જૂની ચીજવસ્તુઓ અને એની સાથે જોડાયેલી એ જૂની યાદો

27 July, 2021 06:35 PM IST  |  Mumbai | Sarita Joshi

એક વાસણ સાથે પણ તમારી ઘણી યાદો જોડાયેલી હોય છે. અહીં, અમેરિકામાં વડોદરાના જૂના ઘરનું એક વાસણ હાથમાં આવ્યું. એ વાણસ પર કોતરાયેલા નામને સ્પર્શ કરું એટલે જાણે કે હું મારા ભૂતકાળને સ્પર્શ કરતી હોઉં એવો ભાસ થાય છે

તિલોત્તમાનાં લગ્ન શ્યામરાવ વિચારે સાથે થયાં હતાં. તે આપણા બરોડાના રાજવી ફતેહસિંહરાવ ગાયકવાડ સાથે ક્રિકેટ રમતા. શ્યામરાવ વિચારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ખૂબ રમ્યા. આજે પણ તેમનું નામ વિઝડનની વેબસાઇટ પર છે. અમે તેમની મૅચ જોવા જતાં અને પદ્મા તો તિલોત્તમાને સાથે જોઈએ જ જોઈએ.

એ જમાનામાં આપણે ત્યાં લગ્નોમાં વાસણો આપવાની પ્રથા હતી. હવે વાસણો નથી આપતાં પણ હવે આપણે ક્રૉકરી આપીએ, ક્રિસ્ટલના શો-પીસ આપીએ કે પછી મુરત સાચવવા માટે ચાંદીના વાસણનો એકાદ સેટ આપી દઈએ. જોકે એ સમયે તો તાંબાનાં વાસણોનો જમાનો હતો અને એ આપવામાં આવતાં. 
તમને થશે કે આ વાત અચાનક કેવી રીતે શરૂ થઈ? તો તમને એનો જવાબ આપું. અહીં અમેરિકામાં મેં દીકરી પૂર્બીના ઘરે ઇન્ડિયાથી આવેલું એક વાસણ જોયું. તાંબાનું અને એના પર નામ લખ્યું હતું મારું. એ વાસણ જોતાંની સાથે મારી આંખ સામે ભૂતકાળની અને એ વાસણોની યાદો આવી ગઈ. મને એ વાસણ સાથે જોડાયેલી યાદ તો એક્ઝૅક્ટ રીકલેક્ટ નથી થતી, પણ મને લાગે છે કે એ વાસણ કદાચ મારા જન્મદિવસે આઇએ લીધું હશે અને એટલે એના પર મારું નામ લખાવ્યું હશે. ઇન્દુ બી. ભોસલે. વાસણવાળો પેલું ટૅટૂ કરવાનું હોય એવું મશીન લઈને બેસતો અને પછી તમે વાસણ લો તો એના પર નામ લખી આપતો. જો વાસણ તમે તેને ત્યાંથી ન લીધું હોય તો વાસણ પર લખવાના પૈસા લે. જોકે મોટા ભાગે તો એ પણ લેતો નહીં, કારણ કે વાસણવાળો પણ ફૅમિલી વાસણવાળો જ રહેતો. એવી જ રીતે જેવી રીતે આજે ફૅમિલી ડૉક્ટર અને ફૅમિલી સીએ કે પછી ફૅમિલી ઍડ્વોકેટ હોય છે એમ. વાસણ એક જ જગ્યાએથી લીધાં હોય એટલે આંખની ઓળખાણ હોય અને આંખની ઓળખાણ હોય એટલે જો તમે પ્રસંગોપાત્ત તેને ત્યાં વાસણમાં નામ લખાવવા જાઓ એટલે તે પોતાનો એક આનો જતો કરે.
