બનો તમે પણ એક દિવસના યસ મૅન

17 January, 2021 02:08 PM IST  |  Mumbai | Bhavya Gandhi

બનો તમે પણ એક દિવસના યસ મૅન

યસ મૅન: આ બુક પહેલાં વાંચી અને એ પછી મેં ફિલ્મ જોઈ અને એ બન્ને કરી લીધા પછી મેં મારી ડિક્શનેરીમાંથી ‘ના’ શબ્દ કાઢી નાખવાની હિંમત કરી.

યસ મૅન.

જિમ કૅરી ફિલ્મનો હીરો છે. આમ પણ મને એ હીરો બહુ ગમે. તેનું કૉમિક ટાઇમ‌િંગ આપણા ગોવિંદા જેવું જ છે. એક્સપ્રેશન પણ એવાં આપે કે તમે કલ્પના પણ ન કરી હોય. સીનમાં કોઈ કૉ‌મેડી ન હોય તો પણ એ તમને હસાવી દે. હસાવી પણ દે અને તમને સમજાવી પણ દે કે તમારે લાઇફને કેવી રીતે જોવાની છે. જિમ કૅરીની ‘માસ્ક’ નામની એક ફિલ્મ આવી હતી, એ ફિલ્મ પણ તમે જોજો, પણ એ પહેલાં તમારે આ ફિલ્મ જોવાની છે, ‘યસ મૅન.’

આપણે ત્યાં આવા સિમિલર ટાઇટલની ફિલ્મ ‘યસ બૉસ’ આવી હતી, પણ શાહરુખ ખાનની એ ફિલ્મ કરતાં ‘યસ મૅન’ ક્યાંય જુદી અને સુપર્બ ફિલ્મ છે. જિમ કૅરીએ ખૂબ સરસ કામ કર્યું છે ફિલ્મમાં. ફિલ્મની વાર્તા મને ખૂબ ગમે છે. અદ્ભુત વિચાર છે આ ફિલ્મમાં. નામ મુજબ ફિલ્મમાં બધી વાતમાં ‘હા’ જ કહેવાનું છે. ફિલ્મનો હીરો કાર્લ ઍલન જૉબ કરે છે. બૅન્કમાં લાખ રૂપિયા પાસ કરવાની જવાબદારી તેના પર છે. બૅન્કમાં અનેક ઑફિસર હોય જે લોન અપ્રૂવ કરતા હોય. કાર્લ સાથે બીજા ઑફિસર છે જ, પણ બને છે એવું કે બીજા ઑફિસર મહિને ૫૦ લોન પાસ કરે, પણ જિમ મહિને ૫૦૦ લોન પાસ કરે. કોઈને ના પાડવાની જ નહીં. બસ, હા અને હા સિવાય બીજું કંઈ બોલવાનું-કહેવાનું નહીં. જેકોઈ કાર્લ પાસે લોન માટે જાય એ બધાની લોન કાર્લ એકઝાટકે અપ્રૂવ કરી નાખે. ફિલ્મમાં તો અહીંથી ગોટાળા થવાનું શરૂ થાય છે અને એ ગોટાળામાંથી અઢળક કૉમેડી પણ નીકળે છે પણ એ કૉમેડી સાથે એક સરસ મેસેજ પણ છે.

‘યસ મૅન’ આ જ ટાઇટલની બુક પરથી બની છે. આ બુક લંડનમાં રહેતા અને બીબીસી સાથે જોડાયેલા ડૅની વોલાસે લખી છે. ડૅનીની આ બુક કોઈ ફિક્શન નથી, પણ આ તેના પોતાના અનુભવો છે અને એ અનુભવો જ તેણે એમાં લખ્યા છે. ડૅનીને આ બુક લખવાનો વિચાર કેવી રીતે આવ્યો એ જાણવા જેવું છે. એક વખત ડૅનીની કાર ખરાબ હતી અને ડૅનીને એક અર્જન્ટ મીટિંગમાં પહોંચવાનું હતું. ડૅની બસમાં રવાના થયો અને બસમાં તેને એક માણસ મળ્યો. પેલાએ ટાઇમ પૂછ્યો અને ડૅનીએ ટાઇમ કહ્યો. બસ, એમાંથી બન્નેની વાતો શરૂ થઈ અને ડૅનીને એક વાત એવી જાણવા મળી જે સાંભળીને ડૅની હેબતાઈ ગયો. પેલાએ એવું નક્કી કર્યું હતું કે તે ક્યારેય ના નહીં બોલે, કોઈને ના નહીં કહે. બધામાં હા, યસ મૅન. તેની હૅપિનેસ એ સ્તરે હતી કે ડૅની પોતે મૂંઝાઈ ગયો. પેલાનું સ્ટૉપ આવી ગયું એટલે તેણે ઊતરવાની તૈયારી શરૂ કરી, પણ જતી વખતે તેણે ડૅનીને એક ટિપ આપી. ના ક્યારેય પાડવી નહીં. નૅચરલી આવી કોઈની સલાહ માનવામાં બીક તો લાગે. ડૅનીને પણ લાગી અને એટલે પેલાએ ડૅનીને કહ્યું કે ઍટ લીસ્ટ એક વર્ષ ના નહીં પાડતા. બધી વાતમાં ‘હા’ જ પાડવાની અને હા કહ્યા પછી કહેલું કરવાનું પણ ખરું.

