સૂણીને સૂર એ તારા, માંડું છું પાય હું મારા

03 December, 2020 04:42 PM IST  |  Mumbai | Ruchita Shah

સૂણીને સૂર એ તારા, માંડું છું પાય હું મારા

પ્રતીકાત્મક તસવીર

જ્યારે શરીરના કોઈ એકાદ અંગમાં અક્ષમતા હોય ત્યારે ઈશ્વર એ વ્યક્તિની અન્ય ચેતનાને વધુ સ્ટ્રૉન્ગ કરી દે છે. એટલે જ આંખોથી ન જોઈ શકનારા માત્ર સતેજ કાનથી  પણ માર્ગ શોધી લે છે. તેમની આ વિશેષ ચેતનાને કારણે જ દિવ્યાંગ શબ્દથી તેમને નવાજવામાં આવે છે. આજે ઇન્ટરનૅશનલ ડે ઑફ હૅન્ડિકેપ્ડ નિમિત્તે આવા જ કોઈ શારીરિક પડકાર સામે પોતાની વિશેષતા સાથે ઝઝૂમી રહેલા લોકો અને ખાસ તો તેમના પરિવાર સાથે વાતો કરીએ

બોલી નથી શકતો પરંતુ ડાન્સ બહુ સરસ કરે છે, પરિવારની શાન છે

વાશીમાં રહેતા વર્ષા કિરીટ શાહનો ૩૯ દીકરો હાર્દિક માનસિક રીતે અક્ષમ છે. આઇકયુ લેવલ ઉંમર પ્રમાણે ડેવલપ નથી થયું પરંતુ તેના વિના તેમનો પરિવાર અધૂરો છે. ઇન ફૅક્ટ તેમના મિત્રવર્તુળમાં પણ તેમને હાર્દિક સાથે હોય તો જ એન્ટ્રી મળે છે. બધાનાં દિલ જીતી લીધાં છે. વર્ષાબહેન કહે છે, ‘સ્કૂલ એજ્યુકેશન તેનું બહુ વિશાળ પાયે નથી થયું. જોકે ભણવાને બદલે તેને પણ ડાન્સમાં રસ હતો એટલે અમારા ઘરની નજીક જ શામક દાવરના ક્લાસ હતા જે તેણે જૉઇન કર્યા હતા. બૉલ થ્રોઇંગ કૉમ્પિટિશનમાં તે નૅશનલ લેવલ સુધી પહોંચ્યો છે અને સાતથી આઠ મેડલ પણ જીત્યો હતો. અને લગભગ સાતથી આઠ મેડલ પણ જીત્યો હતો. ડાન્સ અને મંદિરોમાં જવું તેનો શોખ છે. રોજ દોઢથી બે કલાક તે મંદિરમાં જાય છે. ત્યાં વાંસળી વગાડવાના પ્રયત્નો પણ કરે. તેને બીજી સમજ નથી પરંતુ અધ્યાત્મ તરફનો તેનો ઝુકાવ કાબિલેદાદ છે. તેનો ઑબ્ઝર્વેશન પાવર અમને તાજ્જુબમાં મૂકી દે એવો છે. પ્રત્યેક વસ્તુ તરફ તેનું ધ્યાન હોય. પર્ફેક્શનનો આગ્રહી છે અને અતિશય પ્રેમાળ છે. એક વાર તેના રંગે રંગાઓ એટલે પછી તેને ભૂલી ન શકો. અમારા પરિવારમાં જ નહીં પરંતુ આડોશી-પાડોશી અને મિત્રવર્તુળમાં પણ હાર્દિક સૌનો ફેવરિટ છે.’

સ્મરણશક્તિ એવી કે કોઈ સામાન ક્યાં રાખ્યો છે એ પૂછવા તેમના શેઠ પણ આ યુવાનને ફોન કરે

