નૉન-વેજ અને આપણે : પાપ જ નહીં, શરીર સાથેનાં ચેડાં પણ બંધ થવાં જોઈએ

01 May, 2022 05:00 PM IST  |  Mumbai | Bhavya Gandhi

નૉન-વેજના ફાયદા કે ગેરફાયદા વિશે ન જાણનારાઓ પણ એ ખાતા થઈ ગયા છે અને એનું કારણ છે માત્ર શોખ અને દેખાદેખી. બીજા પાસે મૉડર્ન દેખાવાની આ રીત કેવી વાહિયાત છે એ વિચારવાનો સમય આવી ગયો છે

નૉન-વેજ અને આપણે : પાપ જ નહીં, શરીર સાથેનાં ચેડાં પણ બંધ થવાં જોઈએ

મેં તમને કહ્યું હતુંને, હમણાં-હમણાં મારે ગુજરાત રહેવાનું ખૂબ બને છે. અનેક પ્રોજેક્ટ પર એકસાથે મારું કામ ચાલે છે એટલે મારે ગુજરાતને જ મારું બીજું ઘર બનાવી લેવું પડ્યું છે. જોકે અત્યારે વાત એ નથી કે ગુજરાત મારું બીજું ઘર બનતું જાય છે, પણ વાત એ છે કે ગુજરાત અને ગુજરાતીઓ બહુ બદલાતાં જાય છે. હા, સાચે જ.
પહેલાં હું એ ઘટના વિશે વાત કરી દઉં જેને લીધે મને આ ટૉપિક મનમાં આવ્યો છે. બન્યું એમાં એવું કે ગુજરાતમાં મારા એક ફ્રેન્ડનો બર્થ-ડે હતો. નવી-નવી દોસ્તી હતી એટલે ખાસ હું એ પાર્ટીમાં ગયો. ત્યાં કેટલીક વાત મારા ધ્યાનમાં આવી, જેને લીધે હું ખરેખર બહુ ડિસ્ટર્બ થયો અને સાથોસાથ મને એ પણ સમજાયું કે તમે તમારી જાત સાથે જો ક્લિયર હો તો બહુ આસાનીથી તમારી ફરજ કે પછી તમારો ધર્મ નિભાવી લો અને એટલે જ કહેવાનું મન થાય છે કે લાઇફમાં ક્યારેય કમ્ફર્ટેબલ થઈને ધર્મ નિભાવવાનું કામ કરતા નહીં. ઍનીવે, આપણે વાત કરીએ એ પાર્ટીની. એ પાર્ટીમાં ઘણા ગેસ્ટ હતા. હું જૈન એટલે જૈન ફૂડ જ ખાઉં. બીજા કેટલાક વેજિટેરિયન હતા તો કેટલાક એગીટેરિયન એટલે કે નૉન-વેજમાં ફક્ત એગ્ઝ ખાય એવા હતા અને કેટલાક એવા હતા જેઓ નૉન-વેજ પણ ખાતા હતા. 
પાર્ટીના આખા સિનારિયો દરમ્યાન અમુક વાતો એવી મારા ધ્યાન પર આવી જે જાણીને ખરેખર સૌકોઈને શોક લાગે. હવે નૉન-વેજ ખાઉં એ ફૅશન છે! હા, ઍક્ચ્યુઅલમાં અને એ પણ મને નૉન-વેજ ખાનારાઓ પાસેથી ખબર પડી. મેં એમ જ પૂછ્યું કે આ ખાવાથી શું મજા આવે? તો મને સાઇડ પર લઈ જઈને એવું કહ્યું કે અમને પણ ખબર નથી, પણ બધા ખાય છે એટલે અમે પણ ખાવા માંડ્યા.
કોઈ લાભની ખબર નથી, કોઈ બેનિફિટ કે ડિસઍડ્વાન્ટેજની ખબર નથી અને એ પછી પણ આવું ફૂડ ખાવું અને એ પણ એવું જેમાં પાપ લાગતું હોય. ખરેખર આ બહુ શરમજનક વાત કહેવાય, પણ એ શરમ હવે રહી નથી એવું કહું તો પણ ચાલે. નૉન-વેજ ખાવું પાપ કહેવાય એ વાત તો દૂરની રહી; નૉન-વેજ ખાવું માણસ માટે કેટલું હાનિકારક છે, એ કેટલું ડૅમેજ કરે છે