બ્રેક કે બાદની નવી ઇનિંગ્સમાં...હવે વધુ સજ્જ અને સક્ષમ થઈને ઊતરવાનું છે

26 May, 2020 10:15 PM IST  |  Mumbai | Taru Kajaria

બ્રેક કે બાદની નવી ઇનિંગ્સમાં...હવે વધુ સજ્જ અને સક્ષમ થઈને ઊતરવાનું છે

તમે એક વાત માર્ક કરી હશે. છેલ્લા અઢી મહિનામાં અને ખાસ કરીને લૉકડાઉન પછીના ગાળામાં ચોક્કસ સમયાંતરે અમુક પ્રકારના વિડિયોઝ વાઇરલ થઈ રહ્યા છે. પહેલાં કોરોનાના ઉદ્ગમસ્થાન વુહાનના, પછી દુનિયાના જુદા-જુદા દેશોના કોરોના વિક્ટિમ્સના, તબીબો અને નર્સિંગ સ્ટાફના, વુહાનથી પાછી ફરી રહેલી સારવાર ટીમના, લૅબોરેટરીમાં સંશોધનમાં વ્યસ્ત વૈજ્ઞાનિકોના, દુનિયાભરના લોકોના કોવિડ-19 સામેના જંગના અને કોવિડ-19 સાથેના જીવનના પાર વગરના વિડિયોઝ દરેકના વૉટ્સઍપમાં ફરતા થયા. ભારતની વાત કરીએ તો આપણે ત્યાં તો આ મહામારીને નાથવામાં લાગેલા અને એને ફેલાવવામાં લાગી પડેલા બન્નેના વિડિયોઝ વાઇરલ થયા. ભારત જેવા દેશને આ મહામારી બીજી પણ કેટલી બધી રીતે ઘાયલ કરતી રહી છે એના બોલતા પુરાવા જેવા પગપાળા માદરે વતન જવા નીકળી પડેલા લાચાર મજૂરોના, પત્રકારો કે તસવીરકારો પર તૂટી પડતા મજૂરોના, આ બધા વચ્ચે કેટલાક સામાજિક કાર્યકરોની મૂક સેવાના... આવા અગણિત વિડિયોઝ આપણે જોયા.

અને હવે છેલ્લા થોડા સમયથી આ મહામારી એક રાજકીય અને આર્થિક ષડયંત્ર છે  એવી વાત કરતા જાતજાતના વિડિયોઝ વહેતા થયા છે. આ મહામારી માટે એકમેકને જવાબદાર ઠેરવતા ચીન અને અમેરિકાના આરોપો અને પ્રત્યારોપો બાદ હવે ફરતા થયેલા વિડિયોઝકહે છે કે ‘આ કોરોના એક તૂત માત્ર છે. એનાથી ડરીને આમ કંઈ બે-બે મહિના સુધી ઘરમાં પુરાઈ જવાનું તો સાવ મૂર્ખાઈભર્યું પગલું હતું! કોરોના વાઇરસ કંઈ એવો મહા જોખમી નથી. એ તો અમુક રાષ્ટ્રો અને કેટલીક મલ્ટિનૅશનલ ફાર્મા કંપનીઓનો કારસો છે. એ બધાંયે ભેગા મળીને પહેલાં દુનિયામાં કોરોનાનો હાઉ ઊભો કર્યો અને હવે એની વૅક્સિન વિકસાવી હોવાના દાવા કરે છે. તેમની નીયત એકમાત્ર  ધંધાકીય  છે. હકીકતમાં કોરોના એટલે બીજું કંઈ નહીં પણ દુનિયાભરને તેમની દવાઓ અને વૅક્સિન ખરીદવા મજબૂર કરવાનું કાવતરું! દુનિયામાં પોતાનો વેપલો વધારવાની પેરવી કરી રહેલી આ કંપનીઓ અને તેમના દેશની સરકારોની આ ચાલમાં ભારત સહિત અનેક દેશો ફસાઈ ગયા છે!’

                                               

