ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા

11 December, 2020 05:33 PM IST  |  Mumbai | Rupali Shah

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા

પ્રતીકાત્મક તસવીર

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા....કવિ ઉમાશંકર જોષીની આ પંક્તિઓને ખરા અર્થમાં જીવી રહેલા અને ડુંગર, પર્વત, ગિરિ, કંદરાઓને ખૂંદીને કુદરતના સાંનિધ્યને માણવાનું પૅશન ધરાવતા લોકોને માઉન્ટન્સ માની ગોદ જેવું સુકૂન આપે છે. આજે ઇન્ટરનૅશનલ માઉન્ટન ડે નિમિત્તે પર્વતારોહક સાહસિકોને પૂછીએ કે તેમને અટલ પર્વતોને ખૂંદીને એવું કયું જીવનપ્રેરક બળ મળે છે કે વારંવાર અને એક પછી એક અનેક માઉન્ટન્સ સર કરવાની મહેચ્છા જાગે છે?

પર્વતારોહણ ટીમવર્ક છે અને એ તમારી ટીમની પણ સંભાળ રાખવાનું શીખવે છે ઃ વંદના ત્રિવેદી, સાંતાક્રુઝ

સાંતાક્રુઝમાં રહેતાં અને IDFC મ્યુચ્યુઅલ ફન્ડની વર્ચ્યુઅલ ડિસ્ટ્રિબ્યુશન ચૅનલ અને ઇન્સ્ટિટ્યુશનલ સેલ્સનાં હેડ વંદના ત્રિવેદી કહે છે, ‘કુદરતના સાંનિધ્યમાં રહેવાની ઇચ્છાને લીધે જ હું પર્વતારોહણ કરું છું. હું દિલ્હીમાં ઊછરી અને ત્યાર પછી મુંબઈ શહેરના ભરચક વાતાવરણમાં રહું છું. મેં સહ્યાદ્રિના ટ્રેકિંગથી શરૂઆત કરી હતી અને મને ત્યાંનું એકાંત અને શાંતિ ખૂબ જ સ્પર્શી ગયાં હતાં. ત્યાર પછી હિમાલયના બે-ત્રણ પર્વતો પર પર્વતારોહણ કર્યું. પર્વતો તમને સાદગી શીખવે છે. પર્વતોની તળેટીમાં રહેતા ગામડાંના લોકોને જુઓ તો ખબર પડે કે તેઓ ખૂબ ઓછી જરૂરિયાતો સાથે જીવતા હોય છે. અને એ બાબત મને ખૂબ આકર્ષે છે. બાકી માઉન્ટેનિયરિંગ તમારી શારીરિક અને માનસિક ક્ષમતાને ચકાસે છે. ગમે તેવા વાવાઝોડા વચ્ચે પણ ટકી રહેવાનું અને આગળ વધવાનું શીખવે છે. ઘણી વાર આ બધી જગ્યાઓ પર તમારે ખાવાનું શોધવા માટે ખાસ્સી મહેનત કરવી પડતી હોય છે. કોઈ વાર મૅગીથી પણ ચલાવવું પડતું હોય છે. અમુક જગ્યાઓ પર એકબીજાને દોરડાથી બાંધીને પર્વતો ચડવાના હોય છે. એ વખતે બીજા બધાની સુરક્ષા માટે તમારી સુરક્ષા પણ એટલી જ અગત્યની હોય છે. પર્વતારોહણ ટીમવર્ક છે અને એ તમારી ટીમની પણ સંભાળ રાખવાનું શીખવે છે. એમાંથી મળતા પડકારોમાંથી તમે રોજબરોજના જીવનના પડકારોને સંભાળતાં શીખી શકો છો. એ મને મારા કામના ફીલ્ડમાં પણ ઘણુંબધું શીખવે છે. ધીરજ, નેવર ગિવ અપ જેવી બાબતો હું આ અવિચળ પહાડો પાસે જ શીખી છું.’

