પ્રાયોરિટી પૈસો છે એટલે હવે નાટક નહીં, પ્રોજેક્ટ બને છે

08 May, 2021 03:59 PM IST  |  Mumbai | Homi Wadia

ગુજરાતી રંગભૂમિના સુવર્ણકાળને નજીકથી જોયા પછી કહેવાનું મન થાય કે આપણી પ્રાયોરિટી બદલાઈ છે, જેની સીધી અસર નાટકોના સબ્જેક્ટ્સ પર જોવા મળે છે

’ખેલ ખતરનાક’ નાટકમાં હોમી વાડિયા અને સોનિયા મહેતા

નાટકોની વાત કરીએ તો લાઇવ પર્ફોર્મન્સની શરૂઆત ભવાઈના સ્વરૂપમાં થઈ. પહેલાંના સમયમાં ભવાઈ થતી. આજે પણ ઘણાં નાનાં ગામોમાં ભવાયા આવે છે અને નાટકો કરે છે પણ એ વખતે સ્ટેજ નહોતું. નાટકો શેરીમાં, ગલીઓમાં થતાં, રોડ ઉપર થાય અને ચોકમાં થાય. વિષય કોઈ પણ હોય પણ એ થાય લોકો જ્યાં એકત્રિત થતા હોય ત્યાં. ભવાઈ નટીશૂન્ય થતી. નટીશૂન્ય એટલે સ્ત્રી પાત્ર પણ પુરુષ જ ભજવે અને પાત્રો વધુ હોય તો એક ભવાયો એક કરતાં વધારે રોલ કરે. ભવાઈની મૂળ રચના જ એવી રીતે થઈ હતી કે એક કલાકાર અલગ-અલગ પાત્ર ભજવતો રહે અને ઍક્ટરોનું વેરીએશન આપ્યા કરે. ભવાઈ મોડી રાત સુધી ચાલતી. આ પણ એક કારણ હતું કે ભવાઈમાં સ્ત્રી પાત્રો નહોતાં મૂકવામાં આવતાં. કારણ એ જ કે કોઈ ઇચ્છતું નહીં કે અમારી બહેન-દીકરી કે પત્ની-ભાભી મોડે સુધી લોકોની સામે તાથૈયા-તાથૈયા કર્યા કરે. એ સમય પણ થોડો જોખમી અને સંકુચિત માનસિકતાનો પણ ખરો. ઘરના લેડીઝ મેમ્બર મોડી રાત સુધી ઘરની બહાર રહે એ કોઈ સ્વીકારતું નહીં. સમાજમાં કેવું લાગે અને આ લાઇનમાં હોય એવી બહેન-દીકરી સાથે લગ્ન કોણ કરે એવા પ્રશ્નો સૌકોઈના મનમાં રહેતા. આમ ભવાઈ પુરુષો સુધી સીમિત રહી.

પછી સમય બદલાયો અને ભવાઈની જગ્યાએ શેરી નાટકો આવ્યાં. નવા લોકો પણ નાટકો લઈને આવવા માંડ્યા અને પછી એમાં કમર્શિયલાઇઝેશન આવ્યું. સબ્જેક્ટ બદલાયા, માણસોના જોવાનો દૃષ્ટિકોણ બદલાયો અને પછી ધીમે-ધીમે રાષ્ટ્ર અને રાજ્ય અને એ પછી સોસાયટીના પ્રશ્નો માટે પણ આ નાટકો વાચા બન્યાં. નાટકનું મૂળ કામ લોકોને જાગૃત કરવાનું, ઝંઝોડવાનું. એ જે નાટકો હતાં એમાં આક્રોશ જોવા મળતો. નાટકો માત્ર ગુજરાતીમાં કે ગુજરાતમાં ભજવાતાં એવું નહોતું. આપણે ત્યાં દરેક સ્ટેટમાં નાટકો ભજવાતાં રહ્યાં છે અને દરેક વખતે એમાં બદલાવ પણ આવ્યો છે. સ્ટ્રીટ-પ્લે લઈને પણ લોકો બીજા સ્ટેટમાં જતા અને ત્યાં એ ભજવતા. આપણે ત્યાં મુંબઈથી અનેક સ્ટ્રીટ-પ્લે ગુજરાત જઈને ભજવવામાં આવ્યાં છે અને એમાં આજના ધુરંધર કહેવાય એવા કલાકારો પણ કામ કરતા. પણ મારે એક વાત કહેવી છે. એ નાટકોમાં કામ કરતા લોકોનો મિજાજ અલગ હતો. બપોરે જમવાનું મળે નહીં તો ચાલે, પાણી ન મળે તો પણ ચલાવી લે. બસ અને ટ્રેનમાં ધક્કા ખાતા જાય. એક રૂપિયાની પણ આવક ન હોય તો પણ બધાના ચહેરા હસતા હોય. આજે પણ છે એવા કલાકારો જેને આવક કરતાં કામના સંતોષમાં વધારે રસ છે. નાટકમાં એવી તોતિંગ આવક નથી એ હકીકત છે.

