ભગવાને માણસ બનાવ્યો એટલે તેનામાં વિશેષ શક્તિ ઉમેરી હશે

13 April, 2021 02:38 PM IST  |  Mumbai | Sarita Joshi

જૂની વાતોમાં નવું જીવવાની ક્ષમતા હોય અને જૂની વાતોમાં દુઃખ આપવાની શક્તિ પણ હોય. આ ક્ષમતા અને શક્તિનું નામ જ જીવન

આજે પણ મારી મોટી બહેન પદ્માો મારી આંખ સામે આવી જાય. હસતી-રમતી અને ગર્વથી મારી સામે જોયા કરતી...

એ જે થ્રિલ હતી, એ જે રોમાંચ હતો જીવનનો, ઓહોહોહો...

સાહેબ, આ નૉસ્ટાલ્જિયા અને આ નૉસ્ટાલ્જિયાની વાતો તો જીવન જીવવાનું ઇજન આપે. આ નૉસ્ટાલ્જિયા તો લાઇફમાં નવો આનંદ ભરતો હોય છે. ચોરી. પૂછ્યા વિના કાકડી લેવી એને ચોરી કહેવાય એ પહેલી વાર મને ત્યારે સમજાયું. ખોટું જ કહેવાય, ચોરી કરાય જ નહીં, પણ સાચું કહું, હજી પણ કોઈક વાર એ યાદ આવી જાય તો ચહેરા પર સ્માઇલ તો આવી જ જાય. આજે પણ મને કંઈ એવું બને તો આનંદ ચોક્કસ આવે. તમે થિયેટરમાં મારી સાથે કામ કરી ચૂક્યા હોય તેમને પૂછશો તો ખબર પડશે તમને. આજે પણ હું ઘણી વાર મિસિચિવ કરી લઉં, કંઈ કેટલીય વાર કરી લઉં. મોટાં થયાં એનો અર્થ એવો તો નથીને કે તમે આનંદ લેવાનું ચૂકી જાઓ. ના, જરાય નહીં. અમે લોકો મોટાં થયા પછી પણ ઘણી વાર થિયેટરમાં એવી વાતો બનતી બની જાય કે આનંદ લેતાં રહીએ, મજા કરતાં રહીએ. હસવું, આનંદ માણવો અને જીવનની પ્રત્યેક ક્ષણમાં ખુશી ભરવી એનું નામ તો જીવન સાહેબ. સુખ હોતું નથી, એને બનાવવું પડતું હોય છે. ખુશી હોતી નથી, એને શોધવી પડે. હું તો કહીશ કે સંસારનો દરેક માણસ સુખી છે, બસ, તેણે પોતાના સુખ પર પેલા દુખનું આવરણ પાથરી દીધું છે એટલે તેને પોતાનું સુખ દેખાતું નથી. એ આવરણને હટાવવાનું છે અને આપણું પોતાનું સુખ બહાર લાવવાનું છે. એનું જ નામ જીવન, એનું જ નામ જીવવું.

lll

પેલી કાકડી ચોરવાની જે થ્રિલ હતી એ પારાવાર હતી અને પછી જે દુખ હતું એ પણ પારાવાર હતું. મેં ચોરી કરી, અજાણતાં જ ભલે, પણ ચોરી એ તો ચોરી જ કહેવાયને. પહેલી વાર મને એવું લાગ્યું કે હું રામાયણમાં કુશ બનીને વડોદરાનાં મહારાણીના હસ્તે ઇનામ જીતું છું અને આજે ચોરી... આ ચોરી શબ્દ એ દિવસે મારા મનમાં છપાઈ ગયો અને મેં ખરેખર કાન પકડ્યા કે આવું કૃત્ય જાણતાં-અજાણતાં ક્યારેય ન થવું જોઈએ. એ દિવસે પહેલી વાર મને ખબર પડી હતી કે પૂછ્યા વગર કંઈ લેવું એ પણ ચોરી જ કહેવાય. કહેવાનો મતલબ એટલો સાહેબ કે નાનપણમાં બનેલા આ બધા દાખલા જીવનમાં તમને કેવી રીતે સમજણ આપી જાય છે. મારા જીવનમાં બનેલી આવી નાની-નાની બાબતો મને બહુ સમજણ આપતી અને એ સમજણે મારું ઘડતર કર્યું. હા, એ સમજણ આપતી ઘટનાઓ પહેલાંનો આનંદ પણ મને ગમતો. એ સાચવી રાખેલો આનંદ હજી પણ મને નૉસ્ટાલ્જિક બનાવે. કોઈ બાળક રમતું હોય કે કંઈ એવું કરતું હોય તો એ જોઈને મને ગમે, મને મારા જીવનમાં આવેલી એ થ્રિલ ફીલ થાય.