બાયોલૉજિકલ એજ ૩૮ની હોય પરંતુ મેન્ટલ એજ આઠ-નવ વર્ષની જ હોય ત્યારે અત્યારના વિશ્વને હૅન્ડલ કરવાનું અઘરું થઈ જાય. જોકે ગોરેગામમાં રહેતાં આશા નિરંજન શાહે પોતાના પુત્ર નિશિથને એવી રીતે ટ્રેઇન કર્યો છે કે તે ધીમે-ધીમે હવે પોતાની રીતે જીવન જીવતાં શીખી રહ્યો છે. તેની મેમરી ખૂબ જ શાર્પ છે. ડાન્સ કરે તો તમે જોતા રહી જાઓ. કોરિયોગ્રાફરો માટે યોજાયેલી ડાન્સ કૉમ્પિટિશનમાં પણ તે ઇનામો લઈને આવ્યો છે. આશાબહેન કહે છે, ‘તેને ડાઉન્સ સિન્ડ્રૉમ છે જેમાં તેના શરીરમાં કોઈ ખોડખાંપણ નથી પરંતુ માનસિક વિકાસ અમુક એજ પૂરતો થયો છે. તેનામાં નાના બાળક જેવું ભોળપણ છે. દુનિયાદારી હજી તેનામાં નથી પ્રવેશી. એક વાર વસ્તુ જુએ એટલે એનું સ્થાન તેને યાદ રહી જાય. આપણે શોધીએ કે ફલાણી વસ્તુ ક્યાં મૂકી છે પરંતુ તેને એ બરાબર યાદ હોય. હવે તે દુકાને કામ પર જાય છે. ત્યાં પણ તેની આ યાદશક્તિના માટે તેનું નામ છે. ક્યારેક દુકાને કોઈ વસ્તુ ન મળે તો તેના શેઠ ઘરે ફોન કરીને નિશિથને પૂછે. તેના શેઠ પણ તેને દીકરાની જેમ સાચવે છે, તેને દરેક બાબત શીખવી રહ્યા છે. ડાન્સની બાબતમાં અને મેમરીની બાબતમાં તેની શાર્પનેસ તેને મળેલી સ્પેશ્યલ એબિલિટીથી જરાય ઊતરતી નથી.’

માતાપિતાના પગે લાગીને પછી જ ઑફિસ જવાનો નિયમ આજનાં કેટલાં બાળકો પાળે છે?

ફોર્ટમાં રહેતાં અમિતા અને તિલક શાહના દીકરા દર્શનને જે તકલીફ છે એવી વિશ્વનાં માત્ર અન્ય ૧૧૦ બાળકોને જ હોવાનું નોંધાયું છે. હવે તો દર્શન ૨૫ વર્ષનો થઈ ગયો છે, પરંતુ જન્મથી જ તેણે ખૂબ કપરો સમય જોયો છે. હાથમાં મૂવમેન્ટ નહોતી, બન્ને પગ નાના-મોટા હતા, મોઢામાં તાળવાનું હાડકું નહોતું અને એવી તો કંઈ કેટલીય ફિઝિકલ ચૅલેન્જિસ સામે જસ્ટ જન્મેલા બાળકે લડવાનું હતું. તિલકભાઈ અને અમિતાબહેન કહે છે, ‘અમને પણ આંચકો લાગ્યો હતો કે શું કરીશું? બાળક જીવશે કે નહીં એની પણ ખબર નહોતી. જોકે નસીબજોગે અમને ડૉક્ટર સારા મળ્યા. ડૉ. સુધીર મહેતા અને ડૉ. પી. જી. શામદાણીએ તેના ઇલાજમાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. દર્શન આજે અમારી સાથે છે એ પાછળ આ બે ડૉક્ટર અને અમારા ગુરુજી પ્રેમસૂરિજી મહારાજાને કારણે. લગભગ સત્તર જેટલી સર્જરીઓ તેની થઈ. ભણવા જાય પણ વચ્ચે-વચ્ચે હૉસ્પિટલાઇઝેશનને કારણે પાછળ રહી જાય એટલે પાંચ ધોરણ ભણીને છોડવું પડ્યું. જોકે પછી અમે તેને વોકેશનલ કોર્સ કરાવ્યો હતો. આજે પચીસ વર્ષની ઉંમરે તે નોકરી કરે છે. પગ વચ્ચેની જુદી સાઇઝ માટે અલગ પ્રકારનાં શૂઝ પહેરે છે. હાથ વળતો નથી એટલે ચમચીથી ખોરાક ખાય છે. જાતે-જાતે તે કમ્પ્યુટર શીખ્યો છે અને નોકરી પર પણ સારું કામ કરી રહ્યો છે. મને કમ્પ્યુટરમાં મારા સેલ્સ-ટૅક્સને લગતા કામમાં એન્ટ્રી વગેરે કરવામાં મદદ કરે છે. બહુ જ સરસ રીતે તે પોતાનો પુત્રધર્મ નિભાવી રહ્યો છે. ઑફિસમાં હોય તો પણ રોજ અમને બન્નેને વ્યક્તિગત ફોન કરીને દવા લીધી કે નહીં એની પૃચ્છા કરે. રોજ ઑફિસ જતાં પહેલાં અમે આડાં પડ્યાં હોઈએ તો પણ પગે લાગીને જ જાય. ભલે ફિઝિકલી તેને જે પડકારો સહન કરવા પડ્યા પરંતુ માનસિક રીતે તે ખૂબ તેજ છે અને પરિવાર પ્રત્યે તેને ખૂબ લગાવ છે.’

