ચાલો આવી ગયો છે અનોખો કન્સેપ્ટ DIY...

29 June, 2020 01:47 PM IST  |  Mumbai | Puja Sangani

ચાલો આવી ગયો છે અનોખો કન્સેપ્ટ DIY...

DIY એટલે કોઈ પણ વાનગી રેસ્ટોરાંવાળા પ્રીમિક્સ કરી એટલે કે પહેલેથી તૈયાર કરેલી વાનગી બનાવી આપે જેમાં તેઓ અલગ-અલગ સામગ્રીને ભેગી કરીને પૅક કરીને કિટ બનાવીને ગ્રાહકને આપે છે. ત્યાર બાદ ગ્રાહક પૅકેટમાં આપેલી સૂચના મુજબ વાંચીને આખરી વાનગી તૈયાર કરીને આરોગે છે. એટલે કે કોઈ છૂટી વસ્તુને ભેગી કરીને તૈયાર કરવાની હોય એવો કન્સેપ્ટ.
 DIYના આ કન્સેપ્ટનો મૂળ અમેરિકામાં પ્રારંભ થયો હતો જેનો મૂળ હેતુ એ છે કે જે લોકો કોઈ પણ કારણોસર રસોઈ ન બનાવી શકતા હોય અથવા ઘણા લોકો રસોઈ પ્રત્યેનો પ્રેમ હોવા છતાં શું બનાવવું એ નક્કી ન કરી શકતા હોય તેમના માટે છે. આથી બધી રાંધેલી વસ્તુ પૅક કરીને આવે અને પછી એની આખરી વાનગી જાતે બનાવવાની. દા.ત. તમને દાબેલી ભાવે છે અથવા બર્ગર ભાવે છે તો બ્રેડ અને બીજી સામગ્રી અલગ-અલગ પૅક કરીને આવે અને તમારે અનુકૂળતાએ ઘરે બનાવીને આરોગવાની. સાદી ભાષામાં કહીએ તો પાણીપૂરીની બધી સામગ્રી ઘરે લાવીને આપણે વર્ષોથી ખાઈએ છીએ એવી રીતે હવે દરેક વાનગી આવી રીતે ઘરે તૈયાર કરીને રેડી ટુ ઈટ, રેડી ટુ કુકથી આગળનો આ કન્સેપ્ટ છે. એટલે રેસ્ટોરાંમાં જવાની અને કોઈની સાથે સંપર્કમાં આવવાની કોઈ બીક જ નહીં.
 ગુજરાતમાં અમદાવાદ તથા અન્ય શહેરોમાં DIYનો પ્રારંભ થઈ ગયો છે. ભારતમાં અત્યારના કોવિડ-19ના વાતાવરણને ધ્યાનમાં રાખી આ કન્સેપ્ટ શરૂ કરાયો છૅ જેમાં અમદાવાદની પ્રખ્યાત રેસ્ટોરાંઓ દ્વારા DIY શરૂ કરવામાં આવ્યો છે જેમાં લોકો એકબીજા સાથે સંપર્કમાં આવતા નથી અને આ પ્રીમિક્સ વાનગી ઘરે મગાવી પોતાના સમય અનુરૂપ અને ઇચ્છા મુજબ ભોજન બનાવી શકે છે. આ કન્સેપ્ટમાં બધી હેલ્ધી અને તાજી સામગ્રીનો વપરાશ થાય છે. કોઈ જાતનાં પ્રિઝર્વેટિવ કે નુકસાનીવાળાં કેમિકલ વપરાતાં નથી એવો દાવો કરવામાં આવે છે. આ ઉપરાંત રેસ્ટોરાં માલિકો શુદ્ધતાનો પણ દાવો કરતા હોય છે. 
DIY ડિલિવરી અને પૅકેજિંગ
ડિલિવરી કરતી વખતે મુખ્ય સાવચેતી રખાતી હોય છે જેમ કે ટૅમ્પરપ્રૂફ સીલ કરેલાં પૅકેજિસ દ્વારા ફૂડ આપવામાં આવતું હોય છે અને બધાં જ પૅકિંગ બૉક્સ ઉચ્ચ તાપમાને પૅકેજિંગ મશીન સાથે સીલ કરવામાં આવતાં હોય છે જેથી વાઇરસનો ભય ન રહે. આ ઉપરાંત રસોડામાં કામ કરતા શેફથી લઈને ડિલિવરી બૉય સુધીના પર નિયમિતપણે શરીરના તાપમાનના સ્તર માટે નજર રાખવામાં આવતી હોય છે અને સાથે ચોખ્ખાઈ પણ જળવાય છે. તો ચાલો આજે આપણે આ કન્સેપ્ટ વિશે જુદા-જુદા રેસ્ટોરાંના ધંધાર્થીઓનું શું કહેવું છે એ જાણીએ. 
પણ ડાઇનિંગ ઇઝ બેસ્ટ
આ કન્સેપ્ટ આવ્યો છે અને લોકો હાલમાં અપનાવી રહ્યા છે, પરંતુ એમાં અલગ-અલગ મત પ્રવર્તે છે. આ બાબતે વડોદરા ખાતે રહેતા રાજુ ઝિંઝુવાડિયા જણાવે છે, ‘અમને સેવ-ઉસળ બહુ ભાવે છે, પરંતુ હાલમાં અમારે ઘરે પાર્સલ લાવીને બનાવવા પડે છે. એથી ત્યાં ખાવા જેવી મજા નથી આવતી. આથી જ્યારે આ તમામ જનજીવન સામાન્ય થશે ત્યારે લોકો રેસ્ટોરાં કે ફૂડ જૉ-ઇન્ટ પર તૈયાર અને ગરમ ખાવાનું જ પસંદ કરશે. પરંતુ આવા કપરા સમયમાં આ કન્સેપ્ટ આવકારદાયક છે.’

