ઘીની ક્યારેય ‘ના’ નહીં અને તેલની ક્યારેય ‘હા’ નહીં

06 December, 2021 05:21 PM IST  |  Mumbai | Rashmin Shah

‘નાગિન-ભાગ્ય કે ઝહરીલે ખેલ’, ‘મૅડમ સર’, ‘લાલ ઇશ્ક’ અને અત્યારે ‘ઘર એક મંદિર-કૃપા અગ્રસેન મહારાજ કી’ જેવી સિરિયલના સ્ટાર અંકિત બાથલાનો આ નિયમ છે અને એને કારણે તે ઘીનો ખૂબ ઉપયોગ કરે છે અને તળેલી કોઈ વરાઇટીને હાથ પણ નથી લગાડતો

ઘીની ક્યારેય ‘ના’ નહીં અને તેલની ક્યારેય ‘હા’ નહીં

ફિટનેસની વાત આવે ત્યારે મને પહેલું કહેવાનું યાદ આવે કે ઘી ખાજો. એટલા માટે હું આ વાત તમને કહું છું કે મોટા ભાગના ટ્રેઇનર કે પછી ડાયટ-પ્લાનર પહેલું કામ એ કરે છે કે ફિટનેસના નામે ઘી ખાવાનું બંધ કરાવી દે અને એમાં હવે તો પાછું વીગન-ડાયટ આવી છે. એમાં તો દૂધની કોઈ પણ વરાઇટી નહીં ખાવાની. પણ હું એમાં નથી બિલીવ કરતો. યાદ હોય તો આપણાં દાદા-દાદી કહેતાં કે ઉધારી કરીને પણ ઘી ખાવું જોઈએ. 
ઉધારી કરવાની નહીં, ઘી ખાવાનું; કારણ કે ઘી હેલ્થ માટે બહુ સારું છે અને અત્યારની આપણી જે વિન્ટર સીઝન છે એમાં તો ઘી ખાવું જ જોઈએ. ઘી ખાવાથી ફૅટ વધે અને વેઇટ ગેઇન થાય એ વાત બિલુકલ સાચી નથી. ઘી બૉડી માટે જરૂરી છે અને હું તો બધાને કહેતો હોઉં છું કે હેલ્ધી રહેવું હોય તો માર્કેટમાં મળતા પેલા ડાયટ બટર કરતાં ઘી ખાવાનું રાખજો. ઘી ખાવાના ઘણા ફાયદા છે. ફીમેલને ડિલિવરી પછી શું કામ મૅક્સિમમ ઘી આપવામાં આવે છે? તાકાત અને એનર્જી માટે. ઍનીવેઝ, હવે વાત કરીએ ફિટનેસ.
મારે મન ફિટનેસ એટલે વાઇબ્રન્સી અને એનર્જી. જો એ તમારામાં ન હોય તો તમે ગમેતેટલાં ફિટ હો તો પણ કશું વળવાનું નથી. ફિટનેસ તમારા ચહેરા પર ચમક આપે છે, એવી ચમક કે જે જોઈને સામેની વ્યક્તિમાં પણ એનર્જી આવી જાય. ફિટેનસ માટે લોકો પ્લાનિંગ કરતા ફરે છે પણ હું કહીશ કે એની કોઈ જરૂર નથી, પણ બેસ્ટ છે કે તમે તમારા શેડ્યુલમાં એને ઉમેરો અને એનું ચુસ્તપણે પાલન કરો. 
બસ, પિસ્તાલીસ મિનિટ
દરેક વ્યક્તિએ એક વાત સમજવી જોઈએ કે જે બૉડી પાસેથી આપણે ચોવીસ કલાક કામ લઈએ છીએ એ બૉડીને આપણે ઍટ લીસ્ટ પોણો કલાક તો આપવો જોઈએ. નિરાંતે પૂછવું જોઈએ એને કે તને ક્યાં તકલીફ પડે છે. આ પૂછવાનું કામ વર્કઆઉટ દરમ્યાન થશે. 
