ગુરુની હાજરી જ્યારે જીવનમાં ટર્નિંગ પૉઇન્ટ લઈને આવે

05 July, 2020 08:00 PM IST  |  Mumbai | Ruchita Shah

ગુરુની હાજરી જ્યારે જીવનમાં ટર્નિંગ પૉઇન્ટ લઈને આવે

સનાતન જ્ઞાનને શબ્દદેહ આપીને ચાર વેદ, મહાભારત, બ્રહ્મસૂત્ર, ૧૮ પુરાણ જેવા ગ્રંથો રચનારા મહર્ષિ વેદવ્યાસનો આજે જન્મદિવસ છે અને તેમના જ માનમાં અષાઢી પૂર્ણિમા ગુરુપુર્ણિમા તરીકે ઊજવાય છે. ગુરુ આમ જોવા જઈએ તો બહુ જ વ્યાપક શબ્દ છે. ગુરુની વ્યાપકતા સમજાય તો તે વ્યક્તિ ન રહેતાં અનુભવ બની જાય છે. તમારા સૌના જીવનને બહેતર બનાવવાની દિશામાં લઈ જવાનું કામ કરનારી કોઈ ને કોઈ વ્યક્તિ આવી જ હશે જેની સહજતાએ તમને મોલ્ડ કરવાનું કામ કર્યું હોય, જેની વિદ્વત્તાએ તમારી અંદર જ્ઞાનનું અજવાળું પાથર્યું હોય, જેના સહવાસે તમારામાં કરુણાનું ઝરણું વહાવ્યું હોય. આજે એ વ્યક્તિ પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ વિશેષ રીતે પ્રગટ કરવાનો દિવસ છે.

જુદા-જુદા ક્ષેત્રમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કરી રહેલા કેટલાક લોકો સાથે અમે વાત કરી અને જાણવાની કોશિશ કરી કે કોણ છે એ ખાસ વ્યક્તિ જેમને માટે તેઓ ભારોભાર અનુગ્રહિત છે. જેમનું નામ બોલતાં તેમના અવાજમાં અનોખો રણકાર અને ચહેરા પર તેજસ્વી ચમક વ્યાપી જાય છે. કોણ છે એ ગુરુતુલ્ય વ્યક્તિ જેમને માટે આદરયુક્ત શબ્દો બોલતાં તેમનું હૈયુ ગદ્ગદ થઈ જાય છે.

અનિરુદ્ધભાઈએ મારી કવિતા સાથેની મોહબ્બત વધારી અને યોગેન્દ્રભાઈએ ભાષા પરત્વે નિસ્બત