પહેલાંના સમયમાં વાટકા, તપેલી અને ગ્લાસ પર પણ નામો લખાતાં. ઘરમાં મોટા-મોટા થાળ હોય, કથરોટ હોય. એમાં લોટ બાંધવાનો હોય. મોટા-મોટા જગ હોય. પાણી પીવાના ગ્લાસ જુદા હોય અને છાશ પીવા માટેના ગ્લાસ પણ જુદા હોય. કહ્યું એમ શ્રીમંતના ઘરમાં ચાંદીનાં વાસણો હોય અને તેઓ ચાંદીના વાસણમાં જમતા હોય. હું તમને અત્યારે પણ કહીશ કે જો પૈસાપાત્ર હો અને ઘરમાં પૈસાની છૂટ હોય તો ચાંદીના વાસણમાં જમજો. શરીર માટે બહુ લાભદાયી છે. નાનાં બાળકો માટે બનતી પેલી કળવાણી અને ઘસરકા એટલે તો આજે પણ આપણે ત્યાં ચાંદીના વાસણમાં તૈયાર કરવામાં આવે છે. ચાંદીની ચમચીથી એને ચટાડવામાં આવે છે. મેં આઇ પાસેથી સાંભળ્યું છે કે ચાંદીની પ્રકૃતિ ઠંડી એટલે એમાં જમેલું ધાન શરીરમાં જઈને ઠંડક કરે. ચાંદીમાં જમો તો ઍસિડિટી અને અપચો દૂર ભાગે.
મારા ઘરમાં અત્યારે પણ, આજે પણ મારી ફૅમિલીના અને મારા પપ્પાની ફૅમિલી એટલે કે ભોસલે પરિવારનાં ઘણાં એવાં વાસણો પડ્યાં છે જેની ગણના હવેના સમયમાં ઍન્ટિક સામાનમાં થાય છે. આમ પણ મને ઍન્ટિકનો બહુ શોખ. તમે જો મારું ઘર જુઓ તો તમને ચારે તરફ જૂના સમયની ચીજવસ્તુઓ જોવા મળે. ઘડિયાળ બંધ થઈ ગયું હોય, પણ જો એ યુનિક હોય તો હું એને કાઢું નહીં. ઘણી વાર મને કોઈ આવું કરવાનું કારણ પૂછે ત્યારે કહું પણ ખરી કે જૂનું છોડવાની મને આદત નથી. કહો કે જૂનું મને વધારે ગમે છે.
મારી બીજી બહેનોએ એ બધી ચીજવસ્તુઓમાં બહુ ઇન્ટરેસ્ટ દેખાડ્યો નહીં એટલે સદ્નસીબે એ ઍન્ટિક ચીજવસ્તુઓ મને મળી અને હું રાજી-રાજી થઈ ગઈ. મુંબઈ આવી ગયા પછી હું જ્યારે-જ્યારે વડોદરા નાટકના શો કરવા જતી ત્યારે એ બધી વસ્તુઓ ધીમે-ધીમે મુંબઈ લઈ આવી. કેટલીક વસ્તુઓ તો એવી મોટી હતી કે તમને જોઈને એમ થાય કે સરિતા, આ બધું તું કેવી રીતે સાચવી શકે? જોકે સાચું કહું, પ્રેમ અને લાગણીને સાચવવાં ન પડે, એ તો આપમેળે સચવાઈ જાય.
તમને યાદ છે પેલા મોટા-મોટા ઘડા. આપણે એમાં નાહવાનું પાણી ભરી રાખતા. તાંબાના હોય. મોટા અને એકદમ વજનદાર. આજે જો વીસ-પચ્ચીસ વર્ષના છોકરાને પણ એ ઉપાડવાનું કહો તો તે ઉપાડી ન શકે એવા વજનદાર. એની બહારની બાજુએ કોતરણી કરી હોય અને શિયાળામાં એમાં પાણી ભરી રાખ્યું હોય તો બરફ જ થઈ ગયું સમજો. બમ્બો. પાણી ભરવાના એ મોટા ઘડાને બમ્બો કહેવામાં આવે. આ બમ્બો ઉપર તો મારા પપ્પાનું નામ પણ છે - બી. એન. ભોસલે. એ નામને લીધે પણ મારે મન એની વૅલ્યુ બહુ વધારે હતી. બે બમ્બોથી માંડીને વાસણો અને બીજું મને જે કંઈ ગમ્યું, જેની સાથે મારી નાનપણની વાતો જોડાયેલી હતી એ બધી વસ્તુ હું ધીરે-ધીરે મુંબઈ લઈ આવી.