તમે જિમમાં જઈને વર્કઆઉટ કરો એ જરા પણ જરૂરી નથી. તમે તમારા ઘરમાં, ગાર્ડનમાં, બાલ્કનીમાં કે પછી ક્યાંય પણ વર્કઆઉટ કરી શકો છો. વર્કઆઉટ માટે  હું વહેલી સવારે વૉક કે જૉગ માટે જાઉં છું. રેગ્યુલરલી પાંચ કિલોમીટરનું ફાસ્ટ વૉક કે જૉગિંગ કરીને હું મને ગમતી કોઈ પણ ફિઝિકલ ઍક્ટિવિટી કરું. મને ગમતી ઍક્ટિવિટીમાં સ્કિપિંગ, સ્વિમિંગ, સાઇક્લિંગ, યોગ આવે. યોગ ઘરમાં થઈ શકે પણ હું તો એ પણ બહાર ગાર્ડનમાં જ પ્રિફર કરું છું. સવારના સમયે જો તમે ખુલ્લી હવામાં હો તો એની પણ તમારી એનર્જી પર બહુ પૉઝિટિવ અસર પડે છે.
માત્ર જિમનું વર્કઆઉટ આવે તો હું કંટાળું છું એટલે ઇન્ટેન્સ વર્કઆઉટમાં હું ચેન્જ લાવ્યા કરું છું. અત્યારે હું તબાટા નામની ઇન્ટેન્સ ઍક્ટિવિટી કરું છું, જેમાં આખી બૉડીનું વર્કઆઉટ થાય છે. તબાટા કોર બૉડી અને સ્ટ્રેંગ્થ માટેનું વર્કઆઉટ છે. તમે ગૂગલ કરશો તો તમને એના વિશે વધારે ખબર પડશે પણ હું કહીશ કે સીધી આવી ટ્રેઇનિંગ ચાલુ કરવી નહીં.
મારી ઍડ્વાઇઝ છે કે મિનિમમ પિસ્તાલીસ મિનિટ તમે બૉડીને ફાળવો. તમે અને તમારી જાત, આ બે સિવાય એમાં બીજું કશું ન હોવું જોઈએ. મોબાઇલ પણ સાથે નહીં રાખવાનો. બીજું કંઈ નહીં તો ગાર્ડનમાં જઈને પ્રાણાયામ કરો. એક વાર રોજ સવારની આ આદત ડેવલપ કરશો તો પણ તમને તમારામાં પૉઝિટિવ ચેન્જ દેખાશે.
ફૂડમાં સાવચેત 
ખાવામાં કન્ટ્રોલ રાખવાનો અને સાવચેત પણ રહેવાનું. જે ખાવાનું મન થાય એ હાથમાં લઈને સૌથી પહેલાં તો જાતને પૂછજો કે એના વિના ચાલે એમ છે કે નહીં. ડાયટ કન્ટ્રોલ બહુ અગત્યનો છે. એ તૂટશે તો હેલ્થને લગતા કેટલાય પ્રશ્નો આવશે. મને જે સમજાયું છે એ કહું તો ડેઇલી બે વાર સીઝનલ ફ્રૂટ અને મૅક્સિમમ પાણી પીવાનું રાખવું એ બેસ્ટ ડાયટ ઍડ્વાઇઝ છે.
આપણી વાતની શરૂઆતમાં જ તમને મેં ઘીની વાત કરી. મારા ફૂડમાં ઘી હોય છે. હું અવૉઇડ કરવામાં માનતો નથી પણ જે જરૂરી છે એ જ. હું રોટલી પણ ખાઉં અને રાઇસ પણ ખાઉં. અત્યારે મારું શૂટ રાજસ્થાન ચાલે છે તો હું દાલ-બાટી પણ ખાઉં છું અને એ પણ ટિપિકલ રીતે, બહુ બધું ઘી નાખીને. ઘીનું ઇન્ટેક મારું વધારે છે તો એની સામે હું ઑઇલ ઓછામાં ઓછું ખાવાનું રાખું છું. ડીપ ફ્રાઇડ આઇટમ્સ હું ખાતો જ નથી. તળેલી વાનગીઓ હેલ્ધી હોતી નથી. સ્વાદ માટે બેસ્ટ પણ હેલ્થમાં ઝીરો. તમે જુઓ, દરેક ચાટ તેલમાં જ બને, ફરસાણ તેલમાં જ બને; પણ એ તમને કશું આપે નહીં. તેલ સીધું ફૅટમાં કન્વર્ટ થાય જે લાંબા ગાળે બહુ નુકસાન કરે છે. 
સ્વીટ્સ મારી ફેવરિટ છે પણ હું એમાં એક નિયમ રાખું. સિંગલ પીસ લેવાનો અને એના દસ ટુકડા કરીને એ ખાવાના. એવું પણ લાગે કે બહુ ક્વૉન્ટિટી મળી અને કન્ટ્રોલ પણ રહે.

columnists Rashmin Shah