કવિ તરીકે તુષાર શુક્લનું નામ પડે અને ‘પૂછીને થાય નહીં પ્રેમ’ કે ‘તારી હથેળીને દરિયો માનીને કોઈ’ ગીતોના શબ્દો કાનમાં આપમેળે રણકવા માંડે. અદ્ભુત કવિ, લેખક, ગીતકાર, પ્રોડ્યુસર અને ઑલ ઇન્ડિયા રેડિયોમાં ઍન્કર તરીકે લોકોનો ભરપૂર પ્રેમ મેળવનાર તુષાર શુક્લની કાવ્યની સૂઝમાં અેક વ્યક્તિનો ભરપૂર ફાળો રહ્યો છે. એ છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. તુષારભાઈ કહે છે, ‘આટલાં વર્ષોમાં હું સતત શીખતો રહ્યો છું. જ્યાંથી જે સારું મળ્યું એ શીખવાના પ્રયત્ન કર્યા છે. દાદા, માતા-પિતા, પત્ની, પુત્ર એમ સતત બધા પાસેથી જીવનનાં જુદાં-જુદાં પાસાંઓને શીખ્યો છું. જોકે કાવ્ય અને ગુજરાતી ભાષા સાથે તાદાત્મ્ય સધાયુ એનું શ્રેય મારા બે અધ્યાપકોને જાય છે. સાહિત્યને જોવાની મારી સમજ તેમને કારણે બહેતર થઈ. પ્રોફેસર અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. વિરલતમ વ્યક્તિત્વ. ગુજરાતી કવિતાઓને તેમણે જે રીતે પ્રસ્તુત કરી, તેમની ભણાવવાની અનોખી રીત. શબ્દાતીત છે. આજે પણ એ અનુભવોને વાગોળું તો રૂંવાડાં ઊભાં થઈ જાય. તેમની તબિયત નાદુરસ્ત હતી છતાં વર્ગમાં આવે અને ધીમા સૌમ્ય અવાજે કવિતા બોલે. તેમની કાવ્યપઠનની પદ્ધતિ અેવી કે તમારે એનું અર્થઘટન કરવું જ ન પડે, પણ તમને સમજાઈ જાય. પહેલાં તેઓ બોલે અને પછી વર્ગમાં ચાર-પાંચ વિદ્યાર્થીઓ પાસે બોલાવડાવે અને તમને કાવ્યનો અર્થ કળાઈ ગયો હોય એટલી વારમાં. કાવ્ય કેમ બોલવું, ક્યાં અટકવું, કયા શબ્દો પર ભાર મૂકવો અે કળા તેમનામાં બેમિસાલ હતી. જાણે કાનમાં કોઈ સુંદર ધૂન વાગતી હોય એવો તેમનો અવાજ હતો. તેમની વિદ્વત્તા અને સૌમ્યતાનો કોઈ પર્યાય નથી. અમદાવાદમાં ભાષાભવનમાં તેમની પાસે મળેલી ભણવાની તકને સોનેરી તક ગણું છું. અત્યારે જ્યારે હું કાવ્ય બોલતો હોઉં છું કે કાર્યક્રમોનું સંચાલન કરું ત્યારે, વાતાવરણ બાંધતો હોઉં ત્યારે અનિરુદ્ધભાઈનો પ્રભાવ મારામાં હોય છે. તેમને કારણે કવિતાને જોવાની દૃષ્ટિ ઊઘડી મારામાં. એ સમયે જો રેકૉર્ડર હોત તો મેં તેમના બધા જ વર્ગમાં બોલાયેલા શબ્દો રેકૉર્ડ કર્યા હોત. તેમને કારણે ગુજરાતી ભાષાનું માધુર્ય મારામાં ઊતર્યું. એવા જ મારા બીજા પ્રોફેસર ડૉ. યોગેન્દ્ર વ્યાસ. ભાષાની સમજ, ભાષા સાથેનું તાદાત્મ્ય તેમને કારણે સધાયું. તેમણે ભાષામાં મારું ઘડતર મજબૂત કર્યું.’

અત્યારે જેકાંઈ છીએ એ માત્ર ને માત્ર ગુરુની ભૂમિકામાં રહેલા પિતાને કારણે

મારા ગુરુ એટલે મારા પિતા. અનિરુદ્ધ તન્ના. ડાન્સ, ડ્રામા અને મ્યુઝિક બધું જ નાનપણથી તેમની પાસે શીખ્યો છું. આ શબ્દો છે સમીર તન્નાના. બૉલીવુડની એકથી એક ચડિયાતી ફિલ્મોમાં ઇફેક્ટિવ કોરિયોગ્રાફી કરનારા અને હવે ઑસ્કર તરફ આગળ વધી રહેલી ફિલ્મ ‘હેલ્લારો’માં પણ જેમની કોરિયોગ્રાફીનાં પેટ ભરીને વખાણ થઈ રહ્યાં છે એ સમીર અને અર્ષ તન્ના દર ગુરુપુર્ણિમાએ પિતા પ્રત્યે અનુગ્રહ વ્યક્ત કરતા હોય છે. સમીરભાઈ કહે છે, ‘હું પાંચ વર્ષનો હતો ત્યારથી પપ્પા પાસેથી જુદી-જુદી વસ્તુઓ શીખી રહ્યો છું. તેમના હાથ નીચે અનેક દિગ્ગજ કલાકાર તૈયાર થયા છે. પિતા તરીકે તેમણે મારી સાથે જેટલો સમય વિતાવ્યો છે એના કરતાં ગુરુ તરીકે તેમણે અમને જરૂર પડી ત્યાં કઠોર ટ્રેઇનિંગ પણ આપી છે અને એનું જ પરિણામ અમારી આજ છે.’