મહિનામાં એક વાર ટ્રેકિંગ કરવા ન નીકળી પડો તો જીવનમાં કશુંક અધૂરું લાગે: સં‌દીપ કારિયા

ફોર્ટમાં રહેતા સંદીપ કારિયાએ ૧૯૯૬ની સાલથી પર્વતારોહણ શરૂ કર્યું હતું. ૨૩ વર્ષ દરમિયાન તેમના સહ્યાદ્ર‌િના લગભગ ૬૫૦થી વધુ ટ્રેક અને હિમાલયના ૨૫ જેટલા ટ્રેક કરી ચૂક્યા છે. તેઓ કહે છે, ‘મને આ ઍક્ટિવિટી ખૂબ સંતોષ આપે છે. ટ્રેકિંગનો ચસકો એક વાર લાગે પછી એને છોડવો મુશ્કેલ છે. તમે મહિનામાં એક વાર ટ્રેકિંગ કરવા ન નીકળી પડો તો તમને કશુંક અધૂરું લાગે. લૉકડાઉન વખતે મેં ટ્રેકિંગ ખૂબ મિસ કર્યું, પણ વર્કઆઉટ કરીને એને કમ્પેન્સેટ કરવાની કોશિશ કરતો. હમણાં ગયા રવિવારે જ હું નાશિક પાસે ટ્રેકિંગ કરી આવ્યો. આમાં તમારી ઍક્ટિવિટી ચાલુ રહે છે. પ્રદૂષણથી દૂર તમે કુદરતી વાતાવરણમાં જાઓ તો તમારાં તન-મન સ્વસ્થ અને શાંત થઈ જાય છે.’

પર્વતો તમને અનેક પ્રશ્નોના જવાબ આપે છે: કરણ ચાવડા, ઘાટકોપર

જ્યારે પર્વતોની હારમાળાઓને સર કરવા મહેનત ફરીએ ત્યારે અનેક રહસ્યમય ફીલિંગ અનુભવાય છે. આ અજીબ અનુભૂતિ વિશે ઘાટકોપરના કરણ ચાવડા કહે છે, ‘આ એક નશો છે. એને તમે વ્યાખ્યાયિત ન કરી શકો. રૂટીનમાંથી બહાર નીકળી તમે ખુદને પામો છો. પર્વતો તમને અનેક પ્રશ્નોના જવાબ આપે છે. પર્વતો તમારા બેસ્ટ ટીચર છે. ધ્યાનથી સમજશો તો કુદરત તમને ઘણું શીખવતી હોય છે. ટ્રેઇલમાં ક્યારેક નાનો પથ્થર તો ક્યારેક મોટો પથ્થર આવતો હોય છે. ઘણી વાર ઝડપથી જવા માટે આપણે મોટા-મોટા પથ્થર કુદાવવાની કોશિશ કરતા હોઈએ છીએ, પણ ખરી રીતે તો નાના સ્ટેપ ચડીને તમે ઓછા થાક સાથે ફટાફટ પહોંચી શકો છો. આ દૃષ્ટિકોણ જીવનમાં અપનાવવા જેવો છે. જીવનમાં અમુક વસ્તુ અચીવ કરવા ધીમે-ધીમે થોડા બ્રેક સાથે આગળ વધીએ તો વધુ લાંબું પહોંચી શકાય છે. પર્વતારોહણ વખતે નાનાં ગામડાંઓમાં જાઓ ત્યારે સમજાય છે કે આપણને સરળતાથી મળતાં