ઘર અને શૌચાલય જ નહીં, રસ્તા પર પણ અપાર કુટેવો છે

23 January, 2022 08:30 PM IST  |  Mumbai | Swami Sachidanand

દરેકેદરેક બાબતમાં આપણામાં કુટેવો ભરી છે. ઘરથી લઈને શૌચાલય સુધી અને જાહેર સભાથી લઈને રસ્તાઓ પર પણ

મિડ-ડે લોગો

દરેકેદરેક બાબતમાં આપણામાં કુટેવો ભરી છે. ઘરથી લઈને શૌચાલય સુધી અને જાહેર સભાથી લઈને રસ્તાઓ પર પણ. જરા નજર કરો રસ્તા પર અને આગળની ગાડીઓને જુઓ. 
લગભગ બધી જ ગાડીઓ રોડની વચ્ચોવચ ચાલી રહી છે. કેટલીક તો ઠેઠ જમણા હાથ પર ચાલી રહી છે. આગળની ધીમી ગતિએ ચાલનારી ટ્રકે પાછળનો વાહનવ્યવહાર ધીમો કરી નાખ્યો છે. પાછળવાળા ઓવરટેક કરીને આગળ જવા ઉતાવળા છે, પણ આગળવાળો પોતાની ગાડીને ડાબા હાથે લે તો ઓવરટેક કરાયને? ઉતાવળા થયેલા પાછળવાળા હૉર્ન પર હૉર્ન વગાડ્યા કરે છે, પણ ખસે એ બીજા. હાશ, બે કિલોમીટરની મથામણ પછી માંડ પેલો થોડોક ડાબી તરફ ખસ્યો. જેમતેમ કરીને ઓવરટેક તો થઈ ગયો, પણ હવે સામેથી આવતી ગાડીને જુઓ. તે પણ પોતાના ટ્રૅક પર ન ચાલતાં જમણી તરફ દબાવીને ચાલે છે. તે જેમ-જેમ નજીક આવતો જાય છે તેમ-તેમ વધુ ને વધુ જમણી તરફ દબાવતો જાય છે. જો ગાડીનાં માથાં ટકરાવવાં ન હોય તો જલદીથી રોડની બાજુમાં ઉતારી દો ગાડીને. નહીં તો મર્યા જ સમજો. જુઓ, પલકવારમાં પેલો પોતાના વિજય પર મગરૂરી કરતો સડસડાટ ચાલ્યો ગયો. સારું થયું ગાડી ઉતારી લીધી, નહીં તો હમણાં છૂંદો થઈ જાત. અને આ આગળની ગાડીના ભલા ડ્રાઇવરને જોયો? તે તમને ઓવરટેક કરવાનું સિગ્નલ આપી રહ્યો છે. જોકે ભારતમાં સિગ્નલનો લગભગ ઉપયોગ થતો જ નથી, પણ આ ભાઈએ વળી કર્યો લાગે છે. પણ આ શું? આ તો જમણી તરફનું સિગ્નલ આપે છે. જમણી તરફના સિગ્નલનો અર્થ થાય છે ‘ઓવરટેક કરશો નહીં.’ હા, પણ એ તો પરદેશમાં એવો અર્થ થાય. અહીં તો લોકોએ એનો ઊલટો અર્થ કર્યો છે. અર્થાત્ ઓવરટેકની રજા આપવા માટે જમણું સિગ્નલ વપરાય છે! 
આગળ કંઈક થયું લાગે છે. ગાડીઓ અટકી ગઈ છે. અકસ્માત થયો હશે. પણ હવે જુઓ મજા. એક તરફ લગભગ બધી જ ગાડીઓવાળા વારાફરતી કાન ફાડી નાખે એવાં હૉર્ન વગાડી રહ્યા છે તો બીજી તરફ જેમ-તેમ જગ્યા કરીને પણ આવા લોકો લાઇન તોડીને વચ્ચે પેસી જાય છે. કેટલાકે તો આવવાનો માર્ગ જ રોકી નાખ્યો છે એટલે માર્ગ બન્ને તરફથી વધુ જૅમ થઈ ગયો છે. હમણાં જોજોને, લડાલડી અને ગાળાગાળી. અમદાવાદ-સુરતથી મુંબઈ આવવાના માર્ગ પર કેટલીયે ઊથલી પડેલી ટ્રકો, કારો વગેરે જોઈ શકાશે અને કહી એવી લડાલડી અને ગાળાગાળી પણ સાંભળી શકાશે. બીજાની તકલીફ કોઈને જોવી નથી. એક જ વાત છે બધાની - અમને હેરાનગતિ ન થવી જોઈએ.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.)

columnists swami sachchidananda