વિકાસ અને પ્રકૃતિના શીતયુદ્ધની વાત

01 February, 2023 04:36 PM IST  |  Mumbai | Rashmin Shah

ધ્રુવ ભટ્ટ લિખિત ‘સમુદ્રાન્તિકે’ વાંચતી વખતે તમને અનાયાસ જ વિચાર આવી જાય કે આ નવલકથા જો અંગ્રેજી, બ્રાઝિલ કે સ્પૅનિશમાં લખાઈ હોત તો અત્યાર સુધીમાં એની લાખો નકલ વેચાઈ ચૂકી હોત અને એના પરથી બિગબજેટ ફિલ્મ પણ બની ગઈ હોત

ધ્રુવ ભટ્ટ અને સમુદ્રાન્તિકે’

ગ્લોબલ વૉર્મિંગ વિશે તો અઢળક વાતો થઈ છે અને ગ્લોબલ વૉર્મિંગને લીધે થઈ રહેલા પરિવર્તન વિશે પણ અઢળક લખાયું છે, પણ તમે ક્યારેય વિચાર્યું ખરું કે આ ગ્લોબલ વૉર્મિંગનું કારણ શું? 

આ સવાલનો સરળ અને સહજ જવાબ જો કોઈ હોય તો એક જ, પ્રકૃતિ સાથેનાં ચેડાં. આજે આપણે જે પુસ્તકની વાત કરવાના છીએ એમાં પ્રકૃતિના સ્વભાવથી માંડીને પ્રકૃતિના ફાયદાઓ, પ્રકૃતિની જુદી-જુદી ઘટનાઓ અને પ્રકૃતિનો માનવજીવન પર પ્રભાવ કેવો છે એના વિશે વાત કરવાની છે. પુસ્તકનું નામ છે ‘સમુદ્રાન્તિકે’. ગુજરાતી ભાષાના સિદ્ધહસ્ત લેખક એવા ધ્રુવ ભટ્ટે લખેલી ‘સમુદ્રાન્તિકે’ આમ તો કાલ્પનિક વાર્તા છે પણ એ તેમના સ્વાનુભવે લખવામાં આવી છે એવું ધ્રુવ ભટ્ટ પોતે કહી ચૂક્યા છે. ધ્રુવદાદા તરીકે વધારે પૉપ્યુલર એવા ધ્રુવ ભટ્ટ કહે છે, ‘પ્રકૃતિને જો તમે નહીં સાંભળો તો એ તમારું ક્યારેય નહીં સાંભળે, કારણ કે આ દુનિયા અને હોડીને જો કોઈ સંભાળી શકે તો એ બે જ જણ, એક તો ઉપરવાળો અને બીજો છે દરિયો.’

ધ્રુવ ભટ્ટની આ વાત સાથે તમે સહમત થવા તૈયાર ન હો તો પણ તેમને ફરક નથી પડતો. એનો જવાબ તેમના જ શબ્દોમાં સાંભળવા જેવો છે. ધ્રુવદાદા કહે છે, ‘પ્રકૃતિને કોઈના સાથ કે સહકારની જરૂર નથી. જો તમે એને અનુકૂળ ન થયા તો એ પોતાનો રસ્તો કરી લેશે અને જ્યારે એ પોતાનો રસ્તો કરશે ત્યારે માણસ પાસે કોઈ રસ્તો બાકી નહીં બચે.’

ધ્રુવ ભટ્ટે લખેલી ‘તત્ત્વમસી’ પરથી ઑલરેડી ગુજરાતી ફિલ્મ ‘રેવા’ બની ચૂકી છે, જેને નૅશનલ અવૉર્ડ પણ મળ્યો હતો. મજાની વાત એ છે કે ‘રેવા’ને મળેલા આ રિસ્પૉન્સ પછી ધ્રુવ ભટ્ટની અનેક નૉવેલ પર ફિલ્મ પ્રોડ્યુસરોનું ધ્યાન ખેંચાયું અને એ તમામ નૉવેલમાં ‘સમુદ્રાન્તિકે’ સૌથી વધારે માર્ક્સ લઈ જાય છે.

વાત છે દરિયાઈ જીવનની | ‘સમુદ્રાન્તિકે’માં વાંચતી વખતે સતત એ વાતનો એહસાસ થાય છે કે માણસે પોતાના વિકાસને કારણે, પોતાના પ્રોગ્રેસના કારણે સૃષ્ટિ સાથે કેવાં-કેવાં ચેડાં કર્યાં અને એ ચેડાંને કારણે સૃષ્ટિએ તથા સૃષ્ટિને અકબંધ રાખવા માટે ઝઝૂમતા નાના લોકોના જીવનમાં કેવો મસમોટો ફરક આવ્યો. ‘સમુદ્રાન્તિકે’ના લેખક ધ્રુવ ભટ્ટ ગુજરાતના જાફરાબાદથી ગોપનાથ સુધીના દરિયાકિનારાની પગપાળા સફર કરી હતી, જે સફરનો પૂરો નિચોડ ‘સમુદ્રાન્તિકે’ના દરેકેદરેક વાક્યમાં ટપકી રહ્યો છે. 

    વર્ષ ૧૯૮૦થી ૧૯૮પ દરમ્યાન કરવામાં આવેલી આ પગપાળા સફરના સ્વાનુભવો ‘સમુદ્રાન્તિકે’માં રીતસર ઝળકે છે તો સાથોસાથ એ સફર દરમ્યાન જે પ્રકારના અનુભવો તેમને થયા અને જે પ્રકારના લોકોની સાથે મેળાપ થયો એ પણ ‘સમુદ્રાન્તિકે’માંથી નીતરે છે. ‘સમુદ્રાન્તિકે’ વાંચતી વખતે લાગ્યા વિના રહેતું નથી કે આ માત્ર એક કથા નહીં, પણ આ એક આંખ-સૂઝણું સાહિત્ય છે જે આંખો ખોલવાનું અને માણસને સુધરી જવાનું આહ્વાન કરતું સર્જન છે.

