કૉમેડી અને કેસર ટીમાં કોઈ બરાબરી કરી ન શકે

14 June, 2021 03:32 PM IST  |  Mumbai | Rashmin Shah

‘પાગલપંતી’, ‘મેડ ઇન ચાઇના’, ‘ટૂ સ્ટેટ્સ’ જેવી હિન્દી અને ‘બે યાર’, ‘છૂટી જશે છક્કા’, ‘આવું જ રે’શે’ જેવી અનેક ગુજરાતી ફિલ્મો કરનારા હેમાંગ દવેને પોતાના ફૂડના શોખ અને ફૂડ મેકિંગ વિશેના નૉલેજને કારણે ટ્રાવેલ-ફૂડ શો હોસ્ટ કરવો છે

ચા ઊકળતી હોય ત્યારે કેસરની ચારેક પત્તી જુદી વાડકીમાં લઈ એનું પાણી તૈયાર કરી લેવાનું. ચા તૈયાર થઈ જાય એટલે આ કેસરવાળું પાણી ચામાં ઉમેરવાનું અને પછી ચાને ગાળી લેવાની.- હેમાંગ દવે

રશ્મિન શાહ
rashmin.shah@mid-day.com
બધું ભાવે અને બધું ખાવાનું, આ મારો સિમ્પલ નિયમ પણ આ નિયમ માત્ર વેજ ફૂડને લાગુ પડે. વેજમાં બધું ભાવે મને. ઇટાલિયન, મેક્સિકન, લેબનીઝ, ચાઇનીઝ, આપણું ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન. ન ભાવે એવું કશું મળે નહીં. ફૂડી પણ હું એટલે દરેક નવી-નવી જગ્યાનું ફૂડ ટ્રાય કરવાનું. કામને લીધે મારે બહુ બહાર જવાનું બને એટલે જાતઅનુભવ પરથી કહું છું કે જેમ તમે વધુ ટ્રાવેલ કરો એમ-એમ તમારા ટેસ્ટ બડ્સ ખૂલતા જાય છે. 
આઉટડોર શૂટ પર જવાનું હોય એટલે એ જગ્યાની જાણીતી આઇટમનું ફૂડ-લિસ્ટ હું તૈયાર કરી લઉં. જો હું પહેલી વાર એ સિટીમાં જતો હોઉં તો એ સિટીમાં જે જઈ આવ્યું હોય એને પૂછીને જાણી લઉં કે ત્યાં શું ખાવું જોઈએ અને ધારો કે એવું ન થાય તો લોકલ પર્સનને સાથે લઈને નીકળી જાઉં. જો કોઈ જગ્યાએ બીજી કે ત્રીજી વાર જવાનું બન્યું હોય તો મેં ત્યાંથી લઈ આવવા જેવી આઇટમનું લિસ્ટ બનાવ્યું હોય. રાજકોટથી હૅન્ડમેડ વેફર્સ લેવાની, લીલી ચટણી અચૂક લેવાની. સુરતથી ઘારી અને માખણિટયા બિસ્કિટ લેવાનાં. વડોદરાથી લીલો ચેવડો અને ભાખરવડી લેવાનાં. અમદાવાદમાં તો અઢળક જગ્યાનું ‌લિસ્ટ છે. અમદાવાદની વાત કરું તો વેસ્ટઇનનું ફૂડ બહુ સરસ છે. ફૉર્ચ્યુનમાં પણ ઑથેન્ટિક ટેસ્ટનું ફૂડ છે. અપના અડ્ડા નામની એક જગ્યા છે. ત્યાંનું બાર્બિક્યુ એક્સલન્ટ. આરપીઝના પીત્ઝા અને મિર્ચ-મસાલાનું પંજાબી ફૂડ. 
મારી તો ઇચ્છા એવી પણ છે કે હું ટ્રાવેલ ફૂડ શો કરું. કદાચ મારા જેટલો એ શોને ન્યાય બીજું કોઈ આપી શકે એવું મને લાગતું નથી. ઑનલાઇન અત્યારે ટ્રાવેલ વ્લૉગ અને ફૂડ વ્લૉગ ઘણા છે પણ મને લાગે છે કે હું કંઈક જુદું કરી શકીશ.
ખાસિયત અને ખામી
આપણા ઓરિજિનલ ફૂડની એક ખાસિયત કોઈએ નોંધી નહીં હોય. એ ક્યારેય ઍસિડિક નહોતું. એનું કારણ પણ છે, આપણે ત્યાં તેલ કરતાં ઘીનો વપરાશ વધારે થતો. હવે તેલ વપરાવા માંડ્યું છે એટલે વાત બદલાઈ છે પણ પહેલાંના ફૂડમાં જોઈ લો તમે, મૅક્સિમમ ઘીનો વપરાશ થતો. ઘી હેલ્થ માટે બેસ્ટ છે પણ આપણે એનો વપરાશ ઘટાડી દીધો છે. એવું ન થવું જોઈએ. આપણી ફૂડ પૅટર્ન બદલાઈ ગઈ છે એ ચિંતાની વાત છે. બપોરે લંચમાં દહીં અને છાશ લેવાનાં હોય અને રાતે જમવામાં દૂધ લેવાનું હોય. તમે