આ બધા દાવાઓ અને પ્રતિદાવાઓ જોઈને સામાન્ય માણસ બિચારો કેટલો કન્ફ્યુઝ થઈ જાય! એક તો બે-બે મહિનાથી વેપાર-ધંધા કે નોકરીનાં ઠેકાણાં નથી. અનેક પરિવારોની આવક લગભગ બંધ છે. કેટલાક નસીબદારોને ઘરેથી કામ કરવાનો વિકલ્પ મળ્યો છે અને તેમને પગાર મળે છે, પણ આ સુખદ અપવાદો  છે. આ સંજોગોમાં હવે ઘરની સલામતીમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે. કામે ચડવાનું છે એવા ફિલર્સ આવવા શરૂ થઈ ગયા છે ત્યારે ચોર-લૂંટારુઓના વિડિયોઝ વાઇરલ થઈ રહ્યા છે. રસ્તા પર જતા એકલદોકલ માણસ પર હુમલો કરીને તેને લૂંટી લેતા બદમાશોના કે સોસાયટીમાં કોરોનાનો દરદી છે તેને લેવા આવ્યા છીએ એવું બહાનું બનાવીને ત્રાટકતા માસ્ક પહેરેલા પાંચ-છ બહુરૂપિયાઓના વિડિયોઝ સરેરાશ માનવીને ચોક્કસ ટેન્શનમાં નાખી દે એવા છે. અને આ બધા વચ્ચે તેમને કહેવામાં આવે કે તમે કારણ વગર બે મહિના માટે કામધંધા બંધ રાખીને ઘરમાં ગોંધાઈ રહ્યા તો તેમને કેવો આંચકો લાગે? ત્યાં વળી કોઈ બીજી ક્લિપમાં એકાદ વક્તા ખુલાસો કરે કે ઉપરના દાવાઓ તો રાજકીય હરીફો દ્વારા ફેલાવાઈ રહ્યા છે. તેમણે જે નિષ્ણાતોના અભિપ્રાયો ટાંક્યા છે એ બધા જ અમુક-તમુક રાજકીય પક્ષના મળતિયા છે!

ખરેખર, આ સમય આપણા સૌ માટે અત્યંત કપરો પિરિયડ છે. સોશ્યલ મીડિયા અને ઇલેક્ટ્રિક પ્રસાર માધ્યમો દ્વારા બેશુમાર વિધાનો અને દાવાઓ થઈ રહ્યાં છે. રાજકીય પક્ષો અને સરકારના દાવાઓ પણ એક અહીં તો બીજો તહીં જેવા ઉત્તર-દક્ષિણ જેવા છે. આ માહોલમાં પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાનું માણસ માટે ખૂબ-ખૂબ મહત્ત્વનું બન્યું છે. કહી શકાય કે અગાઉ કદાચ ક્યારેય જરૂર ન પડી હોય એટલી અનિવાર્યતા આજે વિવેક કે ડિસ્ક્રિશનનો ઉપયોગ કરવાની પડી છે અને પડશે. આ બધા વિડિયોઝમાં થઈ રહેલા દાવામાં કેટલી સચ્ચાઈ હોઈ શકે અને કેટલી બનાવટ એની ચકાસણી પોતાની વિવેકબુદ્ધિને વાપરીને દરેકે કરવાની રહેશે. એ માટે કયો દાવો કોણ કરે છે એ જાણવું પડે અને તે શા માટે એ કરતો હોઈ શકે એનાં કારણો પણ શોધવાં પડે. આ કસરત કરવા માંડીએ તો થોડું-થોડું સમજાવા લાગે. આમ તો મીડિયામાં આવતા સમાચારો અંગે પણ આપણે આ કવાયત કરતા જ આવ્યા છીએ, પરંતુ હાલ સોશ્યલ મીડિયાને કારણે આવા કહેવાતા સમાચારોનો રાફડો ફાટ્યો છે. એક જ ઘટના આપણી સમક્ષ તદ્દન જુદા-જુદા સ્વરૂપે આલેખાય છે. એ રજૂઆત પાછળ એના રજૂઆતકર્તાની માનસિકતા, તેનો અભિગમ અને હેતુ હોવાના. એ રજૂઆતને એ બધી ચાળણીમાંથી ચાળીને જોઈએ તો હકીકતના અંકોડા મળી શકે. આમ આજે ચારે બાજુથી પિસાયેલા સરેરાશ માનવીને માથે આ એક બહુ મોટી અને વધારાની જવાબદારી આવી પડી છે. આ માટે તેણે લાગણીઓને નિયંત્રણમાં રાખીને પ્રૅક્ટિકલ બનવું પડશે. પોતાની સામે આવતા માહિતીના ઢગલાને તર્ક અને બુદ્ધિની ચાળણીથી ચાળીને જાણકારીમાંથી વીળામણ ફેંકી માત્ર અને માત્ર હકીકતોને નોખી પાડવી પડશે. અને એમાંથીયે પોતાને ઉપયોગી હોય એટલું જ ગાંઠે બાંધી ફરી કામે લાગવું પડશે. નવી અને બદલાયેલી પરિસ્થિતિને નૉર્મલ તરીકે સ્વીકારી અને એને અનુરૂપ થવું પડશે. ‘પહેલાં તો આમ હતું ને આમ જીવતા’ જેવી સરખામણીના જાળામાં અટવાવાનું નથી. વીતેલા મહિનાઓમાં થયેલા અનુભવો અને મનોમંથન પણ ઘણાં કામ લાગશે. શારીરિક અને માનસિક બન્ને રીતે વધુ સજ્જ અને વધુ સક્ષમ થઈને આ બ્રેક કે બાદની ઇનિંગ્સમાં ઊતરવાનું છે. ઑલ ધ બેસ્ટ!

columnists taru kajaria