અમિતાબહેનની તબિયત પણ વધુપડતા ડાયાબિટીઝને કારણે નાદુરસ્ત રહે છે. જોકે આ બન્ને પતિપત્ની પોતાની દીકરી અને દીકરાના સંસ્કારો અને પરસ્પર સ્નેહભાવને કારણે ભરપૂર સંતોષ અનુભવે છે.

બન્ને દીકરા-વહુઓને સાંભળવામાં તકલીફ છે છતાં તેઓ સંપૂર્ણ સ્વાવલંબી છે

વિરારમાં રહેતાં કુસુમ ધનસુખલાલ સંઘવીને બે દીકરા છે. બન્નેની શ્રવણશક્તિ લગભગ ૯૦ ટકા જેટલી કામ નથી કરતી છતાં તેમનામાં રહેલી અન્ય ટૅલન્ટને કુસુમબહેને નાનપણમાં જ પકડી પાડેલી. તેઓ કહે છે, ‘સ્વાભાવિક રીતે ખબર પડી ત્યારે ખૂબ દુઃખ થયેલું. પરંતુ પછી તો પરિસ્થિતિને સ્વીકારીને ગમેતેવા સંજોગોમાં તેઓ ટકી શકે એ માટે તેમને તૈયાર કરવાના એ એક જ ધ્યેય હતું મારું. તેમને સ્પીચ થેરપીના માધ્યમે લિપ રીડિંગ કરતાં આવડી ગયું પછી તો તેઓ નૉર્મલ સ્કૂલમાં બધાં બાળકો સાથે ભણ્યા અને એમાં‍ પણ તેઓ પહેલો અને બીજો નંબર લાવતા હતા. ભણવામાં બન્ને પહેલાંથી જ ખૂબ હોશિયાર રહ્યા છે. નાનો દીકરો અત્યારે બૅન્કમાં જૉબ કરે છે અને મોટો દીકરો તેના પપ્પા સાથે ફૅક્ટરીમાં જોડાયો છે. હવે તો તેમનાં લગ્ન પણ થઈ ગયાં છે અને તેમની પત્નીઓેને પણ શ્રવણશક્તિમાં થોડીક સમસ્યા છે. જોકે મારી બન્ને વહુઓ પણ પોતપોતાની રીતે ખૂબ ઍક્ટિવ છે. તેઓ શ્રીનાથજીનાં અદ્ભુત પેઇન્ટિંગ અને પિછવાઈઓ બનાવે છે અને દેશવિદેશમાંથી તેમને ઑર્ડર મળવાના શરૂ થયા છે. મેં આ મારા ઘરમાં લાઇવ જોયું છે કે જ્યારે કોઈ એક ક્ષતિ જીવનમાં મળી હોય ત્યારે ઈશ્વર અન્ય બાબતોમાં અનેકગણી શક્તિ આપતો હોય છે.’

અહીં ઉલ્લેખનીય છે કે કુસુમબહેનનાં મોટા દીકરા-વહુ પ્રતીક અને ઋતાની દીકરી આશનાને કોઈ હિયરિંગ પ્રૉબ્લેમ નથી. એ જ રીતે નાના દીકરા-વહુ રિકિન અને દીપાના દીકરા જીનયને પણ આવી કોઈ સમસ્યા નથી. હવે આ બન્ને બાળકો પોતાના પેરન્ટ્સ સાથે કમ્યુનિકેટ કરતાં અને તેમનો સપોર્ટ બનતાં શીખી ગયાં છે.

columnists ruchita shah