હવે હું અને તમે જ પૈસા કાઢીશું

26 May, 2020 10:33 PM IST  |  Mumbai | Sanjay Goradia

હવે હું અને તમે જ પૈસા કાઢીશું

ભવિષ્ય દર્શન: ‘ફતેચંદનું ફુલેકું’ અને ‘બા રિટાયર થાય છે’માંથી કોઈ પણ એક નાટક સુપરહિટ થશે એવી આગાહી આ બન્ને નાટકો શરૂ થાય એ પહેલાં ઍક્ટર-મિત્ર નીતિન દેસાઈએ કરી હતી. નીતિન જ્યોતિષી નથી, પણ જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન તેની પાસે ખૂબ સારું છે.

‘આખું નાટક લખાઈ જાય એટલે અમે આપની પાસે આવીએ છીએ.’

પદ્‍મારાણીએ મરાઠી નાટક જોયું હતું એટલે તેઓ તરત જ ગુજરાતી નાટક માટે તૈયાર થઈ ગયા અને તેમણે પ્રારંભિક હા પાડી એટલે અમે તેમને આ શબ્દો કહીને છૂટા પડ્યા. અરવિંદ જોષી સાથે તો વાત થઈ જ ગઈ હતી. તેમણે રૂપાંતરનું કામ શરૂ કરી દીધું. મને અહીં એક વાત કહેવી છે મિત્રો કે રૂપાંતર એટલે ભાષાંતર એવું ક્યારેય માનવું નહીં. રૂપાંતરમાં ટ્રાન્સલેશનની નહીં, ટ્રાન્સક્રીએશનની વાત આવતી હોય છે. એનીવેઝ, આપણે આ વાત આગળ વધારીએ એ પહેલાં વાત કરીએ મારા મિત્ર નીતિન દેસાઈની. ગયા મંગળવારે મેં તમને કહ્યું હતું કે નીતિને એક આગાહી કરી હતી. નીતિન અત્યારે હાસ્યના શો કરે છે, પણ એ સમયે તે નાટકોમાં ઍક્ટિંગ કરતો હતો. નીતિન જ્યોતિષનો પણ ખૂબ સારો જાણકાર. એ સમયે મારા નાટક ‘ફતેચંદનું ફુલેકું’નાં રિહર્સલ્સ ચાલતાં હતાં અને સાથોસાથ ‘બા રિટાયર થાય છે’ની પૂર્વતૈયારીઓ પણ ચાલતી હતી. નીતિનને મારી કુંડળી દેખાડીને મેં એક દિવસ પૂછ્યું કે અત્યારે મારી મૂખ્ય ભૂમિકાવાળા નાટકનાં રિહર્સલ્સ ચાલે છે અને શફી ઈનામદાર- પદ્‍મારાણીવાળા નાટકની પૂર્વતૈયારીઓ ચાલે છે. શું લાગે છે?

નીતિને કહ્યું, આ બેમાંથી તારું કોઈ પણ એક નાટક ચાલશે; કાં તો ઍક્ટિંગવાળું, કાં તો પ્રોડ્યુસ કરે છે એ.

મિત્રો, સાચું કહું છું કે એ સમયે મને ‘ફતેચંદનું ફુલેકું’માં ખૂબ વિશ્વાસ હતો. મનમાં ખાતરી હતી કે આ નાટક તો ફલૉપ થાય જ નહીં. મને મનમાં ને મનમાં થયું કે તો હવે બાકી રહ્યું ‘બા રિટાયર થાય છે’. શું એ ફ્લૉપ જશે? વધુ એક વાર હું પ્રોડ્યુસર તરીકે નિષ્ફળ જઈશ? તમને એમ થાય કે આવી આગાહી પછી પણ મેં કેમ પાછા પગ લેવાનું વિચાર્યું નહીં હોય, તો હું કહીશ કે જ્યોતિષમાં મને વિશ્વાસ ખરો, પણ કર્મમાં મને અખૂટ શ્રદ્ધા એટલે જ્યોતિષના કે પછી ગ્રહોના ડરથી હું ક્યારેય કર્મ છોડું નહીં. એ સમયે પણ મને મારો આ જ સ્વભાવ કામ લાગી ગયો અને મેં બન્ને પ્રોજેક્ટ પર પૂરા મન અને ખંતથી કામ કર્યું.