એ વાત પણ એ ખાનારાઓને સમજાતી નહોતી. મેં તેમને સમજાવવાની કોશિશ કરી. એ કોશિશ કરતો હતો ત્યારે મારી આંખ સામે મહાવીરસ્વામીના જીવનની એ તમામ ઘટનાઓ પણ ચાલતી હતી જે ઘટનાઓએ તેમને જીવન માટે વૈરાગ્ય જગાડ્યો. મૂંગાં પશુઓનો ચિત્કાર પણ એ ઘટનાઓ પૈકીની એક ઘટના હતી. મારે તમને કહેવું છે કે ધર્મની દૃષ્ટિએ ન વિચારો તો વાંધો નહીં, ઍટ લીસ્ટ હેલ્થની દૃષ્ટિએ વિચારો કે નૉન-વેજ ખાવું કેવું હાનિકારક છે. 
નૉન-વેજને કારણે જ આપણી લાઇફમાં જાતજાતના અને ભાતભાતના રોગો આવ્યા છે. કોરોનાના જન્મની આખી યાત્રા જો સમજશો તો તમને દેખાશે કે એ ચામાચીડિયામાંથી આવેલી બીમારી છે. બીજી બધી થિયરીઓ આપણે અત્યારે ભૂલી જઈએ કે ચાઇનાએ લૅબોરેટરીમાં વાઇરસ બનાવ્યો અને એ પણ ભૂલી જઈએ કે કોવિડ એક બાયોકેમિકલ વેપન હતું. થોડી વાર માટે તમે ભૂલી જશો તો તમારા માટે હિતાવહ રહેશે અને જો એ ભૂલશો તો જ ઇનોશન્ટ થિયરી તમારા મગજમાં ઊતરશે.
સ્વાઇન ફ્લુથી માંડીને બર્ડ ફ્લુ અને બીજા અનેક વાઇરસનો જન્મ નૉન-વેજ ખાવામાંથી જ થયો છે. પ્રકૃતિની સાથે આપણે એટલી રમતો કરી છે કે પ્રકૃતિએ પોતે આપણી સાથે રમત માંડી દીધી. નૉન-વેજ આપણું ફૂડ છે જ નહીં. આપણે એ ખાવા માટે સર્જાયા જ નથી. હા, સદીઓ પહેલાં એને આધારિત આપણે હતા એ સાચું, પણ એ પછી તો આપણે વેજિટેરિયન બની ગયા અને વેજિટેરિયન બન્યા એને પણ સદીઓ વીતી ગઈ. આપણું બૉડી હવે એ વેજિટેરિયન ફૂડને લાયક બની ગયું છે. તમે જુઓ તો ખરા. હવે આપણી પાસે પહેલાં જેવા રાક્ષસી દાંત નથી રહ્યા. આપણી પાસે એવી ઇમ્યુનિટી પણ નથી રહી જે બીજાં પ્રાણીઓની બીમારીને ખતમ કરી નાખે કે પછી ન તો આપણું પાચનતંત્ર એવું રહ્યું છે જે આ પ્રકારના ફૂડને ડાઇજેસ્ટ કરી શકે. થોડા સમય પહેલાં મારે એક નેચરોપૅથિસ્ટ સાથે વાત થઈ હતી. ત્યારે તેમણે સરસ રીતે સમજાવતાં કહ્યું હતું કે જે છેલ્લી પાંચ જનરેશનથી નૉન-વેજ ખાતું હોય એ જો એ પ્રકારનું ફૂડ લે તો તેને ઓછું નુકસાન થાય. નુકસાન થાય એ ફાઇનલ છે, પણ સામાન્ય લોકો કરતાં ઓછું નુકસાન કરે એવું તો કહી જ શકાય.
નૉન-વેજને તિલાંજલિ મળે એ જરૂરી છે અને આ બાબતમાં જો સક્રિય થઈને આપણે જ કામ કરીએ તો એ વધારે હિતાવહ છે અને ધારો કે એવું ન થાય તો સરકારે પણ આ દિશામાં ગંભીરતા સાથે કામ કરવું જોઈએ એવું પણ મને લાગે છે. આપણે એ સ્તર પર જંગલી થવું જરૂરી નથી જેનામાં દયાનો કોઈ અવકાશ ન હોય. આમ તો હું ગંભીરતાથી માનું છું કે કોણે શું ખાવું અને કેવું ખાવું એ લોકોએ જાતે જ નક્કી કરવું જોઈએ. અગાઉ પણ બે-ચાર વાર એવું બન્યું છે કે લોકોને સમજાવવા જતાં તેમને માઠું લાગ્યું હોય, પણ આ વખતે મેં જે જોયું એ જરા વધારે પડતું જ વિચિત્ર હતું એમ કહું તો પણ ચાલે.