પાણી, ઇલેક્ટ્રિસિટી ગામડાંના લોકોને નથી મળતાં. તો આપણે એ રિસોર્સિસની વૅલ્યુ કરવી જોઈએ. માઉન્ટન્સ આર ધ બેસ્ટ ઇલ્યુઝન. ઇગતપુરીથી જોશો તો કળસુબાઈ પીક ખૂબ ઊંચું લાગશે, પણ એના બેઝ કૅમ્પથી તમે જશો તો તમને લાગશે કે આ તો બાજુમાં જ છે. આમ પર્વતો ઇલ્યુઝન અને રિયલિટી વચ્ચેનો ભેદ પણ સમજાવે છે. ફુલ ઑફ એનર્જી આપતા પહાડો ખૂંદો ત્યારે જ સમજાય છે કે એમાંથી તમને શું મળે છે. પર્વતારોહક તરીકેની મારી યાત્રાનો આરંભ ૨૦૦૮માં થયો હતો. મહારાષ્ટ્રમાં તો મેં ૧૦૦થી વધુ સ્પૉટ એક્સપ્લોર કર્યા છે. જોકે હવે તો મેં એ ગણવાનું જ છોડી દીધું છે. પણ એમાં મહારાષ્ટ્રનો સૌથી ડિફિકલ્ટ ટ્રેક અલંગ મદન કુલંગ છે. આ નાશિકનો એક ટ્રાયો ટ્રેક છે. એમાં બે દિવસ લાગે છે. અલંગથી શરૂ થઈને મદન વચ્ચે આવે છે. મદનગઢ સૌથી ટફેસ્ટ ટ્રેક છે. ત્યાં કોઈ સ્ટેપ નથી. બેઝ પણ નથી. અલંગ ચઢ્યા પછી ૮૦ ફીટનું રેપલિંગ કરીને આવવું પડે. એમાં કોઈ સ્ટેપ કે સ્કી નથી. તમારે કમ્પલ્સરી પોતાને દોરડું બાંધીને રેપલ ડાઉન કરીને નીચે આવવાનું. થ્રીલિંગ અનુભવાય. જ્યારે લોનાવલાથી ભીમાશંકરનો ૮૦ કિલોમીટરનો એક પર્વતથી બીજા પર્વત પર પહોંચાડતો રેન્જ ટ્રેક કરો તો એમાં મહારાષ્ટ્રની બ્યુટી જોવા મળે છે. તમે બે દિવસનું ફૂડ સાથે પૅક કરીને ચાલીને જંગલ, નદી, સરોવર બધું જોતાં, પસાર કરતાં ટેન્ટની અને સ્લીપિંગ બૅગની વ્યવસ્થા સાથે આ એક્સ્પીરિયન્સ ખૂબ એન્જૉય કરો છો. વીક ડેઝમાં આઇટી કંપનીમાં વર્ક કરવાની સાથે વીકએન્ડની પ્રવૃત્તિ તરીકે હું છેલ્લાં ત્રણ વર્ષથી એક ટ્રાવેલ કંપની સાથે જોડાયો છું જેમાં વીસ-પચીસ લોકો માટેનો ટ્રેકિંગ, સાઇક્લિંગ, કૅમ્પિંગનો કમર્શિયલી બૅચ ઑર્ગેનાઇઝ કરું છું. એન્ડલેસલી આઇ રોમ. આ આઉટડોર કંપનીનું ટ્રેકિંગ ન હોય તો મારા પોતાના પ્લાન હોય. મારું ફોકસ ટ્રેકિંગ અને સાઇક્લિંગ પર વધુ છે.’

