બુદ્ધે પૂછ્યું તો તમે શું કહેશો?

30 May, 2021 12:23 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

સમગ્ર જીવસૃષ્ટિમાં માણસ જ એવું પ્રાણી છે જેને જીવન જેવું છે એવું જીવવાને બદલે જેવું નથી એવું જીવવાની આકાંક્ષા રહેતી હોય છે

પ્રતીકાત્મક તસવીર

વૈશાખી પૂર્ણિમા આપણા પંચાંગ પ્રમાણે ભગવાન તથાગત બુદ્ધનો જન્મદિવસ છે. બુદ્ધનો જન્મ વૈશાખી પૂર્ણિમાએ થયો અને રાજકુમાર સિદ્ધાર્થમાંથી બુદ્ધ બન્યા એ દિવસ પણ વૈશાખી પૂર્ણિમા જ છે. તેમનું નિર્વાણ ૮૦ વર્ષની ઉંમરે થયું એ દિવસે પણ વૈશાખી પૂર્ણિમા જ હતી. આવું ભાગ્યે જ બને છે.

બુદ્ધ અને આપણું આ જીવનયુદ્ધ

સમગ્ર જીવસૃષ્ટિમાં માણસ જ એવું પ્રાણી છે જેને જીવન જેવું છે એવું જીવવાને બદલે જેવું નથી એવું જીવવાની આકાંક્ષા રહેતી હોય છે. જીવનસૃષ્ટિમાં માણસ સિવાય કોઈ પ્રાણીને અનંત ઇચ્છાઓ કે અપાર આકાંક્ષાઓ હોતી નથી. એમની ઇચ્છાઓ દેહધર્મની પરિતૃપ્તિ પૂરતી જ મર્યાદિત હોય છે. માણસને પાર વિનાની આકાંક્ષાઓ હોવાને કારણે માણસ-માણસ વચ્ચે ઘર્ષણ અનિવાર્ય થઈ જાય છે. જો આ ઘર્ષણો પર કોઈક ચોક્કસ નિયંત્રણો લાદી ન શકાય તો માણસનું જીવતર પશુ કરતાંય બદતર થઈ જાય. નિયમો લાદવાની અથવા તો સ્વયં સ્વીકારવાની આ પ્રક્રિયા એટલે ધર્મ. ધર્મે માણસજાતને કેટલાક ચોક્કસ નિયમો આપ્યા છે જેનું અનુસરણ કરવાથી અપાર આકાંક્ષાઓ વચ્ચે પણ તેનું જીવન સંતુલિત રહે અને સમાજ પણ સુગ્રથિત રહે.

બન્યું છે એવું કે આવા સીધાસાદા અને સરળ નિયમોને સમયાંતરે આપણે સૌએ પોતપોતાનાં સંકુચિત હિતોની દૃષ્ટિએ કાં તો ગૂંચવી નાખ્યા અથવા તો વિકૃત સ્વરૂપે મરોડી નાખ્યા. આ પરિસ્થિતિમાં જે સરેરાશ માણસ છે તે ધર્મના આ ગૂંચવાડામાં ઝાઝું સમજતો નથી, નિયમાવલિઓના જંગલમાંથી તેને રસ્તો સૂઝતો નથી અને પ્રત્યેક ધર્મ કે સંપ્રદાયના મહંતો, મૌલવીઓ અને પાદરીઓ પોતપોતાની હાટડી ધમધોકાર ચાલે એની પેરવીમાં જ પડેલા હોય ત્યારે ધર્મ વીસરાઈ જાય છે અને માનવમનની શાંતિ પણ હણાઈ જાય છે.

કોડિયાનો પ્રકાશ પૂરતો છે

માણસ શાંતિ ઝંખે છે, સુખ ઝંખે છે, ઉચાટ અને વિશાલથી દૂર રહેવા માગે છે અને આ બધું મેળવવા માટે તે આ બધું જ્ઞાન રહેલું છે એનાથી વિપરીત દિશામાં જ દોડવા માંડે છે. આનું કારણ એ છે કે આ બધું મેળવી શકવાનાં જે તદ્દન સરળ માળખાં મૂળ ચિંતકોએ આપણને આપ્યાં હતાં એ જ્ઞાનના ભાર હેઠળ પંડિતોએ ગૂંચવી નાખ્યા છે. આકાશને માપવા માટે આખા આકાશમાં ઉડ્ડયન કરવાની જરૂર નથી. આખી જિંદગી ઉડ્ડયન કર્યા પછી પણ આકાશનું માપ હાથમાં આવવાનું નથી. માનવજાતના પહેલા આદિ ચિંતકોએ આ સમજી લીધું એટલે અહીં બેઠાં-બેઠાં જ આ માપ આપણને મળી જાય એવી માસ્ટર-કી આપણને આપી છે.

આ માસ્તર-કી એટલે તેમણે અંધકારમાં અટવાતા માણસ માટે એક ટૂંકી અને ટચ વાત કરી હતી. જો તારા હાથમાં ચાર ડગલાં ચાલી શકાય એટલો પ્રકાશ રેલાવી શકાતું કોડિયું હોય તો પછી તારે મૂંઝાવાની કોઈ જરૂર નથી. જેમ-જેમ તું એક એક ડગલું આગળ ચાલીશ એમ-એમ આ પ્રકાશ પણ તારા આગળનાં ચાર પગલાંના માર્ગને પ્રજ્વલિત કરતો રહેશે. તારા હાથમાં માત્ર એક કોડિયું હોવું જોઈએ.

