્સનું લેકચર-ડેમોન્સટ્રેશન એ આપે છે. ગયા અઠવાડિયે અંધેરીના લોખંડવાલામાં એક સ્ટુડીઓમાં એણે એક ટીકીટ શો ઓર્ગેનાઈઝ કરીને પરફોર્મ કર્યું હતું. જે વિશે વાત કરતા અનેરી કહે છે, “અમારા જેવા કલાકારો જે ક્લાસિકલ ડાન્સ ફોર્મને લઈને જ આગળ વધવા માંગે છે એમણે આ પ્રકારની પહેલ કરવી જરૂરી છે. લોકો સુધી આ ડાન્સ ફોર્મ પહોંચે એ માટે ભલે નાના પગલાઓ થાકી પણ કેટલાક સ્ટ્રોંગ સ્ટેપ્સ જરૂરી છે.” 
ફરજ
યુવાનોને ક્લાસિકલ ડાન્સ શીખવો જ જોઈએ એવો આગ્રહ કરતાં અનેરી શેઠ કહે છે, ‘મોહિનીઅટ્ટમ ડાન્સને કારણે હું વધુ સ્થિર બની છું. મારી ધરતી અને એની સંસ્કૃતિ સાથે જોડાયેલી છું. આ ડાન્સ ફક્ત તમને શારીરિક રીતે નથી ઘડતો પરંતુ માનસિક અને આધ્યાત્મિક રીતે પણ તમારી અંદર ઘણા ફેરફારો લાવે છે. હું ઋણી છું મારા ગુરુની જેમના થકી આજે હું આટલું શીખી શકી છું. મારા ગુરુ અને મારાં માતા-પિતાના સપોર્ટથી હું આ ડાન્સ ફૉર્મને લોકો સુધી પહોંચાડવા માગું છું. એક યુવા ડાન્સર તરીકે મને એ મારી પ્રાથમિક ફરજ લાગે છે કે જો લોકો આપણી સંસ્કૃતિથી વિમુખ જઈ રહ્યા હોય તો એ મારી ફરજ છે કે હું એમને એનાથી નજીક લાવું.’

ક્લાસિકલ ડાન્સમાં તમે ૧૫-૨૦ વર્ષ રીયાઝ ન કરો ત્યાં સુધી સોલો-પરફોર્મન્સ વિશે કોઈ ચર્ચા કરતું નથી. પરંતુ અનેરીએ પોતાના દમ પર નાના-નાના સેટ-અપમાં પેઈડ પરફોર્મન્સ આપવાનું શરુ કર્યું છે.

પેઇન્ટિંગ પણ ગમે
અનેરી નાનપણથી આર્ટ તરફ જ વળેલી હતી. એ સ્કૂલમાં પેઇન્ટિંગ કરતી અને એમાં તેને ખાસ્સો રસ પડતો, જેથી તેણે બારમા પછી ફાઇન આર્ટ્સમાં ગ્રૅજ્યુએશન કરવાનું વિચાર્યું અને રચના સંસદ ઍકૅડેમી ઑફ ફાઇન આર્ટ્સ અને ક્રાફ્ટમાંથી તેણે ૨૦૧૫માં ગ્રૅજ્યુએશન કર્યું. આ સિવાય ઇન્ડિયન ઍસ્થેટિક્સમાં તેણે ડિપ્લોમા પણ કર્યો. એ જ વર્ષે મુંબઈના કાલાઘોડા આર્ટ ફેસ્ટિવલમાં તેના આર્ટ વર્કને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ સિવાય ૨૦૧૩માં વિક્રોલી ગોદરેજ આર્ટ સમિટ, ૨૦૧૫માં ડી બેલા કૅફે, મુંબઈમાં અને એ જ વર્ષે બૉમ્બે હેરિટેજ સોસાયટી, મુંબઈમાં પણ તેનાં પેઇન્ટિંગ્સ પ્રદર્શિત થયાં હતાં. 

columnists Jigisha Jain