આ પણ વાંચો :  પ્રેમ, ફરજ અને સાહસનો અકલ્પનીય સમન્વય

‘સમુદ્રાન્તિકે’ અને વિશ્વ સાહિત્ય | ધ્રુવ ભટ્ટની નવલકથા વાંચતી વખતે તમને એવું પણ લાગે કે ધ્રુવદાદાની કમનસીબી કે તેમનો જન્મ ગુજરાતી સાહિત્ય ઉજાગર કરવા માટે થયો અને એ ખરેખર હકીકત છે કે આ ધ્રુવદાદાની કમનસીબી છે. જો ‘સમુદ્રાન્તિકે’ ઈરાની, ઇઝરાયલ, સ્પૅનિશ કે બ્રાઝિલિયનમાં લખાઈ હોત તો ચોક્કસપણે એની અત્યાર સુધીમાં લાખો કૉપી વેચાઈ ચૂકી હોત અને દુનિયાની પંદર-વીસ ભાષામાં પણ પ્રસિદ્ધ થઈ ચૂકી હોત. અલબત્ત, આ વાતનો ધ્રુવ ભટ્ટને લગીરે અફસોસ નથી. કહો કે તે એ દિશામાં વિચારવા પણ રાજી નથી અને એ પછી પણ કહેવાયેલી આ વાત સહેજ પણ ઓછી કે ઊતરતી નથી એ પણ એટલું જ સાચું છે. ધ્રુવ ભટ્ટ કહે છે, ‘કર્મથી ઓછું કશું હોતું નથી અને એનાથી વિશેષ પણ કંઈ હોય નહીં. સ્વાનંદ મળે એનાથી ઉત્તમ બીજું કશું નથી. ‘સમુદ્રાન્તિકે’એ મને આનંદ આપ્યો છે, મારામાં વૃદ્ધિ કરી છે એ જ મારા માટે સર્વશ્રેષ્ઠ અનુભવ છે.’

સ્ટોરી શૉર્ટકટ

૧પપ પાનાંઓની ‘સમુદ્રાન્તિકે’માં આગળ કહ્યું એમ ધ્રુવ ભટ્ટે પોતાનો સ્વાનુભવ તો ઉમેર્યો જ છે સાથોસાથ એમાં તેમણે પોતાના નાનપણના અનુભવો અને વડીલો પાસેથી વાતો તથા એ વાતો દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાનનો નિચોડ પણ ઉમેર્યો છે. અઢળક પાત્રો ધરાવતી ‘સમુદ્રાન્તિકે’માં બંગાળી બાબા પણ છે અને વિદેશી સાધ્વી પણ છે જે ભારતીય પરંપરા અને સંસ્કૃતિને કારણે ભારતમાં વસી ગઈ છે તો આ બન્ને કૅરૅક્ટર ઉપરાંત નુરાભાઈ, નાયક અને અવલ પણ છે જે દરેક તબક્કે વાતને આગળ લઈ જવાનું અને વાતમાં ઊંડાણ આપવાનું કામ કરે છે. એક તબક્કે વિદેશી સાધ્વી કહે છે કે ગાય અને કૂતરાંને આપણે એઠું ત્યારે જ નાખવું જોઈએ જ્યારે એમનું વધેલું કે એઠું ખાવાની આપણી તૈયારી હોય.

વાતની શરૂઆત થાય છે એક એવી વ્યક્તિથી જે સાવ અલગ જ સંસ્કૃતિમાંથી આવ્યો છે. શહેરી જીવનને રિયલ લાઇફ માનતો નાયક ગ્રામ્ય સંસ્કૃતિમાં આવે છે. કેમિકલ ફૅક્ટરી માટે તેણે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાનો છે પણ એ રિપોર્ટ તૈયાર કરવાની આખી પ્રોસેસ દરમ્યાન તે પોતે આ નવી સંસ્કૃતિ સાથે અને લોકો સાથે એવો તે ઓતપ્રોત થઈ જાય છે કે તેના પોતાના મનમાં વિચાર આવી જાય છે કે હું આ શું કરું છું, જે પ્રકૃતિને આ લોકોએ આટલા સમયથી સાચવી રાખી છે એને નષ્ટ કરવામાં હું નિમિત્ત બનીને ખોટું તો નથી કરતોને?

‘સમુદ્રાન્તિકે’માં અનેક કિસ્સાઓ એવા છે જે તમને વાંચતાં-વાંચતાં અટકાવી દે તો અનેક સંવાદો પણ એવા છે જે તમને અંદરથી ધ્રુજાવી દે. અમાસના દિવસે સમુદ્રમાં સ્નાન કરવું ધાર્મિક વિધિ છે ત્યારે એક વયોવૃદ્ધ માજીને ગાડામાં દરિયાકિનારે મહામુશ્કેલીએ લઈ આવેલી તેમની પુત્રવધૂ જુએ છે કે માજી દરિયા સુધી ચાલી નહીં શકે એટલે તે તેમને દરિયાકિનારે બેસાડી ડોલ લઈને દરિયામાંથી પાણી ભરવા જાય છે ત્યારે માજી કહે છે, દરિયો ડોલમાં નહીં સમાઈ બાઈ...‘સમુદ્રાન્તિકે’ વિકાસ અને પ્રકૃતિ વચ્ચે ચાલતા શીતયુદ્ધને દર્શાવતી કથા છે.

columnists Rashmin Shah