જેન્ટલમેન, યોગ પ્લીઝ

19 November, 2020 09:22 PM IST  |  Mumbai | Ruchita Shah

જેન્ટલમેન, યોગ પ્લીઝ

જેન્ટલમેન, યોગ પ્લીઝ

તુલનાત્મક રીતે યોગ શીખવામાં અને યોગ શીખવવામાં મહિલાઓ કરતાં પુરુષોનું પ્રમાણ ઓછું હોવાનું સામાન્ય નિરીક્ષણ કહે છે. જોકે યોગિક ક્રિયાના લાભ સર્વજન સમભાવ જેવા છે. પુરુષો જો થોડીક ધીરજ કેળવીને યોગ કરે તો તેમને કેવા-કેવા ફાયદા થઈ શકે છે એ વિષય પર આજે થોડીક વાતચીત કરી લઈએ

પુરુષો મોટા ભાગે ડાયનૅમિક વ્યક્તિત્વના ધણી હોય છે. સ્પીડ તેમના સ્વભાવમાં હોય છે. કંઈક પામવાની, મેળવવાની, રેસમાં ભાગ લેવાની, જીતવાની, સતત પોતાને મુઠ્ઠી ઊંચેરા સાબિત કરતા રહેવાની તેમની દોડમાં યોગ થોડીક ઑફબીટ જેવી બાબત ગણી શકાય. એક તરફ જ્યાં ઝડપને પ્રાધાન્ય છે, સ્ટ્રેંગ્થ, પાવર અને ડૉમિનેટ કરવાની સહજ પ્રકૃતિ છે તો બીજી બાજુ યોગ ઠહરાવ છે, અટકીને જાત સાથે જોડાવાની યાત્રા છે. કદાચ આ મૂળ સિદ્ધાંતોને કારણે જ યોગ સાથે પુરુષોનો મોટો વર્ગ તાદાત્મ્ય નહીં સાધી શક્યો હોય. ઘણા યોગશિક્ષકોનો અનુભવ આ રહ્યો છે જેમાં પુરુષોનું પ્રમાણ યોગના ક્ષેત્રે સ્ત્રીઓના પ્રમાણ કરતાં હંમેશાં ઓછું રહ્યું છે. જોકે બહુબધી દોડ, સતત ડિમાન્ડિંગ માહોલમાં જાતને પુરવાર કરવાની હોડ અને મહત્ત્વાકાંક્ષાઓના બોજ વચ્ચે તન અને મનને સંતુલિત રાખવા માટે પુરુષોના જીવનમાં યોગ સૌથી વધુ આવશ્યક છે. શૅરબજારના ગગડતા ભાવ વચ્ચે વધી રહેલી શ્વાસની ગતિ, હૃદયના ધબકારા અને બ્લડ-પ્રેશરના ઊંચા થતા આંકડાઓથી રક્ષણ જોઈતું હોય તો યોગ હેલ્પ કરી શકે છે. સતત બહારના છળકપટ અને કાવાદાવાથી ભરેલા વિશ્વ સામે બાથ ભીડીને જીવવાની સાથે મનની શાંતિને વિચલિત ન થવા દેવી હોય તો યોગ હેલ્પ કરી શકે છે. જીવનના ઉતાર-ચડાવમાં, દુન્યવી સ્ટ્રેસ અને પરિવારની જવાબદારી વચ્ચે જાતને સંભાળી રાખવી હોય તો યોગ જેવી હળવાશ બીજે ક્યાંય નહીં મળે. અનેક રોગોમાં હેલ્થ બેનિફિટ્સ આપવાની સાથે યોગ તમારા વ્યક્તિત્વમાં મહત્ત્વના પૉઝિટિવ ફેરફારો કરે છે. આજે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ નિમિત્તે યોગ અને પુરુષો વચ્ચે જો સમન્વય સધાય તો કેવા લાભ મળી શકે છે એ વિશે વાત કરીએ.