ડૅની તેનું નામ પૂછે એ પહેલાં તો પેલો માણસ ઊતરી ગયો અને ડૅની આગળ નીકળી ગયો. ડૅનીના મગજમાં એ માણસ રહી ગયો. મીટિંગમાં ડૅનીથી ઍક્સિડન્ટલી જ પેલાની ઍડ્વાઇઝ ફૉલો થઈ ગઈ અને તેણે મીટિંગમાં બધી વાતમાં હા-એ-હા જ કરી અને એનું રિઝલ્ટ એ આવ્યું કે ડૅનીને બીજા દિવસે બહુ મોટી એક ડૉક્યુમેન્ટરીનો ઑર્ડર મળ્યો. ડૅનીએ એ જ મિનિટે નક્કી કરી નાખ્યું કે હવે હું ઍટ લીસ્ટ એક વર્ષ સુધી હા જ પાડીશ અને હા કહ્યા પછી જે વાતમાં હા પાડી હશે એ કરીશ પણ ખરો. તેણે ક્રેડિટ કાર્ડની ઑફર સ્વીકારવામાં પણ હા પાડી અને ઇજિપ્તમાં પિરામિડ બનાવવાની ઑફર આવી તો એમાં પણ હા પાડી દીધી! તેણે મૅરેજ માટે પાછળ પડેલી ગર્લફ્રેન્ડને હા પાડી અને પાર્ટટાઇમ જૉબ મળી તો એમાં પણ હા પાડી.

બુક ‘યસ મૅન’માં ડૅનીના એક વર્ષના અનુભવો છે અને હા કહેવાથી થયેલા અનુભવોની વાત એમાં લખવામાં આવી છે. એક વર્ષમાં પાડેલી તમામ હા પછી કાં તો ડૅનીને ફાયદો થયો હતો અને કાં તો પાડેલી એ ‘હા’ને લીધે ડૅનીને ઘણું શીખવા પણ મળ્યું હતું. ડૅનીએ લખેલા બધા એક્સ્પીરિયન્સ પરથી જે બુક તૈયાર થઈ એના પરથી જ આ ફિલ્મ બની છે. નૅચરલી ફિલ્મ માટે જરૂરી ચેન્જિસ થયાં છે. જો તમે વાંચવાનો શોખ ધરાવતા હો તો તમે આ બુક વાંચજો અને માનો કે તમને વાંચવાનો કંટાળો આવતો હોય તો તમારે માટે ફિલ્મનો ઑપ્શન છે, પણ એક વખત વિધાઉટ ફેલ ‘યસ મૅન’ વાંચજો અથવા જોજો.

આ ઍડ્વાઇઝનું કારણ એ છે કે મેં હમણાં એક દિવસ માટે આ વાતને ફૉલો કરી અને એ એક દિવસ પૂરતો ‘ના’ શબ્દને મારી ડિક્શનેરીમાંથી કાઢી નાખ્યો.

દરેક વાતમાં યસ, દરેક વાતમાં હા. કોઈ પણ વાતની ના નહીં પાડવાની. કાં તો હા અને કાં તો સીધો અમલ. એ દિવસે સિગ્નલ પર કોઈકે મારી પાસે પૈસા માગ્યા. મેં આપી દીધા. એક લેડીએ મારી પાસે સાડીની માગણી કરી તો મેં તેને સાડી લઈ આપી. એક નાનો છોકરો તેની મમ્મી પાસે કેરીની જીદ કરતો હતો તો મેંતેને સ્ટ્રૉબેરી લઈ આપી. બધી એટલે બધી વાતમાં યસ. ફ્રેન્ડ્સે કહ્યું કે આપણે લૉન્ગ ડ્રાઇવ પર જઈએ તો યસ. મોડી રાત સુધી ટેરેસ પર રહેવું છે તો યસ. ટ્રાફિકમાં ઇરિટેટ થઈને નરીમાન પૉઇન્ટ જવું છે તો યસ. રાતે જુહુ ચોપાટીના દરિયામાં પગ ભીના કરવા જવું છે તો યસ. બધી એટલે બધી વાતમાં યસ, કોઈ વાતમાં ના નહીં.