પીત્ઝા પ્રીમિક્સ

 


અમદાવાદમાં જ એક યુગલ રણધીર ભારદ્વાજ તથા શ્વેતા ભારદ્વાજ દ્વારા ‘બોન પીત્ઝા’ નામની વુડફાયર પીત્ઝા (પીઝેરિયા) અને ગાર્લિક બ્રેડ પીરસતી રેસ્ટોરાં છેલ્લાં 5 વર્ષથી અર્બન ચોકના ફૂડ કોર્ટ ખાતે ચલાવાઈ રહી છે. તેઓ આ કન્સેપ્ટની માહિતી આપતાં જણાવે છે કે તેમણે વિવિધ પ્રકારના પીત્ઝા માટે પ્રીમિક્સ કિટ તૈયાર કર્યા છે જે તેઓ 5 લેયર ફૂડ ગ્રેડ પૅકેજિંગમાં આપે છે જેમાં માત્ર પાણી નાખીને લોટ બાંધી પોતાના મનગમતા ટૉપિંગ્સ (જેમ કે ઑલિવ, મનપસંદ શાકભાજીના ટુકડા, મકાઈ, પનીર વગેરે) નાખી શકાય છે. કિટમાં ઉપલબ્ધ પીત્ઝા સૉસ, પીત્ઝા કેચપ, પીત્ઝા સીઝનિંગ અને ચિલી ફ્લેક્સ ઉમેરી કિટમાં દર્શાવેલા તાપમાન પર સેટ કરીને તવા, અવન કે માઇક્રોવેવમાં બનાવીને માણી શકાય છે. રણધીર ભારદ્વાજ કહે છે, ‘અમારી પીત્ઝા કિટમાં બધી ઉચ્ચ સ્તરની હેલ્ધી સામગ્રી જેમ કે તાજી શાકભાજીમાંથી બનાવેલા સૉસ, તાજા મસાલા, મેંદો, ઘઉંનો લોટ, દરિયાઈ મીઠું, બ્રાઉન શુગર, વાઇટ શુગર, લસણ પાવડર, ઑલિવ ઑઇલ વગેરે જેવી સામગ્રીનો સમાવેશ થાય છે. એક કિટમાંથી મધ્યમ સાઇઝના ચાર પીત્ઝા બનાવી શકાય છે. એટલે બે જણ આરામથી આરોગી શકે છે. આ કિટથી લોકોની સારી બચત પણ થઈ જાય છે. જૂન મહિનાથી DIYનો પ્રારંભ કર્યો હતો અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. અમારો હેતુ લોકોને આ કોવિડ-19ના વાતાવરણના સમયમાં થોડી ખુશી આપવાનો છે જેના કારણે તેઓ ઘરે બેઠાં ફ્રેશ, ઑથેન્ટિક પીત્ઝાનો સ્વાદ માણી શકે.’

બાર્બિક્યુ અને પનીર ટિક્કા

 


Kbobs ટેકઅવેઝ રેસ્ટોરાંના સ્થાપક રોહિત ખન્ના DIYની માહિતી આપતાં કહે છે, ‘કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન ઘણા ગ્રાહકો રેસ્ટોરાંમાં જવા માટે ડરતા હતા અને તૈયાર ભાણું આરોગતા અચકાતા હતા એટલે અમારા ફૂડી મિત્રોએ પ્રીમિક્સ એટલે કે DIY વાનગીઓની કિટ અમારી પાસેથી મંગાવવાનું શરૂ કર્યું જેથી તેઓ એ જાતે ઘરે લાવીને એમાંથી સામગ્રી છુટ્ટી કરી તેમના ટેસ્ટ મુજબ બનાવી શકે. અમારે ત્યાં વેજિટેરિયન (રેડી ટુ ઈટ) વાનગીઓ મળે છે જેમ કે તેલમાં ઓછા શેકેલા કરેલા બાર્બિક્યુ, પનીર ટિક્કા, મસાલા આલૂ, મસાલેદાર બ્રૉકલીનો સમાવેશ થાય છે જે ઘરે સીઝનિંગ કરીને ગ્રિલ કરીને ખાઈ શકાય છે.’

