✕

આ વર્ષે કંઈક છોડીને કંઈક પામવાનો આઇડિયા અજમાવવો છે?

12 November, 2026 03:30 PM IST  |  Mumbai | Jayesh Chitalia

બીજું કામ સોશ્યલ મીડિયાનો સંગ ઘટાડવાનું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ઍક્સ, યુટ્યુબ, સહિતનાં જેટલાં પણ સોશ્યલ મીડિયાનાં માધ્યમ છે એનો ઉપયોગ ઘટાડવાના ભરપૂર લાભ છે; એમ છતાં આમાંથી કયા માધ્યમને કેટલો સમય આપવો એ આપણે જ નક્કી કરવાનું રહેશે.

પ્રતીકાત્મક તસવીર

નવા વર્ષે કંઈક પામવા માટે નવા સંકલ્પો કરીએ, નવી ઇચ્છાઓ કરીએ, નવાં લક્ષ્યો ઘડીએ, એ કાયમનું રહ્યું છે; પરંતુ નવા વર્ષે કશુંક ગુમાવવાનું વિચાર્યું છે ખરું? આ નવા વર્ષથી મારે આ વસ્તુઓ કે બાબતો ગુમાવી દેવી છે એવો ખ્યાલ સુધ્ધાં આવ્યો છે ખરો? મજાની વાત એ છે કે કેટલીક બાબતો એવી હોય છે જે છોડવામાં પણ અંતે તો પામવાનું જ આવે છે. નબળું છોડીને સબળું પામવાની આ વાત અજમાવશો તો પુરાવા મળી જશે. એક સ્પષ્ટતા કરી દઈએ., વેરી ફ્રૅન્કલી, આ સંપૂર્ણપણે છોડવાની સંભાવના નહીંવત્ લાગે છે એટલે સાવ છોડવાને બદલે એનો ઉપયોગ ઘટાડવાની વાત કરીએ, જેના પણ અઢળક લાભ છે. ચાલો, છોડવાનું શું છે એની ઝલક જોઈએ.

છોડી નહીં શકાય, ઘટાડી શકાય

પહેલું અઘરું કામ મોબાઇલનો ઉપયોગ ઘટાડવાનું છે. આપણે જ નક્કી કરીએ કેટલો સમય એને બાજુએ મૂકવાનો છે, સાથે ને સાથે રાખવાનો છે અને સાવ દૂર કરવાનો છે. એનું સાઇલન્સ અને ઑફ બટન આપણે નક્કી કરવાનું રહેશે. મોબાઇલને એમ નક્કી કરવાનો અધિકાર આપી નહીં શકાય. બીજું કામ સોશ્યલ મીડિયાનો સંગ ઘટાડવાનું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ઍક્સ, યુટ્યુબ, સહિતનાં જેટલાં પણ સોશ્યલ મીડિયાનાં માધ્યમ છે એનો ઉપયોગ ઘટાડવાના ભરપૂર લાભ છે; એમ છતાં આમાંથી કયા માધ્યમને કેટલો સમય આપવો એ આપણે જ નક્કી કરવાનું રહેશે. આમ કરતી વખતે જાતને પૂછવાનું ખરું કે શું મારા માટે કેટલું જરૂરી છે અને શા માટે જરૂરી છે?

સોશ્યલ સર્વિસ થઈ શકે

જોકે મોબાઇલ દૂર હશે ત્યાં સુધી આ મીડિયા દૂર થઈ શકે, પરંતુ એ સમયે લૅપટૉપ અથવા આઇપૅડનો વિકલ્પ લઈ લેવાનો નહીં. આપણને એક બહુ જ ખરાબ આદત મેસેજિસ ફૉર્વર્ડ કરવાની અને એને વાઇરલ કરવાની પડી ગઈ છે. આ માત્ર આદત જ નહીં, ઍડિક્શન જ બની ગઈ છે. એને છોડવાથી જાતને, મિત્રો, પરિચિતો અને સગાં-સંબંધીઓને પણ લાભ થશે. આમ આ ત્યાગ એક સોશ્યલ સર્વિસ પણ બની જશે, કેમ કે આપણા આડેધડ ફૉર્વર્ડ કરાતા મેસેજિસ કેટલાય લોકો માટે ત્રાસ, ન્યુસન્સ, કંટાળો, બોજ બની જતા હોય છે એ આપણે જાણતા નથી. એટલે સાવ અભાન અવસ્થામાં આ મેન્ટલ મેકૅનિઝમ ચાલતું જ રહે છે. અલબત્ત, આપણે પોતે પણ આવા આક્રમણનો ભોગ બનતા જ હોઈશું.

માનસિક રોગ

છેલ્લાં અમુક વર્ષોમાં આપણે સતત ઇન્ફ્લુઅન્સર્સના દબાણ અને પ્રભાવ હેઠળ પણ આવી ગયા છીએ, જેમની બુદ્ધિશકિત આપણી બુદ્ધિને તેલ લેવા મોકલી આપે છે અને આપણે કોઈ પણ ઇન્ફ્લુઅન્સ હેઠળ દોરવાતા જઈએ છીએ. આમાં આપણે જાતને અને સમાજને પણ જાણ્યે-અજાણ્યે નુકસાન પહોંચાડીએ છીએ. સમજ્યા-વિચાર્યા વિના કોઈની પણ આંધળી ટીકા યા આંધળો વિરોધ કે પછી આંધળી ભક્તિ કરવી એ આપણો માનસિક રોગ થઈ ગયો છે અને આ ચેપી રોગ કોરોના કરતાં પણ બદતર હોય છે. આમાં માણસો અને રાજકારણીઓ તો ઠીક; કથિત ધર્મગુરુઓ, સ્વામીઓ, બાવાઓ, મહારાજો અને કથિત ધર્મસ્થાનકો, ધર્મો અને કેટલાક બની બેઠેલા ભગવાનો પણ આવી જાય છે.