સમીર અને અર્ષ કૉલેજમાં મળ્યા એ પછીથી લગભગ ૨૦ વર્ષ સુધી તેમણે અનિરુદ્ધભાઈને અસિસ્ટ કર્યા. સમીરભાઈ કહે છે, ‘ઝીણવટભરી તેમની કામ કરવાની રીત અને કલા પ્રત્યેનો સમર્પણભાવ વર્ણવી શકાય એમ નથી. પોતે લેખક, કવિ, ડાયલૉગ-રાઇટર, ડાન્સ-ડિરેક્ટર એમ ઘણીબધી જવાબદારીઓ કસબપૂર્વક એકસાથે નિભાવી શકતા હતા. સાંભળી ન શકે, જોઈ ન શકે, બોલી ન શકે એવા લોકો સાથે તેમણે ત્રણ-ત્રણ કલાકના બૅલે ડાન્સના પ્રોગ્રામ આપ્યા છે. પિતા હોવા છતાં ગુરુ તરીકે નિષ્પક્ષ ભાવ તેઓ મારા માટે રાખી શક્યા અને અેટલે મારું શીખવાનું વધુ ને વધુ ફાઇનટ્યુન થતું ગયું. મારી દૃષ્ટિએ આ ગુરુનો બહુ મહત્ત્વપૂર્ણ ગુણ છે જેમાં તેઓ તમને સારું લાગે અે નહીં પણ તમારા માટે સાચું બેધડક કહી શકે અને એને માટે તમને તૈયાર કરવા માટે જે કરવું પડે એ કરે. આજે ગુરુ ક્યાં છે? આજે તો ટોળાશાહી દેખાય છે. લોકોને પોતાના કેટલા ફૉલોઅર્સ વધારે છે એમાં રસ છે અને એટલે જ આજના ગુરુઓ જરૂર પડે ત્યાં ચાબખા મારવાને બદલે સુષ્ઠુ-સુષ્ઠુ વાતો કરવામાં જ રચ્યાપચ્યા રહે છે.’

મેડિકલનું ભણતા-ભણતા સાહિત્યમાં નાની ઉંમરે મોટું એક્સપોઝર આપીને મને અપલિફ્ટ કરવાનું શ્રેય જાય મુકુલભાઈને

જાણીતા ચાઇલ્ડ સ્પેશ્યલિસ્ટ અને એટલા જ જાણીતા ગઝલ અને ગીતકાર ડૉ. રઈશ મનીઆરના જીવનમાં એક વિશિષ્ટતા રહી છે. તેઓ રસ હોવા છતાં જે બાબતને છોડીને આગળ નીકળી જવાના પ્રયાસ કરે એ બાબત ફરી કોઈ ને કોઈ દ્વારા તેમના જીવનમાં પાછી આવે. નાનપણથી સાહિત્ય પ્રત્યે પ્રેમ હતો અને પોતાની રીતે કંઈક લખ્યા પણ કરતા હતા. જોકે ભણવામાં સારા હોવાથી મેડિકલમાં ગયા અને સાહિત્ય દૂર થઈ જશે એવું લાગતું હતું ત્યાં જ તેમના જીવનમાં પ્રગટ થયા ડૉ. મુકુલ ચોકસી. ડૉ. રઈશ કહે છે, ‘હું બારમા ધોરણમાં હતો. સાયન્સમાં વિશેષ ધ્યાન આપવું પડે, પરંતુ મને અંદરથી સાહિત્ય માટે પુષ્કળ લગાવ. એ સમયે મારી કૉલેજમાં મારા સિનિયર ડૉ. મુકુલ ચોકસીનો પરિચય થયો. સુરત મેડિકલ કૉલેજમાં તેઓ મારાથી ચાર-પાંચ વર્ષ આગળ હતા. મારો સાહિત્યરસ તેમણે જોયો એટલે પછી તો મોટા ભાગના દરેક કાર્યક્રમમાં મને સાથે લઈ જતા. નાની ઉંમરમાં મને ઘણા મોટા ગજાના કવિઓ અને ગઝલકારોને મળવાનો અવસર તેમને કારણે મળ્યો. બરકત વીરાણી, શૂન્ય પાલનપુરી વગેરેને હું માત્ર મુકુલભાઈને કારણે મળી શક્યો હતો. અત્યારે હું એ નિઃસંકોચ કહી શકું છું કે મારે સાહિત્યની દુનિયામાં પ્રવેશ માત્ર ને માત્ર મુકુલભાઈને કારણે થઈ શક્યો. ગુરુ તરીકેની ભૂમિકા તેમણે અદ્ભુત રીતે નિભાવી. ગુરુ કોણ હોય? જે તમને સબળ બનાવે, તમે જ્યાં છો ત્યાંથી તમને એક ડગલું ઉપર લઈ જાય. ગુરુની વ્યાખ્યાને આજે આપણે વધુ નિકટતાથી સમજવાની જરૂર છે. ગુરુ શિષ્યને પાંખમાં નથી રાખતા. પોતાનો શિષ્ય સવાયો થાય એ જોઈને ગુરુ રાજી થતા હોય છે. શિષ્ય પ્રત્યે અદેખાઈ કે સ્પર્ધાભાવ ગુરુમાં ક્યારેય ન હોય. ગુરુમાં અભિમાન ન હોય, સરખામણી ન કરે, વાડાબંધી ન કરે. સાચો ગુરુ આ બધાં દૂષણોથી દૂર હોય. કાવાદાવા વિનાના હોય ગુરુ અને છેક સુધી ગુરુ સ્પૂન ફીડિંગ પણ ન કરે. જ્યારે તેમને લાગે કે શિષ્ય તૈયાર છે ત્યારે તેને તેની રીતે ઊડવાની મોકળાશ કોઈ પણ જાતની અપેક્ષા વિના આપે એ ગુરુ. શરૂઆતમાં દસેક કવિતા અને ગઝલો મેં મુકુલભાઈને દેખાડી હતી એ પછી તેમણે મને સામેથી જ કહી દીધેલું કે હવે તું તૈયાર છે અને મને દેખાડવાની હવે જરૂર નથી. ‘સા વિદ્યા યા વિમુક્તયે’, જે જ્ઞાન તમને મુક્ત કરે એ સાચું જ્ઞાન છે. એ જ રીતે જે ગુરુ તમને તમારી સમજ મુજબ આગળ વધવાની મોકળાશ આપે એ ગુરુ. કંઠીઓ બંધાવીને ટોળાં ઊભાં ન કરે સાચો ગુરુ.’