આ જે ફીલ છે, આ જે થ્રિલનો અનુભવ છે એનું જ નામ જીવન. એનું જ નામ સંસાર. કહે છેને કે અનુભવે શીખે એ અનુભવી, પણ બીજાના અનુભવે શીખે તે શાણો. અનુભવી પણ બની જીવનમાં અને જરૂર હતી ત્યાં શાણપણ કામ આવ્યું.

lll

અમારા નાટકવાળાની એક મેથડ છે. મેથડ, સાહેબ. મેથડ એટલે પદ્ધિતસરનું શિક્ષણ. જેમ શિક્ષણની મેથડ હોય, ગણિતની એક મેથડ હોય છે એવી જ રીતે નાટકની પણ એક મેથડ હોય અને એમ જ, ડિટ્ટો એમ જ લખવાની પણ એક મેથડ હોય છે. હું લેખક નથી એટલે મારી વાતમાં પેલી ટિપિકલ મેથડ તમને જોવા નહીં મળે. જુઓને, આપણે નૉસ્ટાલ્જિયાની વાત શરૂ કરી ત્યારે જ મને નૉસ્ટાલ્જિયાનો એક્ઝૅક્ટલી ગુજરાતી શબ્દ મળ્યો નહીં. જો તારકભાઈ હોતને, આપણા લેખક તારક મહેતા, જેમની શ્રેણી પરથી અત્યારે સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ચાલે છે એ તારકભાઈ. પ્રવીણ (જોષી) હતા ત્યારે હું તેમની પાસેથી ઘણી વાતો જાણતી-સમજતી, પણ પ્રવીણ ગયા પછી એક શૂન્યાવકાશ સર્જાયો.

પ્રવીણની ગેરહાજરીમાં મારા સૌથી નજીકના મિત્ર એટલે તારકભાઈ. ફૉર્જેટ સ્ટ્રીટ પર રહે અને હું નેપિયન સી રોડ પર રહું. તારકભાઈ મારા લેખક પણ હતા. લેખક એટલે ‘સપ્તપદી’, ‘મોસમ છલકે’. પ્રવીણ આવ્યા એ પહેલાં પણ મેં તેમની સાથે એક નાટક કર્યું હતું, ‘વેણીમાં ચાર ફુલ’. તારકભાઈ દિગ્દર્શક અને કદાચ લેખક પણ તેઓ જ હતા, પણ મને અત્યારે પાક્કું યાદ નથી અને નાટકના કલાકારોમાં હું, પદ્‍મારાણી, સંજીવકુમાર, અરવિંદ પંડ્યા. સ્ટારસ્ટેડ નાટક હતું ‘વેણીમાં ચાર ફુલ’. એમાં પદ્‍માબહેનનો બહુ સરસ રોલ હતો. પદ્‍માબહેન, મારાં મોટાં બહેન પદ્‍મારાણી.