જુઓ, આપણા બાપ-દાદા એવું જ કરતા પણ આપણે તો એ વાત જ સાવ ભૂલી ગયા છીએ. આપણે રાતે છાશ પણ પીએ અને રાતે દહીં પણ ખૂબ ખાઈએ. દૂધ સાથે સાઇટ્રિ ક ઍસિડ હોય એવાં ફ્રૂટ્સ પણ નાખીને ખાઈએ. ફ્રૂટ સૅલડની તો આપણે વ્યાખ્યા જ બદલી નાખી છે. જેમ વેજ સૅલડ હોય એમ જ ફ્રૂટ સૅલડ હોય. અમુક ફ્રૂટ્સનું એ પ્લૅટર હોય પણ આપણે તો એમાં ક્રીમ અને દૂધ નાખીને બનાવીએ છીએ. ગુજરાત સિવાય આવું ફ્રૂટ સૅલડ મેં ક્યાંય નથી જોયું.
ફૂડ મોઢામાં જાય એ પછી એનો સ્વાદ આવે પણ એની પહેલાં સોડમ લેવાતી હોય છે. આ કોવિડ પિરિયડમાં જેને પણ કોવિડ થયો હતો અને જેણે સ્મેલ કરવાની શક્તિ ગુમાવી હતી એ બધાને સમજાઈ ગયું કે સોડમની તાકાત કેવી હોય છે. હું માનું છું કે ફૂડ એવું હોવું જોઈએ કે જેની સોડમ પહેલાં તમને આવવી જોઈએ. સોડમથી ભૂખ ઊઘડવી જોઈએ. એ પછી આવે ફૂડનું ડેકોરેશન. એ જોઈને ભૂખ બમણી થવી જોઈએ. એ પછી આવે વાત સ્વાદની, જે તમને તૃપ્ત કરવો જોઈએ.
મારી પર્સનલ વાત કહું તમને. હું બપોરે બે પછી લંચ નથી લેતો અને રાતે નવ પછી ડિનર નથી લેતો. રાતે ટીવી કે વેબ-સિરીઝ જોતાં ભૂખ લાગે તો બેક કરેલો નાસ્તો ખાવાનો અને કાં તો ડ્રાયફ્રૂટ્સ. ઘણી વાર ખાવાનું મન ન થાય તો હું બૉઇલ્ડ મગ કે બીજાં કઠોળ ખાઈ લેવાનું પસંદ કરું.
બૅડ મેકર
હા, યાર. મને ખાસ કશું બનાવતાં નથી આવડતું અને જ્યારે પણ બનાવ્યું છે ત્યારે મેં લોચાઓ જ માર્યા છે. પણ હા, ચાની બાબતમાં મારી સ્પેશ્યલિટી છે. હું કેસર ટી બનાવું છું. ચા મને પહેલેથી ભાવે. હું માનું છું કે ચા ગુજરાતીઓની ઓળખ છે. કોફા-બોફા મને ન ચાલે, ચા એટલે આપણી ગૅસ પર બનેલી ચા જ જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં અમુક ટી-પાર્લર એવાં છે જેના પોતાના આસામમાં ચાના બગીચાઓ છે અને પોતાની બ્લેન્ડની ચા ખાસ તૈયાર કરે છે. ઍનીવેઝ, મારી કેસર ટીની તમને વાત કરું. આ કેસર ટી માટે મને ઑફિશ્યલી કિચનમાં જવાની પરમિશન છે, બાકી મારી વાઇફ જલ્પા મને કિચનમાં ઘૂસવા ન દે. 
કેસર ટી માટે રેગ્યુલર ચા બનાવતા હોઈએ એમ જ એ બનાવવાની. પાણી, દૂધ, સાકર, ચાની પત્તી અને ચાનો મસાલો અને ફુદીનો નાખી ચા ઉકાળવાની. પણ આ ચા ઊકળતી હોય ત્યારે તમારે કેસરની ચારેક પત્તી એક જુદી વાડકીમાં લઈ એનું પાણી તૈયાર કરી લેવાનું. ચા તૈયાર થઈ જાય એટલે આ કેસરવાળું પાણી ચામાં ઉમેરવાનું અને પછી ચાને ગાળી લેવાની. કપમાં ચા લઈ લીધા પછી એની ઉપર એક કે બે કેસરની પત્તી અને નાનું અમસ્તું તુલસીનું પાન મૂકવાનું. તમારી ચાની સોડમ અને ટેસ્ટ બન્ને સાવ બદલાઈ જશે. તમે ટ્રાય કરજો, બહુ મજા આવશે.

 ગોલ્ડન વર્ડ્સ
જેટલી પ્રોસેસ ઓછી એટલું ફૂડ વધારે હેલ્ધી

 ચા ઊકળતી હોય ત્યારે કેસરની ચારેક પત્તી જુદી વાડકીમાં લઈ એનું પાણી તૈયાર કરી લેવાનું. ચા તૈયાર થઈ જાય એટલે આ કેસરવાળું પાણી ચામાં ઉમેરવાનું અને પછી ચાને ગાળી લેવાની.   
હેમાંગ દવે

Rashmin Shah columnists