મારી મોટી બહેનો જેમાં સૌથી મોટી બહેન તિલોત્તમા. તિલોત્તમાનાં લગ્ન શામ વિચારે સાથે થયાં હતાં. આખું નામ શ્યામરાવ વિચારે. એ આપણા બરોડાના રાજવી ફતેહસિંહરાવ ગાયકવાડ સાથે ક્રિકેટ રમતા. શ્યામરાવ વિચારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ખૂબ રમ્યા. આજે પણ તેમનું નામ વિઝડનની વેબસાઇટ પર છે. અમે બધા મારી મોટી બહેન સાથે મૅચ જોવા જઈએ અને પદ્માબહેનને તો તે ખાસ સાથે લે. હું ન જઉં તો તે આગ્રહ પણ ન કરે અને જઉં તો ના પણ ન પાડે, પણ પદ્મા તો તેને જોઈએ જ જોઈએ. આજે, આટલાં વર્ષે મને લાગે છે કે એનું કારણ એ હશે કે પદ્મા પાસે સૌંદર્ય હતું, તેની પાસે છટા હતી અને વર્તનમાં પણ તે ખૂબ સુંદર અને સાલસ. મારા જેવું નહીં હોય. 
નાનપણમાં તો હું શું કરતી હોઈશ અને કેવું કરતી હોઈશ એ તો જોવાવાળાને જ ખબર હોય. મને તો આજે એ બધું યાદ પણ નથી. હા, એટલું તો યાદ છે જ કે થોડી ટીખળી તો હું હતી જ હતી. તોફાન મારાં ચાલુ જ હોય. અને હા, ખાઉધરી પણ ખરી. 
ખાઉધરી. આ શબ્દ મને ગમે છે. મારું આ નામ પ્રવીણ જોશીએ આપ્યું છે. એક તો આ નામ અને બીજું નામ વન્ડર ચાઇલ્ડ. આ શબ્દ પણ તેના મોઢેથી વાંરવાર નીકળતો. નીકળતો પણ ખરો અને ક્યારેક મને એમ જ ચીડવવા માટે એ બોલતા. મારા જૂના અને નાનપણના કિસ્સાઓ સાંભળીને તેણે આ વન્ડર ચાઇલ્ડ શબ્દ પકડી લીધો હતો. 
‘સરિતા, તું તો વન્ડર ચાઇલ્ડ જેવી હતી...’
તે બોલે અને હું તેની સામે જોયા કરું. એમ જ, જેમ અત્યારે હું જોઉં છું. જોકે ફરક એક છે. અત્યારે તે મારી આંખ સામે નથી પણ મારી સ્મૃતિમાં છે. સ્મૃતિઓનું આવું જ છે. એ ક્યારેક હૈયાની ઉપરની સપાટી પર આવીને તમારા ચહેરા પર સ્માઇલ લઈ આવે તો ક્યારેક એ તમારી આંખને ભીની કરી જાય. ડિટ્ટો એવી જ રીતે, જેવી રીતે અત્યારે મારી આંખો ભીની થઈ રહી છે અને ભીની આંખે વાત કરવાને બદલે હું સ્મૃતિને માણવાનું પસંદ કરું છું. તો અત્યારે આપણે વાત અહીં અટકાવીએ. સુખી રહો, આનંદમાં રહો અને હવે તો બધું સારું થઈ રહ્યું છે, સારું થવાનું છે તો બી પૉઝિટિવ. 
આવજો.

columnists sarita joshi