મહાપુરુષોની ઉદારતાને ક્યારેય વ્યક્તિગત અધિકાર ન માનવો

18 August, 2021 12:19 PM IST  |  Mumbai | Morari Bapu

મહાપુરુષોની ઉદારતાને આપણે આપણો અધિકાર સમજીએ છીએ અને એવું બને છે ત્યારે આપણે સ્વચ્છંદી બની જઈએ છીએ.

મિડ-ડે લોગો

જ્યાં કૃપા હોય છે એ જગ્યા તીર્થ છે, પ્રયાગ છે. કૃપાનો અધ્યાય અકબંધ રહેવો જોઈએ. જે સમયે કૃપાનો અધ્યાય અટકે છે એ ક્ષણે ઈશ્વરના ભાવમાં પણ અછત શરૂ થઈ જાય છે. કૃપાના પણ પ્રકાર છે. ત્રણ પ્રકારની કૃપા હોય છે. આ ત્રણમાં પહેલા નંબરે છે વિવેકપૂર્ણ કૃપા.
ઘણા મહાપુરુષો આપણા પર કૃપા કરે, પણ વિવેકનું ધ્યાન ન રાખે કે આને અધિક ન થઈ જવું જોઈએ. આની તબિયત મારી કૃપાને, મારી ઉદારતાને અધિકાર ન માને એનું ધ્યાન રાખે. નહીંતર ઘણી વખત મહાપુરુષોની ઉદારતાને આપણે આપણો અધિકાર સમજીએ છીએ અને એવું બને છે ત્યારે આપણે સ્વચ્છંદી બની જઈએ છીએ. મર્યાદાભંગ આપણો અધિકાર નથી. એક વાત સમજી લઈએ કે આપણો અધિકાર એની કરુણા સિવાય કશાનો નથી સાહેબ! એની કરુણા છે. મહાપુરુષો વિવેકમય કૃપા કરે છે. ઘણી વખત આપણને ઘણાને થતું હોય છે કે ફલાણા પર તો આટલી બધી કૃપા? પણ એનો વિવેક એક ત્રાજવું છે. 
કોને કેટલી દવા આપવી એનો પણ નિયમ છે. દવાખાને આપણે જઈએ ત્યારે ડૉક્ટર કોઈને પ્રવાહી દવા આપે તો કોઈને ગોળી આપે, કોઈને ચૂર્ણ આપે, કોઈને ઇન્જેક્શન આપે. તો શું એમ કહેવાય ખરું કે આ ડૉક્ટરમાં સમાનતા નથી? તારી બીમારી પ્રમાણે, તારા નિદાન મુજબ તને ચૂર્ણની જરૂર છે તો ચૂર્ણ આપે... તો બાપ! વિવેકી કૃપા. વ્યાસપીઠ પરથી મને હંમેશાં લાગ્યું છે કે કૃપાનો એક પ્રકાર છે જે છે વિવેકી કૃપા.
કૃપાનો બીજો પ્રકાર છે કોમળ કૃપા.
બીજી કૃપા છે કોમળ કૃપા. એ અતિ કોમળ, અત્યંત કોમળ હોય. કૃપા આપણા પર કરે અને એ રડે એને કોમળ કૃપા કહેવાય. આંસુ તો આપણી આંખમાં હોવાં જોઈએ કે હરિ તુમ બહુત અનુગ્રહ કિન્હો. જોકે આ કૃપા એટલી બધી કોમળ છે કે કૃપા કરે એ અને એનાથી જ રહી ન શકાય. કૃપાળુસૂદન એકલો એકલો રડતો હોય. આ છે કોમળ કૃપા.
વિવેકપૂર્ણ કૃપા અને કોમળ કૃપા પછી આવે છે ત્રીજા નંબરે કઠોર કૃપા.
સામેની વ્યક્તિના કલ્યાણ માટે કઠોર કૃપા કરવી પડે. સંસારીને સમજાય નહીં, આપણી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હોય, આપણા મગજનાં ઠેકાણાં ન હોય એટલે આપણને એ કૃપાનો અનુભવ ન થાય, 
પણ કઠોર કૃપા એ કૃપાનો ત્રીજો પ્રકાર છે અને એટલે જ કહેવાનું મન થાય છે, પાદુકા ર્મથી ન મળે એ તો કૃપાથી જ મળે.

columnists morari bapu