નમક વિનાની દાળ જેવી નૃત્ય વગરની નવરાત્રિ

18 October, 2020 07:42 PM IST  |  Mumbai | Kana Bantwa

નમક વિનાની દાળ જેવી નૃત્ય વગરની નવરાત્રિ

પ્રતીકાત્મક તસવીર

એક રાજાના દરબારમાં એક યુવાન યુગલ નૃત્ય પેશ કરવા માટે આવ્યું. વાજિંત્રોના તાલે એ યુગલ એકબીજામાં ગુલતાન થઈને નાચ્યું. મન મૂકીને નાચ્યું. જાણે શિવ અને પાર્વતી નૃત્ય કરતાં હોય એમ એકબીજામાં રમમાણ થઈને એ નટ-નટી નાચ્યાં. સમય અને સ્થળનું ભાન જાણે વીસરાઈ ગયું હોય એમ નૃત્યમાં ઓગળી ગયાં. ગીત પૂરું થયું, વાજિંત્રો બંધ થયાં, નૃત્ય અટક્યું. આખો દરબાર વાહ વાહ પોકારી ઊઠ્યો, આ અદ્ભુત નૃત્ય પર. રાજા ખુશ થઈ ગયા અને નૃત્યકાર યુગલને કહ્યું, માગો જે માગવું હોય તે, જે માગો તે આપીશ. યુવાન-યુવતીએ એકબીજાની સામે જોયું, શું માગવું એની મૂંઝવણ તેમની આંખોમાં દેખાઈ. કઈ અમૂલ્ય વસ્તુ માગવી એની મૂક સંતલસ જાણે ચાલી. અંતે એ બન્નેએ માગ્યું, ‘અમને હજી થોડી વાર નાચવા દો.’ એ યુગલ માટે નૃત્ય જ સૌથી મૂલ્યવાન ચીજ હતી. એવું નથી કે આવાં યુગલ, આવા યુવાનો અત્યારે નથી. અત્યારે પણ ગણ્યાં ગણાય નહીં એટલાં છે અને એ બધાં આ વખતે નાચી શકે એમ નથી. નવરાત્રિમાં ગરબે ઘૂમી શકે એમ નથી.

  નૃત્ય વગરની નવરાત્રિ નમક વગરની દાળ જેવી ફિક્કી અને સ્વાદવિહીન લાગે છે. જે લોકો એવું કહે છે કે આ વર્ષે સાચી નવરાત્રિ ઊજવશે એ ઉત્સવદ્રોહી જડ ભેજાંઓ છે. જેમને આ ૯ દિવસ માતાજીની આરાધના કરવી છે તેઓ તો ગરબાની છૂટ હોય તો પણ કરે જ છે. તેઓ ઉપવાસ રાખે છે, મૌન રાખે છે, માતાજીની સ્તુતિ કરે છે, ૯ દિવસ તેઓ માતૃશક્તિમાં રમમાણ થઈ જાય છે. તેમને માટે ગરબા રમવાની છૂટ હોય કે ન હોય, એનો તેમને કોઈ ફરક પડતો નથી. જેમને માટે નવરાત્રિ એટલે નવ રાત રાસ રમવો, ગરબે ઘૂમવું, નૃત્યનો આનંદ માણવો એ જ છે. એ લોકો ગરબે રમવાનું ન મળ્યું એટલે ૯ દિવસ ઉપવાસ કરી નાખશે કે માતાજીની આરાધના કરવા માંડશે એવું નથી. બન્ને વર્ગ તદ્દન અલગ છે અને બન્નેના ઉદ્દેશ પણ અલગ છે. બન્ને પોતપોતાની રીતે સાચા છે, પણ કેટલાકને હંમેશાં નવરાત્રિમાં દાંડિયારાસ લેતા, હજારો વૉટની સાઉન્ડ-સિસ્ટમ પર થીરકતા, મન મૂકીને નાચતા યુવાનોને ઉતારી પાડવાની ખરાબ આદત પડી ગઈ હોય છે. તેઓ નવરાત્રિ આવે એટલે તૂટી પડે છે. નવરાત્રિમાં મદમસ્ત થઈને ઝૂમતું યૌવન તેમને ઈર્ષાથી બાળી નાખે છે. આવા બળતણિયાઓ બળાપો કાઢતા રહે છે કે સંસ્કૃતિનું પતન થઈ રહ્યું છે, યુવાનો છાકટા બની રહ્યા છે, ડિસ્કો દાંડિયાએ દાટ વાળ્યો છે, યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આવા બખાળા કાઢનારા પોતે સંસ્કૃતિનું કેટલુંક રક્ષણ કરે છે એ પાછો પ્રશ્નાર્થ હોય છે.

