ઓમકાર પ્રસાદ નૈયર: ખુદની આગમાં ઓગળી ગયેલો સૂરજ

21 November, 2020 07:21 PM IST  |  Mumbai | Raj Goswami

ઓમકાર પ્રસાદ નૈયર: ખુદની આગમાં ઓગળી ગયેલો સૂરજ

ઓ. પી. નૈયર

ઓ. પી. નૈયરનું ૨૦૦૭ની ૨૮ જાન્યુઆરીએ અવસાન થયું હતું. ઓ. પી. નૈયરને બે રીતે યાદ કરી શકાય; તેઓ જીદમાં જ સંગીતકાર બની ગયા હતા, એટલું જ નહીં, જીદમાં ને જીદમાં જ એટલા મહાન સંગીતકાર બની ગયા હતા કે ૧૯૫૦માં તેઓ ‘હાઇએસ્ટ પેઇડ’ કમ્પોઝર હતા.

એ જમાનામાં તેમને એક ફિલ્મના ૧ લાખ રૂપિયા મળતા હતા, જે આજે ૫૦ લાખ રૂપિયા થાય. તેમના પરિવારમાં તેમનાં સગાંસંબંધીઓ ડૉક્ટર, એન્જિનિયર અને જજ હતા. નૈયરે

‘ભણવું નથી, સંગીત વગાડવું છે’ એવી જીદ પકડી હતી. તેમના બાપાએ આવી જીદ બદલ તેમને માર પણ મારેલો.

કોઈ માણસ આખી જિંદગી જીદમાં જીવી જાય? યસ, ઓમકાર પ્રસાદ નૈયર, જેમને દુનિયા સંગીતના શહેનશાહ તરીકે ઓળખે છે. તેમને યાદ કરવાની બીજી (ઓછી જાણીતી) રીત તેમની જીદ છે. ધમાકેદાર સફળતા અને સર્જનશીલતાના માલિકોની સનક કે ઝનૂન વિશે બહુ લખાતું નથી, કારણ કે એમાં તેમની એવી ઘણી વાત કરવી પડે છે જે સ્વીકારવામાં અને સમજવામાં અઘરી હોય છે.

ઓ. પી. નૈયર અઘરા અને આકરા બન્ને. પોતાનું ધાર્યું કરવાની તેમની જીદ એવી કે આશા ભોસલે (જે નવીસવી હતી)ને એવી ગાતી કરી કે સૂરનો એ સાથ ૩૨૪ ગીતો સુધી ચાલ્યો. એ જીદ લતા મંગેશકર (જેનો સૂરજ ધોમધખતો હતો)ને એવી નડી ગઈ કે નૈયરે લતા પાસે એક પણ ગીત ન ગવડાવ્યું. ઘણી વખત માણસની ખ્યાતિ કરતાં કુખ્યાતિ આગળ જીવતી હોય છે. લતાને નારાજ કરીને ગાવાનું તો ઠીક, હિન્દી સિનેમામાં રહેવાનીય કોઈ કલ્પના ન કરી શકે ત્યારે નૈયર ‘જા જા, તારા જેવી તો બહુ જોઈ’ એવા સાવ જ દેહાતીપણા સાથે એક ગીતની અધવચ્ચેથી લતાથી છૂટા પડ્યા એ તાઉમ્ર ભેગા ન થયા. આ હિંમત એવી ગાજી કે આજેય ઓ. પી. નૈયરનો પરિચય ‘લતા મંગેશકર પાસે એક પણ ગીત ન ગવડાવનાર’ તરીકે અપાય છે.

એક્ઝૅક્ટલી બન્ને વચ્ચે શું થયું હતું એની કોઈને ખબર નથી, પરંતુ નૈયરની કુખ્યાત જીદનું લતા મંગેશકર એક ઉદાહરણ છે. એક વાર્તા એવી છે કે નવાસવા નૈયર ગીતની ઑફર લઈને સુપરડુપર વ્યસ્ત લતા પાસે ગયા ત્યારે લતાએ તેમને બહુ રાહ જોવડાવી હતી, એમાં નૈયરનો પિત્તો ગયેલો.

