કૉફી હેલ્ધી છે કે અનહેલ્ધી?

01 October, 2022 03:48 PM IST  |  Mumbai | Jigisha Jain

ઇન્ટરનૅશનલ કૉફી દિવસ પર જાણીએ મેડિકલ પ્રોફેશનલ્સ પાસેથી કે કૉફી ખરેખર સ્વાસ્થ્ય માટે કેવી છે

પ્રતીકાત્મક તસવીર

દુનિયાભરમાં કૉફી પર થયેલાં રિસર્ચ આપણને કન્ફયુઝ કરવા માટે પૂરતાં છે. અમુક રિસર્ચ કહે છે કે કૉફી કૅન્સર જેવા અસાધ્ય રોગને રોકી શકે છે તો કોઈ રિસર્ચ કહે છે કે એનાથી મગજની પડતી થાય છે અને વ્યક્તિને ઍન્ગ્ઝાયટી આવી શકે છે.


૧૬૭૦માં કૉફી સૂફી બડા બુદાનના હાથે ભારત આવી અને એનાં ૨૦૦ વર્ષ પછી અંગ્રેજોની મનપસંદ બનવાને લીધે ૪૦ જેટલાં રાજ્યોમાં એનું ઉત્પાદન શરૂ થયું હતું. આમ ભારતમાં કૉફી કલ્ચર બ્રિટિશર્સે ડેવલપ કર્યું છે એમ કહી શકાય. દક્ષિણ ભારતમાં કૉફી વર્ષોથી ખૂબ પીવાય છે અને એમના કલ્ચરનો અભિન્ન ભાગ બની ગઈ છે. ઉત્તર કે પશ્ચિમ ભારતમાં આજકાલ ઘણી નૅશનલ અને ઇન્ટરનૅશનલ કૉફી બ્રૅન્ડ્સ આવ્યા પછી યુવાનોમાં એ કૉફી કલ્ચર પ્રખ્યાત બન્યું છે. સાયન્સની વાત કરીએ તો કૉફી પર અઢળક રિસર્ચ થઈ ચૂક્યાં છે જેમાં કેટલાં બધાં રિસર્ચ કહે છે કે કૉફી હેલ્ધી છે તો કેટલાક કહે છે કે એ અનહેલ્ધી છે. 

૧૦ મિલ્યન પાટિસિપન્ટ અને ૨૧ પ્રોસ્પેક્ટિવ સ્ટડીઝ જણાવે છે કે કોઈ બીમારીને કારણે આવતા મૃત્યુનું રિસ્ક દિવસમાં ૧ કપ કૉફી પીવાથી ૩ ટકા અને ત્રણ કપ કૉફી પીવાથી ૧૩ ટકા જેટલું ઘટે છે. આ સિવાય ઘણાં જુદાં-જુદાં રિસર્ચ જણાવે છે કે કૉફી કોલોન કૅન્સર, લિવર કૅન્સર કે પોસ્ટમેનોપૉઝલ કૅન્સરથી બચાવે છે. રિસર્ચ અનુસાર કૉફી લિવરની સિરૉસિસ જેવી ઘાતક બીમારીઓથી પણ બચાવે છે. જર્નલ ઑફ નૅચરલ પ્રોડક્ટમાં છપાયેલું રિસર્ચ જણાવે છે કે કૉફીમાં નૅચરલ ઍન્ટિડાયાબેટિક પ્રૉપર્ટી છે જેને લીધે એ ડાયાબિટીઝ થતો અટકાવવામાં મદદ કરે છે. બીજી તરફ અમુક રિસર્ચ કહે છે કે કૉફીથી લોહી જાડું થાય છે. મેડિસિન ઍન્ડ સાયન્સ ઇન સ્પોર્ટ્સ ઍન્ડ એક્સરસાઇઝમાં હાલમાં છપાયેલા રિસર્ચ અનુસાર બ્લૅક કૉફી પીવાથી બ્લડ ક્લૉટ થવાની શક્યતા વધી જાય છે. ન્યુટ્રિશનલ ન્યુરોસાયન્સમાં છપાયેલા રિસર્ચ અનુસાર ૫-૬ કપથી વધુ કૉફી પીવાથી મગજની પડતી થવાની શક્યતા ૫૩ ટકા જેટલી વધી જાય છે. 

