ડાયાબિટીઝવાળા પેશન્ટનું દેવસ્થાન એટલે નિધિ’સ શુગર-ફ્રી ચૉકલેટ

17 June, 2021 12:06 PM IST  |  Mumbai | Sanjay Goradia

ઘરઘરાઉ વરાઇટીની ડિમાન્ડ દિવસે-દિવસે વધતી જાય છે ત્યારે ચૉકલેટની આ અઢળક વરાઇટીઓનો આસ્વાદ કરવા જેવો છે

ડાયાબિટીઝવાળા પેશન્ટનું દેવસ્થાન એટલે નિધિ’સ શુગર-ફ્રી ચૉકલેટ

ઘરઘરાઉ વરાઇટીની ડિમાન્ડ દિવસે-દિવસે વધતી જાય છે ત્યારે ચૉકલેટની આ અઢળક વરાઇટીઓનો આસ્વાદ કરવા જેવો છે

ફૂડ-ડ્રાઇવમાં આપણે ગયા અઠવાડિયે કલા રામનાથનના સાઉથ ઇન્ડિયન ફૂડની વાત કરી. લોકોએ એને પણ ખૂબબધા ફોન કર્યા અને મને પણ એટલા જ ફોન આવ્યા. ઑથેન્ટિક સાઉથ ઇન્ડિયન ખાનારાઓને તો કલાબહેનના હાથની વરાઇટી ખાઈને જલસા પડી ગયા. કેટલાક મિત્રોએ એવા પણ મેસેજ કર્યા કે ઘરઘરાઉ બનતી હોય એવી વરાઇટી વિશે વાત વધારો અને મને થયું કે વાત સાચી પણ છે અને એ જ સાંજે એવી વરાઇટી મળી પણ ગઈ. નિધિની ચૉકલેટ
નિધિ આમ તો મારી ભત્રીજી થાય, પણ તેણે મારી ભત્રીજી હોવાનો ગેરલાભ લીધો નથી કે પછી મેં તેને કાકા હોવાનો ડિસઍડ્વાન્ટેજ લેવા દીધો નથી. સ્વાદમાં દમ ન હોય તો હું મારી સગી માની રોટલીનાં પણ તેનાં મોઢે વખાણ કરું નહીં. આ મારો સ્વભાવ રહ્યો છે અને મારો એ પણ સ્વભાવ છે કે જો વાત કે વસ્તુ સારી હોય તો મારા વિરોધીનાં પણ ભરપેટ વખાણ કરું. 
નિધિના હાથમાં દમ છે અને તે જે ચૉકલેટ બનાવે છે એમાં પણ એટલો જ દમ છે. બન્યું એવું કે નિધિએ મને તેણે બનાવેલી શુગર-ફ્રી ચૉકલેટ મોકલી. હું રહ્યો મીઠડો માણસ એટલે કે ડાયાબિટીઝવાળો. શુગર-ફ્રીની ખબર પડી એટલે મને થયું કે આ ચૉકલેટ તો મારે ખવાય. મેં ચાખી. સાહેબ, લગીરે ખબર ન પડે કે એ શુગર-ફ્રી ચૉકલેટ છે. શુગર-ફ્રી વરાઇટીમાં બે પ્રકારની ચૉકલેટ હતી. પ્લેઇન અને રોસ્ટેડ આમન્ડ. બન્નેનો સ્વાદ અદ્ભુત એટલે મેં તેને બિરદાવવા ફોન કર્યો તો મને ખબર પડી કે તે તો ઘણા વખતથી ચૉકલેટ ઘરે બનાવે છે, પણ આ શુગર-ફ્રી ચૉકલેટ નવી-નવી શરૂ કરી છે. 
મેં તેની પાસે ચૉકલેટનું લિસ્ટ માગ્યું અને સાહેબ, લિસ્ટ જોઈને હું તો આભો થઈ ગયો. કેટલા પ્રકારની ચૉકલેટ! કલ્પના પણ ન કરી હોય એવી વરાઇટી. પ્લેઇન ડાર્ક ચૉકલેટ, ડાર્ક ચૉકલેટ વિથ ડ્રાયફ્રૂટ્સ, માર્કેટમાં મળે છે ડિટ્ટો એવી પ્લેઇન કૅડબરી, કૅડબરી ચૉકલેટ વિથ નટ્સ. વાઇટ ચૉકલેટ વિથ ક્રેનબેરી, ઑરેન્જ ડાર્ક ચૉકલેટ, ઑરેન્જ વિથ નટ્સ, વાઇટ ચૉકલેટ વિથ પાઇનૅપલ, મૅન્ગો ચૉકલેટ વિથ નટ્સ, સ્ટ્રૉબેરી વિથ નટ્સ, સ્ટ્રૉબેરી વાઇટ ચૉકલેટ અને બીજી એવી અઢળક ચૉકલેટ. ચૉકલેટ સિવાય નિધિ ચૉકલેટ બિસ્કિટ્સ પણ બનાવે છે. કહો કે તેને ચૉકલેટમાં માસ્ટરી આવી ગઈ છે અને સુપરમાસ્ટરી આ શુગર-ફ્રી ચૉકલેટમાં. જો કહેવામાં ન આવ્યું હોય તો ખબર પણ ન પડે કે એ ખાંડ વિનાની ચૉકલેટ છે. શુગર-ફ્રી રોસ્ટેડ આમન્ડમાં આમન્ડને પહેલાં શેકી નાખવામાં આવે છે, જેને લીધે ચૉકલેટ આમન્ડની રગમાંથી અંદર ન જાય અને બદામનો સ્વાદ પણ અકબંધ જળવાયેલો રહે.
મારા જેવા મીઠડા લોકોને શુગર-ફ્રી અને જેનામાં શુગરનો અતિરેક નથી થયો એવા નૉર્મલ લોકોને બીજી બધી ચૉકલેટ ટેસ્ટ કરવી હોય તો તેમણે ઇન્સ્ટાગ્રામ પર જવું પડશે. ઇન્સ્ટાગ્રામ પર આ ચૉકલેટનું ઍડ્રેસ છેઃ instagram.com/just_on_the_plate/

 

columnists Sanjay Goradia