મમ્મી અને નાનાને કારણે ગુરુનો જીવનમાં પ્રવેશ થયો, પછી એન્જિનિયરિંગ બાજુએ રહી ગયું અને શરૂ થઈ નવી સફર

એકમ, નિત્યમ, વિમલ રહિતમ, સર્વદા સાક્ષી ભૂતમ;

જ્ઞાનાતિત ત્રિગુણ રહિતમ, સદ્ગુરુત્વમ નમામિ.

આવા ગુણો ધરાવતા ગુરુ સદેહે સાથે ન હોય તો પણ ઊર્જા સ્વરૂપે તો સતત પડછાયો બનીને આપણું ધ્યાન રાખતા જ હોય છે. એવો અનુભવ ઍક્યુપંક્ચર અને અન્ય ઑલ્ટરનેટિવ થેરપીના નિષ્ણાત ડૉ. કેતન દુબલનો રહ્યો છે. મૂળભૂત રીતે તેમણે ઇલેક્ટ્રૉનિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને શરૂઆતના તબક્કામાં એને લગતું કામ પણ પુરજોશમાં કર્યું, પણ પછી થેરપિસ્ટ તરીકે લોકોને સારા કરવાની યાત્રા શરૂ થઈ એનું સંપૂર્ણ શ્રેય તેઓ પોતાના જીવનમાં આવેલા ગુરુઓને આપે છે. તેમનાં માતા જસવંતીબહેન દુબલ, નાના પોપટલાલ મણિયાર, શ્રી રંગઅવધૂત મહારાજ, રમણ મહર્ષિ અને સ્વામી માધવતીર્થજી. મૂળ જૂનાગઢના દેરાવાસી જૈન ડૉ. કેતન કહે છે, ‘મારા નાનાજી પ્રખર જ્ઞાની. તેમની આમ તો હાથીદાંતની બંગડીઓની દુકાન. જોકે અેટલું વાંચન કરે કે સાધુ-મહાત્મા પણ તેમની પાસે આવતા સમયસાર જેવા અઘરા ગ્રંથો શીખવા. જ્યોતિષ એવું જાણે કે મારી માસીના જન્મ પછી તેમની જન્મકુંડળી જોઈને તેમની આવરદા કહી દીધેલી અને તેમનાં વચનો અક્ષરશઃ સાચાં પડેલાં. મારા અને તેમની વચ્ચે જોરદાર એજ-ગૅપ અને છતાં તેઓ અધ્યાત્મને લગતી વાતો મારી સાથે કરે. હું લગભગ આઠમા ધોરણમાં હતો ત્યારે તેમણે મને સ્વામી માધવતીર્થજીએ શ્રીરમણ મહર્ષિ પર લખેલું પુસ્તક આપ્યું. અમદાવાદથી મુંબઈ ટ્રેનમાં આવી રહ્યો હતો એ દરમ્યાન એ પુસ્તક વાંચી લીધું. એ દિવસથી રમણ મહર્ષિ ગુરુના સ્થાને સ્થાપિત થઈ ગયા. સ્વામી માધવતીર્થજીનો પણ ખૂબ પ્રભાવ પડ્યો મારા પર. મારાં મમ્મીને કારણે શ્રી રંગઅવધૂતજી મહારાજના પરિચયમાં આવ્યો. તેમનાં પદો અને લેખનને વાંચતો ગયો અેમ તેમની સાથેનો મારો નાતો જોડાતો ગયો, ગાઢ થતો ગયો.’