શિખરોમાં સાક્ષાત ઈશ્વરનાં દર્શન થતાં હોય એવું લાગે: અશ્વિન છેડા

બોરીવલી (વેસ્ટ)ના બિઝનેસમૅન અશ્વિન છેડાએ મનાલીથી માઉન્ટેનિયરિંગનો વિથ અને વિધાઉટ ઇક્વિપમેન્ટનો ચાળીસ દિવસનો એ ગ્રેડ કોર્સ કર્યો છે. ઔલીથી સ્કિઇંગનો પણ કોર્સ કર્યો છે. પૅરાગ્લાઇડિંગ, રાફ્ટિંગ બધું જ માણ્યું છે અને છેલ્લાં ૩૫ વર્ષથી અવારનવાર પર્વતોના ખોળે સુકૂન મેળવવા નીકળી પડે છે. લેહ-લદ્દાખ, ભુતાન, ચારધામ-બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી, મનાલી, ત્રણ વાર અમરનાથ જેવા ચાળીસેક જેટલા હિમાલયન ટ્રેક ઉપરાંત સહ્યાદ્રિનાં અનેક શિખરો પર પહોંચ્યા છે. અનેક થ્રિલિંગ અનુભવો થવા છતાં આ ઍક્ટિવિટી ન છોડી શકાય એવું જણાવતાં તેઓ કહે છે, ‘ગંગોત્રીની ઉપર ગૌમુખ અને એની ઉપર કીર્તિ ગ્લૅસિયર પછી મેરુ પર્વતનો બેઝ આવે. ત્રીસેક વર્ષ પહેલાં અમે ત્યાં ગયા એ વખતે ત્યાં લૅન્ડ સ્લાઇડિંગ થયું અને બધું જ બ્લૉક થઈ ગયું હતું. આઠ દિવસ સુધી અમે ત્યાં ફસાયેલા રહ્યા હતા. ત્રીસ વર્ષ પહેલાં તો મોબાઇલ પણ નહોતા. એક વાર તમે પહાડો અને જંગલોમાં ઘૂસી જાઓ પછી તમે ટ્રેસ ન થઈ શકો. અમારી પાસે ફૂડ પણ નહોતું. છેક આઠ દિવસે અમને આર્મી દ્વારા બચાવાયા હતા. છતાં પર્વતો એટલું આકર્ષે છે મને એક જ ઇચ્છા થાય કે મરવું તો હિમાલયમાં જ મરવું. બૉડી મમી તરીકે બરફની અંદર જ રહેવી જોઈએ. પર્વતારોહણ ગમે તેટલું ટફ હોય પણ એક વાર કમ્પ્લીટ કરીને આવો એટલે અંદરથી સુકૂન મળે. જીવતે જીવ સ્વર્ગે જઈ આવ્યા હોય એવી અનુભૂતિ થાય. શિખરોમાં સાક્ષાત ઈશ્વરનાં દર્શન થતાં હોય એવું લાગે. પણ આ બધામાં પર્વતો પાસેથી સૌથી વધુ કંઈ મળ્યું હોય તો એ શિસ્ત મળી છે. પર્વતારોહણ એક એવી ઍક્ટિવિટી છે કે એમાં તમને કોઈ જાતની માફી નથી મળતી. એક ડગલું ચૂક્યા કે તમે કાયમ માટે જિંદગીથી હાથ ધોઈ બેસો. આજના મોબાઇલ અને ટીવી કલ્ચરમાંથી બહાર નીકળવું હોય તો કુદરત સાથે રહેવું એ ખરેખર આહ્લાદક અનુભૂતિ છે.’

પર્વતારોહણની શિસ્ત જીવન જીવવાની કળા સંપૂર્ણ રીતે શીખવી દે છે: દિવ્યેશ વોરા

મને કોઈ ત્રણ મહિનાના લાસવેગસના વિઝા આપે અને એની સામે પંદર દિવસ હિમાલય રોહણ કરવાનો વિકલ્પ આપે તો હું હિમાલય પર પસંદગીની મહોર મારીશ. એવું કાંદિવલી (વેસ્ટ)માં રહેતા દિવ્યેશ વોરાનું કહેવું છે. એવું કેમ? એના જવાબમાં તેઓ કહે છે, ‘આ બધી વાતો વર્ણવી શકાય એવી નથી. એક તો આવી જગ્યાએ નેટવર્ક ન હોય એટલે તમે કુદરતી સાંનિધ્યને ભરપૂર માણી શકો છો. અને મનની સાથે તનની ફિટનેસ પણ મળે. આજે લોકો મોજશોખ માટે સ્વિટ્ઝરલૅન્ડ કે બીજો વિદેશ પ્રવાસ કરે છે. તેમને બહારની ભૌતિક દુનિયા આકર્ષતી હોય છે, પણ હકીકતમાં તો પર્વતારોહણ વખતના રોજના આઠ-દસ કિલોમીટર ચડો ત્યારે એમાં તમને અનેક પડકારો મળે છે અને એમાં જ તમારા અનુભવની દુનિયા વિકસે છે. આમાં તમારી શિસ્ત વધે છે. તમારો આત્મવિશ્વાસ પણ વધે છે અને તમે આત્મનિર્ભર પણ બનો છો. આજના દરેક યુથે આ વસ્તુ એક્સપ્લોર કરવાની જરૂર છે. કુદરતનું સાંનિધ્ય, શાંતિ અને સુકૂન સહિત અનેક ઉતાર-ચડાવ આપતાં પડકારો, ઈકો-ટેક ટૉઇલેટ, મિનિમમ જરૂરિયાતો સાથે રહેવાનું, જરૂરિયાત પૂરતું ખાવું, તમારા શરીરને દરેક વાતાવરણમાં અને ખાસ કરીને ઠંડીમાં રાખવાની ટેવ પાડવી આ બધી તાલીમ અને શિસ્ત જીવન જીવવાની કળા સંપૂર્ણ રીતે શીખવી દે છે. મારી ઇચ્છા મારી દીકરી સંસ્કૃતિને બને તેટલું પર્વતારોહણ કરાવવાની છે.’

columnists