ચાટ ઍૅન્ડ ટિક્કી


અમદાવાદના પ્રહલાદનગરમાં ‘શાકાહારી બાય અવધપુરી’ નામની મલ્ટિક્વિઝિન રેસ્ટોરાં દ્વારા પણ આ કન્સેપ્ટ શરૂ કરાયો છે. આ રેસ્ટોરાંના સ્થાપક રિષભસિંહ રાણા  DIY કન્સેપ્ટ માટે કહે છે, ‘લૉકડાઉનને કારણે અમે અમારી પ્રખ્યાત વાનગીઓ લોકો ઘરે બેસીને આરોગી શકે એવી વ્યવસ્થા ઊભી કરી છે, કારણ કે લોકો રેસ્ટોરાંમાં આવતાં ગભરાય. પરંતુ ઘરે બેસીને ખાવામાં મોટા ભાગે વાંધો નથી. DIY કન્સેપ્ટ હેઠળ અમે લોકોને અત્યંત પ્રિય એવું સ્ટ્રીટ ફૂડ જેમ કે વિવિધ પ્રકારના ચાટ જેમાં દહીંવડાં, 
બાસ્કેટ ચાટ, રાજકચોરી ચાટ, સમોસા ચાટ, આલૂ ટિક્કી ચાટ વગેરેનો સમાવેશ થાય છે. એના ભાવ પણ લોકોને પોસાય એવા હોય છે.
જૂન મહિનાથી અમલ થયેલા આ કન્સેપ્ટથી ટૂંક સમયમાં અમને સારો પ્રતિભાવ મળ્યો છે એમ જણાવતાં રિષભસિંહ કહે છે, ‘અમારા ચાટને અનુરૂપ બધી જ અલગ-અલગ સામગ્રી જે અમે પહેલાંથી નક્કી કરેલા માપ પ્રમાણે તૈયાર કરીએ છીએ. વાનગીના પૅકની સાથે અસેમ્બલ કાર્ડ (વાનગી કઈ રીતે બનાવવી એની માહિતી આપતું કાર્ડ) સાથે આપીએ છીએ જેથી ગ્રાહકને કોઈ જ પ્રકારની મૂંઝવણ ઊભી ન થાય. અન્ય ગરમ કરવા લાયક વાનગીઓ અમે ગ્રાહકને માટીના વાસણમાં આપીએ છીએ જેથી આ માટીના વાસણને 200 ડિગ્રી તાપમાન સુધી ગરમ કરી વાઇરસના ભયથી મુક્ત થઈને વાનગી આરોગી શકે છે. આ જ કન્સેપ્ટ પ્રમાણે બર્ગર તેમ જ પાસ્તા પણ આપી શકાય.’

રેડી ટુ ઈટ જન્ક ફૂડ
અમેરિકન, ફાસ્ટ ફૂડ અને બર્ગર પીરસતી રેસ્ટોરાં ‘ગ્રિલ ઍન્ડ મોર’ રેસ્ટોરન્ટના માલિક સેથુ ઉનીથાન કહે છે કે તેમણે DIY કન્સેપ્ટ હેઠળ તેમના ગ્રાહકો માટે બર્ગર કિટ બનાવેલી છે. તેઓ કહે છે, ‘હાલ કોવિડ-19માં ફૂડ-ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય અંધકારમય લાગતું હતું અને પહેલાં જેવી સ્થિતિ ક્યારે આવશે એની ચિંતા હતી, પરંતુ આ નવો કન્સેપ્ટ આવવાના કારણે ઘણી રાહત મળી છે. લોકો અનુકૂળતા મુજબ ગરમ અને સ્વાદ મુજબની આખરી વાનગી બનાવી શકે છે અને આરોગી શકે છે. DIY કન્સેપ્ટ લોકોને આખા કુટુંબ સાથે સંકળાવવા માટેનો ઉત્તમ માર્ગ છે. જે બાળકો આગામી થોડા મહિનાઓ માટે ઘરે છે તેઓ તેમની પસંદ પ્રમાણે કસ્ટમાઇઝ કરી તેમના બર્ગર અને ફ્રાઇઝ બનાવવાનું શીખી શકે છે અને બધી ઉંમરના લોકો આની મોજ ઘરે જ માણી શકે છે. જ્યાં સુધી તમે રસોઈની મજા લો ત્યાં સુધી એ બધું જ આનંદકારક છે. અમારે ત્યાં અન્ય ફ્લેવર્સની બર્ગર કિટ મળે છે જેમ કે હૉટ પટેટો બર્ગર, વેજ બર્ગર, બાર્બિક્યુ વેજ બર્ગર વગેરેનો સમાવેશ થાય છે. આગામી સમયમાં અમે રેડી ટુ ઈટ ફ્રાય/ગ્રિલ ફૂડ આઇટમ્સ લાવીશું જેથી બર્થ-ડે અથવા કોઈ પણ પાર્ટીમાં લોકો ઘરે બનાવી માણી શકે. મારી દૃષ્ટિએ DIY કન્સેપ્ટ સારો છે જેથી લોકો ઘરે નવી-નવી રેસ્ટોરન્ટ સ્ટાઇલની વાનગી બનાવવામાં મશગૂલ રહી શકશે અને તેમનાં બાળકોને બહારના ભોજનનો સ્વાદ આપી શકશે.’

indian food mumbai food life and style columnists