ડૉ. કેતન અધ્યાત્મના એવા ગાઢ રંગે રંગાતા ગયા કે દુન્યવી બાબતો સાથેનો નાતો છૂટતો ગયો. ઍક્યુપંક્ચર શીખ્યા અને ઘણાં વર્ષો સુધી પોતાના કામની સાથે લોકોને નિઃશુલ્ક ઍક્યુપંક્ચર અને સુજોક થેરપીની સારવાર આપી અને ધીમે-ધીમે જીવનની દિશા ફેરવાતી ગઈ. એક દુહાના ઉલ્લેખ સાથે તેઓ કહે છે, ‘‘ભીખા બાત અગમ કી કથન સુનન કી નાહીં, જો કહે સો જાને નહીં, જો જાને સો કહે નહીં.’ અધ્યાત્મ આવું જ છે. કહીને સમજાય નહીં. સમજાય એ કહેવાય નહીં. ન તો મેં શ્રી રંગઅવધૂત મહારાજને જોયા છે કે ન તો રમણ મહર્ષિને અને છતાં સતત મને તેમની ગુરુકૃપાનો અનુભવ થઈ રહ્યો છે. આપણે ત્યાં ભાવનો મહિમા છે. કહેવાય છેને કે ‘ભાવ વિણ ભક્તિ નવ કામ આવે કદી, ભૂખ વિણ ભાખરી વ્યર્થ ઝેરી.’ જ્યારે અધ્યાત્મની દિશામાં ગુરુનો આવિર્ભાવ થાય ત્યારે આપમેળે અજવાળુંયે પ્રગટે અને જીવન બદલાતું જાય.’