આ શક્ય છે. નૈયર સમય અને શિસ્તના જબરા દુરાગ્રહી હતા. ૧૯૫૮માં આવેલી ‘રાગિણી’ ફિલ્મના ગીત ‘મન મોરા બાવરા, નિસ દિન ગાયે ગીત મિલન કે’ના રેકૉર્ડિંગમાં કિશોરકુમારે ક્યાંક ગરબડ કરી તો નૈયરે કિશોરે હાથ જોડ્યા તોય ફટાક દઈને મોહમ્મદ રફી પાસે એ ગીત ગવડાવ્યું. ૧૯૬૮માં ‘હમસાયા’ ફિલ્મના ગીતના રેકૉર્ડિંગમાં આ રફી મોડા પડ્યા તો નૈયરે મહેન્દ્ર કપૂરને ગાયક બનાવી દીધા. એક વાર દેવ આનંદે પહોંચવામાં પાંચ મિનિટ મોડું કર્યું તો નૈયરે ચાલતી પકડી લીધી હતી.

બીજું કારણ લતાનો અવાજ. ૨૦૦૭માં એક ઇન્ટરવ્યુમાં નૈયરે કહ્યું હતું કે મારા જેવા પંજાબી સંગીતકાર માટે લતાનો અવાજ પાતળો અને મીઠો (નૉન-સેક્સી એમ વાંચો) હતો. પછી એ જ શ્વાસમાં નૈયર કહે છે, ‘કમ્પોઝ કરવા માટે મને પ્રેરણા જોઈએ. હું તાલીમબદ્ધ સંગીતકાર નથી. મારા સંગીતની પ્રેરણા સ્ત્રીઓ રહી છે. જે ગાયિકાઓ મારા માટે ગાતી હતી તેમનામાંથી મને પ્રેરણા મળતી હતી. એ તમામને મારામાં આકર્ષણ હતું. મારા ટાઇમમાં હું ઊંચો, ગોરો અને પંજાબી દેખાવડો હતો. ગીતા દત્તને તો એમ લાગતું હતું કે મારા (ગુલાબી) ગાલ પર હું રૂઝ લગાવતો હતો.’

૧૯૫૭માં ‘સોને કી ચીડિયા’ના ‘પ્યાર પર બસ તો નહીં હૈ મેરા’ ગીતના રેકૉર્ડિંગ વખતે સાહિર લુધિયાનવી (જેમનો ત્યારે ડંકો વાગતો હતો)એ રીમાર્ક કર્યું કે જેને ઉર્દૂની ખબર હોય તેની સાથે કામ કરવાની મજા ન આવે. પછી ઉમેર્યું, ‘સચિન દેવ બર્મને આખી જિંદગી સિનેમામાં કાઢી છે તોય ઠેઠ બંગાલી જ રહ્યો. તેને ઉર્દૂની કોઈ તમીજ નથી.’ નૈયર એવા ભડક્યા કે ત્યાં ને ત્યાં જ સુણાવી દીધું, ‘દાદાબર્મન જેવા વરિષ્ઠ માટે જો કોઈ આવી હલકી વાત કરે તો કાલે ઊઠીને મારા વિશેય તું આવું બોલીશ. ટેક ઇટ, સાહિર, ‘સોને કી ચીડિયા’ આપણી છેલ્લી ફિલ્મ. હવે પછી મને ભેગો ન થતો.’ ન થયા, ક્યારેય.