ભવિષ્યમાં કૉફીમાંથી ડાયાબિટીઝની દવા બની શકે : ડૉ. પ્રદીપ ગાડગે

એક રિસર્ચ અનુસાર કૉફીમાં રહેતાં કુદરતી તત્ત્વો એમીલોઇડ પોલીપેપ્ટાઇડને વકરતાં રોકે છે. આ તત્ત્વ ફક્ત ડાયાબિટીઝ જ નહીં પરંતુ કાર્ડિયોમાયોપથી, ગૅસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ડિસીઝ માટે પણ જવાબદાર છે. પરંતુ અહીં પ્રૅક્ટિકલ આસ્પેક્ટ એ સમજવાનો છે કે કૉફીમાં રહેતાં જે તત્ત્વો છે એ ખૂબ વધારે પ્રમાણમાં કૉફી લઈએ તો જ ફાયદો કરી શકે. કૉફી પીવાથી આ તકલીફમાં ફાયદો છે એમ ખબર પડે તો પણ તમે એક દિવસમાં કેટલી કૉફી પીવાના? એટલી વધારે માત્રામાં કૉફી પી ન શકાય અને ઓછી પીવાથી કઈ ખાસ લાભ નહીં થાય. આવાં રિસર્ચ એ રીતે કામનાં હોય છે કે જ્યારે એ આગળ વધે ત્યારે ભવિષ્યમાં કૉફીનાં તત્ત્વો ભેગાં કરીને ડાયાબિટીઝની દવા બનાવી શકાય. પણ એ પહેલાં તો કૉફી દ્વારા ડાયાબિટીઝને રોકવો શક્ય નથી. 

લિવર ડિસીઝથી બચવા માટે કૉફી ઘણી ઉપયોગી છે : હિતેશી ધામી શાહ, લિવર ન્યુટ્રિશનિસ્ટ

કૉફીમાં ઍન્ટિઑક્સિડન્ટ્સની માત્રા અઢળક છે. કૉફીમાં ફીનોલિક ઍસિડ નામનું તત્ત્વ છે જે લિવર માટે ખૂબ જ ઉપયોગી છે. એ હકીકત છે કે લિવર ડિસીઝમાં કૉફી ઉપયોગી છે. એ ડિસીઝ થતા અટકાવે છે એટલું જ નહીં, શરૂઆતી સ્ટેજમાં જો રોગ હોય તો એને પણ આગળ વધતો અટકાવવામાં મદદ કરે છે. ફૅટી લિવર કે બીજી કોઈ પણ સમસ્યાના શરૂઆતી સ્ટેજમાં વ્યક્તિ કૉફી લે તો તેને ફાયદો થાય છે પરંતુ એનો અર્થ એ પણ નથી કે ફક્ત કૉફી પીવાથી કામ થશે. લાઇફસ્ટાઇલ મૉડિફિકેશન કરવાની સાથે કૉફી પણ લે તો રિઝલ્ટ મળે. વળી સિરૉસિસ કે કૅન્સર જેવી બીમારીને કૉફી રિવર્સ નથી કરી શકતી એ પણ ધ્યાન રાખવું. બીજું એ કે કૉફીનું ચયન ધ્યાનથી કરવું. કૉફીમાં ચિકોરીનું પ્રમાણ જેટલું ઓછું હોય એવી કૉફી પસંદ કરવી વધુ ઉપયોગી થશે. 

મેન્ટલ હેલ્થ માટે મૉડરેશન અત્યંત મહત્ત્વનું છે : ડૉ. કેરસી ચાવડા, સાઇકોલૉજિસ્ટ

કોઈ પણ વસ્તુની અતિ યોગ્ય નથી. જો કૉફી મૉડરેટ પ્રમાણમાં પીવામાં આવે તો એ અટેન્શન સ્પૅન અને એકાગ્રતામાં વધારો કરે છે. પરંતુ એ ડાયયુરેટિક છે એટલે તમારે પાણી વધુ પીવું પડે નહીંતર એને લીધે ડીહાઇડ્રેશન થઈ જાય છે. જો કૉફી વધુ માત્રામાં લેવામાં આવે તો અમુક લોકોમાં એ એજિટેશન અને ઍન્ગ્ઝાયટી પણ જન્માવે છે. મારા મતે બે કપથી વધુ કૉફી મેન્ટલ હેલ્થ માટે નુકસાનકારક છે. એ પણ ડાયલ્યુટેડ વર્ઝન જ પીવું એટલે કે પાણી કે દૂધ સાથે ભેળવીને જ પીવું, જેમાં દૂધ સાથે પીવું વધુ હેલ્ધી છે. કૉફીથી વ્યક્તિની ઊંઘ ઊડી જાય છે. અપૂરતી ઊંઘ પણ મેન્ટલ હેલ્થ પર સીધી અસર કરે છે. જે લોકો વધુ પડતા ગભરાયેલા કે નર્વસ રહેતા હોય તેમણે કૉફી બિલકુલ પીવી જ નહીં. 