મેહમૂદસાહેબ, સુરેશભટ્ટ અને હીરાલાલજીએ મને ખૂબ સરસ ટ્રેઇનિંગ આપી છે

પીઢ અભિનેત્રી અરુણા ઈરાનીને આજના સમયમાં ગુરુ-શિષ્ય પરંપરાના અંશ પણ દૂર દૂર સુધી દેખાતા નથી. લોકોમાં ગ્રૅટિટ્યુડની કમી વર્તાઈ રહી છે અેમ જણાવીને અરુણા ઈરાની કહે છે, ‘જ્યારે તમે તમારામાંથી નીકળી ગયા હો ત્યારે જ સામેવાળાનો સંપૂર્ણ સ્વીકાર થઈ શકે. મને યાદ છે કે ‘ફર્ઝ’ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું અને હું અને જિતેન્દ્ર ડાન્સનાં રિહર્સલ કરી રહ્યાં હતાં. એ સમયે હીરાલાલજી અમારા ડાન્સ-ડિરેક્ટર હતા. તેમણે જો અમને પાંચ વાગ્યે બોલાવ્યા હોય અને તમે પાંચ ને પાંચે પહોંચો તો પણ તમારું આવી બને. એ દિવસે તમે ડાન્સનાં સ્ટેપમાં કોઈ ભૂલ કરો તો ખેલ ખતમ. તેઓ શું કરતા કે તમે ડાન્સ કરતા હો અને સ્ટેપમાં ગરબડ કરી તો પોતાની પાસે રહેલી નાનકડી લાકડી સીધી ઘૂંટણ પર ફેંકતા. તમને વાગે જોરદાર પણ એ પછી તમે એ સ્ટેપમાં ક્યારેય ભૂલ ન કરો. સુરેશ ભટ્ટ પાસેથી હું ખૂબ સરસ ડાન્સ કરતાં શીખી. તેમણે મારામાં ગજબ આત્મવિશ્વાસ ભરવાનું કામ કર્યું. ડાન્સર તરીકે મારું જે પણ નામ થયું એ સુરેશભાઈને કારણે. શરૂ-શરૂમાં હું ખૂબ ગભરાતી. એ સમયે હું ગમે એવાં સ્ટેપ કરુંને તો પણ સુરેશભાઈ વાહ-વાહ કરી દે. ક્યા સ્ટેપ કિયા હૈ એમ કહીને બિરદાવે. બહોત અચ્છે તો તેમનાં વાક્યોમાં વારંવાર આવે જ. તેમણે મારામાં આત્મવિશ્વાસ પૂરવાનું કામ કર્યું અને પછી ડાન્સની મૂવમેન્ટ પણ શીખવી. યુનો, આ ગુરુ જ કરી શકે. તેમને ખબર પડતી હોય કે શિષ્યને શેની જરૂર છે. તે પારખી શકતા હોય. સામે શિષ્ય પણ એવા જ નમ્રતાસભર હોય. એવી જ રીતે મેહમૂદસાહેબ પાસે હું કૉમેડીનાં ટાઇમિંગ શીખી. દરેક ઍક્ટર માટે કૉમેડી સરળ નથી, પણ મેહમૂદસાહેબે એને કેવી રીતે સરળ બનાવવી એના પાઠ મને શીખવ્યા.’

આજના પરિપ્રેક્ષ્યમાં ગુરુ વિશે વાત કરતાં અરુણા ઈરાની કહે છે, ‘મને યાદ છે કે અમે જ્યારે પણ ડાન્સ-રિહર્સલમાં જતાં તો પહેલાં સુરેશભાઈના કે અમારા જે ડાન્સ-ડિરેક્ટર હોય તેના પગે પડતા. પગનો સ્પર્શ કરીને આશીર્વાદ લેવાની એ પરંપરામાં અંધશ્રદ્ધા નહોતી, પણ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા હતી. ફિલ્મના ડિરેક્ટરને પગે પડતા. આજની પેઢીને ગુરુ પ્રત્યે આ આદર નથી જાગતો એનો અફસોસ છે. અમને તો માર પડતો એવું હું યંગ છોકરીઓને કહું તો તેમનું રીઍક્શન હોય, ‘ઐસા અત્યાચાર ક્યું સહને કા. મૈં તો વહાંસે નિકલ જાઉં.’ હવે આમને કોણ સમજાવે કે જ્યારે તમારામાં આ હુંપણું ન હોય ત્યારે જ તમે કોઈકનામાં રહેલા ગુણોને વધુ સારી રીતે ઍબ્સોર્બ કરી શકતા હો છો. આજની પેઢીને એમ જ છે કે તેમનામાં ટૅલન્ટ છે ઇનબિલ્ટ. આ તો કોઈએ તેને બહાર કાઢી, બાકી સામેવાળાનું એમાં કોઈ યોગદાન નથી.’