  નૃત્ય ભીતરથી આવતી બાબત છે. આનંદની પળોમાં સ્વાભાવિકપણે જ પગ થીરકી જાય છે. નૃત્યને નથી દેશના સીમાડા નડતા કે નથી સંસ્કૃતિના. એવી કોઈ સંસ્કૃતિ નહીં હોય જેમાં નૃત્ય નહીં હોય, પણ કેટલાક અડધૂકિયાઓને નૃત્યવિહીન સંસ્કૃતિ પેદા કરવી છે અને એ પણ સંસ્કૃતિના નામે. નૃત્ય કરવામાં નથી આવતું, એ થઈ જતું હોય છે. નૃત્યને શાસ્ત્રીય રીતે, સિન્ક્રોનાઇઝ્‍ડ રીતે કરવા માટે સ્ટેપ્સ શીખવાં પડે છે. સાલસા હોય કે કથ્થક, બેલે હોય કે ભરતનાટયમ્ આ નૃત્યો માણસે બનાવેલા સિન્થેટિક છે, એ નૈસર્ગિક નૃત્યો નથી. આદિવાસીઓ દ્વારા કરાતાં નૃત્યો થોડાં નૈસર્ગિક, પ્રાકૃતિક ખરાં પણ પૂરેપૂરાં નહીં. પૂરું નૈસર્ગિક નૃત્ય તો એ છે જે અનાયાસ આવી જાય. માણસ મોજમાં હોય અને પગ જરા થનગની જાય, અનાયાસ અંગભંગિમા થઈ જાય, હાથની મુદ્રા અને લય પકડાઈ જાય ત્યારે જે નૃત્ય નીપજે એ સાવ પ્રાકૃતિક નૃત્ય છે. નૃત્ય જીવનની ઊર્જામાંથી નીપજે છે. એ ઉલ્લાસની અભિવ્યક્તિ છે. એ યૌવનની અનુભૂતિ છે. નૃત્ય બ્રહ્માંડના શાશ્વત ચૈતન્ય સાથે જોડનાર કડી છે. સમગ્ર બ્રહ્માંડ પણ એક લયમાં જાણે મહારાસ રમતું હોય એમ ઘૂમે છે. પૃથ્વી અને અન્ય ગ્રહો સૂર્યની આસપાસ ગરબે ઘૂમે છે, સૂર્ય વળી એના જેવા અને એનાથી પણ વિશાળ હજારો તારાઓ સાથે આકાશગંગાની આસપાસ ગરબી રમે છે. આકાશગંગા વળી બ્રહ્માંડનું કેન્દ્ર મનાતી કોઈ કાલ્પનિક ધરીની આસપાસ ફરે છે અને કોને ખબર, આખુંયે બ્રહ્માંડ પણ કદાચ કોઈની આસપાસ ફેરફુદરડી લેતું હોય અથવા આવા સેંકડો બ્રહ્માંડ રૂમડાં લેતાં હોય? આપણે જે ગરબો પ્રજ્વલિત કરીએ છીએ એ પણ બ્રહ્માંડની જ પ્રતિકૃતિ છે. એનાં છિદ્રોમાંથી નીકળતો પ્રકાશ અને દીવાલ પર પડતાં એનાં ચાંદરડાંઓ જાણે તારામઢ્યા આકાશનો ચંદરવો હોય એવું જ દૃશ્ય ખડું કરે છે. બ્રહ્માંડના ફરવાના લય સાથે રાસ માણસને એકાકાર કરે છે. એટલે જ નૃત્ય કરતો માણસ અનાયાસ જ, સ્વાભાવિક રીતે જ ફરવા માંડે છે, ઘૂમવા માંડે છે. બ્રહ્માંડના લય અને ગતિને લીધે, એની સાથે અનુસંધાન સધાઈ જવાને લીધે માણસ નૃત્યમાં ઘૂમે છે. નૃત્યની કોઈ ભાષા નથી હોતી, નૃત્ય પોતે જ એક ભાષા છે.