અરવિંદભાઈનું કામ ચાલુ હતું તો બીજી બાજુએ લેખક-દિગ્દર્શક સુરેશ રાજડાનું નાટક ‘અગ્નિપથ’ પણ પદ્‍માબહેન સાથે ચાલતું હતું. આઇએનટીના એ નાટકમાં બહુ મોટી કાસ્ટ હતી. પદ્‍માબહેન ઉપરાંત દિનુ ત્રિવેદી અને અપરા મહેતા પણ હતાં અને એ સિવાય પણ બીજા દસ-બાર કલાકારો હતા. ‘અગ્નિપથ’ના હવે છેલ્લા-છેલ્લા શો જ બાકી હતા, એ પછી નાટક પૂરું થવાનું હતું એટલે અમે પણ અમારી તૈયારી વધારે ઝડપથી કરવા માંડ્યા હતા. મનમાં હતું કે એ નાટક પૂરું થાય એટલે આ નાટક ચાલુ કરી દેવું. નાટક ઓપન કરવા માટે અમે ૨પ ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી. એક બીજી વાત કહી દઉં કે એ સમયે નાટકનું ટાઇટલ હજી નક્કી નહોતું થયું.

હવે વાત આવી ફાઇનૅન્સની. મારી પાસે તો પૈસા હતા નહીં એટલે મેં શફીભાઈને કહ્યું કે આપણે ફાઇનૅન્સર તરીકે ધીમંત મહેતાને લઈએ. શફીભાઈએ હા તો પાડી, પણ સાથોસાથ મને પૂછ્યું પણ ખરું કે શું કામ ધીમંતને લેવાનો, ફાઇનૅન્સર તો આપણને બીજા પણ ઘણા મળી રહેશે, પણ મિત્રો, મારે મન આ બીજા ફાઇનૅન્સર અને ધીમંત મહેતા વચ્ચે ફરક હતો. ધીમંતે મારા ભરોસે ‘હૅન્ડ્સઅપ’ નાટકમાં ફાઇનૅન્સ કર્યું હતું અને એમાં એના પૈસા ડૂબી ગયા હતા. તમને મેં એ નાટકની બધી વાત થોડા સમય પહેલાં કરી હતી. મારી કરીઅરનું એ બીજું સર્જન. એ પ્રોજેક્ટ પછી જ મેં શફીભાઈની નોકરી સ્વીકારી લીધી હતી. મેં શફીભાઈને એ બધી વાત કરી અને કહ્યું કે પદ્‍મારાણી, અરવિંદ જોષી અને તમે પણ આ પ્રોજેક્ટમાં જોડાયેલાં છો એટલે પ્રપોઝલ સારી બની છે તો આપણે એને વાત કરીએ. શફીભાઈ એગ્રી થયા એટલે મેં જઈને ધીમંતને વાત કરી, પણ ધીમંતે દલીલ કરીને કહ્યું કે હું શું કામ ૧૦૦ ટકા પૈસા કાઢું. કબૂલ કે તારી પાસે પૈસા નથી, પણ શફીભાઈ પાસે તો છેને! તું વર્કિંગ પાર્ટનર તરીકે આવે તો પણ શફીભાઈએ પૈસા કાઢવા જ જોઈએ. આ મારા પ્રિન્સિપલનો સવાલ છે. પૈસા અમે બન્ને કાઢીએ અને આપણે ત્રણ જણ ૩૩-૩૩ ટકાની પાર્ટનરશિપ કરીએ. મારે એ કરવું નહોતું એટલે ધીમંતે પ્રોજેક્ટમાં જોડાવાની ના પાડી દીધી. હું શફીભાઈ પાસે આવ્યો અને મેં શફીભાઈને કહ્યું કે પ્રોજેક્ટમાં હું અને તમે જ પૈસા રોકીએ. આપણે બહારથી ફાઇનૅન્સર લાવવો નથી.

શફીભાઈ માની ગયા અને અમે બન્ને ૫૦-૫૦ ટકા ફન્ડ રોકીશું એવું નક્કી થયું. એ પણ નક્કી થયું કે આ નાટક શફીભાઈના બૅનર ‘હમ પ્રોડક્શન’માં કરવું. મિત્રો, હું આને નસીબ કહીશ. ધીમંત પાસે સામેથી આટલો સરસ પ્રોજેક્ટ આવ્યો તો તેણે ના પાડી. એવું જ પ્રકાશ કાપડિયા સાથે પણ બન્યું. તેમણે પણ આ પ્રોજેક્ટ કરવાની ના પાડી દીધી. મારી સાથે પણ ઘણી વાર એવું બન્યું છે. મેં પણ સારા કહેવાય એવા ઘણા પ્રોજેક્ટની ના પાડી છે અને પછી મને એનો અફસોસ પણ થયો છે, પરંતુ એનું નામ જ નસીબ.