ફર્સ્ટ હૅન્ડ અનુભવ

થાણેમાં રહેતા ૬૧ વર્ષના નીતિન તાવડે છેલ્લાં દસેક વર્ષથી યોગશિક્ષક તરીકે સક્રિય છે. જોકે તેમના જીવનમાં યોગનો પ્રયોગ વાઇફ જયાના દબાણને કારણે શરૂ થયો. વીસ વર્ષથી યોગશિક્ષક તરીકે સક્રિય અને બૅન્કમાં જૉબ કરતાં જયા તાવડે કહે છે, ‘એ વાત સાચી છે કે યોગ પુરુષોને શરૂઆતમાં અપીલિંગ નથી લાગતા. તેમનું પ્રમાણ હંમેશાં ક્લાસમાં ઓછું હોય છે, કારણ કે મોટા ભાગના પુરુષો પોતાને પાવર, સ્ટ્રેંગ્થ અને સ્ટૅમિનાથી આઇડેન્ટિફાય કરાવવાનું પસંદ કરતા હોય છે. યોગમાં પ્રત્યક્ષ રીતે એ આસ્પેક્ટ્સ દેખાતા નથી. એટલે જ પુરુષો જિમ, ફિટનેસ સેન્ટર, ટ્રેકિંગ અને ઍડ્વેન્ચર ઍક્ટિવિટીમાં વધુ જોવા મળે છે. જોકે અનુભવ પરથી એટલું કહીશ કે
એક વાર તેઓ યોગ સાથે જોડાય પછી એની અસર અને પ્રભાવમાંથી તેઓ ક્યારેય નીકળી નથી શકતા. મારા હસબન્ડ નીતિનના કેસમાં એવું જ થતું મેં જોયું છે. જ્યારે તેઓ યોગમાં જોડાયા ત્યારે મારો અનુભવ વધારે હતો.
પરંતુ હવે તેઓ એટલા ઇન્વૉલ્વ થઈ ગયા છે કે મારા કરતાં તેમને વધુ ખબર પડે છે.’
આ જ બાબતે નીતિન તાવડે કહે છે, ‘જ્યારે યોગ શીખવાનું શરૂ કર્યું ત્યારે ખાસ કંઈ ખબર નહોતી પરંતુ એક વાર એના રંગે રંગાયા પછી મેં મારી અંદર જોરદાર પરિવર્તન જોયું છે. ફિઝિકલ હેલ્થ વાઇઝ, માનસિક શાંતિની દૃષ્ટિએ અને પર્સનાલિટી વાઇઝ મેં મારામાં ઘણા ફાયદા જોયા છે. હવે હું જ્યારે યોગમાં એક્ટિવ છું ત્યારે વધુને વધુ પુરુષો યોગ તરફ વળે એવા પ્રયત્નો પણ કરી રહ્યો છું. યોગ બધા માટે છે અને એના લાભ અકલ્પનીય છે પરંતુ એ તમને જોઈને નહીં, અનુભવીને જ ખબર પડશે. મોટા ભાગના પુરુષોનું જીવન પોતાની વર્કલાઇફને કારણે બેઠાડુ હોય છે. એવામાં સૌથી વધુ સ્વાવલંબી પ્રૅક્ટિસ હોય તો એ યોગ છે જે તમારી હેલ્થના દરેક પાસાનું ધ્યાન રાખે છે. યોગ આસનો, પ્રાણાયામ, ક્રિયા અને મેડિટેશન આ ચારેય બાબતોને સમાવીને રોજની વીસ મિનિટ જો યોગ માટે કાઢશો તો એક જ મહિનામાં તમને તમારી અંદર જોરદાર બદલાવ જોવા મળશે.’

પુરુષોને શું-શું લાભ થાય યોગ કરવાથી?