તમે જાગતા રહેજો

એક વાર એક માણસે આવીને ભગવાન બુદ્ધને વંદન કરીને પછી પ્રાર્થના કરી:

‘હે ભગવાન, મને ઉપદેશ આપો.’

બૂદ્ધે કહ્યું, ‘તું જેકંઈ કાર્ય કરતો હો એ કાર્યને નિષ્ઠાપૂર્વક કરવાનું ચાલુ રાખજે અને જ્યારે એ કાર્ય કરતો હો ત્યારે જાગરૂકતા કેળવજે.’

પેલો માણસ સડક થઈ ગયો. એ ક્ષણે તો તે કાંઈ બોલ્યો નહીં, પણ પછી ધીમે-ધીમે તેણે કહ્યું, ‘એ શી રીતે બને, ભગવંત! હું તો ચોર છું. મારું કર્મ ચોરીનું છે.’

બુદ્ધે કહ્યું, ‘ભલે હોય. તું નિષ્ઠાપૂર્વક ચોરી કરજે અને જ્યારે ચોરી કરી રહ્યો હોય ત્યારે જાગરૂકતા કેળવજે.’

પેલો માણસ વધુ ગૂંચવાઈ ગયો. બે હાથ જોડીને નતમસ્તક બોલ્યો ઃ

‘ભગવાન આપનો ઉપદેશ થોડો વધુ વિગતે સમજાવશો? ચોરી જેવા કર્મમાં નિષ્ઠા અને જાગરૂકતા શી રીતે રહી શકે એ વિશે માર્ગદર્શન કરશો તો ઋણી થઈશ.’

‘વત્સ!’ બુદ્ધ બોલ્યા, ‘માણસને વર્તમાનમાં કયું કર્મ કરવું એ તેનાં પૂર્વજન્મનાં કર્મો પર આધારિત હોય છે. પૂર્વજન્મનાં કર્મોનાં ફળરૂપે તેને ચોક્કસ પરિસ્થિતિમાં મૂકે છે. આ પરિસ્થિતિમાં મુકાયા પછી જેકાંઈ કર્મ તેને ઉપલબ્ધ થયું હોય એ કર્મ પોતાની પૂરેપૂરી સમજદારી અને શક્તિ સાથે કરવું, એમાં ક્યાંય મનચોરી ન કરવી, અંચઈ ન કરવી અને પોતાની જાતને સમગ્રતયા એ ક્ષણે એ કર્મમાં આરોપી દેવી એનું નામ નિષ્ઠા છે. તું ગમે તે કર્મ કરતો હોય, પણ આ નિષ્ઠાનું જ અનુસરણ કરીશ તો સફળતા કે નિષ્ફળતા કશું તને સ્પર્શશે નહીં.’

 પેલા માણસના ગૂંચવાડાનો કોઈ પાર ન રહ્યો. ચૌર્યકર્મ કરતી વેળાએ તે સમગ્રતયા ધ્યાન તો રાખે જ છે કે તે પકડાઈ ન જાય. પકડાઈ જાય તો કેમ છટકવું એ વિશે પણ તે ધ્યાન આપે છે, પણ ભગવાન બુદ્ધ કહેતા હતા એ રીતે સફળતા કે નિષ્ફળતા તેને સ્પર્શે નહીં એવું તો ક્યારેય બનતું નથી. સફળતાનો તેને આનંદ છે અને નિષ્ફળતાનો તેને રંજ થાય છે. તેણે ફરી વાર પૂછ્યું,

‘ભગવાન! પણ આમાં જાગરૂકતા ક્યાં આવી? જાગરૂકતા એટલે શું?’

‘વાત બહુ સરળ છે’ બુદ્ધે કહ્યું, ‘ચોરી કરતી વખતે તારે હંમેશાં એ ધ્યાનમાં રાખવું જોઈશે કે તું શું કરી રહ્યો છે? જે માલમતા ઉઠાવી રહ્યો છે એના પર તારો કોઈ અધિકાર છે ખરો? આ વિચાર એ જાગરૂકતા.’

જેવા નથી એવા દેખાવું

આપણે રોજિંદા જીવનમાં બધું જ કામ સાચું કરીએ છીએ અને કશું જ ખોટું કરતા નથી એવું તો કોઈ કહી શકે એમ નથી. આપણે વહેવારમાં સત્યના પડખે રહેવા કરતાં સત્ય આપણા પડખે રહે એવું ઇચ્છતા હોઈએ છીએ. આપણે ગુજરાતી સાવ ખોટું કર્મ કર્યા છતાં ઇચ્છતા તો એવું જ હોઈએ છીએ કે આ કર્મ સાચું ગણાય. લોકો એને સાચા કર્મ તરીકે સ્વીકારે અથવા ઓછામાં ઓછા આવા કામ પાછળ જે અઘોરી તત્ત્વ કે અસત્ય રહેલું છે એની કોઈને જાણ ન થાય. આપણે આપણા વ્યવહાર માટે અને આપણી જાત માટે એક આદર્શ કલ્પના કરી રાખીએ છીએ. આપણે આ કલ્પના અનુસાર નથી એ આપણે જાણતા હોઈએ છીએ, પણ આવા હોઈએ તો કેવું સારું એવું આપણે ઇચ્છતા હોઈએ છીએ. પરિણામે જેવા છીએ એવા દેખાવા કરતાં જેવા નથી એવા દેખાવા પાછળ આપણો ઘણો ખરો શ્રમ ખર્ચાઈ જાય છે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)

columnists dinkar joshi