આ ‘હા’ કહેવાની જે વાત છે એ મેં મારી જાતને આપેલી એક પ્રકારની ટ્રીટ હતી પણ ફ્રેન્ડ્સ સાચું કહું તો આ ટ્રીટમાં, ‘યસ’માં એક મજા છે, જલસો છે એવું કહું તો ચાલે. આ ‘યસ’માં બહુ મોટી તાકાત છે અને એ મેં પહેલાં બુકમાં વાંચી, પછી ફિલ્મમાં જોઈ અને હવે પર્સનલી પણ અનુભવી લીધી. બહુ મોટી તાકાત છે હકારાત્મક રહેવામાં. હા કહેતી વખતે મને પોતાને ખૂબ પૉઝિટિવ ફીલ આવતી હતી અને જેટલી પણ વાર હું ‘હા’ કહેતો હતો એટલી વાર મારો કૉન્ફિડન્સ બૂસ્ટ થતો હતો. થતું હતું કે હા, હું તો આ કરી શકું છું, મારાથી આ થઈ જાય છે, મારાથી આ થઈ રહ્યું છે. માનો જાણે તમારું કોઈ નુકસાન થવાનું હોય તો પણ તમે એમાં કૉન્ફિડન્સથી હા કહી રહ્યા હો અને એની જ મજા છે. આ નુકસાન પણ તમને સેલિબ્રેશન જેવું લાગે. કારણ તમે હા પાડી છે, તમારી ઇચ્છાથી હા પાડી છે. ફ્રેન્ડ્સ, ડૅનીએ એક વર્ષ દરમ્યાન બધી વાતમાં હા પાડી અને એ પછી તેણે આ જ નિયમ બનાવી લીધો અને બનાવેલા આ નિયમને લીધે તે હંમેશાં ફાયદામાં જ રહ્યો.

હા કહેતા રહેવાની આ વાતનો અનુભવ એક વાર સૌકોઈએ લેવો જોઈએ. હું તો કહીશ કે આજે રવિવાર છે, મોટા ભાગે બધાને આજના દિવસે રજા હોય એટલે આજે જો હા પાડવાની રીત અપનાવવી હોય તો અપનાવી શકાય. એક વાર પ્રયાસ કરજો. ખરેખર ગજબનાક પૉઝિટિવિટી મળશે અને સાથોસાથ એ પણ સમજાશે કે ના કહીને ઊભા રહી જવાથી આપણે કેટલી બધી વાતોને દૂર કરી દેતા હોઈએ છીએ. મારા ‘યસ-ડે’ના દિવસે મને ભાવતું નહોતું એ શાક બન્યું તો પણ મારી હા જ હતી એ ખાવા માટે અને મેં પહેલી વખત એ શાક પણ ખાધું. મજા આવી, મજા આવી કરતાં કહેવું જોઈએ કે મને અફસોસ થયો કે આટલાં વર્ષો કેમ મેં એ શાકને અવૉઇડ કર્યું હતું. આ જે રિયલાઇઝ થયું એ પણ મારા ‘યસ-ડે’ને કારણે. તમે આજના દિવસે ઍટ લીસ્ટ ટ્રાય કરો. મને યાદ છે કે એક વાર જે. ડી. મજીઠિયાએ તમને બધાને એક દિવસ મૌન રહેવાનું કહ્યું હતું, ‘મિડ-ડે’ની જ કૉલમમાં એ ઍડ્વાઇઝ તેમણે આપી હતી, એ પણ પાળવા જેવી છે અને આ, બધી વાતમાં ‘હા’ કહેવાની આદત પણ પાળવા જેવી છે. હું તમને બન્નેનું કૉમ્બિનેશન કહું. બોલવાનું નહીં, મૌન રહેવાનું અને બોલો ત્યારે, બધી વાતમાં ‘હા.’

ટ્રાય કરો.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists Bhavya Gandhi