આ વખતની નવરાત્રિ મજબૂરીની નવરાત્રિ છે, ડરની નવરાત્રિ છે, દહેશતની નવરાત્રિ છે, કોરોનાએ ઉલ્લાસ ખૂંચવી લીધો છે. આનંદ છીનવી લીધો છે. ગરબે રમી ન શકાય એનો વસવસો આ વખતે નથી, કોરોનાથી બચવા માટેના ઉપાય તરીકે ગરબાનો ભોગ ચડાવાયો છે. માણસના જીવનમાંથી ઉત્સવની બાદબાકી કરી નાખો, માણસ પશુ બની જશે. માણસ જેમ-જેમ સુસંસ્કૃત થતો ગયો તે ઉત્સવો વિકસાવતો ગયો, ઉજવણીઓ શોધતો ગયો. પોતાની ખુશી પ્રદર્શિત કરવા માટે જ નહીં, ખુશ રહેવા માટે ઉત્સવોનાં આયોજન કરતો થયો. ઉત્સવ માણસને રૂટીનમાંથી છોડાવે છે, આનંદથી તરબતર કરે છે, ઊર્જાથી છલોછલ કરે છે. એટલે જ શાસકો પ્રજાને ઉત્સવો આપતા રહ્યા છે. ઉત્સવો પ્રજાને આનંદિત, પ્રફુલ્લિત, સંતુષ્ટ રાખે છે. લોકોને જીવન સુંદર લાગે છે ઉત્સવથી. કોરોના એક પછી એક ઉત્સવને ગ્રસી રહ્યો છે. ગણેશોત્સવ, જન્માષ્ટમી, નવરાત્રિ અને હવે દિવાળી પણ ખાઈ જશે. ફટાકડા કદાચ ફોડી શકાશે, પણ દિવાળીમાં ટોળે વળીને દારૂખાનું ફોડવા કે સ્વજનોના ઘરે મળવા જવા કે સ્નેહમિલનમાં મહાલવાનું સંભવ નહીં બને. દિવાળી પણ તેજહીન, અંધારી અને નિરસ જશે. કોરોનાની આર્થિક અસરોને તો જોઈ શકાય છે, માપી શકાય છે, સમજી શકાય છે; પણ તહેવારો છીનવાયા, આનંદ છીનવાયો, ઉલ્લાસ છીનવાયો, નાવીન્ય છીનવાયું એની માનસિક અસરોને માપી નહીં શકાય. એનું નુકસાન બહુ મોટું હશે, પણ એની ગણતરી નહીં કરી શકાય. તહેવારોનું માત્ર ધાર્મિક કે સાંસ્કૃતિક કે સામાજિક કે રાજકીય મહત્ત્વ જ નથી હોતું, મનોવૈજ્ઞાનિક મહત્ત્વ પણ હોય છે. તહેવારો સૂના થઈ રહ્યા છે, એની માનસિક અસર આખા સમાજ પર પડી રહી છે. જેને નાચવું હોય તેને નાચવાની છૂટ હોવી જોઈએ, જેમ જેને ભક્તિ કરવી હોય તેને એની છૂટ હોય છે એ જ રીતે અને નૃત્ય કરનાર, ૯ દિવસ દાંડિયારાસ રમનાર માતાજીના ઉપાસક ન જ હોય એવું હોય છે? દાંડિયારાસ પહેલાં થતી આરતીમાં એ જ યુવાનો કેટલા ભાવપૂર્ણ થઈને જય આદ્યાશક્તિ ગાતા હોય એ જોજો. જે કેટલાકને દાંડિયામાં પણ જલસા કરવા છે, વિકૃતિ સંતોષવી છે તેઓ તો દાંડિયા નહીં હોય ત્યારે પણ એ જ કરશે. બધાને એક જ લાકડીએ હાંકવા યોગ્ય નથી. અને કોઈએ ન્યાયાધીશ બની બેસવાની પણ જરૂર નથી.

આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

columnists kana bantwa navratri