પરસેવો ખૂબ વળતો હોય તો ન પીવી : કેજલ શેઠ, ન્યુટ્રિશનિસ્ટ

ફિટનેસ અને વેઇટલૉસ માટે આજકાલ બ્લૅક કૉફીનું ઘેલું ખૂબ લાગેલું છે. લોકો જ્યાં હોય ત્યાં હાથમાં બ્લૅક કૉફી લઈને ફરતા હોય છે. એવું નથી કે અે હેલ્ધી ઑપ્શન છે. બ્લૅક કૉફીમાં દૂધ ન હોવાથી એમાં કૅફીનનું પ્રમાણ વધુ હોય છે, જેથી અંદરથી ઘણું ઉત્સાહિત લાગે છે. એટલે લોકો પ્રી-વર્કઆઉટ મીલ તરીકે એ લેતા હોય છે. એક કપ બ્લૅક કૉફી વર્કઆઉટ કરતાં પહેલાં પીએ તો ખાસ નુકસાન નથી. ઊલટું એનાથી વર્કઆઉટ સારું થશે, પરંતુ પછી આખો દિવસ એ જ પીધા ન કરવું. ઊલટું નૉર્મલી દૂધવાળી કૉફી સારી, કારણ કે દૂધને લીધે એમાં કૅફીન ઓછું થઈ જાય છે. પરંતુ એમાં ખાંડ અવૉઇડ કરવી. બીજું એ કે સવારે ઊઠતાં વેંત કૉફી ન પીવી. નાસ્તો પતી જાય પછી ૧૧ વાગ્યા આસપાસ કૉફી લઈ શકાય. સાંજે ૪ વાગ્યા પછી પણ કૉફી ન લેવી, કારણ કે એ તમારી ઊંઘ ખરાબ કરે છે. આ સિવાય પસીનો જેને ખૂબ વળતો હોય, હાર્ટ રેટ વધારે જ હોય તેણે કૉફી પીવાનું ટાળવું કારણ કે કૅફીનને લીધે હાર્ટ રેટ પણ વધે છે. એટલે ધ્યાન રાખવું જરૂરી છે. 

કૅફીનથી કબજિયાત થાય, ઝાડા નહીં : ચેતન ભટ્ટ, ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ

ફૉરેનમાં માનવામાં આવે છે કે દરરોજનું ૪૦૦ મિલીગ્રામ કૅફીન લઈ શકાય, પણ હું કહીશ ભારતીયો માટે ૩૦૦ મિલીગ્રામ ઘણું થઈ રહે. એટલે કે દરરોજની ૩ કપ કૉફી ઘણી થઈ ગઈ. એ પણ સાવ નૉર્મલ સંજોગોમાં. બાકી જો તમને ડાયાબિટીઝ છે અેમાં નાખેલી ખાંડ અને દૂધ નુકસાન કરી શકે છે. જો તમે ઓબીસ છો તો આ વધારાની ૮૦૦-૧૦૦૦ કૅલરી તમને નુકસાન કરેે. કૉફીથી સીધી રીતે નહીં તો આડકતરી રીતે પણ નુકસાન તો ગણાય. કૅફીનથી કબજિયાત થઈ શકે છે, કારણ કે કૅફીન પેટ સાફ કરવાની પ્રોસેસમાં નડતરરૂપ છે. પરંતુ કૅફીનને કારણે ઝાડા થયા નથી કે કોઈ પ્રેશર ડેવલપ થતું નથી. એ તકલીફ સંપૂર્ણપણે સાઇકોલૉજિકલ છે. વધુપડતી કૉફી ગેસ્ટ્રાઇટિસ, ઍસિડ રિફલક્સ, ઍસિડિટી જેવી તકલીફો થઈ શકે છે અને જો તમને આવી તકલીફો હોય તો થોડા સમય માટે કૉફી બિલકુલ બંધ કરી દેવી. ઍસિડિટી બિલકુલ ન રહે પછી જ એ પીવી. 

columnists Jigisha Jain