કદી વંશમાં વેરનું વાવેતર કરવાની ભૂલ ન કરવી

09 May, 2021 10:44 AM IST  |  Mumbai | Swami Sachidanand

સંસ્કૃતમાં એક સુક્તિ છે, ‘મરણાન્તાનિ હિ વૈરાણિ’ અર્થાત્ મૃત્યુ થતાં જ વેર સમાપ્ત કરી દેવું જોઈએ. શબની સાથે વેર ન હોય. બની શકે તો મરતાં પહેલાં પોતાના બધા શત્રુઓને ક્ષમા આપીને મરવું.

પ્રતીકાત્મક તસવીર

આપણે વાત કરીએ છીએ દાના દુશ્મનની. ગયા સોમવારે તમને કહ્યું એમ, ઇતિહાસ એક વખત ઊથલાવી જોજો. તમને અમુક શત્રુઓ વિશે વાંચીને, જાણીને ગર્વ થશે. બહુ દૂર ન જવું હોય તો રામાયણ સુધી જઈ આવો. રામાયણનો મુખ્ય સાર સૌકોઈને મોઢે છે.

રામ અને રાવણની ઘોર શત્રુતા છે અને રાવણના અસુરીપણાનાં એક પણ ઉદાહરણ આપવાની જરૂર નથી છતાં જુઓ તમે, સીતાજીને અશોક વાટિકામાં રાખનાર રાવણે કદી જબરદસ્તી તેમનો સ્પર્શ નથી કર્યો. ધાર્યું હોત તો તે ઘણું-ઘણું કરી શક્યો હોત, પણ તેણે દાના દુશ્મન તરીકેનું વ્યક્તિત્વ સાચવી રાખ્યું છે.

કેટલાક લોકો એવો લૂલો બચાવ કરે છે કે સીતાજીનો સ્પર્શ કરે તો બળીને ખાખ થઈ જવાનો તેને શાપ હતો અને એ શાપને લીધે રાવણે તેમનો સ્પર્શ નહોતો કર્યો.

જો આ વાત સાચી હોય તો સીતાહરણ વખતે તે કેમ ન બળી ગયો? એ વખતે તો સ્પર્શ કર્યો જ હતો.

બીજું, માનો કે તેને શાપ હતો, તો સામા પક્ષે તેને પણ વરદાન હતું જને? ત્રીજી વાત, શાપ તેને હતો, પણ બીજાને તો એ શાપ સાથે નિસબત નહોતીને?

જો માણસ નીચલી કક્ષાનો હોય તો પોતે જે નથી કરી શકતો તે બીજા કોઈના દ્વારા પણ કરાવી શકે છે. આપણે ત્યાં અત્યારે પણ આવું થાય જ છે. દેખાવે બહુ સારા થઈને રહે પણ પાછળથી કોઈની પાસે કાંડી કરાવવાનું કામ થતું જ રહે છે.

જો ધાર્યું હોત તો રાવણ પણ એ કરી જ શકતો હતો, પણ ના, છેક મૃત્યુ પર્યંત રાવણે સીતાજીની પૂરેપૂરી મર્યાદા સાચવી છે અને એટલે કોઈને ન ગમે તો પણ કહેવું પડે કે રાવણ દાનો દુશ્મન હતો.

કથાકારોએ માત્ર તેના રાક્ષસીપક્ષની જ કથા કરવાનું કામ કર્યું એટલે મોટા ભાગના લોકો સુધી રાવણની આ દાની દુશ્મનની વાત પહોંચી નહીં, પણ હવે આ શરૂ થયું છે અને રાવણના ઉદાત્ત પક્ષને પણ ન્યાય આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. સારી વાત છે.

સંસ્કૃતમાં એક સુક્તિ છે, ‘મરણાન્તાનિ હિ વૈરાણિ’ અર્થાત્ મૃત્યુ થતાં જ વેર સમાપ્ત કરી દેવું જોઈએ.

શબની સાથે વેર ન હોય. સ્મશાનયાત્રા તો શત્રુની હોય તો પણ એમાં જવાનું. બની શકે તો મરતાં પહેલાં (જો ભાન રહે તો) પોતાના બધા શત્રુઓને ક્ષમા આપીને મરવું.

વંશપરંપરામાં વેરનું વાવેતર ન કરવું. શત્રુઓને બોલાવીને ક્ષમા માગવી. જો પોતે ચાલી શકે એવો હોય તો સામા પગલે ચાલીને ક્ષમા માગવી. ઈગો છોડવો, શાન્તિ થશે અને શાન્તિ સ્થપાશે.

columnists