યાદ આવી જાય છે. જ્યારે પણ હું આવી વાતો કરું ત્યારે તે મારી સામે આવીને એટલી સુંદર દેખાય કે જાણે ખુશ ન થતી હોય. મને બહુ પ્રોત્સાહન આપતી મારી મોટી બહેન. અમારા શબ્દોમાં કહું તો, મરાઠીમાં એક શબ્દ છે. કૌતુક. આંખ સામે આવીને કહે, ‘ઇન્દુ, કૌતુક કરતે...’

જ્યારે પણ જુઓ, કોઈને પણ કહેતાં દેખાય, ‘મારી બહેન જોઈ...’ કોઈ પણ હોયને તેને કહે, ‘એય, ઇન્દુને જોઈ’. કહેતી વખતે તેમનો ચહેરો ગર્વથી છલકાતો હોય.

એ જ ચહેરો, મને તેનો એવો જ હસતોરમતો ફેસ દેખાય. તેની યાદ આવે એટલે સહેજેય એક સેડનેસ આવી જાય છે. આવે જને, મોટી બહેન હતી. જીવ્યાં છીએ સાથે. ઘરમાં, થિયેટરમાં, બહાર, ફરવામાં, રમવામાં. તેઓ કઈ રીતે જીવ્યાં એની વાતો પછી કરીશ, પણ દોસ્તો કહેવાનું એ જ કે નૉસ્ટાલ્જિયા જેમ આનંદ આપે એમ તેની સાથે દુઃખનું સ્મરણ પણ તમને એ આપી જાય.

મારા જીવનમાં ખૂબ આનંદ પ્રસંગો છે તો ખૂબ દુઃખના પ્રસંગો પણ છે. જે કદાચ તમને પણ ખબર હશે, ખબર પડશે અને નહીં તો હું એની ખબર આપીશ. તમારી સાથે વાતો કરતાં-કરતાં આ નૉસ્ટાલ્જિયા વાગોળવાનો જો આનંદ તમને પણ મળતો હોય તો આપીશ. પ્રેક્ષકો, સૉરી વાચકમિત્રો, મારી પાટી હંમેશાં ખુલ્લી હતી, ખુલ્લી છે અને ખુલ્લી રહેશે. તમને હક છે મારા જીવનની બધી વાતો જાણવાની. હું કલાકાર છું. કદાચ તમને કલ્પના પણ થતી હશે કે વાહ, વાહ સરિતાબહેનનું જીવન તો મજાનું છે. મને પણ થાય છે ઘણાનું જીવન જોઈને. વાહ, આને તો મજા છે, પણ એમાં દરેક માણસના જીવનમાં અંદર ક્યાંક ને ક્યાંક વેદનાઓ પણ હોય છે.

રામ જેવા રામ અને સીતાને પણ જો દુઃખ હોય, કૃષ્ણને પણ દુઃખ હોય તો આપણે તો મનુષ્ય પામર અને એ પણ અત્યારના, આ યુગના મનુષ્ય. દુઃખ થાય. ક્ષણમાં તો એવી પારાવાર તકલીફ થાય, પણ પછી પોતાને સાચવવાની શક્તિ ક્યાંકથી આવી જાય છે. મનુષ્ય બહુ પાવરફુલ છે, એમાં ના નહીં. ભગવાને એટલે જ મનુષ્યની જાતમાં જન્મ લીધો હશે. રામ બન્યા, કૃષ્ણ બન્યા અને કંઈકેટલાય જન્મ હજી બાકી હશે. ભગવાને મનુષ્ય પોતે જ બનાવ્યો હશે એટલે ગમ્યો હશે અને એટલે એમા શક્તિ નાખી હશે. આજે નૉસ્ટાલ્જિયાની વાતો કરતાં-કરતાં પદ્‍મા યાદ આવી એટલે તેની ખૂબ-ખૂબ આદરથી બે આંસુનાં ટીપાં સાથે સ્મરણાંજલિ આપું છું, મારી મોટી બહેનને. ખૂબ ખૂબ યાદ. તારક મહેતાની વાત પછી કરીશ, તેઓ પણ યાદ આવ્યા.

columnists sarita joshi