રીલનું પાગલપન

યસ, રીલ તો આપણું હાલનું સૌથી મોટું ગાંડપણ છે. પોતાની રીલ બનાવવી, ફરતી કરવી, બીજાની રીલ જોવી, ફૉલો કરવી એ એવી ખતરનાક બીમારી બની ગઈ છે કે એક વિશાળ સમુદાય આની જાળમાં અટવાઈ ગયો છે. રીલ જોતાં-જોતાં સમય ક્યાં ચાલ્યો જાય છે એ ભાન ન રહે એવી દશાને શું કહેવી? આવું તો ઘણું બધું છે, જેને છોડવા અથવા ઘટાડવાની આવશ્યકતા સમયની જરૂરિયાત છે. જ્યાં પણ જઈએ ત્યાં ફોટો પાડવા, સેલ્ફી લેવો અને પછી એને પોસ્ટ કરતા રહેવું... શું આ છોડવું સંભવ છે? ટ્રાય કરવા જેવું ખરું.

છોડવાના લાભ શું છે?

હવે તમને થશે કે આ છોડવાના કે ઘટાડવાના લાભ તો કહો. લાભ શું? કેટલો? કોને? આના લાભ ઘણા છે અને અમૂલ્ય છે. સૌથી પહેલાં તો આપણા સમયની બચત. મોબાઇલ અને સોશ્યલ મીડિયાને વળગી રહીને આપણે વાસ્તવમાં કંઈ પામતા નથી, પરંતુ એ છોડીને આપણે સમયને પામીએ છીએ. એ સમયમાં આપણે ઘણું સર્જનાત્મક કાર્ય કરી શકીએ. આપણે આ બધાં સાધન-સુવિધાને આધારે જે ટાઇમપાસ કરીએ છીએ એ ખરેખર તો ટાઇમ-વેસ્ટ હોય છે. જોકે આનું ભાન આપણને કાં તો થતું નથી અથવા થવામાં બહુ મોડું થઈ જાય છે. આપણે અત્યાર સુધી આ સાધનોનો મહત્તમ ઉપયોગ કર્યો છે તો પૂછો પોતાને જ, ખરેખર અને નક્કર શું પામ્યા? અને શું ગુમાવ્યું? માનો કે ન માનો, નિખાલસ જવાબ આપીશું તો અમુક મર્યાદિત હદ સુધી મનોરંજન (ઠેકાણાં વગરનું) અને કમ્યુનિકેશન હશે, બાકી બધું નિરર્થક લાગશે.

ગંભીર નુકસાનને સમજો

આ સુવિધાના ગંભીર નુકસાનને સમજીશું તો આ જણાશે કે આદતોને લીધે આપણે પરિવારની નિકટતા ખોઈએ છીએ. પરિવારમાં સૌએ પોતાની મોબાઇલની જુદી દુનિયા બનાવી દીધી છે. એક ઘરમાં બધા સાથે રહેવા છતાં સાથે હોતા નથી, કારણ કે તેઓ દરેક પોતાના મોબાઇલ સાથે અને સોશ્યલ મીડિયા સાથે છે. આખા ગામની અને દુનિયાની પંચાતમાં લાગેલા છે. એટલું જ નહીં, આના અતિરેકમાં તો સંબંધો પણ વિખેરાતા અથવા કૃત્રિમ બનતા જાય છે. અનેક લોકો માનસિક રોગોના શિકાર થતા ગયા છે. આની એક ગંભીર અસર બાળકો પર પણ થઈ રહી છે, જેનો અહેસાસ હજી સૌ સુધી પહોંચ્યો છે કે કેમ એ સવાલ છે. મન તો જન્મથી કે કુદરતી રચના સ્વરૂપે ચંચળ હોય છે, જેના પર જીત કે અંકુશ મેળવવામાં જન્મો લાગી જાય છે; પરંતુ આ મોબાઇલ તો કુદરતી કે ઈશ્વરનું સર્જન પણ નથી, છતાં એણે આપણા મનને કબજે કરી લીધું છે. મોબાઇલે આપણને ગુલામ બનાવી દીધા છે. એક મચ્છર જ નહીં, એક મોબાઇલ આદમી કો ક્યા બના દેતા હૈ... આ સવાલનો જવાબ બહાર નહીં મળે, આપણી ભીતર જ છે... ભીતર જઈશું તો જ મળશે. મોબાઇલ આપણને ભીતર જવા દેશે? આપને શું લાગે છે? નક્કી મોબાઇલે નહીં, આપણે કરવાનું છે.

- જયેશ ચિતલિયા 

social media facebook instagram mental health new year lifestyle news life and style columnists