પૈસા કે ફાઇનૅન્સ વિના અટકવું નથી એ નક્કી કરીને અમે તો લાગી ગયા અમારા કામે. નાટક ઓપન કરવાની ડેટ નક્કી હતી, પણ અમારી પાસે હજી ઑડિટોરિયમનું બુકિંગ નહોતું. ગુજરાતી થિયેટરને જે જરાક નજીકથી ઓળખે છે તેમને ખબર છે કે નાટકોના થિયેટરના બુકિંગ માટે ઑલમોસ્ટ પાંચથી છ મહિના પહેલાં ઍપ્લિકેશન આપવાની હોય છે એટલે જો તમારે જાન્યુઆરીથી માર્ચના ક્વૉર્ટરમાં નાટક ઓપન કરવું હોય તો એ ડેટની ઍપ્લિકેશન તમારે ઑક્ટોબરમાં આપી દેવી પડે અને તો જ તમને અલૉટમેન્ટ મળી શકે, પણ શફી ઈનામદાર બહુ મોટા સ્ટાર અને તેમનું નામ પણ એટલું જ સન્માનનીય એટલે અમારે એ બધી ફૉર્માલિટીની જરૂર પડી નહીં.

ઑક્ટોબરની એક સવારે હું અને શફીભાઈ તેમની કારમાં નીકળી પહોંચ્યા તેજપાલ ઑડિટોરિયમની ઑફિસમાં. ત્યારે તેજપાલમાં ભાઈશેઠસાહેબ હતા, જે મુખ્ય ટ્રસ્ટી પણ ખરા. ભાઈશેઠસાહેબ મને અને શફીભાઈને ઓળખે. અમે તેમને વાત કરી કે અમે આ રીતે નાટક બનાવીએ છીએ અને અમારે તેજપાલથી જ નાટક ઓપન કરવું છે. અમે ઇચ્છીએ છીએ કે નાટક ૨પ ફેબ્રુઆરીએ ઓપન થાય. તેમણે ત્યારે ને ત્યારે રજિસ્ટર કાઢ્યું અને એમાં ૨પમીની સાંજ ટિક કરીને અમને આપી દીધી. શફીભાઈએ બહારની ઑફિસમાં જઈને તરત જ ભાડાનો ચેક આપી દીધો. ત્યાંથી અમે આવ્યા પાટકર હૉલ, પાટકર અત્યારે તો બંધ છે પણ ત્યારે એ બહુ ચાલતું. પાટકરમાં બપોર અને સાંજ એમ બન્ને શિફ્ટમાં નાટકના શો થતા. એ સમયે પાટરના મૅનેજર સામ કેરાવાલા હતા. તેઓ પણ શફીભાઈને ખૂબ સારી ઓળખે, મને પણ ઓળખે, પણ શફીભાઈ પ્રત્યે તેમને અલગ જ પ્રકારની રિસ્પેક્ટ. પાટકરમાં અમે ચોથી માર્ચ ઇવનિંગની ડેટ માગી. તેમણે તરત જ અમને ડેટ આપી અને શફીભાઈએ ભાડું ભરી દીધું. તેજપાલ અને પાટકર આ બે ઑડિટોરિયમ થઈ ગયાં. હવે અમે પહોંચ્યા સીધા ચોપાટી, ભારતીય વિદ્યા ભવન. ત્યાં ખાનોલકર નામે માણસ હતો જે ડેટ્સ મૅનેજ કરતો હતો. ખાનોલકર ભારતીય વિદ્યા ભવનનો ઑફિશ્યલ મૅનેજર નહોતો પણ એ સમયે કોઈ મૅનેજર અપૉઇન્ટ નહોતું થયું એટલે ખાનોલકર એ કામ સંભાળતો. ભારતીય વિદ્યા ભવનમાં અમે ૧૮ માર્ચની ડેટ લીધી અને ત્યાંથી સીધા આવ્યા નેહરુ ઑડિટોરિયમ. નેહરુમાં ૨પ માર્ચ ફાઇનલ કરી અને એ પછી બિરલા ક્રીડા કેન્દ્ર આવીને અમે ૧ એપ્રિલની તારીખ બુક કરી તરત ભાડું ભરી દીધું.

૧૯૮૯ના ઑક્ટોબર મહિનાની આ વાત છે. અમારાં નાટક માટે તેજપાલ, પાટકર, ભવન, નેહરુ અને બિરલા ક્રીડા આમ પાંચ શો માટે ઑડિટોરિયમ બુક થઈ ગયાં હતાં અને બધાનું ભાડું પણ ભરાઈ ગયું હતું. શફીભાઈએ મને કહ્યું કે મેં બધાં ભાડાં ભરી દીધાં છે એટલે હવે હું કોઈ ખર્ચ નહીં કરું. હવે બધો ખર્ચ તારે કરવાનો છે. ખાટલે મોટી ખોડ, મારાં તો ખિસ્સાં સાવ ખાલી હતાં, પણ હવે પૈસાનું શું કરવું, પૈસા ઊભા ક્યાંથી કરવા એની મને ચિંતા જ નહોતી, કારણ કે રિહર્સલ્સ તો જાન્યુઆરીમાં શરૂ થવાનાં હતાં, પણ નાટક ૨પ ફેબ્રુઆરીએ તેજપાલમાં ઓપન થાય એમ નહોતું. કયા કારણે, એની વાતો કરીશું આવતા મંગળવારે.

columnists Sanjay Goradia