એક પત્રકારે વર્ષો પછી નૈયરને આ બબાલ વિશે પૂછ્યું હતું તો તેઓ કહે, ‘એ અહંકારની લડાઈ હતી. સાહિર બહુ અભિમાની હતો તો મારો અહમ્ પણ કિંગ-સાઇઝ હતો. એને ઓછો કરવાનો કોઈ સવાલ જ પેદા થતો નહોતો.’ બન્ને વચ્ચે ‘નયા દૌર’નાં ગીતોમાં અમુક શબ્દોને લઇને તૂતૂમૈંમૈં થયું હતું. બી. આર. ચોપડા સાહિરની બધી વાતો માનતા હતા એ પણ નૈયરને કઠ્યું હતું. આ ‘નયા દૌર’ના સ્ક્રીનિંગ વખતે દિલીપકુમારે (નૈયરને તેઓ ‘જૉની’ કહીને બોલાવતા) કંઈક એવું કહ્યું કે, ગીતો બહુ સરસ બન્યાં છે પણ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક નબળું છે. એ રાતે પાર્ટી હતી એમાં દિલીપકુમાર પાછા બોલ્યા, ‘જૉની, તારાં ગીતો પર મેં કેવો નાચ કર્યો છે તેં જોયું?’ નૈયરને પૂછવું જ શું. તરત બોલ્યા, ‘ઓ. પી. નૈયરના મ્યુઝિકની આ કમાલ છે કે થર્ડ ક્લાસ ઍક્ટર પણ નાચી ઊઠે.’

જાવેદ અખ્તરે ઓ. પી. નૈયર પરના એક ટીવી-કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘નૈયરસા’બની જીદને ઘમંડ કે અહંકાર કહેવો એ ભૂલ છે. ઘમંડી કે અહંકારી માણસ તો ખરાબ દિવસો આવે તો ‘નમ્ર’ થઈને કાલાવાલા કરવાય લાગી જાય. નૈયર તો એવા દિવસોય શાનથી જીવી ગયા. જે જીદથી તેઓ સફળતા અને શોહરતના સાતમા આકાશે પહોંચી ગયા હતા એવી જ જીદથી તેમણે નામ અને દામ બન્નેને ઠોકર પણ મારી દીધી હતી.

૧૯૮૯ની ૩૦ એપ્રિલે મુંબઈના ચર્ચગેટ સ્થિત શ્રદ્ધા બિલ્ડિંગમાં ચાર બેડરૂમનો ફ્લૅટ છોડીને નૈયર ૮૦ કિલોમીટર દૂર આવેલા વિરાર જતા રહ્યા. પોતાની કિંમતે (રૂપિયામાં) અને શરતે કામ કરવા ટેવાયેલા નૈયરે ફિલ્મી દુનિયામાં અવરજવર તો ક્યારનીય બંધ કરી દીધી હતી, પણ ૩૦ એપ્રિલના દિવસથી તેમણે પત્ની સરોજ મોહિની અને બે દીકરીઓ, એક દીકરો જે ઘરમાં રહેતાં હતાં ત્યાંય અવરજવર બંધ કરી દીધી હતી. ઘમંડી માણસો સગાને ઘરમાંથી કાઢી મૂકે. આ જિદ્દી માણસે ખુદને ઘરમાંથી કાઢી મૂક્યો. ત્યાં સુધી કે ઘર છોડતી વખતે પરિવારને સૂચના આપી હતી, ‘હું મરી જાઉં ત્યારે અંતિમ સંસ્કારમાં પણ પગ નહીં મૂકતા.’

૨૦૦૭ની ૨૮ જાન્યુઆરીએ નૈયર મૃત્યુ પામ્યા ત્યારે અંગત કે સિનેમાનાં કોઈ સગાં હાજર નહોતાં. વિરારમાં મિત્રને ત્યાં બે વર્ષ રહ્યા પછી નૈયર થાણેના નૌપાડા વિસ્તારમાં બીજા એક ચાહક રાજુ નખવાના ઘરે પેઇંગગેસ્ટ તરીકે રહેવા ચાલ્યા ગયા હતા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. શરતના એટલા પાબંધ કે નખવાને કહી રાખેલું  કે ‘હું મરી જાઉં ત્યારે મારા ઘરવાળાને જાણ ન કરતા!’