યોગથી તમારી પ્રોડક્ટિવિટી વધે છે એવું અમેરિકામાં ૮૫,૦૦૦ વર્કરો પર કરેલા અભ્યાસમાં જાણવા મળે છે. આખો દિવસ યોગ, પ્રાણાયામ જેવી ક્રિયાઓથી ફિઝિકલ અને મેન્ટલ ફ્રેશનેસ બરકરાર રહેવાથી વર્ક પર્ફોમન્સ પર એની જોરદાર અસર પડે છે. સંશોધકોનું કહેવું છે કે યોગને કારણે કર્મચારીઓની સ્ટ્રેસને હૅન્ડલ કરવાની ક્ષમતા વધે છે.
નોકરી-ધંધાના કે પરિવારના કોઈ પણ જાતના સ્ટ્રેસને પહોંચી વળવા માટે યોગ પ્રાથમિક ભૂમિકા ભજવે છે. ઇન ફૅક્ટ, તમારા શરીરના પ્રત્યેક કોષ પર યોગની હકારાત્મક અસર પડતી હોય છે. જર્નલ ઑફ ઇમ્યુનોલૉજીમાં પ્રકાશિત થયેલો અહેવાલ કહે છે કે યોગિક પ્રૅક્ટિસથી સ્ટ્રેસ રિસ્પૉન્સના ભાગરૂપે સેલ્યુલર લેવલ પર આવતા બદલાવો અટકે છે.
ઊંઘ સારી આવશે યોગથી. અત્યારના સમયે ચિંતા અને વધુ પડતા ડિજિટલ સ્ક્રીન એક્સપોઝરને કારણે ઊંઘ હરામ થયેલી છે. નૅચરલ બૉડી ક્લૉકમાં વિક્ષેપ પડેલો છે. એવા સમયે યોગ તમને ખૂબ હેલ્પ કરશે તમારી ખોવાયેલી ઊંઘને પાછી મેળવવા માટે.
ડાયાબિટીઝ, હાર્ટ ડિસીઝ, બ્લડ-પ્રેશર, પુરુષોમાં સેક્સ્યુઅલ ડિસઑર્ડર અને પ્રોસ્ટેટને લગતી સમસ્યાઓમાં યોગ ખૂબ જ ઇફેક્ટિવ મનાય છે. અઢળક રિસર્ચ ઉપ્લબ્ધ છે જેમાં આ પ્રકારની સમસ્યાઓમાં યોગ આધારભૂત ટ્રીટમેન્ટ મનાય છે.
પૉશ્ચર સુધરશે. ગમે તેટલા હૅન્ડસમ કે ગુડલુકિંગ હો તમે પણ જો ખૂંધ વળેલી હોય તો? માત્ર લુકની દૃષ્ટિએ જ નહીં પણ ખોટા પૉશ્ચરને કારણે ભવિષ્યમાં થઈ શકનારી નેક અને બૅકપેઇન જેવી સમસ્યાઓમાં પણ યોગની ઉપયોગિતા મહત્ત્વપૂર્ણ છે એવું રિસર્ચરો કહે છે. જ્યારે બેઠાડુ જીવન હોય ત્યારે મસલ્સને પૂરતા પ્રમાણમાં ખેંચાણ અને રિલૅક્સેશન મળે તો એ સ્નાયુઓ સાથે શરીરના પૉશ્ચરને સુધારવામાં પણ મદદરૂપ બને છે. જર્નલ ઑફ સ્ટ્રેંગ્થ ઍન્ડ કન્ડિશનિંગમાં તો ત્યાં સુધી લખાયું છે કે યોગિક પ્રૅક્ટિસથી ખોટા પૉશ્ચરને કારણે ઊભી થયેલી સમસ્યાઓને દૂર કરવામાં પણ ઉપયોગી છે. પ્લસ જો તમે જિમમાં જતા હો કે અન્ય કોઈ પણ ફિટનેસ ટ્રેઇનિંગ કરતા હો એમાં થોડાંક આસનો, પ્રાણાયામ, શુદ્ધિક્રિયા અને ધ્યાનની ક્રિયા ઉમેરી દો તો વાંધો નથી આવતો.

ruchita shah yoga columnists