ચાર્ટર્ડ અકાઉન્ટન્સીની યાત્રામાં મળેલા એ ત્રણ ગુરુનો ઉપકાર ક્યારેય નહીં ભૂલું

સાઉથ મુંબઈમાં રહેતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને છેલ્લે રિલાયન્સ જિયોમાં જોરદાર પર્ફોર્મન્સ આપી ચૂકેલા જયરાજ શેઠના ઘડતરમાં પ્રોફેશનલી ત્રણ વ્યક્તિનો બહુ જ મોટો ફાળો છે; બંસી મહેતા, ભાવના દોશી અને લક્ષ્મીદાસ મર્ચન્ટ. જયરાજભાઈએ ચાર્ટર્ડ અકાઉન્ટન્સીના ક્ષેત્રમાં જે પણ નવા આયામ સર કર્યા એ આ ગુરુઓના ગાઇડન્સથી. જયરાજભાઈ કહે છે, ‘આપણા જીવનઘડતરમાં દરેક વ્યક્તિ કોઈક ને કોઈક રોલ અદા કરતું જ હોય છે, પરંતુ કેટલાક વિશેષ ભૂમિકા ભજવી જતા હોય અને તમને ખબર પણ ન પડે એ રીતે તમને અપલિફ્ટ કરી દેતા હોય છે. આજે પણ મારા મનમાં આવી ત્રણ વ્યક્તિઓ માટે ગ્રૅટિટ્યુડ સમાતો નથી. બંસી મહેતાને ત્યાં મારી આર્ટિકલશિપ ચાલુ હતી અને તેમણે મને પાર્ટનરશિપ ઑફર કરેલી. સીએ ફાઇનલની એક્ઝામ આપવાનો હતો એના ૧૫ દિવસ પહેલાં મારા પપ્પાનો દેહાંત થયો. હું ઇમોશનલ ટ્રૉમા વચ્ચે હતો. હજી તો ફાઇનલનું રિઝલ્ટ આવે એ પહેલાં પચ્ચીસ વર્ષની ઉંમરે મને બંસીભાઈએ પાર્ટનરશિપ આપી દીધી હતી. તેમણે મારામાં વિશ્વાસ દેખાડીને મને જવાબદારી સોંપી દીધી. સીએ ફીલ્ડના બેઝિક્સ તેમની પાસેથી જ મળ્યા. તેમણે મને સતત નર્ચર કરવાનું કામ કર્યું. એ પછી મેં થોડાં વર્ષ માટે મુંબઈ છોડી દીધેલું અને ખેતીકામ શરૂ કર્યું હતુ. મારા પપ્પાની લગભગ ૧૦૦ એકર જમીન અમારા ગામમાં હતી. ત્યાં જ શાંતિની જિંદગી જીવતા હતા. એ દરમ્યાન અમારે ત્યાં દીકરીનો જન્મ થયો. એ સ્પેશ્યલ ચાઇલ્ડ છે અને તેને માટે ગામમાં કોઈ સ્કૂલ નહોતી એટલે પાછા મુંબઈ આવ્યાં. અહીં આવ્યા પછી નોકરી કરવાની હતી ત્યાં જૂનાં સહયોગી ભાવના દોશી મળ્યાં. તેઓ એ સમયે કેપીએમજી કંપનીમાં હતાં અને તેમણે મને પણ ત્યાં ઇનડાયરેક્ટ ટૅક્સ કન્સલ્ટન્ટ તરીકે જોડી દીધો. મને ત્યારે ઇનડાયરેક્ટ ટૅક્સનું કોઈ નૉલેજ નહોતું. બધું જ ભાવનાબહેને શીખવ્યું અને એમાં મહારથ બનાવી દીધો એમ કહો તો ચાલે. એ પછી રિલાયન્સમાંથી ઇનડાયરેક્ટ ટૅક્સનો હેડ બન્યો. ત્યા લક્ષ્મીદાસ મર્ચન્ટે ટ્રેઇનિંગ આપી અને મારા પર પારાવાર ભરોસો મૂક્યો. રિલાયન્સ જિયોની ત્યારે પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી હતી. ૨૦૧૨થી ૨૦૧૫માં મેં જિયો માટે ફાઇનૅન્શિયલ કન્ટ્રોલર અને ઇનડાયરેક્ટ ટૅક્સ એક્સપર્ટ તરીકે ફુલફ્લેજ્ડ કામ કર્યું. આ ત્રણ કંપનીમાં ત્રણેય સિનિયર મને મળ્યા એ મારા ગુરુ હતા. તેમણે મારા પર વિશ્વાસ મૂક્યો અને જ્યાં હું પડીશ એવું લાગે ત્યાં હાથ ઝાલી લેતા. મને આઉટ ઑફ ધ બૉક્સ વિચારવા પ્રેરતા. આ બહુ મહત્ત્વનું છે જેમાં ગુરુ તમને સ્વતંત્ર બનાવે અને તમારામાં ભરોસો મૂકીને તમને અટવાશો ત્યાં તે છે એવી ખાતરી પણ આપે.’

columnists ruchita shah