નૉન-વેજ ખાનારાઓમાં પણ એવો વર્ગ જોયો જે ચોક્કસ વારને કારણે નૉન-વેજ ખાવા રાજી નહોતો. મતલબ કે તેને ખબર હતી કે નૉન-વેજ ખાઈએ તો પાપ લાગે અને એટલે જ તે એ ચોક્કસ દિવસે નૉન-વેજ ખાવા રાજી નહોતો.
કેવી આશ્ચર્યની વાત કહેવાય.
ખાવું નૉન-વેજ અને પછી પણ દેવી-દેવતાની આરાધના કરીને એણે બનાવેલા નીતિનિયમોનું પાલન કરવાનું? આવું કરનારાઓને સમજાતું નહીં હોય કે નૉન-વેજ ખાઈને એ પાપ જ કરે છે અને એ પાપની સામે કરવામાં આવતા એકેય પુણ્યનું કોઈ મહત્ત્વ નથી, એની કોઈ મહત્તા નથી. તે ગમે એટલી આરાધના કરે, પણ એ પાપ જ એવડું મોટું કરે છે કે એની સામે કરવામાં આવેલી આ આરાધનાનું કોઈ ફળ હોય જ નહીં, મળે જ નહીં. બીજા લોકોનું આ એક્ઝામ્પલ તો આપણે ઉદાહરણ તરીકે જોવાનું છે. બાકી હકીકત તો એ જ છે કે આવી નીતિ આપણે ત્યાં બધાની છે. બધા ધર્મમાં માને છે અને ધર્મની સાથે જ ચાલે છે, પણ સાથોસાથ પોતાની સગવડ પણ પહેલાં જુએ છે.
નૉન-વેજ ખાવું કે ન ખાવું એનો પ્રશ્ન છે જ નહીં, કારણ કે એ ન જ ખાવું જોઈએ અને એના વિશે વધારે સમજાવટની પણ જરૂર નથી, કોઈ લૉજિકની પણ જરૂર નથી. મને વાંચવું ખૂબ ગમે છે એટલે હું દાવા સાથે પણ કહી શકું છું કે માંસ અને મદિરા ખાવાની એક પણ ગ્રંથમાં પરમિશન આપવામાં નથી આવી. કહ્યુંને તમને કે પહેલાંના જમાનામાં એ ખવાતું હતું, પણ એ સમયની આજના સમયની સાથે વાત ન કરવી જોઈએ. આખો યુગ બદલાઈ ગયો છે અને બદલાઈ ગયેલા આ યુગની પહેલાંના સમય સાથે સરખામણી કરવાનો કોઈ અર્થ પણ નથી. જેનાથી કોઈને ઈજા પહોંચી રહી છે, કોઈનો જીવ જઈ રહ્યો છે એ તમારા ગળાથી નીચે ઊતરી જ કઈ રીતે શકે? જરા વિચારો કે તમને મારીને કોઈ બપોરનું લંચ કે રાતનું ડિનર બનાવવાનું હોય તો એ તમને મંજૂર છે ખરું? નથી મંજૂરને? તો પછી તમે એવું કેવી રીતે કરી શકો? તમારાથી થવું ન જોઈએ અને જો તમારાથી એ થાય તો સ્વાભાવિક રીતે તમારા પર કોઈ જાતનો ભરોસો પણ ન થઈ શકે. કોઈનું માંસ કે લોહી ખાનારા અને પીનારાની પાસેથી માણસાઈની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? આ જ સવાલ તમારી જાતને પણ એક વખત પૂછજો.

આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝ પેપરનાં નહીં.

columnists Bhavya Gandhi