નાટક મીડિયમ બહુ નાનું. ફિલ્મ કે સિરિયલ જેવું મીડિયમ નહીં કે એકસાથે આખો દેશ જોઈ શકે અને એ પછી પણ નાટક જેવા નાના મીડિયમ સાથે જોડાયેલા રહ્યા હોય એવા પણ અઢળક લોકો આપણે ત્યાં છે. કહોને કે માત્ર ને માત્ર નાટક પર જીવનારા લોકો આજે પણ આપણે ત્યાં છે. નાટકની દુનિયાનો પોતાનો એક નશો છે અને એ નશાને લીધે જ સૌકોઈ પોતાના વિચારો સાથે આવે છે અને નવી દુનિયા બનાવતા ગયા. હું કહીશ કે નાટકો આજે છે એવાં પહેલાં નહોતાં અને હું એ પણ કહીશ કે ભવિષ્યમાં જેવાં થશે એવાં આજે નહીં હોય. આવનારા દિવસોનું જે સ્વરૂપ નાટકો લેશે એની આજે આપણે કલ્પના પણ નથી કરી શકતા. આ ચેન્જ પણ જરૂરી છે. દુનિયા સતત બદલાતી રહે છે, લોકોના ટેસ્ટ પણ એકધારા બદલાતા રહે છે. નૅચરલી, એવા સમયે વિષયવસ્તુ પણ બદલાશે. લોકોની વિચારસરણી અને જરૂરિયાત મુજબ બધું જ બદલાયું છે તો નાટકો શું કામ બદલાય નહીં?

મારી વાત કરું તમને. મેં પ્રવીણ જોશી સાથે કામ શરૂ કર્યું. એ સમય આજના સમય કરતાં અલગ હતો. નાટકમાં કામ કરવું હોય તો તમારામાં ફાયર જોઈએ અને માત્ર ફાયરથી જ ચાલશે એવું પણ નહીં, તમારું એ ફાયર તમને કામ આપનારી વ્યક્તિને દેખાવું જોઈએ. મેં એ નાટકમાં વિલનનો રોલ કર્યો. સરિતા જોશી પણ એ નાટકમાં હતાં. એ નાટક પછી બીજું નાટક આવ્યું. મેં સારું કામ કર્યું હતું પણ એમ છતાં એ બીજા નાટકમાં મારા માટે રોલ નહોતો. મને પ્રવીણભાઈએ કહ્યું, નાટકમાં રોલ નથી, બૅકસ્ટેજ કરીશ?

મેં હા પાડી દીધી અને એ રીતે મેં બૅકસ્ટેજ કર્યું. સ્ટેજ લગાડવાનો, પ્રૉપર્ટી સાચવવાની અને શો શરૂ થાય એ પહેલાં ડોરબેલ પણ વગાડવાની. ટૂંકમાં બધાં કામ કરવાનાં, ચા પણ લેવા જવાનું અને ચા પીવડાવવાની પણ ખરી. આપવામાં આવે, ચીંધવામાં આવે એ બધાં કામ કરવાનાં; કારણ કે મારે શીખવું હતું. આજે આ વાત નથી રહી. આજે નાટકમાં કામ કરવા આવતો વ્યક્તિ એમ જ કહે છે કે હું ઍક્ટિંગ કરીશ, હું નાટક ડિરેક્ટ કરીશ. નાટકોમાં એમ કામ ન થાય. નાટકમાં કામ કરવું હોય તો તમારે નાટકના થવું પડે, તખ્તાને સ્વીકારવો પડે, એમાં જીવ હોમવો પડે. જેણે જીવ હોમ્યો, જેણે ખંતથી કામ કર્યું એ પછી આગળ વધ્યા અને ટીવી-ફિલ્મ તરફ વળ્યા.