થાણેના આ ઘરમાં તેમણે જે બે-ત્રણ (મહામુસીબતે) ઇન્ટરવ્યુ આપેલા એમાં તેમણે કહ્યું હતું, ‘હું એકદમ સુખી માણસ છું. મેં જિંદગીને ભરપૂર જીવી છે. કોઈને કલ્પનાય ન આવે એવી શોહરત મેં જોઈ છે. લોકો અને નિર્માતાઓ મારી સામે લાઇન લગાવતા હતા. મેં ભરપૂર ખાધું અને પીધું (હા, પીવાનું ‘પેલા’ અર્થમાં) છે. એક એકથી ચડિયાતી ખૂબસૂરત સ્ત્રીઓએ મને સાથ આપ્યો છે. શરાબ, શબાબ અને કબાબ (સુરા, સુંદરી અને રોટી)માં હું જીવ્યો છું. મેં પૈસાની બાબતમાં આના-પાઈની પણ સમજૂતી કરી નથી. જગતની શ્રેષ્ઠ મોટરો મારી પાસે હતી. ચર્ચગેટમાં વિશાળ ફ્લૅટ છે. પરિવાર સાથે ન ફાવ્યું તો એક રાતમાં જ ઠોકર મારી દીધી હતી. થાણે એ મારી ચૉઇસ છે. મને ગુમનામી ગમે છે. હું કોઈના જીવનમાં દખલઅંદાજી કરતો નથી અને કોઈને મારામાં કરવા દેતો નથી.’

અને એ જીવન કેવું હતું? તેમના જ શબ્દોમાં ઃ ‘મારું રૂટીન ફિક્સ છે. સવારે ઊઠીને હોમિયોપથી (નૈયર હોમિયોપથીની ડૉક્ટરી શીખ્યા હતા)ની પ્રૅક્ટિસ કરું છું. બપોર પછી બે ઠંડો બિયર અને બોઇલ્ડ એગ્સ લઉં છું. સાંજે વિડિયો કે ટીવી જોઉં છું. દર ઉનાળામાં જુહુની હૉલિડે ઇન હોટેલ (જેનો માલિક તેમનો ભાઈબંધ છે)માં રહેવા જતો રહું છું. હું એક જમાનામાં બ્લૅક લેબલ વ્હિસ્કી અને 555 સિગારેટ પીતો હતો. હવે બંધ છે. બે-ચાર અંગત મિત્રો સિવાય કોઈને મળતો નથી. મને સંતોષ છે.’

જાવેદ અખ્તરે પેલા કાર્યક્રમમાં કહેલું, ‘ફિલ્મ ‘શોલે’માં એક ડાયલૉગ છે કે ‘ઠાકુર ના ઝૂક શકતા હૈ ના ટૂટ શકતા હૈ, ઠાકુર સિર્ફ મર સકતા હૈ.’ ઓ. પી. નૈયર પણ એક એવો સૂરજ હતો જે પોતાની જ ગરમીમાં ઓગળી ગયો.’

નૈયરને આ ખબર હતી. એક બીજા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું, ‘હું આખી જિંદગી ફિલોસૉફર રહ્યો છું. મારી રીતે જીવ્યો છું. જે પણ કર્યું છે એનું મને અભિમાન છે. મને ખબર છે કે હું લિવિંગ લેજન્ડ (જીવતી દંતકથા) છું. મારા શબ્દો યાદ રાખજે, હું મરી જઈશ પછી આ દેશ મને યાદ કરશે. ઓમકાર પ્રસાદ નૈયર તેના સંગીતમાં જીવતો રહેશે.’

ઇન્ટરવ્યુઅર: આશા સાથેનું તમારું સૌથી ફેવરિટ ગીત કયું?

નૈયર: મુશ્કેલ છે, બહુ બધાં ગીત છે.

ઇન્ટરવ્યુઅર: મને ખબર છે, પણ કોશિશ તો કરો, બે-ચાર નામ તો આપો...

નૈયર: ઍક્ચુઅલી, ‘પ્રાણ જાયે પર વચન ના જાયે’નું  ‘ચૈન સે હમકો કભી...’

columnists raj goswami