આ એ પિરિયડની વાત જે સમયમાં સિરિયલોનો યુગ શરૂ થતો હતો. આવા સમયે તમને સારા કલાકારો ક્યાંથી મળે? નાટકોમાંથી. નાટકોમાં સારું કામ કરો, તમારું નામ બને અને પછી સિરિયલ કે ફિલ્મોમાં ચાલ્યા જાઓ. એવા પણ ઘણા લોકોને મેં જોયા છે કે આ રીતે લાઇન ચેન્જ કરવામાં એ લોકો નથી આ લાઇનના રહ્યા કે નથી પેલી લાઇનના રહ્યા. ન નાટકોમાં પાછા આવ્યા કે ન તો ફિલ્મોમાં ચાલ્યા. એનું કારણ સમજવા જેવું છે. બન્ને મીડિયમો જુદાં છે. તમે મીડિયમને પારખી ન શકતા હો તો કેવી રીતે ઑડિયન્સ તમને સ્વીકારે? પણ હશે, જેમને જે સારું અને સાચું લાગે.

પહેલાં નાટકોમાં માત્ર પબ્લિક શો જ થતા. લોકો ટિકિટ ખરીદે અને નાટક જોવા આવે. નાટકો માત્ર અને માત્ર પબ્લિકના જોરે ચાલતાં. તમારા માટે એ ફરજિયાત હતું કે નાટકને તમારે સારું જ બનાવવું અને એવું સારું કે ત્રણ કલાકના નાટકમાંથી કોઈ એક નાની સરખી પણ ભૂલ ન કાઢી શકે. એ સમયની બીજી મોટી ચૅલેન્જ જો કોઈ હતી તો એ કે એ સમયે ઑડિયન્સની વિચારધારા અને ચૉઇસ બદલાતી રહેતી. તમારે એકધારા નિતનવા વિષયો પર કામ કરવાનું. પહેલાં થ્રિલર નાટકો બનતાં, પછી સોશ્યલ નાટકો આવ્યાં અને હવે કૉમેડી નાટકો ચાલે છે. તમે કહો મને, આજે થતાં નાટકોમાંથી પબ્લિક શો કેટલા નાટકના થાય છે? દસ-બાર અને એ પણ વધુમાં વધુ. ચૅરિટી શો જ થાય છે નાટકોના. નાટક હવે થિયેટર નહીં પણ મનોરંજનનું સાધન બની ગયાં છે. મુંબઈમાં સો-સવાસો જેટલાં ચૅરિટી ગ્રુપ છે. જો નાટક જરાક સારું બન્યું તો તમને વાંધો ન આવે. જો મુંબઈમાં ચૅરિટી શોના લોકોને નાટક ગમ્યું તો પછી બીજા સિટીના ગ્રુપ પણ તમારું નાટક મંગાવે અને તમે ખર્ચાપાણી કાઢી લો. આજે સામાન્ય નાટક પણ બસો શો સુધી પહોંચી જાય છે, પણ પહેલાં સો શો થતા તો માણસ રાજી-રાજી થઈ જતો. પ્રોડ્યુસર પાર્ટી આપે. પણ હવે એવું નથી, કારણ કે તેને ખબર છે કે નાટક તેણે ચલાવ્યું છે; નાટકના સબ્જેક્ટ થકી નાટક નથી ચાલ્યું. આવું થવાનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ કે આપણી પ્રાયોરિટી બદલાઈ ગઈ છે. પૈસાનું વળતર હવે પહેલાં જોવામાં આવે છે. આપણી પ્રાયોરિટી હવે પૈસો છે અને પ્રાયોરિટી પૈસો છે એટલે હવે નાટક નહીં, પ્રોજેક્ટ બને છે. આશા રાખીએ કે કોવિડના આ સમય પછી હવે નાટકો ફરીથી જોવા મળે, પ્રોજેક્ટ નહીં. આજે પણ નાટકોના સબ્જેક્ટ સાથે રિસ્ક લેનારા પ્રોડ્યુસર-ડિરેક્ટર અને કલાકારો છે જ પણ એની સંખ્યા ટૂંકી છે. આશા રાખીએ કે કોવિડમાં સ્ટેજથી દૂર રહ્યા પછી સૌકોઈને આ વાત સમજાઈ હશે અને એ ફરીથી એ જ થિયેટર તરફ પાછા વળે જે થિયેટરે આજ સુધી રંગમંચને ધબકતું રાખ્યું છે.

columnists